Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૅન્ડ-બાજા-બારાત વગર અમે તો પરણી ગયાં

બૅન્ડ-બાજા-બારાત વગર અમે તો પરણી ગયાં

30 May, 2020 09:42 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બૅન્ડ-બાજા-બારાત વગર અમે તો પરણી ગયાં

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ત્રણ ફીટનો દુલ્હો અને ચાર ફીટની દુલ્હન પરણી ગયાં. સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પ્રભુતામાં પગલાં માંડનારાં ૨૯ વર્ષના જામરુ અને ૧૯ વર્ષની નયનાની જોડી તેમની હાઇટના કારણે ખાસ્સી ચર્ચામાં રહી હતી. આ જ સમયગાળામાં ગુજરાતના સુરતમાં એક કપલે બિલ્ડિંગની અગાસી પર ફેરા ફરી લગ્નજીવનની શરૂઆત કરી હતી.

ઉત્તર પ્રદેશમાં પણ લૉકડાઉન દરમિયાન અનોખાં લગ્ન થયાં હતાં. ફુટપાથ પર ફૂડ પૅકેટ્સ વહેંચતી વખતે અનિલ નામના યુવાનનો ભીખ માગીને ગુજરાન ચલાવતી નીલમ સાથે મેળાપ થયો. ૪૫ દિવસમાં બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા અને પરણી ગયાં. આ લગ્નનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આવી જ રીતે મધ્ય પ્રદેશના યુગલે ગામના હનુમાન મંદિરમાં એકબીજાને લાકડીની સહાયથી હાર પહેરાવી લગ્ન કર્યાં હોવાનો વિડિયો પણ ખાસ્સો ચર્ચિત થયો છે. આ બાજુ લૉકડાઉનના કારણે વારંવાર લગ્નની તારીખ પાછળ ઠેલાતી હોવાથી કાનપુરની ગોલ્ડી નામની દુલ્હનની ધીરજ ખૂટી જતાં તે ૮૦ કિલોમીટર ચાલીને વરરાજા વીરેન્દ્ર પાસે પહોંચી ગઈ. અચાનક આવેલી દુલ્હનને જોઈ તેનાં સાસરિયાંઓએ ઘણી સમજાવી કે પાછી ફરી જા. લગ્ન થશે અને વરરાજા જાન લઈને આવશે, પરંતુ તે ન માની. આખરે બન્નેને પરણાવી દેવામાં આવ્યાં.



લૉકડાઉનમાં આવાં તો કેટલાંય અનોખાં લગ્નો થયાં છે. મુંબઈનાં કપલ્સ થોડાં સૉફિસ્ટિકેટેડ છે. તેમણે બહુ ગતકડાં તો નથી કર્યાં, પરંતુ આ વર્ષે કદાચ સોશ્યલ ગેધરિંગની મંજૂરી મળશે નહીં અને આવતા વર્ષે મુરત ઓછાં હોવાથી પેરન્ટ્સની ઇચ્છાને માન આપી સાદાઈથી લગ્ન કરી લેવાનું પસંદ કર્યું છે. જોકે એ માટે તેમને ખાસ્સી જહેમત ઉઠાવવી પડી છે. બૅન્ડ બાજા બારાત વગર જીવનની નવી શરૂઆત કરનારાં આ યુગલો પાસેથી જાણીએ તેમનાં લગ્નની મેમરેબલ મોમેન્ટ્સ વિશેની રસપ્રદ વાતો.


અમારાં મૅરેજની સ્ટોરી ચેન્જ થઈ ગઈ: હેત શાહ અને નિહાલ શાહ

ભવ્ય લગ્ન સમારંભ માટેની તૈયારી ચાલતી હતી. ચાર દિવસના ફંક્શન માટે જુદા-જુદા ડિઝાઇનર ડ્રેસના ઑર્ડર અપાઈ ગયા હતા. રાજકુમાર ઘોડા પર બેસીને પરણવા આવશે એવાં સપનાં જોતી અંધેરીની હેત શાહ અચાનક આવેલા લૉકડાઉનને શરૂઆતમાં સ્વીકારી ન શકી. આવી જ ફીલિંગ સાથે હેત કહે છે, ‘હું ઓન્લી ચાઇલ્ડ હોવાથી અને નિહાલના ઘરમાં ૨૭ વર્ષે લગ્નનો પ્રસંગ હોવાથી બન્નેની ફૅમિલીએ ટ્રેડિશનલ ઇન્ડિયન બિગ ફૅટ વેડિંગનું આયોજન કર્યું હતું. આઠમી મેના દિવસે થનારાં લગ્ન માટે કેટકેટલા પ્લાન બનાવ્યા હતા. સંગીત સંધ્યાથી માંડીને ઇન્ટરનૅશનલ હનીમૂન સુધીના તમામ પ્લાન કૅન્સલ કરવા પડ્યા. લગ્નનું મુરત સાચવી લેવા માટે પેરન્ટ્સે ઘરમેળે લગ્ન આટોપી લેવાનો વિચાર કર્યો ત્યારે અમે હોલ્ડ પર રાખવા કહ્યું હતું. અમે બન્ને એક વર્ષ રાહ જોવા તૈયાર હતાં, પરંતુ વડીલોનું માનવું હતું કે આજના જમાનામાં લાંબો સમય સુધી લગ્ન ઠેલવાં ન જોઈએ. સંતાનોનાં મન બદલાઈ જાય એ પહેલાં પરણાવી દો. બધાએ ખૂબ સમજાવ્યા પછી મન માન્યું. મારું પાનેતર કલકત્તામાં રેડી થઈ ગયું હોવા છતાં એન્ગેજમેન્ટનો ડ્રેસ પહેરીને લગ્ન કરવા પડ્યાં. જોકે અગાઉથી બુક કરી રાખવામાં આવેલી મેકઅપ આર્ટિસ્ટે પોતાના ઇનોવેટિવ આઇડિયાથી આખો ગેટઅપ ચેન્જ કરી મને ખુશ કરી હતી.’


હેતને પરિસ્થિતિ સાથે ઍડ્જસ્ટ થતાં વાર લાગી છે, પણ કાંદિવલીના વરરાજા નિહાલને કોઈ ફરિયાદ નથી. તે કહે છે, ‘આ જ તો લાઇફની મજા છે. તમે ઇચ્છો એ મુજબ બધું થાય તો એક્સાઇટમેન્ટ ન રહે. મોટા હૉલમાં હજાર મહેમાનોની હાજરીમાં થનારાં લગ્ન ફૅમિલીના ૨૦ મેમ્બરની સામે ઑફિસના કૉન્ફરન્સ રૂમમાં થાય એ નસીબની વાત છે, પણ એના કારણે પતિ-પત્નીના પ્રેમમાં ઓટ નથી આવતી. પરિસ્થિતિ થાળે પડે પછી હેતને લઈને ફરવા જઈશ. બધા પોતાનાં સંતાનોને જૂનાં આલબમ બતાવે છે, અમે અમારાં સંતાનોને ફોટોની સાથે મજાની વાર્તા સંભળાવીશું.’

માત્ર ૧૪ જાનૈયાઓની હાજરીમાં થયું ગઠબંધન: અતીત સંઘવી અને ભૂમિ શાહ

ભાઈંદરના આ કપલનાં લગ્નનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવેલા તેમના ગામમાં ૧૭ એપ્રિલના ધામધૂમથી વરઘોડો નીકળવાનો હતો. હનીમૂન માટે સિક્કિમ અને ગૅન્ગટોકનો પ્લાન બની ગયો હતો. લૉકડાઉનના કારણે આખો કાર્યક્રમ રદ કરવો પડ્યો. હવે પછી કઈ તારીખ લેવી એ બાબત મૂંઝવણ હતી. પ્રસંગ અહીં જ આટોપી લેવો પડે એમ હતો એમ જણાવતાં અતીત કહે છે, ‘જૂન મહિના પછી આવતા એક વર્ષ સુધી કોઈ સારું મુરત આવતું નથી. જૂનની તારીખ લઈ શકાય એમ નહોતી, કારણ કે ત્યારે મારી બહેનની ડિલિવરીની ડેટ છે. ભાઈંદરમાં સાદાઈથી લગ્ન થઈ શકે એ માટે નાકોડા માનવ ફાઉન્ડેશનના મહેન્દ્રભાઈ જોધાવતે અમને સહાય કરી. તેમના પ્રયાસોથી ૧૪ મેના ભાઈંદરમાં આવેલા હૉલમાં બન્ને પક્ષના મળીને ટોટલ ૧૪ જણની હાજરીમાં લગ્ન કરવા માટે પોલીસની પરવાનગી મળી ગઈ. હૉલમાં પ્રવેશતાં પહેલાં બધાનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું, માસ્ક પહેર્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવ્યું હતું.’

સંજોગો સામે આપણે બધાએ કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. જોકે સાસરીમાં મને નવું નથી લાગતું એમ જણાવતાં ભૂમિ કહે છે, ‘અમારી ફેમિલી વર્ષોથી એકબીજાને ઓળખે છે. સગાઈ પછી અવરજવર કરતી હતી એટલે ઘરમાં બધાં સાથે સારો પરિચય થઈ ગયો હતો. સાદાઈથી થયેલાં આ લગ્નમાં હું એવી જ રીતે તૈયાર થઈ હતી જે રીતે નક્કી કર્યું હતું. નાની બહેન અને બિલ્ડિંગમાં રહેતી મહિલાઓએ તૈયાર કરવામાં કોઈ કસર નહોતી છોડી. મહેમાનોની સન્મુખ હાજરી નહોતી એવું જરાય ફીલ નથી થયું. ઝૂમ ઍપની સહાયથી ૫૦ અને યુ-ટ્યુબ પરથી ૧૧૦૦ લોકોએ લગ્નવિધિ માણી હતી અને અમને આશીર્વાદ આપ્યા હતા. અત્યારે જે કસર રહી ગઈ છે એ અમે લગ્નની પ્રથમ વર્ષગાંઠના પૂરી કરી લઈશું. પાર્ટી પણ આપીશું અને હનીમૂન માટે પણ જઈશું.’

લૉકડાઉનના કારણે સ્ટોરી રિપીટ થઈ: કલ્પેશ કોરડિયા અને યેશા અજમેરા

ઘાટકોપરના કલ્પેશ કોરડિયા અને મલાડની યેશા અજમેરાને પહેલેથી સાદાઈથી લગ્ન કરવાં હતાં, પરંતુ સામાજિક વ્યવહારો સાચવવા પેરન્ટ્સે ધામધૂમથી પ્રસંગ લેવાની ઇચ્છા વ્યક્ત કરતાં ૧૮ મેના શુભ મુરતમાં લગ્ન નક્કી થયાં હતાં. એ માટેનું તમામ બુકિંગ થઈ ગયું હતું. લૉકડાઉન આવી જતાં ઘરમાં લગ્ન કરવા પડ્યાં. ઘાટકોપરમાં કોરોનાના કેસ વધુ હોવાથી તેમને ૨૦ જણને બોલાવવાની પરવાનગી પણ મળી નહોતી. કલ્પેશ કહે છે, ‘રાજાવાડીમાં અમારો બંગલો છે એટલે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને વધુ લોકોને બોલાવી શક્યા હોત, પરંતુ મંજૂરી ન મળી. આ સમયે આપણે પોલીસને સહકાર આપવો જોઈએ. જોકે અમને જોઈતું હતું એ મળી ગયું. મારા ઘરમાં ફૅમિલી હિસ્ટરી રિપીટ થઈ ગઈ. ત્રીસ વર્ષ પહેલાં મારા પેરન્ટ્સનાં ધામધૂમથી લગ્ન થવાનાં હતાં. કોઈ કારણસર પછી લિમિટેડ મહેમાનોની ઉપસ્થિતિમાં આર્યસમાજ વિધિથી લગ્ન થયાં અને તેમની ફર્સ્ટ નાઇટ ઘરમાં જ હતી. સેમ વસ્તુ મારી સાથે થઈ છે. અમે કોઈ સેલિબ્રેશન બાકી નથી રાખ્યાં. વર્ચ્યુઅલ ડીજે પાર્ટી ઑર્ગેનાઇઝ કરી હતી. હાઉસ ડેકોરેશનમાં એક્સપર્ટ મારી સિસ્ટરે ઘરને લગ્નના વેન્યુની જેમ સજાવ્યું હતું. માત્ર એક બાબતનો અફસોસ રહી ગયો, જે કદાચ રેકૉર્ડ બન્યો હોત. મારાં લગ્નની બારાતમાં એકસાથે ૧૪૦ યાર-દોસ્ત નાચવાના હતા.’

કેટલીક મોમેન્ટ્સ મિસ થઈ ગઈ હોવાનું રિગ્રેટ થાય છે. દુબઈમાં રહેતી મારી મોટી બહેનને વર્ચ્યુઅલ લગ્ન માણવા પડ્યાં એમ જણાવતાં યેશા કહે છે, ‘ઇન્ટરનૅશનલ બૉર્ડર બંધ થઈ જતાં તે ઇન્ડિયા આવી ન શકી. એમ તો સાઉથ આફ્રિકાની હનીમૂન ટૂર પણ કૅન્સલ થઈ. એનો વધુ અફસોસ નથી. ફ્યુચરમાં જઈ શકાશે. લગ્ન માટેની પરવાનગી મેળવવામાં મારા ફૅમિલીને થોડી અડચણ આવી હતી. ૧૭ તારીખ સુધી લૉકડાઉન હતું અને લગ્ન ૧૮ના હોવાથી પોલીસે અમારી ફિઝિકલ ઍપ્લિકેશન સ્વીકારી નહીં. ત્યાર બાદ અમે ઑનલાઇન પ્રોસીજર કરી. સોસાયટીના મેમ્બરનો સહકાર સારો મળ્યો. મેંદી અને મેકઅપ માટે મલાડમાં અન્ય સ્થળે રહેતાં ભાભીને અંદર આવવા મળ્યું હતું. સંજોગોને અનુરૂપ થયેલાં લગ્નથી અમે ખૂબ ખુશ છીએ.’

અખાત્રીજના શુભ મુરતને સાચવવા ઘરમાં જ પરણ્યાં: જિગર ઠક્કર અને ઊર્મિ શાહ

આ વર્ષે દેશમાંથી કોરોના જાય અને સરકાર ગેધરિંગની પરમિશન આપે એવા સંજોગો દેખાતા ન હોવાથી ૨૬ એપ્રિલના અખાત્રીજના શુભ મુરતમાં નિર્ધારિત લગ્નને આગળ ઠેલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવો વિચાર કરી મુલુંડના વરરાજા જિગર અને કાંદિવલીની કન્યા ઊર્મિના પેરન્ટ્સે બન્નેને એ જ દિવસે સાદાઈથી પરણાવી દેવાનું નક્કી કર્યું. જિગર કહે છે, ‘બધાના કેસમાં ધામધૂમથી લગ્ન થાય એ જરૂરી હોતું નથી. સમય અને સંજોગો પ્રમાણે સૌએ ચાલવું પડે છે. લૉકડાઉનમાં ૧૦ લોકોની વચ્ચે લગ્ન થયાં એ બાબત જ લાઇફટાઇમ મેમરેબલ મોમેન્ટ બની ગઈ છે. જોકે ઊર્મિની ફૅમિલીને સોસાયટીમાં એન્ટ્રી મળે એ માટે અમારે પરવાનગી લેવી પડી હતી. લગ્નમાં જમણવાર નહીં હોય. સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવશે, સૅનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ થશે જેવી બાંયધરી આપ્યા પછી સોસાયટીએ નો ઑબ્જેક્શન લેટર આપ્યો હતો.’

મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગથી થયેલાં લગ્નથી હું પણ ખૂબ ખુશ છું એમ જણાવતાં ઊર્મિ કહે છે, ‘લગ્નનું એક્સાઇટમેન્ટ તો દરેકને હોય, પરંતુ સમયને માન આપવું પડે છે. આ રીતે લગ્ન થયાં એટલે થોડું અજીબ લાગે છે ખરું. સમાજની સામે, ફ્રેન્ડ્સ અને વડીલોની હાજરીમાં જે પ્રસંગ થાય એની વાત જુદી હોય. જોકે વિડિયો કૉલિંગથી બધા જોડાયા હતા. વડીલોના આશીર્વાદ સાથે જ છે. લૉકડાઉનના લીધે હમણાં બધાં ઘરે હોય તો ફૅમિલી બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ બને અને બ્રાઇડને સેટલ થવામાં સહેલું પડે એવું મારા કેસમાં નથી. અમારી કેમિસ્ટ શૉપ હોવાથી જિગરને રોજ દુકાને જવાનું હોય છે. લૉકડાઉન વગર જે રીતે સમય મળવાનો હતો એટલો જ મળે છે તેમ છતાં જિગર અને તેના પરિવારના સપોર્ટથી ધીમે-ધીમે લાઇફ સેટલ થઈ જશે એવી મને ખાતરી છે. બહારનું વાતાવરણ સામાન્ય થાય પછી કદાચ કુલુ-મનાલીનો કૅન્સલ થયેલો પ્લાન ફરી બનાવીશું.’

બે કલાક માટે શિવ મંદિર ખોલાવ્યું: ભારતી જૈન અને જીત રાણાવત

ભાઈંદરનાં ભારતી જૈન અને જીત રાણાવતની સ્કૂલવાલી લવ સ્ટોરી છે. નાનપણથી એકબીજા માટે કૂણી લાગણી ધરાવતા આ યુગલના પેરન્ટ્સ પણ તેમની પ્રેમકહાણીથી સારી રીતે પરિચિત હતા. ૧૪ મેના દિવસે ધામધૂમથી લગ્ન નક્કી થયાં હતાં. એવામાં લૉકડાઉન આવી જતાં નિશ્ચિત કરેલી તારીખે બન્નેએ સ્થાનિક શિવ મંદિરમાં માત્ર દસ જણની હાજરીમાં ઘડિયાં લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યાં. બીજો કોઈ ઑપ્શન નહોતો એમ જણાવતાં ભારતી કહે છે, ‘હું હંમેશાંથી જીતને કહેતી કે લગ્ન સાદાઈથી કરવાં છે. જોકે અમારા ઘરમાં આ પહેલાં લગ્ન હતાં અને જીતના ઘરમાં છેલ્લો પ્રસંગ હતો તેથી બન્નેના પેરન્ટ્સનો હરખ સમાતો નહોતો. તેમની ઇચ્છાને માન આપી હૉલ બુક કરવામાં આવ્યો હતો. વિધિની વક્રતા જુઓ કે લગ્ન મારી ઇચ્છા મુજબ સાદાઈથી જ થયાં. આ લગ્નમાં મજાની વાત એ થઈ કે પરણ્યા પછી મને ઘરે લઈ જવા માટે જીતને તેની સોસાયટીમાં ઍપ્લિકેશન આપી પરમિશન મેળવવી પડી હતી.’

વાતનો દોર હાથમાં લેતાં જીત કહે છે, ‘પહેલાં તો લગ્નની તારીખ આગળ કરવાનો વિચાર કર્યો. એક મહિના પછીની ડેટ મળતી હતી, પણ કોરોના સંક્રમણના આંકડા જોતાં થયું કે લગ્ન લંબાવવાનો કોઈ મતલબ નથી. મહેમાનો ભલે ન આવી શકે, પરંતુ ભારતીય પરંપરા મુજબ પરણવું હતું તેથી અમારા વિસ્તારનાં વિધાયક ગીતા જૈનની સહાયથી નગરપાલિકામાંથી બે કલાક માટે મંદિર ખોલવાની પરવાનગી મેળવી. અમારી સોસાયટી બહારની વ્યક્તિને અંદર આવવા દેતી ન હોવાથી ભારતીને ઘરે લાવવા માટે પણ સોસાયટીની પરવાનગી મેળવવી પડી હતી. લગ્નમાં બન્નેની ફૅમિલીના ચાર-ચાર જણ, ફોટોગ્રાફી માટે કૉમન ફ્રેન્ડ અને પૂજારી આટલા જ જણ સામેલ થયા હતા. ડ્રીમ વેડિંગની મજા જુદી હોય છે. થોડી કસર રહી ગઈ તેમ છતાં ભગવાન શિવજીની સાક્ષી અને પેરન્ટ્સના આશીર્વાદથી થયેલાં આ લગ્નથી અમે ખુશ છીએ.’

કન્યા પહોંચી ગઈ વરરાજાના આંગણે: ઊર્મિ મકવાણા અને જુગલ શાહ

વસઈની કન્યા ઊર્મિ મકવાણા અને દહિસરના વરરાજા જુગલ શાહની જોડીએ લગ્નની ડેટ આગળ કરવાની જગ્યાએ નજીક લઈ લીધી. તેમનાં લગ્નની ઓરિજિનલ ડેટ હતી ૧૭ મે અને લગ્ન થયાં ૬ઠ્ઠી મેના દિવસે. લગ્નની ઉતાવળ કરવાનું કારણ આપતાં જુગલ કહે છે, ‘ગોરેગામના આર્યસમાજ હૉલમાં લગ્ન નક્કી હતાં. પ્રથમ લૉકડાઉન વખતે અમને થયું કે ત્યાં સુધીમાં બધું ખૂલી જશે, પણ આ તો લંબાઈ ગયું. તારીખ વહેલી કરવા વિશે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. આપણે બધા વર્ક કમિટમેન્ટના કારણે એકબીજાને સમય આપી શકતા નથી. જો લગ્ન મોડાં લઈએ તો ઊર્મિને સેટલ થવા માટે સમય ઓછો મળે. બીજું, આગળની પરિસ્થિતિ અનિશ્ચિત છે. ચાર-છ મહિના પછી પણ સામાજિક અંતરના ધારાધોરણનું પાલન કરવાનું આવે તો વિલંબ કરવાનો અર્થ નથી. જોકે ઘરમેળે થયેલાં આ લગ્નમાં અનેક યાદગાર પ્રસંગો બન્યા છે. ટુ બી બ્રાઇડની બધી ઇચ્છાઓ પૂરી કરવાનો મેં દિલથી પ્રયાસ કર્યો છે.’

યસ, ઘણી મેમરેબલ મોમેન્ટ્સ છે. એક્સાઇટ થતાં ઊર્મિ કહે છે, ‘આ પહેલાં એવાં લગ્ન હશે જેમાં વર-કન્યાને

બાજુ-બાજુમાં બેસાડીને પીઠી ચોળવામાં આવી હોય અને હાથમાં મેંદી મૂકવામાં આવી હોય. સામાન્ય રીતે આ વિધિ બન્ને પક્ષ પોતપોતાના ઘરે કરતા હોય છે. સૌથી વધુ એક્સાઇટમેન્ટ એ કે કન્યા ચાર જણની જાન લઈને વરરાજાના આંગણે ગઈ. લગ્નનું સ્થળ જુગલના બિલ્ડિંગનો એક ખાલી ફ્લૅટ હતું. શૉપિંગ થઈ ગયું હતું એટલે સામાન સાથે અમારી ફૅમિલીએ વસઈથી દહિસર જવા ચેકનાકા ક્રૉસ કરવાનું હતું. એ માટે ઈ-પાસ લેવા ત્રણ વાર પોલીસ-સ્ટેશન ગઈ. પેપર વર્ક કરતી વખતે બૉર્ડર પાર લગ્ન થવાનાં હોય એવી ફીલિંગ આવતી હતી. બન્નેના ફૅમિલી મેમ્બર અને પાડોશીની હાજરીમાં થયેલાં આ લગ્નમાં બધાએ માત્ર ઘરની બનાવેલી ચા પીધી હતી. આવી તો ઘણી યાદો છે જે ધામધૂમથી થયેલાં લગ્નમાં કલ્પી ન શકાય.’

નોંધ:

- લૉકડાઉનમાં થયેલાં બધાં કપલનાં લગ્નમાં સામાજિક દૂરીનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

- ઉપસ્થિત મહેમાનો, ગોર મહારાજ સહિત બધાએ માસ્ક પહેર્યા હતા અને સૅનિટાઇઝરનો ઉપયોગ કર્યો હતો.

- લાઇફટાઇમ મેમરેબલ મોમેન્ટ્સને કૅપ્ચર કરવા વર-કન્યાએ માત્ર દસેક મિનિટ માટે ફોટોગ્રાફરથી સોશ્યલ ડિસ્ટન્સ રાખી માસ્ક હટાવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 09:42 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK