Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બહુ વિચાર કરો છો? મન શાંત નથી રહેતું?

બહુ વિચાર કરો છો? મન શાંત નથી રહેતું?

05 January, 2020 05:17 PM IST | Mumbai Desk
kana bantva

બહુ વિચાર કરો છો? મન શાંત નથી રહેતું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિચારવાયુ થઈ જાય છે? બહુ વિચારે ચડી જવાય છે? મન અશાંત રહે છે? ચિત્ત ક્યાંય ચોંટતું નથી? મનમાં ઉદ્વેગ રહે છે? તાણમાં રહો છો? ચિંતા રહે છે? નાનીઅમથી વાતમાં મન આળું થઈ જાય છે? તમારો જવાબ ‘હા’ હોય તો પણ બહુ ચિંતા કરવા જેવી નથી, થોડી કરવી અને જો તમારો જવાબ ‘ના’ હોય તો તમે અદ્ભુત વ્યક્તિ છો, સાધુ છો, પામી ગયા છો. તમારે હવે આગળ કશું વાંચવાની પણ જરૂર નથી. મનનું કામ છે વિચાર કરવાનું. મનનું કામ છે ચિંતા કરવાનું. મનનું કામ છે તમને સાવધાન કરવાનું. મનનું કામ છે ઍનૅલિસિસ કરવાનું એટલે મન વિચારે એ નૉર્મલ છે, વધુપડતું વિચારે એ ઍબ્નૉર્મલ છે. મન ચિંતા કરે એ જરૂરી છે, વધુપડતી ચિંતા કરે એ ચિંતાજનક છે. થોડું તાણ રહે એ નૉર્મલ છે, વધુપડતું તાણ ડિપ્રેશન તરફ દોરી જાય છે, હતાશા પેદા કરે છે. 

મન રાક્ષસ જેવું માલિક છે. સંપૂર્ણ દયારહિત, ક્રૂર. લાગણીશૂન્ય. મન તમારા પર એટલું જબરદસ્ત નિયંત્રણ રાખે છે, પકડી રાખે છે કે તમને લાગે કે મન છે તો જ તમે છો. મન વિચારે છે ત્યારે તમે કહો છો કે હું વિચારું છું. મન લલચાય છે ત્યારે તમે કહો છો કે હું લલચાઉં છું. મન આકર્ષાય છે ત્યારે તમને લાગે છે કે તમે આકર્ષાયા છો. મન તમારા પર એટલું હાવી થઈ ગયેલું હોય છે કે તમે પોતાને અને મનને અલગ જોઈ જ નથી શકતા. તમે એ ભેદ જ નથી કરી શકતા કે મન અલગ છે, તમે અલગ છો, શરીર અલગ છે. આ ત્રણ સ્તરો તમને દેખાતા જ નથી. શરીર, મન અને તમે એ ત્રણેય સ્તરોને એકસાથે જુઓ છો. જ્યાં સુધી મનને પૃથક કરીને જોઈ ન શકાય ત્યાં સુધી એની પકડમાંથી છૂટવાનો ઉપાય નથી. મન તમને એ પણ સ્વીકારવા દેતું નથી કે એ તેનું માલિક છે. તમે પણ નથી સ્વીકારી શકતા. તમે એવો દંભ કરો છો કે તમે માલિક છો અને મન તમારું ગુલામ છે. જ્યારે તમે ડાયાબિટીઝ છતાં મીઠાઈનો ટુકડો ખાવાની લાલચ રોકી શકતા નથી ત્યારે તમે મનના ગુલામ હોવાની સાબિતી આપો છો. જ્યારે તમે કોઈ સ્ત્રી કે પુરુષ તરફ ચોરીછૂપીથી પણ કામુક નજરે જોઈ લો છો ત્યારે સાબિતી આપો છો. જ્યારે તમે સવારે વહેલા ઊઠવાનો રાતે લીધેલો નિર્ણય બદલીને અલાર્મને બંધ કરીને ફરી રજાઈમાં ઘૂસી જાઓ છો ત્યારે સાબિતી આપો છો. જ્યારે તમે સિગારેટ પીઓ છો ત્યારે, જ્યારે તમે જે ન કરવા જેવું હતું અને તમે કરો છો, જે કરવા જેવું નથી કરતા એ દરેક બાબતમાં તમે સાબિતી આપો છો કે મન તમારું માલિક છે અને મન બહુ ક્રૂર માલિક છે. અત્યંત ઘાતકી, નિર્મમ, નિષ્ઠુર, નિર્દયી, કઠોર
 મનની નિર્દયતા તમે ક્યારેય નોંધી છે? જરા જેટલો પણ ખ્યાલ રાખશો તો ધ્યાનમાં આવી જ જશે. મન તમને સતત અપરાધભાવમાં રાખે છે, ભયમાં રાખે છે, દાબમાં રાખે છે. જેમ નિષ્ઠુર રાક્ષસ જેવો માલિક કોઈ ગુલામ પાસે આખો દિવસ મજૂરી કરાવે, જરા વિશ્રામ લેવાનો પ્રયત્ન પણ કરે તો કોરડા ફટકારે, ભોજન પણ અડધુંપડધું જ આપે, કપડાં પણ ન આપે, સાંજે તે જ ગુલામની ચામડી ચીરીને લોહી પીએ, ઉતરડીને માંસ ખાય પછી એ જ ઘામાં મીઠું ભભરાવે, મરચું ભભરાવે. મરવા પણ ન દે, જીવવા પણ ન દે. આવો રાક્ષસ જેવો માલિક પણ મન પાસે ટૂંકો પડે, મન એટલું નિર્દય છે. એ તમને ભોગ માટે લલચાવે છે. પોતે એમાંથી મજા લે છે અને પછી એનો ગુનો તમારા પર ઓઢાડી તમને ગિલ્ટી ફીલ કરાવે છે. તમને ડૉક્ટરે તળેલું ખાવાની મનાઈ કરી હોય તો પણ તમને ધરાર ગાંઠિયા–ભજિયાં તરફ ખેંચે છે, તમને મજબૂર કરે છે ખાવા માટે. ખાઓ છો ત્યારે સ્વાદની મજા પણ એ લે છે અને પછી, એ ફરસાણ ખાવા માટે પોતાની જાતને રોકી ન શક્યો એવો ટોણો મન જ સૌથી પહેલાં મારે છે. તમને અપરાધભાવથી ભરી દે છે. તમે ગમે એટલું નક્કી કરો કે દારૂને હાથ જ અડાડવો નથી. તમે સોગંદ ખાધા હોય, પત્નીએ અલ્ટિમેટમ આપી દીધું હોય, ડૉક્ટરોએ બીક બતાવી હોય કે હવે જો દારૂનું ટીપું પણ પીધું તો લિવર ખતમ થઈ જશે તો પણ મન તમને ધરાર દારૂ તરફ લઈ જાય છે. ક્યારેક ‌પિવડાવવામાં સફળ પણ થાય છે અને અંતે દોષનો ટોપલો તમારા પર ઢોળીને મન તમને આરોપી સાબિત કરી દે છે. પોતાના રંજન માટે, પોતાની મજા માટે, પોતાના સ્વાદ માટે, પોતાની વાસના માટે મન તમારો ઉપયોગ કરે છે માલિકની જેમ. મનોરંજન શબ્દ એટલા માટે જ બન્યો છે. તનોરંજન શબ્દ પ્રચલિત નથી, કારણ કે અંતે તો તનોરંજન પણ મનોરંજન જ છે. શરીરને જેમાં આનંદ આવે છે એવું આપણે માનીએ છીએ એમાં પણ ખરો આનંદ તો મનને જ આવે છે. વાસ્તવમાં આનંદ, સુખ, પીડા, સંતાપ, ઉદ્વેગ વગેરે મનને જ થતી અનુભૂતિઓ છે. જીભ જ્યારે સ્વાદનો આનંદ લે છે ત્યારે એ આનંદ મનમાં આવતો હોય છે, જીભમાં નહીં. જીભને તો તકલીફ થતી હોય છે. જાતીય સુખ માણવામાં આવે છે ત્યારે શરીરને તો થાક લાગે છે, મજા તો મનને આવે છે. શરીરના સ્તર પરની કોઈ પણ આનંદની અનુભૂતિ હકીકતમાં તો શરીરને પીડા છે, તકલીફ છે, પરંતુ મન માટે આનંદ છે.
મન ક્યારેય તૃપ્ત થતું નથી. ચાળણીમાં પાણી ભરી શકાય તો મન તૃપ્ત થાય. એ વધુ ને વધુ માગતું રહે છે. મન માગે મોર. તૃપ્ત ન થવું, સતત ચંચળ રહેવું, અસ્થિર રહેવું, ભરમાવતા રહેવું, ભય દેખાડતા રહેવું, શોષણ કરવું એ મનનાં સ્વભાવગત લક્ષણો છે. ભગવદ્ગીતામાં મનને અદ્ભુત રીતે સમજાવવામાં આવ્યું છે. ગીતા ધર્મગ્રંથ બાદમાં, માનસશાસ્ત્રનો ગ્રંથ પ્રથમ છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ૩૪મા શ્લોકમાં અર્જુન કૃષ્ણને પૂછે છે,
‘ચંચલ હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવદ દૃઢમ, તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ.’
અર્થાત્ મન બહુ જ ચંચળ, ઇન્દ્રિયોને મથી નાખનાર, વિહ્‍વળ બનાવી દેનાર, દૃઢ અને બળવાન છે. એનો નિગ્રહ કરવો એ પવનને રોકી રાખવા જેવું કઠિન કામ છે. આગળના જ શ્લોકમાં કૃષ્ણ પણ મનના આ બળને સમર્થન આપતાં કહે છે...
અસંશયં મહાબાહો મનો દુનિગ્રહં ચલમ,
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહયતે.
હે મહાબાહુ, એ વાતમાં સંશય નથી કે મન અતિચંચળ અને બહુ જ મુશ્કેલીથી નિયંત્રિત કરી શકાય એવું છે છતાં અભ્યાસ અને વૈરાગ્ય એમ બેવડા પ્રયત્નથી એને વશમાં કરી શકાય છે. આ જ અધ્યાયમાં અગાઉ ૨૪થી ૨૯મા શ્લોકમાં કૃષ્ણ મનને સ્થિર કેમ કરવું અને મન દ્વારા ઇન્દ્રિયોને કાબૂમાં કેમ રાખવી એ સમજાવે છે. મનને સ્થિર કરવા માટે વારંવાર એને પાછું વાળવું, જે નિમિત્તે બહાર નીકળી ગયું હોય એ એ નિમિત્તોમાંથી એને પાછું ખેંચી લેવું. આવું વારંવાર કરવાથી મનને વારી શકાશે, ટેવ પાડી શકાશે એવું કૃષ્ણએ કહ્યું છે.
આવું શક્તિશાળી મન બને છે કેવી રીતે? અને બધાનાં મન રાક્ષસમાલિક જેવાં જ હોય છે? મન સૉફ્ટવેર છે. ઍનૅલિસિસ માટેનું સૉફટવેર. મગજ હાર્ડવેર છે. મનનું ઍનૅલિસિસ માટેનું વ્યક્તિગત ઍલ્ગરિધમ વિકસે છે. દરેકનું મન અલગ-અલગ પ્રકારનું ઍલ્ગરિધમ વિકસાવે છે, પોતે વિકસે છે. જન્મથી જે અનુભવ, અનુભૂતિ થાય એ દરેકમાંથી મન બને છે, મન શીખે છે, મન પૃથક્કરણ કરે છે, ઍનૅલિસિસ કરે છે, પોતાને અપડેટ કરે છે, પોતાને બનાવે-વિકસાવે છે. નાનું બાળક જન્મે ત્યારે તેનું મન લગભગ કોરી પાટી જેવું હોય છે. તેનું જ્ઞાનશરીર જેકાંઈ સાથે લાવ્યું હોય એ પણ મન સાથે સીધું જોડાયેલું ત્યારે નથી હોતું. એ બાળકને જન્મતાવેંત વરુઓના ઝુંડમાં મૂકી દેવામાં આવે અને માદા વરુ તેને પોતાનાં બચ્ચાંઓની સાથે ઉછેરે તો એ બાળકને વરુઓના સંસ્કાર મળે, તેનું મન એવું બને, તે કાચું માંસ ખાવાનું પસંદ કરે, માણસની જેમ બોલવાને બદલે વરુની જેમ લાળી કરવાનું શીખે, નહોર મારતાં, બચકું ભરતાં, શિકાર કરતાં શીખે. જંગલબુકનો મોગલી જેના પરથી ઇન્સ્પાયર્ડ છે એ વરુબાળની સત્યઘટના એક નહીં, ઘણીબધી છે. અમલા અને કમલા નામની બે છોકરીઓની ઘટના ૧૯૨૦માં બની હતી. આ બન્ને છોકરીઓને વરુઓના ટોળાએ ઉછેરી હતી, તેનું વર્તન સાવ વરુ જેવું જ હતું, બન્નેને માણસ બનાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા અને એ સંઘર્ષમાં બન્ને મૃત્યુ પામી. માણસની જેમ જમતાં કે બોલતાં તો ન જ શીખી, કપડાં પહેરતાં પણ ન જ શીખી. આ ઘટનાઓ એ સમજાવે છે કે મન એના અનુભવોનું ઍનૅલિસિસ કહીને શીખે છે, બને છે અને વધુ ને વધુ વિસ્તૃત થતું જાય છે. મનને જેટલી વધુ માહિતી, જેટલા વધુ અનુભવ, જેટલી વધુ ટાસ્ક મળશે એટલું એ વિકસશે. જે આદિવાસીઓ હજી બહુ જ પારંપરિક જીવન જીવે છે તેની બુદ્ધિ, સમજણ અને મન એટલાં વિકસિત થયેલાં દેખાતાં નથી. મન છેક મૃત્યુ સુધી વિકસતું રહે છે. એ નવું-નવું મેળવતું જ રહે છે. જેને સારી બાબતો, સારા અનુભવો, સારી માહિતી, સારું શિક્ષણ, સારું વાતાવરણ મળ્યું હોય, સારા સંજોગો મળ્યા હોય તેનું મન વિધેયાત્મક બને એવી સંભાવના વધે. જેને ખરાબ વાતાવરણ, અનુભવ, સંસ્કાર, શિક્ષણ મળ્યાં હોય તેનું મન નકારાત્મક બનવાની શક્યતા વધુ. મન પોતે શીખતું રહે છે, સમજતું રહે છે, પોતે જ પોતાને બનાવે છે એટલે ખરાબ અનુભવોમાંથી પણ ઍનૅલિસિસ કરીને સારું શીખી શકવા સમર્થ છે. બહુ જ ખરાબ વાતાવરણમાં પણ મન સારું અને વિધેયાત્મક બની શકે, કારણ કે પરિસ્થિતિને મૂલવવાની, એને સમજવાની, એનાં પરિણામોનો અંદાજ માંડવાની, ભવિષ્યની અસરો સમજવાની એની શક્તિ છે. વાલિયો લૂંટારો વાલ્મીકિ બની શક્યો એની પાછળ તેનો ઉછેર નહીં, મનને યશ આપવો પડે, જવાબદાર ગણવું પડે. માણસે-માણસે મન અલગ હોય. તુંડે તુંડે મતિર્ભિન્ના.
આવા મથી નાખનાર, મહાશક્તિશાળી મન જો બહુ જ વિચાર કરતું હોય, ચિંતા કરતું હોય, તાણમાં હોય તો એ માંદું પડ્યું છે, ઇલાજ જરૂરી છે અને ઇલાજ તબીબો નહીં, તમે કરી શકો. મનનો ઇલાજ કરનાર માનસશાસ્ત્રીઓ પણ દરદીને માત્ર મદદ કરતા હોય છે, વિવિધ ટેક્નિક અને ટૂલ્સથી. સાજો તો દરદી પોતાની તાકાતથી જ થાય છે. મનને જો કાબૂમાં રાખવું હોય તો મનને ઓળખો. એને જાગ્રત રહીને જોતાં શીખો. જો તમે તમારા મનને અલગ પાડીને જોઈ શકશો તો તમને એના માલિક બનો એવી સંભાવના પેદા થશે. એને જોઈ શકશો એટલે અટકાવી શકશો, રોકી શકશો. રોકવાના આ અભ્યાસથી અંતે એને ટેવ પડશે અને એ તમારા નિયંત્રણમાં આવશે. જાગ્રત રહેવું એ સૌથી મહત્ત્વનું પગલું છે. ધ્યાન કરવું, શાંત રહેવું, આનંદમાં રહેવું એ બધું જ ત્યારે શક્ય બનશે જ્યારે તમે જાગ્રત હશો. તો, પ્રયત્ન કરો તમારા મનને તમારાથી અલગ પાડીને જોવાનો. પછી જુઓ, વિચાર કોણ કરે છે, ચિંતા કોણ કરે છે. મન એવ મનુષ્યાણાં કારણ બંધન મોક્ષયો: મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. આ વાત પછી ક્યારેક.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 05:17 PM IST | Mumbai Desk | kana bantva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK