દરદીને મળવા જાઓ ત્યારે ઍટલીસ્ટ તેની મુસીબતો વધે એવું તો નહીં જ કરતા

Published: 8th December, 2011 07:30 IST

કેટલાક લોકો જાત-જાતનાં સલાહસૂચનો અને ભયજનક સ્ટેટમેન્ટ્સ આપી બીમારને અને તેના પરિવારજનોને માથાનો દુખાવો થાય એવું વર્તન કરે છે. હવે કોઈ માંદા માણસને મળવા જાઓ ત્યારે આ ગાઇડલાઇન્સને અચૂક ફૉલો કરજો(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને લોકોનો સાથ ગમે છે. લોકો મળવા આવે, તેની સાથે વાતો કરે તો સારું લાગે છે અને હકીકત એ પણ છે કે સ્નેહીઓ, મિત્રોએ બીમાર સગાંને મળવા જવું જ જોઈએ; પણ કેટલાક સંબંધીઓ બીમાર વ્યક્તિને સારું લગાડવાને બદલે માથાનો દુખાવો બની જાય છે. દરદી અને તેના કુટુંબીજનોને પરેશાન કરી દે છે. આપણે જ્યારે માંદા માણસની ખબર પૂછવા જઈએ ત્યારે થોડી ઍટિકેટ ફૉલો કરવી જરૂરી છે.

માંદગીની તકલીફો

કોઈના પણ પરિવારમાં એક વ્યક્તિ માંદી પડે એટલે મહામુશ્કેલી ઊભી થાય. મુંબઈ જેવાં મોટાં શહેરોમાં જગ્યાનો અભાવ, સમયનો અભાવ, વિભક્ત કુટુંબને કારણે માણસોની કમી પણ સહેજે વર્તાય અને આર્થિક અકળામણ તો ખરી જ. વળી માંદી વ્યક્તિના કેટલાક ટેસ્ટ અને રર્પિોટ કરાવવા પડે. હેરાનગતિ દરદીને તો ખરી જ, પણ કુટુંબીજનોને પણ થાય. હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હોય તો સતત એક વ્યક્તિ દરદી સાથે તેની દેખભાળ માટે રહે એ જરૂરી હોય. વળી આજકાલ મોટા ભાગનાં નર્સિંગહોમમાં ચા-પાણી અને જમવાનું આપવામાં આવતાં નથી તેથી ઘરમાં એવી વ્યક્તિ હોવી જરૂરી છે કે જે દરદી માટે તેમ જ તેની સાથે રહેનાર માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી શકે. માંદગીના સમયે સગાં-સ્નેહી, મિત્રોનો સહકાર મળે તો માંદગીનો સમય આસાનીથી પસાર થઈ શકે છે અને દરદી ફરી તાજોમાજો થઈ શકે છે. થૅન્ક ગૉડ, શહેરોમાં પણ હજી એટલી તો સહૃદયતા સચવાઈ રહી છે કે સારા-માઠા પ્રસંગે, સાજે-માંદે લોકો એકબીજાને ત્યાં જાય છે.

લોકો શું કરે છે?

ઘણા લોકો બીમારની ખબર પૂછવા જાય ત્યારે કહે છે, ‘હાય-હાય, તમે તો કેટલા દૂબળા થઈ ગયા છો! બાપરે બાપ, તમારું વજન તો બહુ ઘટી ગયું છે. કોઈ મોટો રોગ તો નથી લાગુ પડ્યોને? કૅન્સર-બેન્સર તો નથીને? કોઈ મોટા સારા ડૉક્ટરને બતાવજો. મને તો તમને જોઈને લાગે છે કે તમને કોઈ ગંભીર બીમારી થઈ છે. સાચવજો બાપા. આજકાલ તો કેવા-કેવા રોગ થાય છે. પેલા સુરેશભાઈ તમારા જેવા જ થઈ ગયા હતા, પછી થોડા જ દિવસોમાં તેમના રામ રમી ગયા. સંભાળજો હોં. સાચું કહું છું.’

હવે એક તો માણસ બીમાર હોવાને કારણે ઑલરેડી લો ફીલ કરતો હોય કે ડિસ્ટર્બ હોય એમાં ખબર પૂછવા આવનાર આવી વાત કરીને તેને ગભરાવી જ મૂકે. ગભરામણને કારણે બીમાર વ્યક્તિ વધારે બીમાર થઈ જાય તો કેટલાક લોકો આવીને સલાહસૂચન આપવાનું શરૂ કરે છે, ‘તમે નારિયેળનું પાણી લો. મગનું પાણી પણ સારું.’ કોઈ વળી આયુર્વેદના નુસખા બતાવશે તો કોઈ હોમિયોપથીના નુસખા જણાવશે. કેટલાક લોકો દરદીના ઘરની વ્યક્તિને કહેશે, તમે આમ કરજો ને તેમ કરજો. સલાહસૂચનને કારણે ઘણી વાર દરદીને એવું લાગે છે કે આમ કરવું જોઈએ. પરિવારજનો એમ કરી શકે તેમ ન હોય અથવા તેમને એવી જરૂર લાગતી ન હોય તેથી ન કરે તો દરદીને ઓછું આવી જાય છે. તેને લાગે છે કે મારા ઘરના લોકો મારા માટે કંઈ કરવા તૈયાર નથી. ઘણા વળી આગોતરા ફોન કરીને જણાવે છે કે અમે આવીશું જેથી તેમના માટે નાસ્તા-પાણી તૈયાર રાખવામાં આવે. આવા મુલાકાતીઓને કારણે દરદી તેમ જ તેમના કુટુંબીજનોને રાહત થવાને બદલે તકલીફ વધે છે. કેટલાક લોકો તો વ્યવહાર નિભાવવા ફૉર્માલિટી ખાતર પોતાની હાજરી નોંધાવવા માટે જ આવતા હોય છે.

તો શું કરવું જોઈએ?

અમારાં એક સ્નેહી બહેન છે. તેમણે એક નિયમ રાખેલો છે કે કોઈના ઘેર માંદગીના ખબર પૂછવા જઈએ ત્યારે તેમને ત્યાં પાણીનો ગ્લાસ પણ નહીં લેવાનો. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એક તો ઘરમાં માંદગીને કારણે ઘરના લોકો પરેશાન હોય; ઉપરથી ખબર કાઢવા આવનાર લોકોને પાણી આપો, ચા બનાવો, નાસ્તો આપો... આવી બધી કડાકૂટ કરવી પડે તો તેમની મુશ્કેલીમાં કેટલો વધારો થાય? એને બદલે આપણે એવો નિયમ જ રાખ્યો હોય કે હું કંઈ લેતી નથી તો તેમને ફૉર્માલિટી કરવાની જરૂર જ ન પડે. તેમની એક મુશ્કેલી તો ઍટ લીસ્ટ આપણે ઓછી કરી શકીએ. અરે, મારાથી બની શકે તો થોડો સૂકો નાસ્તો બનાવીને પણ સાથે લેતી જાઉં છું જેથી તેમને કામ આવે.’

એક વાત તો નક્કી કે કોઈની ખબર પૂછવા જઈએ ત્યારે ત્યાં ખાવાપીવાની તો અપેક્ષા ન જ રાખવી. જો કોઈ સ્નેહી હૉસ્પિટલમાં હોય અને તમે ખબર પૂછવા જવાના હો ત્યારે ફોન કરીને જણાવી શકાય કે હું આવું છું તો દરદી અને તેની સાથે રહેનાર વ્યક્તિ માટેનું ટિફિન લઈને આવીશ. આમ કરવાથી દરદીના કુટુંબીજનોને રાહત લાગે છે. તમારી પાસે જો સમય હોય તો તમે

બે-ત્રણ કલાક દરદી પાસે બેસીને ઘરના લોકોને આરામ કરવા ઘેર મોકલી શકો છો. રાતના હૉસ્પિટલમાં સૂવા માટે પણ તમે એક-બે વાર કે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે જઈ શકો છો. આમ કરવાથી પરિવારજનોને મુશ્કેલીના સમયમાં સહારો મળી રહેશે. ફ્રૂટ, જૂસ, નારિયેળપાણી લઈ જઈ શકો છો.

જો દરદી વાત કરી શકે એમ હોય તો તેની સાથે તેના ગમતા વિષય પર વાત કરો. તેને સંગીત ગમતું હોય તો ગીતો ગાઓ. ભજન કે ધર્મ વિષયક રસ હોય તો એ પ્રમાણે ભજન, યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર કે ગીતાજીનો ૧૫મો અધ્યાય બોલો. દરદીને સારું લાગશે. દરદી સાથે હકારાત્મક વાત કરો. તેને કહો કે તમે જલદી સારા થઈ જવાના છો. પછી આપણે પિકનિક, પિક્ચર અને ડિનર માટે જઈશું. આવું કહેવાથી બીમાર વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તે જલદી સારો થઈ જશે. ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ કે તાજાં સરસ ફૂલો દરદીના મનને પ્રસન્નતાથી ભરી દેશે.

ખાસ ખ્યાલ રહે કે...

દરદીને મળવા જાઓ ત્યારે મોટે-મોટેથી વાત ન કરો. મુલાકાતના સમય દરમ્યાન જ જાઓ. જો ડૉક્ટરે દદીને આરામ કરવાની સલાહ આપી હોય અને તેને ડિસ્ટર્બ કરવાની ના પાડી હોય તો દરદીને મળવાનો અને તેની સાથે વાત કરવાનો આગ્રહ ન રાખતા. તે ગભરાઈ જાય એવી વાતો ન કરતા, બહુબધાં સલાહસૂચન ન આપતા. દરદીને અને તેના કુટુંબીજનોને સહાયકર્તા થાઓ, હકારાત્મક વાતો કરો. તેમને કહો કે કાલનો સૂરજ નવો દિવસ લઈને આવશે જે તમારા જીવનને રોશન કરશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK