૧૦૦ આટલા દિવસથી ઘરે, ઘરે અને માત્ર ઘરે જ રહ્યા છે આ લોકો

Published: Jun 29, 2020, 13:35 IST | Ruchita Shah | Mumbai

હરવા-ફરવાના, ખાવા-પીવાના શોખીન ગુજરાતીઓ સમય આવ્યે શિસ્તમાં પણ રહી શકે છે. આજે કેટલાક એવાં ગુજરાતી ભાઈઓ અને બહેનોને મળીએ જેઓ લૉકડાઉન હટ્યા પછી હજીયે સેલ્ફ- લૉકડાઉનમાં છે.

બાવીસ માર્ચ જનતા કરફ્યુ પછી આજ દિવસ સુધી જેમણે ઘરની બહાર પગ નથી મૂક્યો એવા લૉકડાઉનને સોએ સો ટકા પ્રામાણિક રહેનારા લોકો પણ છે.
બાવીસ માર્ચ જનતા કરફ્યુ પછી આજ દિવસ સુધી જેમણે ઘરની બહાર પગ નથી મૂક્યો એવા લૉકડાઉનને સોએ સો ટકા પ્રામાણિક રહેનારા લોકો પણ છે.

હરવા-ફરવાના, ખાવા-પીવાના શોખીન ગુજરાતીઓ સમય આવ્યે શિસ્તમાં પણ રહી શકે છે. આજે કેટલાક એવાં  ગુજરાતી ભાઈઓ અને બહેનોને મળીએ જેઓ લૉકડાઉન હટ્યા પછી હજીયે સેલ્ફ- લૉકડાઉનમાં છે. કોવિડ પહેલાં ઘરમાં જેમનો પગ નહોતો રહેતો એવા લોકોએ ઘરની બહાર નીકળ્યા વિના પણ મોજથી રહી શકાય એની સુંદર વ્યવસ્થા કરી લીધી છે. બાવીસ માર્ચ જનતા કરફ્યુ પછી આજ દિવસ સુધી જેમણે ઘરની બહાર પગ નથી મૂક્યો એવા લૉકડાઉનને સોએ સો ટકા પ્રામાણિક રહેનારા લોકો પણ છે. જીવનમાં પહેલી વાર આવેલા લૉકડાઉને લોકોને ઘણીબધી નવી બાબતો શીખવી દીધી. જૉકે હવે ઑફિશ્યલી લૉકડાઉન ઊઠી ગયાને પણ લગભગ મહિનો થવા આવ્યો છતાં પોતાની મરજીથી એનું પાલન કરી રહેલા લોકોના વિચારો જાણવા જેવા છે. કોરોનાના કેસમાં સતત ઉછાળો જ નોંધાઈ રહ્યો છે ત્યારે ટેક્નિકલી લૉકડાઉનની જરૂરિયાત હજી પણ છે એવું આ લોકો માને છે અને સેલ્ફ-ડિસિપ્લિનના લેવલ પર આ માન્યતાનું પાલન કરે છે. સરકારે ભલે આર્થિક કારણોસર લૉકડાઉનમાં હળવાશ આપી છે, પરંતુ આ લોકો આ છૂટછાટ વિશે શું વિચારે છે એ જાણીએ.

જેમનો મોટા ભાગનો સમય ઘરની બહાર જતો હતો એ બહેન છેલ્લા સાડાત્રણ મહિનાથી ઘરને જ દુનિયા બનાવીને ખુશ છે.

people
સેન્ટ્રલ માટુંગામાં રહેતાં ચંદન છેડા ૬૦ વર્ષનાં છે. તેમની દીકરી અને દીકરીની નાની દીકરી પણ તેમની સાથે રહે છે. બ્યુટિશ્યન તરીકે ચંદનબહેન ઍક્ટિવ હતાં અને ખાસ્સો એવો સમય ઘરની બહાર જ પસાર થતો હતો પરંતુ લૉકડાઉન શરૂ થયા પછી ઘરની બહાર તેમણે પગ નથી મૂક્યો. તેઓ કહે છે, ‘ઘરનાં કામ, રસોઈ, ઘરમાં વૉકિંગ અને યોગ આટલું હું જાતે કરી લઉં છું. સાડાત્રણ મહિનામાં ઘરની બહાર નથી નીકળી, પણ એમ કંઈ બહારની દુનિયાને મિસ નથી કરતી. કંઈક જરૂરિયાત હોય તો બાજુમાં જ રહેતી બીજી દીકરી અને જમાઈ લાવી આપે છે એટલે મારે બહાર નથી જવું પડતું. નાની દીકરી અને તેની દીકરી સાથે ઘણો સમય પસાર થઈ રહ્યો છે. અત્યારે ઘરમાં રહેવાનો જુદો અનુભવ રહ્યો છે. બહાર જવાનું મન થાય છે, પરંતુ જરૂર નથી એટલે નથી જતાં. આજે જ્યારે બધી બાજુથી માહોલ સંકટનો છે ત્યારે બહાર ગયા વિના રહી નથી ગયા. બહુ જ જરૂરી હોય અને તમારા બહાર ગયા વિના દુનિયા અટકી પડવાની હોય કે તમારા જીવનમાં ખરેખર કંઈક ખૂટી જવાનું હોય તો બહાર નીકળવું પડે. પરંતુ એ સ્થિતિ ન હોય તો બહાર ન નીકળવું એ મારી પોતાના માટેની, મારા પરિવાર માટેની અને મારા પાડોશી પ્રત્યેની જવાબદારી છે.’

હજી એક મહિના સુધી ઘરે રહેવું પડે તો પણ મારી તૈયારી છે

people
સાયનમાં રહેતા સુનીલ જોબલિયા માટે લૉકડાઉનના દિવસો હજી લાંબા ચાલે તો તેમને જરાય વાંધો નથી. એવું નથી કે તેમને ઘરમાં રહેવાની આદત છે. કોવિડ-19 પહેલાં તેઓ મોટા ભાગનો સમય ઘરની બહાર જ પસાર કરતા હતા. જોકે સમય સાથે બદલાય એ જ માણસ એમ જણાવીને તેઓ કહે છે, ‘બજાર ચાલુ થઈ ગયાં છે. મારું લોખંડનું કામકાજ છે પણ હું મારું કામ ઘરે રહીને કરું છું. સવારથી સાંજ ઘરનાં કામ, રોજ એક હજાર ડગલાં ઘરમાં જ ચાલવાનું, વચ્ચે સમય મળે ત્યારે ધાર્મિક પ્રવચનો અને ગીતો સાંભળવાનાં અને સાંજે પૌત્રી સાથે સમય પસાર કરવાનો. છેલ્લા સાડાત્રણ મહિનાથી આ જ મારું રૂટીન છે. બહારની દુનિયાને મિસ કરું છું પરંતુ એ મારા પર હાવી નથી થવા દેતો. ઘરમાં હું પણ સુરક્ષિત છું અને મારી સાથેના પરિવારજનો પણ સુરક્ષિત છે. અમે ઘણા જલસા કરીએ છીએ. પરિવાર કેટલો મહત્ત્વનો છે અને તેમની સાથે પણ કેવી મજા આવે આ આ દિવસોમાં મહેસૂસ કર્યું છે. ૬૦ વર્ષના જીવનમાં મેં આટલોબધો સમય ઘરે ક્યારેય પસાર નથી કર્યો, પણ અત્યારે આ સમયનો કોઈ અફસોસ પણ નથી. ઇન ફૅક્ટ, હજી પણ જો મુંબઈમાં સ્થિતિ કાબૂમાં ન આવે તો વધુ એક મહિનો ઘરે રહેવાની મારી તૈયારી છે. અત્યારે તો પહેલી જુલાઈથી કામ પર જવાનું વિચાર્યું છે પણ એ બધું જ આવનારા સંજોગો પર આધાર રાખે છે. ધર્મને આટલો સમય આપી શકાય છે એની પણ ખુશી છે.’

ઑનલાઇન કન્સલ્ટેશન શક્ય છે તો પછી બહાર નીકળવાની જરૂર શું છે?

people
મલબાર હિલમાં રહેતા ડૉ. દિલીપ શાહ બાવીસ માર્ચથી આજ સુધી ઘરમાં છે. ખાવાપીવાનો સામાન ઘરે આવી જાય છે અને તેમણે પોતાના ઘરમાં જ રહેતા હાઉસહેલ્પરને પણ બહાર જવા નથી દીધો. ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. દિલીપ કહે છે, ‘આટલું ઘરમાં હું ક્યારેય નથી રહ્યો. સવારે આઠથી રાતે આઠ સુધી બહાર રહેનારો હું હવે બધાં જ કામ ઘરેથી કરું છું. ઘરે રહીને ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ઘણા વેબિનાર કન્ડક્ટ કર્યા. જુનિયર ડૉક્ટરો માટે ટ્રેઇનિંગ સેશન્સ રાખેલા. એ સિવાય રોજના ચારથી પાંચ પેશન્ટને ઑનલાઇન કન્સલ્ટેશન આપું છું. ઇમર્જન્સી હોય તો જુનિયર ડૉક્ટરને સમજાવીને સર્જરી માટે સમજાવી દઉં છું. અત્યારે ૬૫ વર્ષની ઉંમરના લોકોને બહાર જવાનું અલાઉડ નથી. એ વાતને મેં નખશિખ પાળી છે. મારો એક મિત્ર ઘરની બહાર નીકળતો હતો રોજ સવારે મૉર્નિંગ વૉક માટે. મેં તેને સમજાવ્યો કે તારા એકના કારણે ઘરમાં રહેતા તારા ૯૩ વર્ષના પપ્પા કે છ મહિનાની પૌત્રીને કંઈ પ્રૉબ્લેમ થશે તો તને ચાલશે? છેલ્લે તે સમજી ગયો. લૉકડાઉનમાં એક મિનિટનો સમય અમે બોર નથી થયા. મ્યુઝિક, કીબોર્ડમાં સારો એવો સમય પસાર થઈ રહ્યો છે. ઘરમાં જ રહીને વૉક કરું છું. પ્રામાણિકતાથી કહું છું કે અત્યારે ભલે લૉકડાઉન હળવું થયું હોય પણ કોરોના હળવો નથી થયો. ઘરમાં રહીને આપણે બીજા પર નહીં પણ પહેલાં તો આપણી જાત પર ઉપકાર કરીએ છીએ.’

કોરોના વાઈરસ ક્યારે જશે એની રાહ જોઉં છું, પણ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું ઘરમાં છું

people
દહિસરમાં રહેતાં દર્શના ઓઝા, તેમનાં સાસુ અને તેમની સાડાત્રણ વર્ષની દીકરી પણ છેલ્લા સાડાત્રણ મહિનાથી ઘરે જ છે. ઑફિશ્યલી લૉકડાઉન ખૂલ્યા પછી તેના હસબન્ડનું કામ શરૂ થયું છે એટલે તેઓ હવે એકાંતરે બહાર જાય છે. દર્શના કહે છે, ‘મારે કે મારાં સાસુને બહાર જવું નથી પડતું અને જરૂર હોય તો પણ જે બહાર જાય છે તેમની પાસે સામાન મંગાવીને અમે અવૉઇડ કરીએ છીએ. મેં જોયું છે કે લૉકડાઉનમાં પણ કેટલાક લોકો માત્ર ટહેલવાના આશયથી શાક કે કરિયાણું લેવા નીકળી પડતા હતા. મને ખરેખર આ વાતની સખત નવાઈ લાગે છે કે શું જરૂર છે? તમે તમારા ઘરમાં મોજથી બેઠા છો. બહાર ખતરો છે એટલે જ ના પાડવામાં આવી છે. તમે તમારો અને તમારી આસપાસના સેંકડો લોકોનો જીવ જોખમમાં મૂકો એનો કોઈ અધિકાર તમને નથી. એવું નથી કે મને બહાર જવાની ઇચ્છા જ નથી થતી. મને પણ રાઉન્ડ મારી આવું કે બહાર શું ચાલે છે એ જોઈ આવું એવું લાગે, પણ એવું જોખમ મારે લેવું નથી. મારાં સાસુ ઉંમરલાયક છે અને દીકરી નાની છે. એ લોકોને કોઈ પણ સમસ્યા તરત લાગી શકે એવી મને ખબર હોય પછી પણ હું બહાર નીકળું તો મૂર્ખામી ગણાય. પિરિસ્થિતિ કાબૂમાં આવશે ત્યારે બહાર જવાનું જ છે. ત્યારે કોણ રોકવાનું છે? પણ અત્યારે તો આપણે આપણું ધ્યાન બરાબર રાખવું અનિવાર્ય છે. ઘરે રહીને પણ ફૅમિલી બૉન્ડિંગ વધ્યું છે. દીકરી સાથે બધાએ જ અકલ્પનીય ફૅમિલી ટાઇમ સ્પેન્ડ કર્યો છે. પરિવારના બધા સભ્યો મારી દીકરીનાં રમકડાં અને તેની સાથે રમ્યા છે. જે સમય આવે એમાં આપણો મનગમતો સમય શોધી લેવો એમાં જ આપણી સ્માર્ટનેસ ગણાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK