Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ વડીલો આપે છે એકબીજાને આધ્યાત્મિક ટાસ્ક

આ વડીલો આપે છે એકબીજાને આધ્યાત્મિક ટાસ્ક

13 May, 2020 10:48 PM IST | Mumbai
Varsha Chitalia

આ વડીલો આપે છે એકબીજાને આધ્યાત્મિક ટાસ્ક

જ્યારથી પઠન અને કીર્તન શરૂ કર્યાં છે ત્યારથી કોરોનાનો ભય ભાગી ગયો છે.

જ્યારથી પઠન અને કીર્તન શરૂ કર્યાં છે ત્યારથી કોરોનાનો ભય ભાગી ગયો છે.


લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી સોશ્યલ મીડિયાના ગ્રુપમાં સાડી-ચૅલેન્જ, કુકિંગ, ડાન્સ જેવા ટાસ્ક આપવામાં આવી રહ્યા છે. કોઈ પણ રીતે સૌ એકબીજા સાથે જોડાયેલા રહે અને આનંદ અનુભવે એવા તમામ પ્રયાસો થઈ રહ્યાં છે. સિનિયર સિટિઝન્સ પણ આ પ્રકારની પ્રવૃત્તિથી ખાસ્સા પ્રભાવિત થયા છે. જોકે તેમના દ્વારા આપવામાં આવતા ટાસ્કનો હેતુ જરા જુદો છે. ભજન મંડળી અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મુંબઈના અનેક વડીલો એકબીજાને આધ્યાત્મિક ટાસ્ક આપે છે. તેમનું માનવું છે કે સામૂહિક રીતે કરવામાં આવતી ભક્તિ અને મંત્રોચ્ચારના વાઇબ્રેશનના પ્રભાવથી તમે સ્વસ્થતા અનુભવો છો

સાંઈબાબાના ભક્તે મને પ્રેરણા 



આપી - મીનાક્ષી ભટ્ટ, કાંદિવલી


જ્યારથી લૉકડાઉન આવ્યું છે મહિલાઓમાં જુદા-જુદા ટાસ્ક ચાલે છે. કુકિંગ અને સાડી-ચૅલેન્જમાં બધી મહિલાઓ હરખભેર ભાગ લે છે. અમે કંઈક જુદું અને અંતરને આનંદ મળે એવું કરવા માગતાં હતાં. વાસ્તવમાં આ વિચાર મારી સોસાયટીમાં રહેતાં મહારાષ્ટ્રીયન બહેન સોનલ બોડખેને આવ્યો હતો. તેમણે ૫૩ મહિલાઓના ગ્રુપને ગુરુવારે સવારે આઠથી નવ દરમિયાન સાંઈ સત્ચરિત્ર પારાયણ વાંચવાની પહેલ કરી હતી. બધાને જુદા-જુદા નંબરના ત્રણ-ત્રણ અધ્યાય આપવામાં આવ્યા હતા. એ માટે પ્રૉપર તૈયારી કરી હતી. દરેક મહિલાએ ભગવાનને સામગ્રી ધરવાની અને અધ્યાય વાંચ્યા બાદ આરતી પણ ઉતારવાની. ટાસ્ક પૂર્ણ કરવા ટોટલ એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બધાએ વૉટ્સઍપ પર ફોટો અને વિડિયો અપલોડ કર્યા. મારી પાસે આ પુસ્તક નહોતું, પરંતુ ભાગ લેવાની પ્રબળ ઇચ્છા હતી. તેમના સૂચન પ્રમાણે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી ત્રણ અધ્યાય વાંચ્યા પછી બહુ આનંદ થયો. મારા મતે આ સ્પર્ધા નથી, આસ્થા છે. આ પ્રકારની સામૂહિક ભક્તિથી પાવર મળે છે. કોરોનાના કારણે આવતા નકારાત્મક વિચારોથી તમે દૂર રહો છો. એ પછી બીજી મહિલાઓ સાથે મળીને ઓખાહરણ વાંચ્યું. જલારામ બાપાનાં ભજનો ગાયાં હતાં. હવે દૈવી ભાગવત વાંચીએ છીએ. અમારું મહિલા વૃંદ વૉટ્સઍપ પર જે ગેમ્સ રમે એમાં પણ ભજન-કીર્તન અને ભગવાનનાં નામ લખવાની સ્પર્ધા હોય. આમ કોઈ પણ રીતે અમે ઘરમાં રહીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં રહીએ છીએ.

કળિયુગમાં નામ સ્મરણમાં પણ ખૂબ પાવર છે - માલિની પંડ્યા, બોરીવલી


રામ-કૃષ્ણ મંડળની અમે ત્રીસ બહેનો પ્રસંગોપાત્ત સત્સંગ કરવા જઈએ છીએ.
ભજન-કીતર્ન અને નવધા ભક્તિ અમારા જીવનનો ધ્યેય છે, પરંતુ હાલમાં સંજોગવશાત બહાર જઈ શકતાં નથી. પરમાત્માની મરજી વગર પાંદડુંય હલતું નથી એ સ્વીકારી પરિસ્થિતિને અનુકૂળ થવું પડે. શ્રવણ, કીર્તન અને સ્મરણ માટે તમારે બહાર જવાની જરૂર નથી. અમારું ફોકસ નામ સ્મરણ છે. આવતી કાલે બહેનોએ શું કરવાનું છે એની સૂચના આગલા દિવસે આપી દઈએ. દાખલા તરીકે રામનામનું સ્મરણ કરવાનું હોય તો રામ-રામ એક, રામ-રામ બે... એમ ૧૦૮ વાર સ્મરણ કરે એટલે બે માળા થઈ જાય. આવી રીતે પ્રભુનાં વિવિધ નામોનું સ્મરણ કરવાનો ટાસ્ક આપીએ છીએ. આ ઉપરાંત એકાદશી કે પૂનમ હોય ત્યારે નિયમ પ્રમાણે (બહાર આ ટાઇમે સત્સંગ માટે જઈએ છીએ) ત્રણ વાગે એટલે બધાં પોતાના ઘરે
ભજન-કીર્તન કરે. કીર્તન કરતી વખતે ભૂતકાળમાં દ્વારકા, પંઢરપુર, રામદેવડા જેવાં યાત્રા સ્થળોએ લીધેલા રસાસ્વાદને ફરીથી માણવાનો અનુભવ કરો તો આનંદ આવે. આ મંડળના તમામ ટાસ્ક સનાતન ધર્મને અનુસરીને કરવાના હોય છે. આ સિવાય હું મલાડના ગોપાલ મંડળની પણ મેમ્બર છું. અહીં યમુનાષ્ટકના પાઠ થાય છે. આવનારા સમયમાં દેશમાં આર્થિક કટોકટી આવશે અને એની અસર આપણા સૌના જીવન પર પડવાની છે. હવે કદાચ સત્સંગ પાછળ ખર્ચ કોઈ કરશે નહીં. સામૂહિક ભક્તિ ન થઈ શકે તો ઘરમાં કરો. આ માટેની માનસિક તૈયારી આ ટાસ્ક દ્વારા કેળવી રહ્યાં છીએ.

ચિત્તને પ્રસન્ન કરવાનો
ટાસ્ક - સ્મિતા શાહ, વડાલા

એક ઉંમર પછી ચિત્તને પ્રસન્ન રાખવા તમારે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવું જ જોઈએ. એમાંય અત્યારે વિશ્વની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિએ રિલૅક્સેશન માટે ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું જોઈએ. મેં જૈનીઝમનો ઊંડો અભ્યાસ કર્યો છે. ધર્મને લગતા કાર્યક્રમોમાં સાથે સતત જોડાયેલી રહું છું. લૉકડાઉનના આ પિરિયડમાં બહાર જઈ શકાતું નથી. અમે ડૉક્ટર અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિત દસ સિનિયર સિટિઝનો જીવવિચાર, નવતત્ત્વ, દંડક પ્રકરણ, કર્મગ્રંથ જેવા વિષયો ભણીએ છીએ. ઝૂમ ઍપના માધ્યમથી ગ્રંથોના પ્રકરણ વિશે ટાસ્ક આપવામાં આવે છે. બધાએ ચાર્ટ પણ તૈયાર કરવાના હોય છે. આ ટાસ્ક આપવાનો હેતુ એટલો કે બધા અંતરદૃષ્ટિ કેળવે. અત્યાર સુધી આપણે જે કરતાં આવ્યા છીએ એમાં બાહ્ય અનુષ્ઠાનો હતાં. હવે આત્માની સાચી ઓળખ અને સ્વને મળવાની આપણને તક મળી છે. આ ઓળખ માટે નિયિમિત સાધનાની આવશ્યકતા છે. સૌથી પહેલાં ચિત્તને શાંત કરવું પડે. ટાસ્કની પહેલી શરત એ કે ૧૦થી ૧૫ મિનિટ કંઈ જ ન કરવું, ફક્ત શાંત બેસી રહેવું. ધ્યાન પ્રક્રિયા દ્વારા દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો. દરેક ધર્મના સિદ્ધાંતમાં ધ્યાન મુખ્ય છે. જીવનને ધર્મમય બનાવવા આ પ્રકારના મેડિટેશનની જરૂર પડે છે. આમ કરવાથી તમે આશાવાદી બનો છો. કોરોનાના ભય સાથે દરદીઓની સારવાર કરનારા અમારા ગ્રુપના ડૉક્ટરને એનો સુંદર અનુભવ થયો હોવાનું તેમણે કબૂલ્યું હતું. આ ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.

સામૂહિક મંત્રોચ્ચારનો પ્રભાવ પડે - જયશ્રી દવે, અંધેરી

સામૂહિક મંત્રોચ્ચાર અને જાપમાં ખૂબ જ શક્તિ હોવાનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ અનુસાર તન-મન-ધનથી પૂજા-પાઠ અને પુણ્યનાં કામો કરતી જ હોય છે. આ તો આપણા સંસ્કારો છે, પરંતુ સામૂહિક ઉચ્ચારણો સમસ્ત વાતાવરણને પ્રભાવિત કરે છે. જ્યારે ૧૨૦ મહિલાઓ એકસાથે ઉચ્ચારણ કરે ત્યારે એના વાઇબ્રેશનનો પ્રભાવ પડે જ પડે. હું ટોળક બ્રાહ્મણ મહિલા મંડળની વાઇસ પ્રેસિડન્ટ છું. બોરીવલીથી વરલીના વિસ્તારમાં રહેતી મહિલાઓ મળીને આખું વર્ષ જયાપાર્વતી, ગૌરીવ્રત, માતા કી ચૌકી જેવા ધાર્મિક પ્રોગ્રામો અને સામાજિક કાર્ય કરતી રહે છે. લૉકડાઉનના કારણે અમારી પ્રવૃત્તિ પર બ્રેક લાગી ગઈ. જોકે ઇન્ટરનેટના યુગમાં ઘેરબેઠાં બધું જ કરી શકાય છે. દુનિયામાંથી કષ્ટ દૂર થાય એવી ભાવના સાથે સોમવારથી શનિવાર સાંજે સાત વાગ્યે અનુક્રમે શિવ મહિમા સ્તોત્ર, ગણપતિ અથર્વશીર્ષ, ભગવદ્ગીતાનો પંદરમો અધ્યાય, દત્ત બાવની, શ્રી સુક્તમ સ્તોત્ર અને હનુમાન ચાલીસા વાંચીએ છીએ. રવિવારે સવારે ઘરના પુરુષો અમારી સાથે જોડાય છે. તેઓ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે.
આમ આખું અઠવાડિયું કોઈ ને કોઈ  પ્રવૃતિ ચાલતી રહે છે. કોરોના અને લૉકડાઉનથી હવે બધા કંટાળ્યા છે. ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન વધતાં જાય છે. ઘરમાં ને ઘરમાં તમે એકબીજા સાથે કેટલા કલાકો વાતો કરી શકો? જ્યારથી પઠન અને કીર્તન શરૂ કર્યાં છે ત્યારથી કોરોનાનો ભય ભાગી ગયો છે. પૉઝિટિવ વાઇબ્રેશનથી અમે સાસુ-વહુ રિલૅક્સ ફીલ કરીએ છીએ.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2020 10:48 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK