અમે બચાવ્યાં મુંબઈનાં ફેફસાં : આદિત્ય ઠાકરે

Published: 15th October, 2020 07:37 IST | Ranjeet Jadhav | Mumbai

મેટ્રોનું કારશેડ કાંજુર માર્ગ ખસેડવાના નિર્ણયની જાહેરાત બાદ મિડ-ડેને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે લે છે આરે કૉલોનીને બચાવવાની ક્રેડિટ

આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરે

આરે કૉલોનીની ૮૦૦ એકર જમીનને ‘જંગલ’ જાહેર કરીને મેટ્રો-થ્રી પ્રોજેક્ટના કારશેડનું સ્થળ બદલીને કાંજુર માર્ગની પસંદગી કર્યા બાદ પહેલી વખત પર્યાવરણ અને પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ ‘મિડ-ડે’ને એક્સકલુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો. આદિત્યએ ઇન્ટરવ્યુમાં સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. મેટ્રો-થ્રી કારશેડ આરે કૉલોનીમાં બાંધવાનો નિર્ણય રદ કરીને કાંજુર માર્ગમાં બાંધવાના રાજ્ય સરકારના નિર્ણયના સમર્થનમાં અનેક બાબતો ઠાકરે (જુનિયર)એ જણાવી હતી. મેટ્રો-થ્રીના કારશેડના સ્થળ વિશે જનતાથી હકીકતો છુપાવવામાં આવી હોવાનો દાવો આદિત્ય ઠાકરેએ કર્યો હતો. આરે કૉલોની વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો કે કોઈ પણ પ્રકારનાં અતિક્રમણો ટાળવા માટે સમગ્ર વિસ્તારનું ડ્રૉન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે.

metro

16,000 એકરના મૅન્ગ્રોવ્ઝ ક્ષેત્રોને પણ જંગલ જાહેર કરવામાં આવશે

દરિયાકાંઠે જમીનનું ધોવાણ રોકવા સહિત પર્યાવરણના રક્ષણમાં અનેક દૃષ્ટિએ મહત્વપૂર્ણ સુંદરી વૃક્ષો એટલેકે મૅન્ગ્રોવ્ઝનાં રાજ્યમાંના ૧૬,૦૦૦ એકરના ક્ષેત્રોના પણ જંગલ તરીકે વર્ગીકરણની યોજના ઘડાતી હોવાનું પણ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. પ્રસ્તુત છે તેમની સાથે સંવાદના અંશરૂપ પ્રશ્નોત્તરી.

પ્રશ્નઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનાએ જો સત્તા પર આવે તો આરે કૉલોનીને જંગલ જાહેર કરવાનું વચન આપ્યું હતું. એ વચનના સંદર્ભમાં શું કહેશો?

ઉત્તરઃ એ બાબત પક્ષ તરીકે શિવસેનાની અને વ્યક્તિ તરીકે ઉધ્ધવ ઠાકરેની વચનપૂર્તિ કરવાની કટિબધ્ધતા અને પ્રતિબધ્ધતા દર્શાવે છે. આરે કૉલોનીમાં મેટ્રો-થ્રીનો કારશેડ બાંધવાનો વિષય કોઈ એક રાજકીય પક્ષનો બીજા રાજકીય પક્ષ સામેનો મુદ્દો નહોતો. તેમાં ક્યારેય રાજકારણ નહોતું. એ સ્વચ્છ આબોહવામાં જીવવાના નાગરિકોના અધિકારનો વિષય હતો. મેટ્રો-થ્રીના કારશેડનું સ્થળ આરે કૉલોનીથી કાંજૂર માર્ગ લઈ જઈને અમે મુંબઈના હરિયાળા પટ્ટા- મહાનગરના ફેફસાંને બચાવ્યા છે.

પ્રશ્નઃ કેટલાક લોકો આરે કૉલોનીમાં રહેતા આદિવાસીઓમાં એવી અફવા ફેલાવે છે કે કૉલોનીને જંગલ જાહેર કરાયા પછી પરંપરાગત નિવાસોમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવશે. એ બાબતમાં ખરેખર શી સ્થિતિ છે?

ઉત્તરઃ આરે કૉલોનીને જંગલ જાહેર કરવા અને મેટ્રો-થ્રીના કારશેડનું સ્થળ બદલવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, એ દિવસથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આદિવાસીઓના અધિકારોના રક્ષણની પ્રતિબધ્ધતા સ્પષ્ટ રીતે જણાવી છે. આદિવાસીઓના અધિકારો ઇન્ડિયન ફોરેસ્ટ્સ ઍક્ટ હેઠળ રક્ષિત છે. તેથી આરે કૉલોનીની જંગલ ક્ષેત્ર તરીકે જાહેરાતને આદિવાસીઓએ વધાવી લીધી હતી. લોકોએ ઉજવણી કરી હતી. એ સમાચાર સાંભળ્યા પછી સ્થાનિક આદિવાસીઓએ તેમના વિસ્તારના ભગદેવના મંદિરમાં પૂજા કરી હતી. સરકારનો હેતુ સારો હોવાનું આદિવાસીઓ સમજી ગયા છે.

પ્રશ્નઃ આરે કૉલોનીની વાત કરો ત્યારે તમે લુનાનો ઉલ્લેખ કરો છો, એ શું છે?

ઉત્તરઃ જે રીતે શહેરના નાગરિક તરીકે મને સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છ ઊર્જા મેળવવાનો અધિકાર છે એ રીતે પશુઓને પણ છે. જંગલમાં વસતાં પ્રાણીઓને એમના પર્યાવરણમાં જીવવાનો અધિકાર છે. આરે કૉલોનીમાં વૃક્ષો કપાવાની વેદના ઉપરાંત જંગલનાં પ્રાણીઓના આશ્રય છીનવાઈ જવાની પણ વેદના રહે છે. લુના એક માદા દીપડાનું નામ છે. એ માદા દીપડા કે દીપડીએ આઠ-નવ બચ્ચાંને જન્મ આપ્યો છે. એની વાત જાણીને મને લુના તથા અન્ય દીપડા-દીપડીનાં ઘર બચાવવાની પ્રેરણા મળી છે. કૅમેરા ટૅપ્સમાં લુના તથા અન્ય વન્ય જીવો કાર ડેપોના સ્થળની આસપાસ ફરતાં જોવા મળ્યાં છે. મારા ભાઈ તેજસે લુનાની કેટલીક તસવીરો લીધી છે. હવે અમે કાર ડેપોની જગ્યાની ભરણી કરીને ત્યાં ફરી વૈજ્ઞાનિક રીતે વિકસાવીને હરિયાળી-વૃક્ષવેલાની સ્થાપના કરીશું. કારણ કે એમાંની અમુક જગ્યા પર ચોમાસામાં મીઠી નદીનું પાણી ફરી વળે છે.

પ્રશ્નઃ મુંબઈ, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) અને સમગ્ર મહારાષ્ટ્રમાં મૅન્ગ્રોવ્ઝ માટે તમારી શી યોજના છે?

ઉત્તરઃ અમ૧૬,૦૦૦ એકર મૅન્ગ્રોવ્ઝની જમીનની તારવણી કરી છે. એ જગ્યાઓનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. બે કે ત્રણ મહિનામાં એ જગ્યાઓને મૅન્ગ્રોવ્ઝ ફૉરેસ્ટ જાહેર કરવાની શક્યતા છે. એ બાબતે મેં મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ અને રત્નાગિરિ જિલ્લાઓના કલેક્ટર્સ સાથે વાતચીત કરી છે. અમે નવી મુંબઈમાં જળગ્રાહી જમીન-વેટલૅન્ડના રક્ષણની પણ યોજના ઘડી રહ્યા છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK