ઝઘડા વિશે ઝઘડો કર્યા વિના પણ વિચારી શકાય!

Updated: Nov 25, 2019, 14:15 IST | dinkar joshi | Mumbai Desk

ઊઘાડી બારી : નિબંધોમાં લાલિત્ય દેખીતા સ્વરૂપે અને માનવપ્રકૃતિ અદૃશ્ય સ્વરૂપે વાચકના ચિત્તમાં એક સ્થાયી ભાવ પેદા થતો. આવા એક નિબંધની વાત આજે અહીં કરવી છે.

વીસમી સદીના અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એ. જી. ગાર્ડિનરનું નામ અગ્રસ્થાને આવે છે. ગાર્ડિનર નિબંધોના રચનાકાર તરીકે વાચકોમાં ખૂબ લોકપ્રિય હતા. આ નિબંધોના કર્તા તરીકે તેમણે ‘Alpha of the Plough’ ઉપનામ સ્વીકાર્યું હતું. તેમના નિબંધોમાં લાલિત્ય દેખીતા સ્વરૂપે અને માનવપ્રકૃતિ અદૃશ્ય સ્વરૂપે વાચકના ચિત્તમાં એક સ્થાયી ભાવ પેદા થતો. આવા એક નિબંધની વાત આજે અહીં કરવી છે. 

રેલવેના એક પ્રવાસમાં બારી પાસે બેઠેલા બે પ્રવાસીઓ વચ્ચે ઝઘડો થયો. એક પ્રવાસી બારી ખુલ્લી રાખવા માગતો હતો અને બીજો પ્રવાસી એ બારી બંધ રાખવા માગતો હતો. પહેલાને ગરમી થતી હતી અને એટલે તેણે બારી ખુલ્લી રાખવાનો આગ્રહ રાખતાં કહ્યું, ‘ડબામાં આટલી બધી ભીડ છે. આટલીબધી ગરમી થાય છે અને તમે બારી બંધ રાખો એ કેમ ચાલે?’ બીજા પ્રવાસીએ પોતાની વાત પણ એટલા જ જોશપૂર્વક કરી, ‘ભલા માણસ, જોતા નથી બહાર કેવો ઠંડો પવન છે? અને મને શરદી થઈ ગઈ છે. આ ઠંડા પવનથી તો મને ન્યુમોનિયા થઈ જશે.’
પહેલો બારી ઉઘાડે અને બીજો બારી બંધ કરે. આ તડફડ થોડો વખત ચાલુ રહી. પછી બોલચાલ વધી ગઈ. બન્ને તું-તા અને ગાળાગાળી પર આવી ગયા. આ તમાશો જોઈ રહેલી ભીડમાં પણ બે ભાગ પડી ગયા. કેટલાક પહેલાના પક્ષે અને કેટલાક બીજાના પક્ષે પોતપોતાનું મતદાન કરવા માંડ્યા. અચાનક આ બધા વચ્ચેથી એક માણસ ભીડને ધકેલતો પેલી બારી પાસે ધસી આવ્યો. બારી પાસે પેલા બે પહેલવાનો વચ્ચે ઢિશૂમ-‌ઢિશૂમ થવાની આખરી પળ જ આવી ગઈ હતી. આ નવા આગંતુકે આ બન્ને વચ્ચે ઊભા રહી જઈને બારી વચ્ચે પોતાનો હાથ નાખ્યો. હાથ આરપાર નીકળી ગયો. બારીમાં કાચ જ નહોતો!
એ પછી શું થયું, ઝઘડો ચાલુ રહ્યો કે બંધ પડી ગયો. બન્ને પહેલવાનોએ શરમિંદા થઈને પરસ્પરને સૉરી કહી દીધું કે પછી એ બન્નેએ ‘કાચ નહોતો તો પહેલાં તમારે જોઈ લેવું જોઈએને!’ અથવા ‘મને શેના કહો છો તમારે પણ જોવું જોઈતું હતુંને’ એમ પરસ્પર દોષારોપણ ચાલુ રાખીને ઝઘડાના મૂળને ન્યાયી ઠરાવવા માટેના પ્રયત્ન કર્યા એ આપણે જાણતા નથી. ઘણુખરું તો આવી હસવા જેવી પરિસ્થિતિને અંતે પણ માણસ પરસ્પરને સૉરી કહી દેવાને બદલે આ ઝઘડો કારણ વગરનો હતો છતાં પોતાના પક્ષે વાજબી હતો અને અકારણ જ એનો અપયશ સામેવાળા પર ઠપકાર્યા કરશે. સામેવાળો પણ તેનાથી વધારે ડાહ્યો નહીં હોય એટલે આ ઝઘડો કરીને પોતે મૂરખ ઠર્યો છે એ જાણ્યા છતાં એનો અપયશ તો સામેવાળાને જ આપશે. આ માનવપ્રકૃતિ છે.
એ. જી. ગાર્ડિનરના નિબંધના આ અક્ષરોમાંથી બહાર નીકળીને ઘડીક આપણે આપણી જાતને તપાસીએ. વધુ નહીં પણ ઓછામાં ઓછા એવા દસેક ઝઘડા યાદ કરો. આ દસેકને યાદ કરવા માટે બહુ દિવસ પાછળ નહીં જવું પડે. સવારમાં ઊઠીને બ્રશ કરવા માટે બેસિન પાસે ગયા અને રોજની જેમ ટૂથપેસ્ટ એની જગ્યાએ નહોતી એ વખતે તત્કાળ શું થયું હતું? અહીંથી શરૂ કરીને નાહ્યાધોયા, જમ્યાકારવ્યા, ઑફિસે ગયા, આખો દિવસ મહિલાઓએ એક યા બીજા પ્રકારે ઘરકામ કર્યાં, કેટલાય માણસોને હળવા-મળવાનું થયું, કેટલાક જાણીતા હતા, કેટલાક અજાણ્યા હતા. આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક બોલચાલ થઈ હતી. પરિવારજનો, સહકાર્યકરો, સ્નેહી મિત્રો આ સૌ સાથે ચાના કપના ઘૂંટડા ભરતાં-ભરતાં પણ ક્યાંક એવું બોલાયું છે અથવા જાણીબૂજીને બોલ્યા છો જેણે વાતાવરણમાં ગંદકીનું ટીપું ભેળવી દીધું છે. થોડી બોલચાલ પણ થઈ હોય. ક્યાંક એવું પણ થયું હોય કે વાત બગડી ગઈ હોય.
આવા આ દસેક ઝઘડાઓનાં મૂળને ગાર્ડિનરના નિબંધ સાથે સરખાવો. રેલવેના ડબામાં બારી પાસે બેઠેલા પેલા બે પ્રવાસીઓ પૈકી આ ઝઘડાઓમાં તમે ક્યાં હતા? તમને શરદી થઈ હતી કે ગરમી લાગતી હતી? ૧૦ પૈકી પાંચમાં પેલી કાચ વિનાની બારી કારણભૂત હશે. જો સહેજ હાથ ફંફોસીને ઝઘડાની શરૂઆતમાં જ બારી પાસેનો કાચ જોઈ લીધો હોત તો ઝઘડો થયો જ ન હોત, પણ કાચ જોવા માટે હાથ લંબાવવો પડે અને હાથ લંબાવવાની શરૂઆત બેમાંથી કોણ કરે? આવી શરૂઆત જો હું કરું તો તમારા કરતાં હું ઊતરતો છું એવો થપ્પો પેલા માની લીધેલા અહંકારને લાગે. ફળસ્વરૂપ જે વાત બે મિનિટમાં આટોપાઈ જાય એવી હતી એ જ વાત અડધો કલાક ચાલે અને અડધો કલાકે આટોપાયા પછી પણ આખા પ્રવાસ દરમ્યાન સામસામે બેઠા રહેવાને કારણે આંખ વઢતી રહે અને મનમાં અણગમો ઘોળાયા કરે. એ વખતે ચુરમાનો લાડુ હાથમાં લઈને ખાવા મળે તો પણ એ ગળ્યો ન લાગે. સામે બેઠેલા પેલા પ્રવાસીની આંખ મળે ત્યારે ગળપણ ઓછું થઈ જાય.
૧૦ પૈકી પાંચને આપણે આ રીતે વર્ગીકૃત કર્યા, પણ બાકીના પાંચનું શું? આ પાંચ પૈકી ત્રણ એવા હોય છે જેમાં માત્ર સૉરી કહેવાથી ઝઘડો આટોપાઈ શકે. અંગ્રેજી ભાષાનો બે અક્ષરનો સાવ નાનો લાગતો આ શબ્દ ખૂબ મોટો અને વજનદાર છે. આપણી ભાષા પાસે કદાચ એની બરોબરી કરી શકાય એવો કોઈ વ્યાવહારિક શબ્દ નથી. ઝઘડા વિશે ઝબકારો થાય અને લાગે કે વાત અહીં સુધી લંબાવવા જેવી નહોતી ત્યારે આ નાનકડો સૉરી ઝાકઝમાળ પ્રકાશ પાથરે છે. શેષ બે ઝઘડા જ એવા હોય છે જેમાં આ સૉરી ઉપરાંત બીજા બેચાર શબ્દોની જરૂર પડે. આ બે-ચાર શબ્દો આપણા શિક્ષણમાં કક્કા-બારાખડીની સાથે જ ભેળવી દેવામાં આવે તો સૃષ્ટિ તો કદાચ ન બદલાય પણ સંસારમાં કંઈક સાર આવે ખરો.
અહીં સુધી તો ઠીક છે, પણ કેટલીક વાર તો જેની સાથે આવો કડવાશભર્યો ઝઘડો થયો હોય તેનો ચહેરોમહોરો આપણે લાંબા સમય સુધી ભૂલતા નથી. એ અથવા એના જેવો લાગતો માણસ આપણને બીજી વાર મળે ત્યારે સૌપ્રથમ આપણને પેલી કડવાશ યાદ આવી જાય છે. માનવપ્રકૃતિની એ નબળાઈ છે કે એનાથી ઝટ કડવાશ ભુલાતી નથી. પ્રાણીશાસ્ત્ર વિશેના કોઈક અભ્યાસીએ લખેલો એક લેખ હમણાં વાંચવામાં આવ્યો હતો. એમાં એવું લખ્યું હતું કે શેરીમાં રખડતા કૂતરાઓ વચ્ચે પણ પ્રાદેશિક સમજૂતી થયેલી હોય છે. અમુક ચોક્કસ શેરીના રખડતા કૂતરાઓ પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ હદ સુધી જ ફરતા હોય છે અને જો ક્યારેક બીજી શેરીના કૂતરાઓ સાથે પ્રાદેશિક સરહદનો ઝઘડો થાય પણ છે તો તેઓ આ ઝઘડો સરહદે પત્યા પછી આગળ યાદ નથી રાખતા. વનરાજ કહેવાતા સિંહો સુધ્ધાં ભક્ષ્યના શિકાર માટે કે સિંહણના સ્વામીત્વ માટે પરસ્પર હિંસક યુદ્ધ કરે છે ખરા, પણ એક વાર બે પૈકી એક સિંહનું સામર્થ્ય સિદ્ધ થાય એટલે પરાજિત સિંહ નાસી જાય છે અને આ વિજેતા સિંહ એને ફરી વાર યાદ પણ કરતો નથી. આ ઝઘડો કોઈ વૈચારિક ઝઘડો નથી હોતો, પણ પ્રાકૃતિક ઝઘડો હોય છે. પ્રાકૃતિક ઝઘડાના નિયમો પણ પ્રાકૃતિક હોય છે.
માણસ જેને પોતાનો વૈચારિક ઝઘડો કહે છે એ વાસ્તવમાં વૈચારિક નથી હોતો, પણ કૃત્રિમ હોય છે. વૈચારિક ઝઘડો ચોક્કસ સ્તરેથી થતો હોય છે અને એમાં ઝઘડો કરનારાનું સ્તર પણ ખાસ્સું ઊંચું હોય એ જરૂરી છે. અમેરિકાના પ્રમુખની વિઝા પૉલિસી વિશે મુંબઈની ઉડિપી હોટેલમાં બેસીને પહેલાં ચર્ચા અને પછી ચર્ચામાંથી બોલાચાલી પેદા કરી શકનાર વૈચારિક ઝઘડા માટે સમર્થ છે એવું ન કહી શકાય. તેમણે તો આ વાત અહીંથી જ પડતી મૂકવી જોઈએ. ચંદ્ર વિશે આપણી વચ્ચે ચર્ચા થાય પણ ચંદ્ર વિશે વિવાદ તો ખગોળશાસ્ત્રીઓ જ કરી શકે.
‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’. વાદવિવાદ પ્રતિબંધિત નથી. ચર્ચા એનું પ્રાથમિક સ્વરૂપ છે પણ આ સ્તરેથી જ બૌદ્ધિક સ્તર સમજાઈ જવું જોઈએ. કાચ વિનાની બારી પાસે બેસીને બારી ઉઘાડબંધ કરવાથી કશું પ્રાપ્ત નથી થતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK