Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શિવશંભુ, મહાવીર ઔર પીર સબસે હૈ હમારી પ્રીત

શિવશંભુ, મહાવીર ઔર પીર સબસે હૈ હમારી પ્રીત

04 September, 2020 04:08 PM IST | Mumbai
Varsha Chitalia

શિવશંભુ, મહાવીર ઔર પીર સબસે હૈ હમારી પ્રીત

 શિવશંભુ, મહાવીર ઔર પીર સબસે હૈ હમારી પ્રીત


મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે વિશ્વમાં જેટલા ધર્મ છે એ બધા જ સત્ય છે અને દરેક ધર્મની પોતાની વિશેષતાઓ તેમ જ ક્ષતિઓ છે, પરંતુ દરેક ધર્મના અનુયાયીઓ અને એના ફૉલોઅર્સ એવું માનતા હોય છે કે તેમનો ધર્મ શ્રેષ્ઠ છે. જોકે આવી તમામ માન્યતાઓને ફગાવી નવો ચીલો ચાતરનારા એવા વિરલાઓ છે જેમના માટે ધર્મની જુદી જ વ્યાખ્યા છે. બોરીવલીમાં રહેતા દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજના હર્ષ મહેતાનો પરિવાર જૈન, વૈષ્ણવ અને મુસ્લિમ એમ ત્રણેય ધર્મમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે એટલું જ નહીં, આ વર્ષે તેમણે રમજાનમાં રોજા, શ્રાવણ માસનાં એકટાણાં અને પર્યુષણમાં અઠ્ઠાઈ કરી છે.
વિવિધતામાં એકતા
મૂળ ઉમરાળાના સ્થાનકવાસી જૈન સમાજના મહેતાપરિવારને અન્ય ધર્મના ઉપવાસ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? અમે કોઈ એક ધર્મને ફૉલો કરતા નથી એવો જવાબ આપતાં કુટુંબના મોભી હર્ષ મહેતા કહે છે, ‘આખા વિશ્વમાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને અમે એને જ અનુસરીએ છીએ. જોકે જુદા-જુદા ધર્મમાં આસ્થા જાગવાનાં કેટલાંક કારણો છે. મારા દાદા જૈન હતા. તેમનું બાળપણ બીલીમોરામાં મોસાળમાં વીત્યું હતું. ત્યાં બધા વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેમનાં લગ્ન પણ વૈષ્ણવ છોકરી સાથે થયાં હતાં. દાદા-દાદીને બીલીમોરાસ્થિત સોમનાથ મહાદેવજી પર અપાર શ્રદ્ધા હતી એટલે નાનપણથી જ શિવમંદિરોનું આકર્ષણ રહ્યું છે. શ્રાવણ માસમાં અમારા ઘરનું વાતાવરણ શિવમય બની જાય. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાની ટેવ આ રીતે પડી. શ્રાવણ માસમાં એક વાર જમી લેતા હોઈએ એટલે બહુ વાંધો ન આવે. જ્યારે રોજા અને અઠ્ઠાઈ કરવી અઘરી છે. અઠ્ઠાઈના શરૂઆતના ત્રણ દિવસ ખૂબ નબળાઈ લાગતી હતી. ભૂખ્યા પેટે ઍસિડિડિટી અને માથાનો દુખાવો થતા હતા. તોય ઑફિસ જવાનું ચાલુ રાખ્યું હતું. ચોથા દિવસથી શરીર ટેવાઈ ગયું. વડીલોના મોઢે જુદી-જુદી ધાર્મિક કથાઓ અને માન્યતાઓ સાંભળી હોવાથી દરેક ધર્મ વિશે થોડીઘણી સમજણ હોય, પણ ઉપવાસ દરમિયાન કરવામાં આવતી વિધિઓના માધ્યમથી તમે એના મૂળ સુધી પહોંચી શકો છો. આઠ દિવસના ઉપવાસ દરમિયાન પ્રતિક્રમણ કરવાથી અને ધાર્મિક વ્યાખ્યાનો સાંભળતાં જૈન ધર્મનો અભ્યાસ થઈ ગયો.’
જૈનોના પવિત્ર સ્થળ પાલિતાણામાં પીરબાબાની દરગાહ આવેલી છે. આ વાણિયાઓના પીર તરીકે ઓળખાય છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘હૈદરશા પીરબાબાની ઉર્સના દિવસની પહેલી ચાદર અમારા ઘર તરફથી ચડાવવામાં આવે છે. સામાન્ય રીતે મુસ્લિમ મહિલાઓ દરગાહમાં જતી નથી, પણ વાણિયા કુટુંબની મહિલાઓ દરગાહ પર માથું ટેકવા જતી હોય છે. આમ ત્રણેય ધર્મ પ્રત્યે એકસરખી શ્રદ્ધા ગળથૂથીમાં મળી છે.’
વસુધૈવ કુટુંબકમ્
હર્ષભાઈનાં પત્ની મનીષાબહેન સ્થાનકવાસી જૈન સમાજનાં છે. તેઓ શ્રાવણ મહિનામાં એકટાણાં કરે છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘દસા એટલે દસનો આંકડો. દસા શ્રીમાળીઓ દસ ધર્મ પાળે એવી કહેવત છે. દસા શ્રીમાળીઓ સ્થાનકવાસી, દેરાવાસી, વૈષ્ણવ, સ્વામિનારાયણ એમ એક કરતાં વધુ ધર્મ પાળતા હોય છે. મારાં સંતાનો ધ્વનિ અને માનસ નાનપણમાં ઘણી વાર પૂછતાં કે મમ્મી આપણો સાચો ધર્મ કયો છે? કોને ફૉલો કરવાનું છે? ‘વસુધૈવ કુટુંબકમ્’નો અર્થ સમજાવવા અમે તેમને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલતાં. આ આખું વર્લ્ડ આપણું ફૅમિલી છે એવી સમજણ તેમને આપી છે. મજાની વાત એ કે મારા મોટા સસરાના બધા ભાઈઓના ઘરમાં પરણીને આવેલી વહુઓ સ્થાનકવાસી જૈન સમાજની છે પણ અમારાં સંતાનો યુનિટી ઇન ડાયવર્સિટીમાં માને છે. આ વાતનો અમને સૌને ગર્વ છે.’
સાયન્ટિફિક કારણો
અમે કોઈ એક ધર્મને સ્ટ્રિકક્ટ્લી ફૉલો નથી કરતા તેથી હવેલી, ઉપાશ્રય કે દેરાસર જવાની પ્રથા નથી બનાવી. લાઇફમાં જે તમારી પ્રાયોરિટી હોય એ જ કરવું એમ જણાવતાં ધ્વનિ મહેતા કહે છે, ‘જૈનિઝમમાં અઠ્ઠાઈનું ખૂબ મહત્ત્વ છે એવું ઘણી વાર સાંભળ્યું હતું. મને થતું આ અઠ્ઠાઈ શું હશે? મારું માનવું છે કે કોઈ પણ ધાર્મિક પરંપરા પાછળ સાયન્ટિફિક કારણો હોવાં જોઈએ. અઠ્ઠાઈ કરવાથી શું ફાયદા થાય એ વિશે રિસર્ચ કરતાં ખબર પડી કે મૉન્સૂનમાં જૈન ધર્મમાં જણાવ્યા પ્રમાણે ઉપવાસ કરવાથી જર્મ્સ અને વાઇરલ ઇન્ફેક્શનનું જોખમ ટળે છે. આપણું શરીર અંદરથી સ્વચ્છ થતાં ઇમ્યુનિટી વધે છે. આમ તો ત્રણ વર્ષથી અઠ્ઠાઈ કરવાની ઇચ્છા હતી, પરંતુ કૉલેજમાં જવા માટે ટ્રાવેલિંગ અને સ્ટડી પ્રેશરના કારણે હિંમત નહોતી થતી. આ વર્ષે તક મળતાં પપ્પાને કહ્યું કે અઠ્ઠાઈ કરવી છે. મને સાથ આપવા તેમણે પણ આઠ દિવસના ઉપવાસ કર્યા હતા.’
મહેતાપરિવાર દર વર્ષે શ્રાવણ માસમાં એકટાણાં અને રમજાનમાં ગુરુવારે રોજા રાખે છે. આ વખતે હર્ષભાઈ અને બન્ને સંતાનોએ રોજા રાખ્યા હતા. પિતા-પુત્રીએ પહેલી વાર અઠ્ઠાઈ કરી હતી અને મનીષાબહેને શ્રાવણ મહિનાનાં એકટાણાં. હર્ષભાઈનો દવાનો બિઝનેસ છે જ્યારે તેમનાં પત્ની આદર્શ ગૃહિણીની જેમ ઘર અને સંતાનોને સાચવે છે. ‘તૂ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ તૂ ઇન્સાન બનેગા’ આ ગીતના શબ્દોને મહેતાપરિવારે પોતાના જીવનમાં અક્ષરશ: ઉતાર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 04:08 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK