Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વીમાકંપનીના બાબુઓની બાબા આદમના સમયની સોચ

વીમાકંપનીના બાબુઓની બાબા આદમના સમયની સોચ

31 October, 2020 07:15 PM IST | Mumbai
Dhiraj Rambhiya

વીમાકંપનીના બાબુઓની બાબા આદમના સમયની સોચ

વીમાકંપનીના બાબુઓની બાબા આદમના સમયની સોચ


ભાંડુપ-વેસ્ટમાં રહેતાં સોનલબહેન અને હરીશભાઈને ૧૭ મહિના સુધી મનોયાતના આપનાર વીમાકંપનીના બાબુઓની એકઝાટકે સોચ બદલનાર બનાવની આ રસપ્રદ કથની છે.

૨૦૧૮ના જુલાઈમાં સોનલબહેનને અચાનક મોઢામાં ચાંદાં થવા લાગ્યાં અને ત્યાર બાદ શરીર પર ફોડા-જખમના ડાઘ/ચાંદાં થવાનું શરૂ થયું. ફૅમિલી ડૉક્ટરને બતાડતાં તેમણે સારવાર શરૂ કરી પણ ઇચ્છિત પરિણામ ન આવતાં નિષ્ણાત ડર્મેટોલૉજિસ્ટને બતાડવાની સલાહ આપી. નામાંકિત ચર્મરોગ નિષ્ણાત ડૉ. ઉદય ખોપકરના નંબર પણ આપ્યા. ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી, દાદર (ઈસ્ટ)ની ચિત્રા ટૉકીઝની બાજુમાં રક્ષિત કન્સલ્ટિંગ ક્લિનિકમાં સલાહ લેવા ગયા. ડૉક્ટરે લીધેલી સારવારની માહિતી મેળવી અને તપાસણી બાદ જણાવ્યું કે સોનલબહેનને અત્યંત જવલ્લે જ થતી આ બીમારી છે જેને પેમ્ફીગસ નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એનો ઉપચાર સ્ટેરૉઇડ્સ અને ઇમ્યુનોસપ્રેસન્ટના હાઈ ડોઝથી કરવામાં આવે છે, પરંતુ એનાથી લાંબા ગાળાની અશક્ત બનાવતી સાઇડ ઇફેક્ટ થાય છે. એની અવેજીમાં રિટુક્સિમેબ (Rituximeb) ઇન્જેક્શનનો ઉપયોગ વધુ હિતાવહ છે. આનું વર્ગીકરણ લાઇફ સેવિંગ ડ્રગ્સમાં થાય છે, પરંતુ આ ઇન્જેક્શન લેવા માટે આઇસીયુ ધરાવતી હૉસ્પિટલમાં બે દિવસ માટે દાખલ થવું પડે છે. અન્ય બે-ત્રણ ડૉક્ટરોની સલાહ લીધી અને માહિતીના બેતાજ બાદશાહ ગૂગલમાં સર્ચ કરતાં સ્ટેરૉઇડ્સના પ્રથમ વિકલ્પ તરીકે રિટુક્સિમેબ ઉત્તમ હોવાની માહિતી મળી. તદુપરાંત અમેરિકાની એફડીએ (ફૂડ ઍન્ડ ડ્રગ ઑથોરિટી)એ ૧૯૯૭માં, યુરોપિયન કમિશને ૨૦૧૦માં અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એપ્રિલ ૨૦૧૫ના પ્રસિદ્ધ કરેલા એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટની ૧૯મી આવૃત્તિમાં બેઝિક હેલ્થ કૅર દવા તરીકે પ્રસિદ્ધ કરેલું હોવાની માહિતી મળી.



સારવારમાં આગળ કેવી રીતે વધવું એની સલાહ લેવા ડૉ. ઉદય ખોપકરને હરીશભાઈ મળવા ગયા. ડૉક્ટરે લીલાવતી હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આર. આર. દુર્ગડની નિગરાની હેઠળ  આઇસીયુમાં દાખલ થવાની સલાહ આપી. હરીશભાઈએ સંમતિ આપતાં ડૉ. ઉદયે ડૉ. દુર્ગડ સાથે ફોન પર વાત કરી સોનલ હરીશ ગાલાના નામે આઇસીયુમાં બેડ બુક કરવાનું જણાવ્યું.


હરીશભાઈને ડૉ. દુર્ગડ પાસેથી સોનલબહેન માટે ૬/૮/૧૮ના આઇસીયુ બેડ તથા ૭/૮/૨૦૧૮ના લીલાવતી હૉસ્પિટલમાં ટ્વિન શૅરિંગ રૂમમાં બેડ બુક થઈ ગયાનો સંદેશો મળતાં અપોલો મ્યુનિચ હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપની લિમટેડને મેઇલ દ્વારા થનાર સારવારની જાણ કરી તથા કૅશલેસ ફૅસિલિટી મંજૂર કરવા વિનંતી કરી, જે નામંજૂર કરવામાં આવતાં હૉસ્પિટલના બિલની રકમની ચુકવણી હરીશભાઈએ કરી. વધુમાં જણાવવામાં આવ્યું કે આપ જે સારવાર લેવાના છો એ ઇન્જેક્શન પૉલિસીના ધારાધોરણ મુજબ નિશ્ચિત કરેલી બાકાત/બહિષ્કૃત શ્રેણીમાં વર્ગીકૃત કરેલું છે. આથી પૉલિસીના સેક્શન-V C Viii F અન્વયે ક્લેમ નામંજૂર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલા ઇન્જેક્શનથી દરદીને રાહત થઈ અને કોઈ રીઍક્શન કે કૉમ્પ્લીકેશન થયાં નહીં.

ફરીથી ઇન્જેક્શન લેવાની સલાહ મળતાં ૨૦૧૮ની ૧ સપ્ટેમ્બરે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયાં. ઇન્જેક્શન દ્વારા દવા શરીરમાં મોકલવાની પ્રક્રિયા આઠેક કલાક ચાલે અને એ દરમ્યાન દરદીને સતત નિગરાની હેઠળ રાખવામાં આવે, કારણ કે રીઍક્શન અને એના કારણે કૉમ્પ્લીકેશન થવાની શક્યતા રહે. પહેલી વખત ઇન્જેક્શન આપવાની પ્રક્રિયામાં આવું કંઈ ન બનતાં આઇસીયુ બેડના બદલે ટ્વિન બેડના વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યાં. પૂર્ણ સારવાર શાંતિથી અને સહજ રીતે પૂર્ણ થઈ. બીજા દિવસે ૨૦૧૮ની બીજી સપ્ટેમ્બરે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને સુખરૂપ ઘરે પહોંચી ગયાં.


ક્લેમ નકારવાના વીમાકંપનીના કૃત્યથી હરીશભાઈ નારાજ અને નાસીપાસ થયા હોવાથી વીમાકંપનીને પદાર્થપાઠ શીખવવાનું મનોમન નક્કી કર્યું. ‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ પણ નિયમિત રીતે વાંચતા એથી તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાનની પ્રવૃત્તિથી સુપરિચિત હતા. પહેલાં ઘાટકોપર રહેતા હોવાથી ઘાટકોપર સેવાકેન્દ્રથી તથા કેન્દ્રના સેવાભાવીઓથી પરિચિત હોવાના કારણે કેન્દ્રના નિયામક મનહરભાઈને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા. મનહરભાઈ અને કેન્દ્રના અન્ય સેવાભાવીઓએ હરીશભાઈની વેદનાની વાત શાંતિપૂર્વક સાંભળી, મેડિક્લેમને લગતી ફાઇલનો અભ્યાસ કરી, આપસમાં ચર્ચાવિચારણા કરી IRDAI (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ને સંબોધીને RTI કાયદા હઠળની ૨૦૧૮ની ૮ ઑક્ટોબરની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી:

૧) અપોલો મ્યુનિચ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની ઑપ્ટિમા રીસ્ટોર પૉલિસી માટે મંજૂર કરેલી ટર્મ્સ-કન્ડિશન્સની ક્લૉઝવાઇઝ માહિતી આપશો.

૨) મૂળ પૉલિસી માટે મંજૂર કરેલી ટર્મ્સ-કન્ડિશન્સમાં ફેરફાર કરવાની વિનંતી વીમાકંપની તરફથી મળી હોય તો (i) વીમાકંપનીએ માગેલા ફેરફારોની સંપૂર્ણ માહિતી તથા એ માટે જણાવેલાં કારણો અને (ii) IRDAIએ મંજૂર કરેલા ફેરફારો તથા એ માટે જે કારણો દર્શાવવામાં આવ્યાં હોય તો એની માહિતી.

૩) ઉપરોક્ત બાબત પર વીમાકંપની તથા IRDAI વચ્ચે થયેલા સંપૂર્ણ પત્ર-વ્યવહારની ફોટોકૉપી આપશો.

૪) સંપૂર્ણ ફેરફારો બાદ મંજૂર કરેલી પૉલિસીનો અંતિમ ડ્રાફ્ટ પણ આપશો.

ઉપરોક્ત અરજી ભાંડુપ (વેસ્ટ)ના પોસ્ટમાસ્તરને IREDAIના CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ના સર્વે નં-૧૧૫/૧, ફાઇનૅન્શિયલ ડિસ્ટ્રિક્ટ, નાનક રામગુડા, હૈદરાબાદ-૫૦૦૦૩૨ કાર્યાલયને પહોંચાડવા માટે આપવામાં આવી.

ઉપરોક્ત RTI અરજી IRDAIના CPIOને ૨૦૧૮ની ૧૨ ઑક્ટોબરે મળી, જેનો ૨૦૧૮ની ૮ નવેમ્બરે પ્રત્યુત્તર મોકલવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે:

૧) આપે માગેલી માહિતી કમર્શિયલ કૉન્ફિડન્સ ધરાવતી હોવાથી આરટીઆઇ કાયદાના સેક્શન -૮(૧) (D) હેઠળ આપી નહીં શકાય.

૨) અપોલો મ્યુનિચ હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીની ઑપ્ટિમા રીસ્ટોર પૉલિસીના ડ્રાફ્ટને આપેલી અંતિમ મંજૂરીના ૨૦૧૬ની ૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ની ૭ જૂન તથા ૨૦૧૮ની ૨૮ માર્ચના પત્રો આ સાથે મોકલાવીએ છીએ.

ઉપરોક્ત મળેલી માહિતીથી કોઈ ઉપયોગી હેતુ ફળિભૂત થતો ન હોવાથી એની ઉપેક્ષા કરવામાં આવી અને વીમા લોકપાલની યંત્રણાનો ઉપયોગ કરવાના હેતુથી ૨૦૧૯ના ૦૧ ઑક્ટોબરે એનેક્ચર–VI-Aમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

૨૦૧૯ની ૨૭ નવેમ્બરની તારીખનો વીમા લોકપાલ કાર્યાલયનો પત્ર પ્રાપ્ત થયો, જે દ્વારા જણાવવામાં આવ્યું કે આપની ફરિયાદનું નોંધણીકરણ થઈ ગયું છે.

૧) ધી ઇન્શ્યૉરન્સ ઑમ્બડ્સમેન રૂલ્સ, ૨૦૧૭ ના નિયમ -૧૩ (૨) મુજબ લોકપાલને આપ તથા વીમાકંપની વચ્ચેના વિવાદના સમાધાન માટે લવાદ તરીકે નિમણૂક કરવાની આપે લેખિત મંજૂરી મોકલવાની રહેશે.

૨) ફરિયાદની વિગતવાર માહિતી એને સમર્થન આપતા દસ્તાવેજો તથા વીમાકંપની સમક્ષ આપે એના અંતિમ નિર્ણય સામે કરેલી રજૂઆતોની નકલો મોકલશો.

૩) આપની વીમા પૉલિસીના દસ્તાવેજની ફોટોકૉપી પણ મોકલાવશો.

ઉપરોક્ત દરેક દસ્તાવેજ આ નોટિસ મળ્યાના દસ દિવસમાં લોકપાલ કાર્યાલયમાં મળી જવા જોઈએ. અન્યથા આપની ફરિયાદની ફાઇલ કોઈ પત્ર-વ્યવહાર કર્યા વગર બંધ કરી દેવામાં આવશે.

ઉપરોક્ત પત્ર લઈ હરીશભાઈ અપૉઇન્ટમેન્ટ મેળવી સેવાકેન્દ્રમાં પહોંચ્યા. પત્ર વાંચી સેવાભાવીઓએ માગેલી માહિતીના દસ્તાવેજો-પત્રો બનાવી આપ્યા તથા લોકપાલશ્રી સમક્ષ કઈ-કઈ બાબતોની કેવી રીતે રજૂઆત કરવી એની ઊંડાણપૂર્વક સમજ આપી. લોકપાલશ્રીએ માગેલી વિગતો તથા દસ્તાવેજો ૨૦૧૯ના ડિસેમ્બરમાં લોકપાલ કાર્યાલયમાં જાતે જઈ હરીશભાઈએ જમા કરાવી પહોંચ લીધી.

આ તરફ વીમા લોકપાલ કાર્યાલયનો પત્ર વીમા કંપનીને મળ્યો, જે દ્વારા હરીશભાઈએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થઈ. એનેક્સ - VIA અને એની સાથે ચાર ટાઇપ કરેલાં પાનાં, જેમાં યુએસએના એફડીએએ ૧૯૯૭માં રિટુક્સિમેબ ઇન્જેક્શનને માન્યતા પ્રદાન કરેલી. ૨૦૧૦માં યુરોપિયન કમિશનની માન્યતા મળેલી. ૨૦૧૫માં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા એસેન્શિયલ દવાઓની સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેની માહિતી વાંચી વીમાકંપનીના બાબુઓના હાંજા ગગડી ગયા. હકીકતમાં પૉલિસીની ટર્મ્સ-કન્ડિશન્સ પણ અપાયેલું ઇન્જેક્શન બાકાત હોવાનું તો માત્ર બાબુઓએ ઉડાવેલું ગપ્પું જ હતું. વાત આગળ વધશે તો ઇજ્જતના ધજાગરા થશે એ ચોક્કસ જણાતું હતું.

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં લુચ્ચા બાબુઓએ ચૂપચાપ ૨૦૨૦ની ૧૫ જાન્યુઆરીએ ક્લેમની પૂર્ણ રકમ હરીશભાઈના ખાતામાં જમા કરી દીધી અને સોનલબહેન તથા હરીશભાઈની ૧૭ મહિનાની મનોયાતના તથા રઝળપટ્ટીનો સેવાભાવી મનહરભાઈ, મહેન્દ્રભાઈ તથા હિમાંશુભાઈની કર્તવ્યનિષ્ઠાના કારણે સુખદ અંત આવ્યો. અદના નાગરિકનો અધિકાર પ્રસ્થાપિત થયો અને ફાઇટ ફૉર યૉર રાઇટનો વિજય થયો.

સેવાકેન્દ્રની હેલ્પલાઇન

કેન્દ્રનું સરનામું  : C/O ડિવાઇન ટોટ્સ, ૩, પૂનમ બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, અરિહંત કો-ઑ. બૅન્કની બાજુમાં, ૬૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૭૭.

કેન્દ્ર નિયામક તથા કથાનાયક  મનહર સંગોઈ  - ૯૨૨૧૦ ૪૬૬૮૬

સહ કથાનાયક :  

મહેન્દ્ર ભાનુશાલી - ૯૬૧૯૩ ૯૩૭૭૦

હિમાંશુ ચંદે - ૯૯૬૯૦ ૩૩૭૯૦ અનિલ ચરલા - ૯૮૩૩૪ ૧૭૩૩૭

કેન્દ્રના સેવાભાવીઓના સંપર્ક નંબરો, જેનો ઉપયોગ માત્ર અપૉઇન્ટમેન્ટ મેળવવા જ કરવો.

કેન્દ્ર પ્રત્યેક બુધવારે સાંજના ૭.૩૦થી રાતના ૯.૩૦ દરમ્યાન કાર્યરત હોય છે.

: મુખવાસ :

કાર્ય કરે તો સેવા હૈ, વરના કોરી બાત

સૂરજ ઊગે તો પ્રભાત હૈ; વરના કાલી રાત

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 07:15 PM IST | Mumbai | Dhiraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK