જ્યારે મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી!

Published: 23rd January, 2021 12:59 IST | Deepak Mehta | Mumbai

સર ફ્રેડરિક ટ્રીવ્સ નામના વિશ્વપ્રવાસી ડૉક્ટરના પુસ્તક ધ અધર સાઇડ ઑફ ધ લૅન્ટર્નમાં મુંબઈના રસ્તાનું વર્ણન છે એમાં ક્યાંય સ્ટ્રીટ લાઇટનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ચાંદનીમાં નહાતી સડકનું તેમણે જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે

ચાંદની રાતે સૂતેલું મુંબઈ
ચાંદની રાતે સૂતેલું મુંબઈ

સાંકડી શેરી. એની બન્ને બાજુ મકાનોની હાર. મકાનો જાણે એકબીજાના ખભા પર ઢળી પડ્યાં હોય એવાં. ચાંદી જેવી ચમકતી ચાંદની પહેલાં એ મકાનોનાં છાપરાં પર પડતી હતી, ત્યાંથી ઢળીને કોતરણીવાળી લાકડાની બારીઓને આરસની બનાવી દેતી હતી. ત્યાંથી લપસીને ઘરના વરંડામાં રેલાતી હતી. મકાનના ગરીબડા છાપરાને, કમાનોને, ભીંતોને, ઊબડખાબડ ફર્શને ચાંદનીનો સ્પર્શ રળિયાત કરતો હતો અને પછી ખાડા-ખડિયાવાળા રસ્તા પર શીતળ અજવાળાના જળના ખાબોચિયાની જેમ ઠરતી હતી. દુકાનો બધી બંધ હતી અને અંધારાનો કામળો ઓઢીને ઊંઘતી હતી, પણ કોઈક-કોઈક દુકાનની બહાર આવેલા કાળા પથ્થરના ઓટલાને ચાંદની અજવાળતી હતી. આછા અજવાળામાં એક બાજુ ભાંગેલો બાંકડો તો બીજી બાજુ બંધ બારણું તો વળી ક્યાંક ચક્રાકાર પગથિયાં જાણે કહી રહ્યાં હતાં : અમે પણ અહીં છીએ હોં! અને રસ્તાની ધાર પર, બન્ને બાજુ આખું શરીર – મોઢું સુધ્ધાં – ચાદરમાં લપેટીને માણસો હારબંધ સૂતા હતા, જાણે ઇજિપ્તથી આણેલાં મમીને લાઇનબંધ ગોઠવ્યાં ન હોય! ઉનાળાના અસહ્ય બફારામાં ઘરની અંદર સૂવું મુશ્કેલ એટલે ઘણાખરા પુરુષો આ રીતે રસ્તા પર જ સૂતા.’

કહી શકશો, આ વર્ણન કયા ગામડાનું હશે? ના, જી. આ કોઈ ગામડાનું નહીં, મુંબઈ શહેરનું વર્ણન છે. સર ફ્રેડરિક ટ્રીવ્સ નામના વિશ્વપ્રવાસી ડૉક્ટરના પુસ્તક ‘ધ અધર સાઇડ ઑફ ધ લૅન્ટર્ન’માં તેમણે મુંબઈની મુલાકાત વિશે લખ્યું છે એમાં આ વર્ણન કર્યું છે. એક વાત તરફ ધ્યાન ગયું? મુંબઈના રસ્તાનું વર્ણન છે, ચાંદનીની વાત છે પણ ક્યાંય સ્ટ્રીટ લાઇટનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ચાંદનીમાં નહાતી સડકનું તેમણે જે વર્ણન કર્યું છે એ સ્ટ્રીટ લાઇટ હોય તો શક્ય જ નથી. આજે તો વરસને વચલે દિવસે બે-ચાર કલાક માટે વિજળી ગુલ થઈ જાય તો હોહા થઈ જાય છે અને એ માટે જવાબદાર કોણ એની ચર્ચા દિવસો સુધી ચાલે છે. પણ એક વખત એવો હતો કે મુંબઈ જેવા મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી! એટલે તો એ વખતે લગન હોય કે સભા, ભાષણ કે બીજો કોઈ કાર્યક્રમ હોય, એ બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થઈ છ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો જેથી લોકો અંધારું થતાં પહેલાં ઘરે પહોંચી શકે. ૧૮૬૫ પહેલાં મુંબઈમાં અડીખમ કિલ્લો ઊભો હતો. એના ત્રણ દરવાજા – અપોલો ગેટ, ચર્ચગેટ અને બજાર ગેટ. અને આ ત્રણે દરવાજા રોજ સાંજે સાત વાગ્યે બંધ થઈ જતા. સવારના સાત વાગ્યે ખૂલે. કિલ્લામાંથી બહાર ગયા હો અને સાત પહેલાં ન પહોંચ્યા તો આખી રાત કિલ્લાની બહાર ગાળવી પડે. એ વખતે જાહેર કાર્યક્રમો, ભાષણો, સભાઓ યોજી શકાય એવું એક જ સ્થળ, ટાઉન હૉલ. પણ ત્યાંનો દરેક કાર્યક્રમ બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થાય અને સાડાછ પહેલાં પૂરો થાય જ; જેથી કિલ્લાની બહારથી આવેલા લોકો વખતસર જઈ શકે.

બીજી વાત : વીસમી સદી પહેલાં બંધાયેલાં જાહેર મકાનો જુઓ. વી.ટી. સ્ટેશન હોય કે  મ્યુનિસિપાલિટીનું મકાન હોય, રાજાબાઈ ટાવરમાં આવેલી લાઇબ્રેરી હોય કે બૉમ્બે હાઈ કોર્ટ હોય, આ બધાં મકાનોમાં બે વાત ધ્યાન ખેંચે : એક, ઘણીબધી બારીઓ અને બે, આજના કરતાં ઘણી વધુ ઊંચી સીલિંગ કહેતાં છત. શા માટે? આ મકાનો બંધાયાં ત્યારે વીજળી નહોતી મુંબઈમાં. એટલે આ મકાનોમાં એ વખતે લાઇટ નહોતી, પંખા નહોતા, એસી અને લિફ્ટની તો કલ્પના પણ નહોતી. આજે વીજળીથી ચાલતી જે અનેક સગવડો આપણે માટે સ્વાભાવિક થઈ ગઈ છે એમાંની એક પણ એ વખતે નહોતી. એટલે કુદરતી હવા-ઉજાસ મકાનની અંદર બને એટલાં વધુ આવે એ માટે પુષ્કળ બારીઓ. અને ગરમી ઓછી લાગે માટે ઊંચી-ઊંચી સીલિંગ. આજનાં ખોખાં જેવાં મકાનો ત્યારે બાંધ્યાં હોત તો એમાં લોકો ગૂંગળાઈ મર્યા હોત. આજે તો બારી હોય તોય બંધ અને પડદાથી ઢાંકેલી હોય. ત્યારે પડદાને બદલે સ્ટેન્ડ ગ્લાસ વપરાતા – મકાનની શોભા વધારે અને અજવાળાને અંદર આવવા દે. અને હા, બારીઓ સામસામે હોય – ક્રૉસ વેન્ટિલેશન માટે.

***

સાલ ૧૮૩૪. મહિનો માર્ચ. તારીખ દસ. છેલ્લા બે-ત્રણ દિવસથી માઝગાંવમાં આવેલા શેઠ અરદેશર ખરશેદજીના બંગલોમાં સતત દોડધામ ચાલી રહી છે. બંગલો અને એની આસપાસનો બગીચો શણગારાઈ રહ્યા છે. મુંબઈમાં અગાઉ કોઈએ જોઈ ન હોય એવી વસ્તુઓ ત્યાં ગોઠવાઈ રહી છે. મુંબઈમાં વહાણ બાંધવાની પહેલ કરનાર લવજી વાડિયાના કુટુંબના નબીરા અરદેશર ખરશેદજીનો ધંધો પણ વહાણો બનાવવાનો. માઝગાંવમાં મોટા બંગલોમાં રહે. દસમી તારીખની સાંજે તો કેટલાય મહેમાનો એક પછી એક આવવા લાગ્યા. બંગલોની બહાર પાલખીઓ અને ઘોડાગાડીની ભીડ જામી ગઈ. બધાનાં મોઢાં પર આતુરતા હતી. અરદેશર શેઠ અને બીજા થોડા અગ્રણીઓ હાથમાં હારતોરા લઈને કમ્પાઉન્ડની બહાર ઊભા હતા. બંગલોની બહાર લોકોની એટલી તો ભીડ હતી કે ચાર ઘોડાવાળી શાહી બગીને બંગલો સુધી પહોંચતાં ઘણી મુશ્કેલી પડી. છેવટે બગી આવી પહોંચી અને એમાંથી નામદાર ગવર્નર જૉન ફિટગિબોન દમામપૂર્વક ઊતર્યા. હારતોરા સ્વીકાર્યા પછી લાલ જાજમ પર ચાલીને બંગલોમાં દાખલ થયા. હાજર રહેલા સૌ ઊભા થયા અને ‘ગૉડ સેવ ધ ક્વીન’ ગવાયા પછી બધા બેઠા. ગવર્નર સાહેબ તેમને માટેના ખાસ સોનેરી સિંહાસન પાર બિરાજમાન થયા અને અરદેશર શેઠ બે મિનિટ માટે અલોપ થઈ ગયા.

બે મિનિટ પછી તેમનો આખો બંગલો અને એની આસપાસનો બગીચો ગૅસ-લાઇટની રંગબેરંગી રોશનીથી ઝળાંહળાં થઈ ગયો. પણ કઈ રીતે? અરદેશર શેઠે કોલસો બાળીને એમાંથી ગૅસ બનાવવાનો એક નાનકડો પ્લાન્ટ પોતાના ઘરમાં જ નાખ્યો હતો અને એ દિવસે એ ગૅસથી પોતાના બંગલોને અને બગીચાને ઝાકઝમાળ કર્યા. મુંબઈ શહેરમાં પહેલી વાર આ દિવસે ગૅસના દીવાનું અજવાળું પથરાયું હતું. હાજર રહેલા સૌએ તાળીઓના ગડગડાટથી અરદેશર શેઠને અને બંગલોની રોશનીને વધાવી લીધાં. નામદાર ગવર્નરે અરદેશર શેઠને ખાસ પોશાક ભેટ આપ્યો. જતી વખતે ગવર્નરે અરદેશર શેઠને હળવેકથી

પૂછ્યું : આજે અહીં જે થયું એ આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે?

પોતાના કામકાજને કારણે અરદેશર શેઠ

દેશ-વિદેશમાં ફરતા રહેતા અને ત્યાં જે કંઈ નવું જુએ એ સાથે લેતા આવતા. આ રીતે સૌથી પહેલો સીવવાનો સંચો તેઓ જ મુંબઈમાં લાવ્યા હતા. એવી જ રીતે સૌથી પહેલો કૅમેરા લાવનાર પણ એવણ જ. પોતાના બંગલો નજીકના એક જાહેર બગીચામાં તેમણે પોતાને ખર્ચે ફુવારો મુકાવ્યો હતો જેને ચલાવવા માટે તેમણે પોતે સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. માત્ર ૩૩ વરસની ઉંમરે તેઓ ૧૮૪૧માં રૉયલ સોસાયટી ઑફ લંડનના ફેલો બન્યા હતા. આ માન મેળવનાર તેઓ પહેલા હિન્દી હતા. એ પછી ૭૫ વરસે બીજા એક હિન્દી એસ. રામાનુજનને આ માન મળ્યું હતું.

અરદેશર શેઠનો જન્મ ૧૮૦૮ના ઑક્ટોબરની છઠ્ઠી તારીખે. શરૂઆતથી જ વાડિયા કુટુંબ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે શઢવાળાં વહાણો મુંબઈમાં બાંધતું હતું. ગ્રેટ બ્રિટનમાં પણ એ વહાણો વખણાતાં હતાં. પણ પછી સ્ટીમ એન્જિનની શોધ થઈ અને ૧૮૧૨ પછી શઢવાળાં વહાણોની જગ્યાએ સ્ટીમશિપ કે સ્ટીમર આવી. થોડો વખત વાડિયા કુટુંબના ધંધામાં ઓટ આવી. ૧૮૨૨માં ૧૪ વરસની ઉંમરે અરદેશર પિતાના મદદનીશ તરીકે કંપનીમાં જોડાયા. પણ પછી તેમણે સ્ટીમ એન્જિનનો હુનર હાથવગો કરીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું અને વાડિયા કુટુંબ ફરી આગળ આવ્યું. ૧૮૩૮માં ગ્રેટ બ્રિટન જઈને ત્યાં એક વરસ રહેવા માટે તેમણે સરકારની પરવાનગી માગી. એ મળી એટલું જ નહીં, મુસાફરીના ભાડા પેટે ૬૦૦ રૂપિયા આપવાનું પણ સરકારે ઠરાવ્યું, પણ અણધારી માંદગીને કારણે એ વરસે તો તેઓ જઈ ન શક્યા. પણ બીજા વરસે ગાંઠના એક હજાર રૂપિયા ખરચીને ૧૮૩૯ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે તેઓ ગ્રેટ બ્રિટન જવા સ્ટીમરમાં રવાના થયા. અરદેશર શેઠ ચુસ્ત પારસી હતા એટલે પારસી રસોઇયા સિવાય બીજા કોઈના હાથનું રાંધેલું ખાતા નહીં. એટલે પોતાની સાથે પારસી રસોઇયાને પણ લઈ ગયેલા. પારસી રિવાજ પ્રમાણે તેઓ કાયમ માથે ટોપી પહેરવાના આગ્રહી હતા. લંડનમાં એક વાર એક પારસી યુવક મળવા આવ્યો, પણ તેણે ટોપી પહેરી નહોતી એટલે અરદેશર શેઠે તેને મળવાની ના પાડી દીધી.

સુએઝ સુધી સ્ટીમરમાં ગયા પછી બાકીનો પ્રવાસ તેમણે જમીન રસ્તે પૂરો કર્યો. લંડન પહોંચીને પહેલું કામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચૅરમૅન અને સેક્રેટરીની મુલાકાત લેવાનું કર્યું. ૧૮૪૦ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે રાણી વિક્ટોરિયાનાં લગ્ન થયાં ત્યારે એમાં હાજર રહેવાનું નોતરું તેમને અપાયું હતું એટલું જ નહીં, એ જ વરસના જુલાઈની પહેલી તારીખે તેમણે રાણીની સત્તાવાર મુલાકાત લીધી હતી. એક વરસ સુધી સ્ટીમર બાંધવાનો પુષ્કળ અનુભવ મેળવ્યો. તેમણે બ્રિટન છોડ્યું એ પહેલાં જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની નિમણૂક મહિને ૬૦૦ રૂપિયાના પગારે મુંબઈની સ્ટીમર ફૅક્ટરીના ચીફ એન્જિનિયર ઍન્ડ ઇન્સ્પેક્ટર ઑફ મશીનરીના હોદ્દા પર કરી. ત્યાં એકસો જેટલા અંગ્રેજ એન્જિનિયરો તેમના હાથ નીચે કામ કરતા હતા. ગ્રેટ બ્રિટનની મુસાફરી અને ત્યાંના એક વરસના વસવાટ દરમ્યાન થયેલા અનુભવોને વર્ણવતું પુસ્તક તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું જે ૧૮૪૦માં લંડનથી પ્રગટ થયું હતું. તેનું લાંબું લચક નામ હતું : ‘ડાયરી ઑફ ઍન ઓવરલૅન્ડ જર્ની ફ્રૉમ બૉમ્બે ટુ ઇંગ્લૅન્ડ ઍન્ડ ઑફ અ યર્સ રેસિડન્સ ઇન ગ્રેટ બ્રિટન, લંડન.’

૧૮૫૧માં તેઓ બીજી વાર ગ્રેટ બ્રિટન ગયા અને ત્યાંથી ગયા અમેરિકા. ત્યાં તેમણે લાકડાં કાપવાનાં મશીન જોયાં તે ખરીદીને મુંબઈ મોકલ્યાં. ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે અરદેશર શેઠ નોકરીમાંથી નિવૃત્ત થયા. લાંબી કારકીર્દી દરમ્યાન તેમના વ્યવસાયના કેટલાક લોકો અરદેશર શેઠના વિરોધી બન્યા હતા. વળી ગ્રેટ બ્રિટનની મુસાફરી દરમ્યાન તેમને એક બ્રિટિશ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમનાં પારસી પત્ની આવાંબાઈ હયાત હતાં એટલે એ સ્ત્રી સાથે અરદેશર શેઠે લગ્ન કર્યાં નહોતાં, પણ એ બન્નેનાં બે સંતાનોનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે તેમના સમાજે અરદેશર શેઠનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે નિવૃત્તિ પછી તેઓ ગ્રેટ બ્રિટન જઈ રિચમન્ડમાં સ્થાયી થયા હતા. ૧૮૭૭ના નવેમ્બરની ૧૬મી તારીખે ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૯૬૯માં તેમના માનમાં ભારત સરકારે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

અરદેશર શેઠના બંગલોની ગૅસ લાઇટની રોશની જોઈને ૧૮૩૪માં મુંબઈના ગવર્નરે પૂછેલું કે આવી રોશની આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? એ પછી બરાબર દસ વરસે મુંબઈને પહેલી વાર સ્ટ્રીટ લાઇટ મળી. ૧૮૪૩માં કેટલાક મુખ્ય રસ્તાઓ પર દીવા મુકાયા, પણ ગૅસથી ચાલતા નહીં; કેરોસીન કહેતાં ઘાસલેટ કહેતાં રાકેલથી સળગતા દીવા. રોજ સાંજે એ દીવામાં ઘાસલેટ પૂરીને એને સળગાવવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા. સવારે એ જ માણસો બધા દીવા એક પછી એક બુઝાવી દેતા! આજે તો લેડ લાઇટથી મુંબઈના ઘણા રસ્તા ઝળહળે છે એટલે એક જમાનામાં અહીં ઘાસલેટના દીવા હતા એ માનવું પણ મુશ્કેલ છે. શહેરને ગેસની સ્ટ્રીટ લાઇટ તો મળી છેક ૧૮૬૨માં. પણ એ વિશેની રસપ્રદ વાતો હવે પછી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK