મખમલ કે રિશ્તોં કો હી હિફાઝત કી જરૂરત હૈ કભી ખદ્દર કે કપડોં મેં કોઈ અસ્તર નહીં લગતા!

Published: 19th October, 2020 23:05 IST | Pravin Solanki | Mumbai

બનાવની રાતે ઘરમાં ચાર જ જણ હતા. ચારમાંથી બેનાં ખૂન થયાં. વળી ભોગ બનનાર વ્યક્તિઓમાં એક સ્ત્રી અને એક પુરુષ! એટલે પ્રેમકહાની નક્કી થઈ જાય.

આરુષીની લાશ બેડરૂમમાં છે અને નોકર હેમરાજ ગાયબ છે, એટલે  સ્વાભાવિક  રીતે  તેના તરફ તકાયેલી શંકાની સોય શ્રદ્ધા બની ગઈ.
આરુષીની લાશ બેડરૂમમાં છે અને નોકર હેમરાજ ગાયબ છે, એટલે સ્વાભાવિક રીતે તેના તરફ તકાયેલી શંકાની સોય શ્રદ્ધા બની ગઈ.

આરુષીની લાશ બેડરૂમમાં છે અને નોકર હેમરાજ ગાયબ છે, એટલે સ્વાભાવિક રીતે તેના તરફ તકાયેલી શંકાની સોય શ્રદ્ધા બની ગઈ. નોએડા પોલીસે સત્વર હેમરાજને શોધવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં! હેમરાજ નેપાલનો હતો એટલે એક ટુકડી નેપાલ રવાના કરવામાં આવી, પરંતુ પોલીસને ઝાઝી મહેનત ન કરવી પડી. બીજા જ દિવસે હેમરાજની લાશ મળી એટલે શ્રદ્ધા રહસ્યમાં પલટાઈ ગઈ. વળી હેમરાજની લાશ મળી, પણ ક્યાંથી? ડૉક્ટર તલવારના ફ્લૅટની ટેરેસ પરથી. એક ઘર, બબ્બે લાશ! આરુષીની હત્યા માટે હેમરાજ પર શંકા હતી, પણ હવે હેમરાજની હત્યાનું શું?
સતત પાંચ દિવસની તપાસ પછી નોએડા પોલીસે ડૉક્ટર તલવારની ધરપકડ કરી. નોએડા પોલીસની થિયરી બહુ સ્પષ્ટ હતી. તેઓએ એકદમ શૉર્ટકટ લીધો હતો, જે તર્કસંગત પણ હતો. બનાવની રાતે ઘરમાં ચાર જ જણ હતા. ચારમાંથી બેનાં ખૂન થયાં. વળી ભોગ બનનાર વ્યક્તિઓમાં એક સ્ત્રી અને એક પુરુષ! એટલે પ્રેમકહાની નક્કી થઈ જાય. ઉપરાંત રાતે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી ઘરમાંથી કોઈ ન બહાર નીકળવાનાં કે બહારની વ્યક્તિ અંદર આવ્યાના કોઈ પુરાવા પણ નહોતા.
રાજેશ તલવારની ગિરફ્તારી બાદ લોકોનો આક્રોશ જાગી ઊઠ્યો. એક પિતા પોતાના સંતાનની હત્યા કરે જ નહીં એવી અતાર્કિક દલીલનો વાયરો વંટોળ બની ગયો. લોકજુવાળ કઈ દિશામાં ઢળશે એ જાણવું બહુ મુશ્કેલ છે. ભૂતકાળમાં એવા અસંખ્ય દાખલા બન્યા છે જેમાં પિતાએ પુત્રની, પુત્રએ પિતાની, ભાઈએ ભાઈની હત્યા કરી હોય! સંબંધનું સરનામું જોઈને હત્યા નથી થતી.
લોકલાગણી ક્યારેક ઘેટા જેવી બની જાય છે; દોરો ત્યાં દોરાય, હાંકો ત્યાં હંકાય! ટોળામાં તમીજ કરતાં તમાશો વધુ હોય છે. લોકલાગણી સામે એ સમયનાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતી ઝૂકી ગયાં અને ૨૦૦૮ની ૧ જૂને તપાસ સીબીઆઇને સોંપી દીધી.
આરુષીના કેસમાં ત્રણ તપાસ-એજન્સીઓ સંકળાયેલી હતી, નોએડા પોલીસ અને સીબીઆઇની બે ટીમ. નોએડા પોલીસની થિયરી આપણે જોઈ. હવે સીબીઆઇની પહેલી ટીમે કોથળામાંથી જે બિલાડું કાઢ્યું એની વાત કરીએ...
સીબીઆઇની પહેલી ટીમના બે ઑફિસરોએ તપાસ શરૂ કરી. એમાં એક નવો ફણગો ફૂટ્યો. આ ટીમે બીજા ત્રણ શકમંદોને ઝડપ્યા. ડૉ. રાજેશ તલવારના કમ્પાઉન્ડર ક્રિષ્ના અને તેના બે મિત્રો રાજકુમાર અને વિજય મંડળ.
સીબીઆઇની આ ટીમની વાર્તા કહો તો વાર્તા કે થિયરી કહો તો થિયરી એ હતી કે આ ત્રણેય હેમરાજના મિત્રો હતા, ગાઢ મિત્રો. બનાવની રાતે આ ચંડાળ ચોકડીએ હેમરાજની રૂમમાં પાર્ટી કરી હતી. પાર્ટીમાં ક્રિષ્નાએ ખૂબ દારૂ ઢીંચ્યો હતો, રાજકુમાર અને વિજયે પણ. અચાનક ક્રિષ્નામાં રહેલો ચંડાળ જાગ્યો. રાજકુમાર અને વિજયને પણ ઉશ્કેર્યા, આરુષી સાથે કુકર્મ કરવા. હેમરાજે એનો વિરોધ કર્યો! આરુષીની રૂમમાં જ ચારેય વચ્ચે રકઝક થઈ, મારઝૂડ થઈ. એક પક્ષમાં હેમરાજ અને આરુષી અને બીજા પક્ષમાં આ ત્રણેય. ઝપાઝપીમાં આરુષી અને હેમરાજનું ખૂન થઈ ગયું! ઇતિ સિદ્ધમ!
સીબીઆઇની વાર્તા કે તર્ક તો મજબૂત હતો, પણ એ વાર્તાને ટેકો આપી શકે એવા કોઈ મજબૂત પુરાવા ભેગા ન કરી શકી કે ન ચાર્જશીટ દાખલ કરી શકી. એટલે અદાલતે ત્રણેયને જામીન પર છોડી દીધા. હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. આને કારણે રાજેશ તલવાર પણ જામીન પર છૂટી ગયા.
ફરીથી લોકોમાં હોંકારા-દેકારા શરૂ થયા. આ તે કઈ જાતની તપાસ અને કઈ જાતના કાયદા? ૨૦૦૯ની ૧૦ સપ્ટેમ્બરે સીબીઆઇની બીજી ટીમ નિયુક્ત કરવાની સરકારને ફરજ પડી.
બીજી ટીમે તપાસ કરી અદાલતમાં પોતાની જે વાત રજૂ કરી એમાં અને નોએડા પોલીસે કરેલી તપાસમાં થોડુંઘણું સામ્ય હતું. બીજી ટીમની તપાસ પ્રમાણે ૧૫ મેની રાતે કે ૧૬ મેની વહેલી સવારે એટલે કે રાતે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ ડૉક્ટર રાજેશ તલવાર ડ્રૉઇંગરૂમમાં વાઇન પીતાં-પીતાં કમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા. અચાનક તેમને કંઈક અવાજ સંભળાયો. હેમરાજની રૂમમાં કોઈક બેત્રણ માણસો વાત કરતા હોય એવો ભાસ થયો. ઊઠીને તેઓ હેમરાજની રૂમ પાસે ગયા, પણ આ શું? હેમરાજની રૂમનો દરવાજો તો ખુલ્લો હતો. અંદર જોયું તો કોઈ નહોતું. તેઓ કંઈ વિચારે એ પહેલાં ફરી અવાજનો ભાસ થયો, તેઓ ઝડપથી આરુષીની રૂમ તરફ ગયા.
સામાન્ય રીતે આરુષી અંદરથી દરવાજો લૉક કરીને સૂતી હોય છે, પરંતુ ડૉ. તલવારે આજે દરવાજો થોડો ખુલ્લો જોયો. હળવેકથી હડસેલીને અંદર જોયું તો ધબકારો ચૂકી ગયા! શું જોયું ડૉ. તલવારે?
આરુષી અને હેમરાજ કઢંગી હાલતમાં, અસ્તવ્યસ્ત પડ્યાં હતાં અને એ પણ દરવાજો ખુલ્લો રાખીને. એ દૃશ્ય જોઈને ડૉ. તલવારના રોમરોમ સળગી ઊઠ્યા. શું કરવું અને શું ન કરવું એની સમજ ન પડી. અચાનક તેઓ પોતાની રૂમમાં ગયા અને ત્યાંથી પોતાની ગૉલ્ફ-સ્ટિક લીધી. તેઓ નોએડા ગૉલ્ફ કલબના સભ્ય હતા અને અવારનવાર ગૉલ્ફ રમવા જતા.
આરુષીની રૂમમાં આવીને ડૉ. તલવારે પોતાનામાં હતી એટલી પ્રચંડ તાકાતથી હેમરાજના માથા પર પ્રહાર કર્યો! હેમરાજે બેબાકળા બનીને ચીસ પાડી. તેઓ બીજો ઘા કરવા ગયા ત્યાં હેમરાજ પડખું ફરીને ઢળી પડ્યો અને બીજો ઘા આરુષીને વાગ્યો. આરુષી પણ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગઈ. ડૉ. તલવારે બન્ને ઘા પૂરેપૂરી તાકાતથી કર્યા હતા. બન્ને નિષ્ચેતન થઈ ગયાં!
એ દરમ્યાન ધાંધલ-ધમાલ સાંભળીને નૂપુર જાગી ગઈ. બહાર આવીને જુએ છે તો ડૉ. તલવાર પરસેવે રેબઝેબ છે. તેના હાથમાં ગૉલ્ફ-સ્ટિક છે. નૂપુર આરુષીની રૂમનું દૃશ્ય જોતાં ખળભળી ઊઠે છે. ડૉક્ટર ત્રુટક-ત્રુટક શબ્દોમાં તેને બધું સમજાવે છે. બન્ને સ્વસ્થ બને છે અને આગળ શું કરવું, આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું એનો પ્લાન વિચારે છે.
સીબીઆઇએ આ બધું વર્ણન અદાલતમાં કર્યું હતું. હવે પછીનું વિધાન સીબીઆઇએ કર્યું એ કાયદાની દૃષ્ટિએ બહુ વિચારવા જેવું છે. ડૉ. તલવારે આરુષી અને હેમરાજને કઢંગી હાલતમાં જોયા પછી જે કર્યું એ ઉશ્કેરાટ, ક્રોધ કે આવેશમાં લેવાયેલું આકસ્મિક પગલું હતું! જી આકસ્મિક! જે ઘડીએ જે સૂઝ્‍‍યું એ કર્યું! સંજોગોએ કરાવ્યું! કોઈ પૂર્વઆયોજિત પ્લાન કે યોજના નહોતાં, પરંતુ ત્યાર બાદ ડૉક્ટરે અને નૂપુરે જે કર્યું, પુરાવા નષ્ટ કરવા કે છુપાવવાની યોજના ઘડી એ આકસ્મિક નહીં, પણ પૂર્વનિર્ધારિત, બુદ્ધિપૂર્વકની ચાલ પુરવાર થઈ. શું કર્યું બન્નેએ?
ઘરમાં એક જ બેડ પર બે લાશ પડી હતી. બીકનાં માર્યાં તેઓ મર્યાં છે કે જીવે છે એની ચોક્કસ ખાતરી કરવાનું પણ ન સૂઝ્‍યું કે ન હિંમત ચાલી. પતિ-પત્નીએ માની લીધું કે બન્ને મરી ગયાં છે. હવે? હવે બન્ને પુરાવા મિટાવવાની યોજના ઘડે છે. ગુનો કરવો એ તો અપરાધ છે જ, પરંતુ પુરાવા મિટાવવા કે છુપાવવા એ પણ અપરાધ જ છે.
યોજના મુજબ સૌથી પહેલું કામ હેમરાજની ડેડ-બૉડીને આરુષીની રૂમમાંથી હટાવવાનું કર્યું. બન્નેએ પલંગ પરની બેડશીટમાં જ લપેટીને એ ડેડ-બૉડીને ઘરની ટેરેસ પર ઢસડીને લઈ ગયા. ટેરેસના એક ખૂણામાં બગડેલું એક કૂલર પડ્યું હતું એમાં ડેડ-બૉડી રાખીને કૂલરની પૅનલ ઢાંકી દીધી.
માનસશાસ્ત્રીઓના મત મુજબ અપરાધ કર્યા પછી તત્કાલ અપરાધીના મગજમાં સૌથી પહેલો એક જ વિચાર આવે છે કે અપરાધ છુપાવવાની કોઈ કડી (લૂપહોલ) રહી તો નથી ગઈને? એ મુજબ ડૉ. તલવારને અચાનક એક વિચાર આવતાં તેઓ ચમકી ગયા, ‘આ બન્ને મૃત્યુ પામ્યાં છે એમ માની લીધું છે, ખાતરી તો કરી જ નથી, કદાચ જીવતાં રહી ગયાં હોય તો?’

ડૉ. તલવાર રઘવાયા બનીને પોતાના બેડરૂમમાં ગયા. ત્યાંથી એક સર્જિકલ બ્લૅડ લીધી, ડૉક્ટર હતાને! એ બ્લૅડથી ટેરેસ પર જઈને હેમરાજના ગળા પર કાપો મૂકીને શંકાનું સમાધાન કરી લીધું. પછી આરુષી પણ કેમ બાકી રહે? આપણને વાત સાંભળતાં પણ અરેરાટી છૂટી જાય છે તો તલવારે પુત્રીના ગળા પર આવો ઘાતકી પ્રહાર કઈ રીતે કર્યો હશે? અહીં પણ માનસશાસ્ત્ર છે. ઉશ્કેરાટમાં થઈ ગયેલા કૃત્ય પછી ગુનાને ઢાંકવા અપરાધી કોઈ પણ હદે જઈ શકે છે.
ડૉ. તલવાર હવે એકદમ સક્રિય થઈ ગયા. એક તાળું લઈને ટેરેસ પર ગયા. ટેરેસના દરવાજા પર તાળું મારીને પાછા નીચે આવ્યા. બીજી તરફ નૂપુરે આરુષીનાં કપડાં બદલાવ્યાં, બેડ સાફ કર્યો, આજુબાજુની થોડી ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત કરી. ડૉ. તલવારે પણ કપડાં બદલ્યાં.
આરુષીનાં લોહીવાળાં કપડાં, બેડશીટ, ડૉ. તલવારના અપરાધ સમયે પહેરેલાં કપડાં, ગૉલ્ફ-સ્ટિક, સર્જિકલ બ્લેડ વગેરે બધાં જ નાના-મોટા પુરાવા એક કપડામાં વીંટાળે છે. એ સમયે રાતે બે વાગ્યા હતા. ડૉ. તલવાર ખૂબ જ સાવધાનીથી કોઈ જોઈ ન જાય એની તકેદારી રાખીને પુરાવા નષ્ટ કરવા બહાર નીકળે છે. જતાં-જતાં નૂપુરને કહે છે કે હું પાછો આવું ત્યાં સુધી સંભાળી લેજે. નુપૂર સંભાળી શકી? ડૉ. તલવાર પાછા આવ્યા? છેલ્લે!
કેટલીક સત્યકથાઓ રહસ્યક્થાઓ કરતાં પણ વધારે રંગીન અને સંગીન હોય છે. આપણને સૌને ક્યારેક ને ક્યારેક અનુભવ થયો જ હોય છે કે કલ્પના કરતાં હકીકત વધારે ચમત્કારિક લાગી હોય, આરુષી મર્ડરકેસ એમાંનો એક છે. આ કથામાં વાર્તા છે, વાતાવરણ છે, પાત્રો છે, ઘટના છે, ચડાવ-ઉતાર છે, નથી ફક્ત અંત. કેમ? આવતા સપ્તાહે...

સમાપન
આપણા કાયદા પર કટાક્ષ કરતી એક ટચૂકડી વ્યંગકથા
જંગલમાં એક ભેંસ ભુરાઈ થઈને આમતેમ દોડીને ક્યાંક છુપાવાનો પ્રયત્ન કરે છે. સામે મળતાં એક વાંદરો પૂછે છે, ‘ભેંસ-મૅડમ, આમ કેમ ભાગાભાગી કરો છો?’ ભેંસે કહ્યું, ‘બ્રો બંદર, જંગલમાં પોલીસ એક હાથીને પકડવા આવી છે એટલે ક્યાંક સંતાવા ફાંફાં મારું છું.’ વાંદરાએ કહ્યું, ‘તમે ક્યાં હાથી છો?’ ભેંસે બહુ સૂચક જવાબ આપ્યો, ‘હું ને તું જાણીએ છીએ કે હું ભેંસ છું, પણ પકડાયા પછી હું હાથી નથી, ભેંસ છું એ પુરવાર કરવામાં ૧૫-૧૭ વર્ષ નીકળી જશે. મારે જોખમ નથી લેવું.’
શબ્દો કો કહાં પતા હૈ
અર્થોં કો ક્યા ક્યા સહના હૈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK