Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો...

જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો...

10 October, 2020 07:06 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો...

બેકબે રેલવે સ્ટેશન

બેકબે રેલવે સ્ટેશન


બૉમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે પરનું ૧૮૬૭માં બંધાયેલું ચર્ની રોડ સ્ટેશન અને એના પછી ૨૦ વર્ષે ૧૮૮૭માં પ્રગટ થયેલી ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી અને માનીતી નવલકથા સરસ્વતીચંદ્ર (ભાગ-૧) એ બે વચ્ચે કશો સંબંધ ખરો? હા, આ નવલકથાના પાયામાં જે ઘટના રહેલી છે એ ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન જોડાયેલું છે. આ ઘટના એ કથાનાયક સરસ્વતીચંદ્ર ઉર્ફે નવીનચંદ્રનો ગૃહત્યાગ. પિતા લક્ષ્મીનંદનનું ઘર છોડીને સરસ્વતીચંદ્ર નીકળી પડ્યો ન હોત તો પછીની કોઈ ઘટના બની શકી જ ન હોત. અપર માનાં મહેણાંટોણાંથી કંટાળેલો સરસ્વતીચંદ્ર ઘર છોડવાનું નક્કી કરે છે અને પોતાના આ નિર્ણયની જાણ નિકટના મિત્ર ચંદ્રકાન્તને પત્ર દ્વારા કરે છે. એ પત્રમાં બીજી કેટલીક વાતો ઉપરાંત લખ્યું છે કે ‘મારી શોધ કરીશ નહીં.’ પિતા લક્ષ્મીનંદન પર લખેલો કાગળ પણ સરસ્વતીચંદ્રે એ જ કવરમાં મૂક્યો છે. એક જમાનામાં ખૂબ જાણીતી થયેલી પંક્તિઓ આ પત્રમાં જ લખાઈ છે :

સુખી હું એથી કોને શું, દુખી હું એથી કોને શું?



જગતમાં કંઈ પડ્યા જીવ, દુખી કંઈ ને સુખી કંઈક.


વાલકેશ્વર પર આવેલા લક્ષ્મીનંદનના બંગલે ચંદ્રકાન્ત ગયો તો ખબર મળ્યા કે સરસ્વતીચંદ્ર તો વહેલી સવારે ઘરની ઘોડાગાડીમાં બેસીને ચોપાટી ફરવા ગયો છે. એટલે ચંદ્રકાન્તે ભાડાની ગાડી ચોપાટી તરફ દોડાવી. ત્યાં સરસ્વતીચંદ્રની ઘોડાગાડી દરિયાકિનારે ઊભેલી તેને મળે છે. ગાડીવાન કહે છે કે ભાઈ તો અહીંથી પગે ચાલીને આગળ ફરવા ગયા છે. ઘણો વખત થયો પણ પાછા ફર્યા નથી. આ ‘આગળ’ એટલે ચર્ની રોડ સ્ટેશન તરફ. અહીં લેખક કહે છ, ‘મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અડધે સુધી સમુદ્રતટ અને એની સાથે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં રેલવેની સડકનું ક્રૉસિંગ આવે છે એ ઓળંગતાં ચર્ની રોડ સ્ટેશન છે.’  ગોવર્ધનરામ જેને રેલવેની સડકનું ક્રૉસિંગ કહે છે એ આજે પી. એમ. બાથની સામે જે લાંબો ફુટઓવર બ્રિજ છે એની નજીક આવેલું હતું. બાળપણમાં ગિરગામના ઘરેથી ચોપાટી જવા માટે આ ક્રૉસિંગ પસાર કરવું પડતું હતું તે આ લખનારને યાદ છે. ચોપાટીનું સત્તાવાર નામ એ જમાનામાં કેનેડી સી ફેસ હતું. ગયા અઠવાડિયે આપણે જેમની વાત કરી હતી એ જૉન પીટ કેનેડીનું નામ રેલવેલાઇન પરથી પસાર થતા પુલ ઉપરાંત આ દરિયાકિનારા સાથે પણ જોડવામાં આવ્યું હતું. દરિયાકિનારે આજના પી. એમ. બાથ પાસે આવેલા એક થાંભલા પર આ નામ કોતરેલું છે. એટલે કે વાલકેશ્વરનું ઘર છોડ્યા પછી સૌથી પહેલાં સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો હતો. એ વખતે મરીન ડ્રાઇવનો રસ્તો, આજનો નેતાજી સુભાષ રોડ હજી બંધાયો નહોતો. એનું બાંધકામ ૧૯૧૫માં શરૂ થયું અને ૧૯૩૦ના અરસામાં પૂરું થયું હતું એટલે રેલવેલાઇનની પશ્ચિમે રસ્તો નહોતો. થોડે દૂર દરિયાકિનારો હતો. મલબાર હિલ-વાલકેશ્વરથી નીચે ઊતરતો રસ્તો ચર્ની રોડ સ્ટેશન પહેલાં પૂર્વ દિશામાં વળીને ફાટક દ્વારા ક્વીન્સ રોડ સાથે ભળી જતો. આ ક્વીન્સ રોડના જૂના ફોટોમાં તેના નામની સાથે ‘પ્રોમોનાડ’ શબ્દ જોડેલો જોવા મળે છે. પ્રોમોનાડ એટલે દરિયાકિનારે બાંધેલો રસ્તો. ચર્ચગેટ સુધીની રેલવેલાઇનની એક બાજુએ એક જમાનામાં ક્વીન્સ રોડ અને બીજી બાજુએ દરિયાકિનારો.

સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો છે એમ જાણતાવેંત ચંદ્રકાન્તના પેટમાં ફાળ પડે છે અને તે ભાડાની ગાડી કરીને તરત સ્ટેશને પહોંચે છે. કેમ? કારણ એ વખતે બહારગામ જતી ટ્રેનો પણ ચર્ની રોડ સ્ટેશને થોભતી. ૧૮૭૩માં કોલાબા ટર્મિનસનું સ્ટેશન બંધાયા પછી


લોકલ તેમ જ બહારગામની ટ્રેનો ત્યાંથી

આવતી-જતી અને ચર્ની રોડ રોકાતી એટલે તે માની લે છે કે સરસ્વતીચંદ્ર અહીંથી ટ્રેન પકડીને બહારગામ ચાલ્યો ગયો હોવો જોઈએ.

એ સ્ટેશને જઈને પૂછપરછ કરે છે. લક્ષ્મીનંદન એ જમાનાની મુંબઈની જાણીતી વ્યક્તિ હોવાથી સ્ટેશન-માસ્તર, ટિકિટ-માસ્તર વગેરે સૌ તેની આસપાસ ઘેરાઈને ઊભા રહે છે. મેલ અને પૅસેન્જર ટ્રેનોની ટિકિટોનું વેચાણ તપાસે છે, પણ કશી ભાળ મળતી નથી. એ જમાનામાં ટ્રેનની ટિકિટ ખરીદનારાઓનાં નામ સ્ટેશન પર નોંધાતાં હોવાં જોઈએ, નહીંતર ટિકિટોનું વેચાણ તપાસવાનો શો અર્થ?

પણ ચર્ની રોડ સ્ટેશનથી બહારગામ જતી ટ્રેનમાં જવાને બદલે સરસ્વતીચંદ્ર વહાણની મુસાફરી પસંદ કરે છે. ગુજરાતનાં દીવ, ઘોઘા, સુરત જેવાં બંદરો સાથે મુંબઈનો વહાણ-વ્યવહાર ઘણો જૂનો હતો અને ટ્રેન શરૂ થયા પછી પણ કેટલોક વખત એ ચાલુ રહ્યો હતો. ૧૮૫૯માં કવીશ્વર દલપતરામ પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે તેઓ અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી ‘આગબોટ’માં મુંબઈ પહોંચ્યા હતા, પણ સરસ્વતીચંદ્ર તો આગબોટ નહીં, ‘વહાણ’માં મુસાફરી કરે છે! તે જ્યાં પહોંચે છે એ સુવર્ણપુર લેખકની કલ્પનાનું ગુજરાતનું એક દેશી રજવાડું છે. એ ભદ્રા નદી સાગરને મળે છે ત્યાં આવેલું છે એમ લેખક કહે છે. આ ભદ્રા નદી પણ કાલ્પનિક નામ છે, પણ છેક ૧૮૭૩ પછી પણ સરસ્વતીચંદ્ર આગબોટને બદલે વહાણમાં મુસાફરી કરે એ જોઈને નવાઈ લાગે છે. મુંબઈના કયા બંદરેથી તે વહાણમાં બેઠો, અજાણ્યા રજવાડા સુવર્ણપુરમાં જવાનું તેણે કેમ નક્કી કર્યું એ વિશે લેખક મૌન છે. નવલકથાના ચોથા ભાગના અંતે કુસુમને લઈને સરસ્વતીચંદ્ર મુંબઈ આવ્યો એટલું જ લેખક જણાવે છે. તેઓ કઈ રીતે પ્રવાસ કરીને આવ્યા એ કહેતા નથી, પણ પછી કુમુદ અને તેની સાથેનું મંડળ ટ્રેનથી મુંબઈ આવ્યું હશે એમ લાગે છે, કારણ લેખક કહે છે કે તેમને લેવા માટે કુસુમને લઈને હરિદાસ સ્ટેશન ગયો હતો. જોકે એ સ્ટેશનનું નામ પાડતા નથી. 

કથાનાયક સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામના પડછાયા જેવો છે એમ તો ન કહી શકાય, પણ એ બન્ને વચ્ચે ઘણી સમાનતા તો જોવા મળે જ છે. એ બન્ને ૧૯મી સદીના ઉત્તરાર્ધના મુંબઈના ફરજંદ છે. ગોવર્ધનરામનો જન્મ ભલે નડિયાદમાં થયો, પણ તેમના જીવનનાં મહત્ત્વનાં વર્ષો તો મુંબઈમાં જ વીત્યાં હતાં એટલે બન્ને મુંબઈવાસી છે. બન્ને મુંબઈ છોડીને દેશી રાજ્યમાં જાય છે, પણ અંતે મુંબઈ પાછા ફરે છે. નવલકથાના અંતે સરસ્વતીચંદ્ર મુંબઈ પાછો ફરે છે. ગૃહત્યાગ એ કથાનું આરંભબિંદુ છે, તો ઘરવાપસી એ અંતિમબિંદુ છે. એ બે વચ્ચે તે ઠીક-ઠીક ભ્રમણ કરે છે. ૧૯મી સદીના અંગ્રેજી સાહિત્યમાં ભ્રમણકથાઓ (પિકરસ્ક નૉવેલ) સારી એવી લેખકપ્રિય અને લોકપ્રિય હતી. ગોવર્ધનરામની નવલકથા પણ આ પ્રકારની નવલકથાના ઘણા અંશો ધરાવે છે. કૌટુંબિક કલેશથી ત્રાસીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં ઘર છોડીને ભાગી ગયા હતા. ચોપાટીથી ભાયખલા સ્ટેશન સુધી ગયેલા, પણ ટ્રેન ચૂકી જતાં પોતાના પગલા વિશે વિચાર કર્યો અને ઘરે પાછા ફર્યા. તેમના નિષ્ફળ ગૃહત્યાગની સામે સરસ્વતીચંદ્ર એમાં સફળ થાય છે.

બન્ને વચ્ચે બીજી પણ કેટલીક સમાનતા છે જેના મૂળમાં મુંબઈ રહેલું છે. બન્ને યુનિવર્સિટી ઑફ બૉમ્બેના વિદ્યાર્થી. ગોવર્ધનરામ બીએ, એલએલબી, જ્યારે તેમનો કથાનાયક એમએ, એલએલબી. ગોવર્ધનરામે એમએનો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો હતો, જ્યારે તેમનો કથાનાયક ‘સત્તર-અઢારની ઉંમરે’ એમએ થઈ ચૂક્યો છે. મેટ્રિકની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષની હોવી જોઈએ એવો નિયમ આ યુનિવર્સિટીની શરૂઆતથી ઘણાં વર્ષો સુધી હતો અને ગોવર્ધનરામે પોતે આ નિયમનો લાભ લઈ છઠ્ઠા ધોરણ પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી હતી. એ વખતે મેટ્રિક પછી બીએનાં ત્રણ અને એમએનાં બે મળી કુલ પાંચ વર્ષ થતાં એટલે ૨૧ વર્ષની ઉંમર પહેલાં કોઈ એમએ થઈ શકે નહીં. ગોવર્ધનરામ પોતે બીએમાં બીજી ટ્રાયલે અને એલએલબીમાં ચોથી ટ્રાયલે પાસ થયા હતા એનો રંજ તેમને રહ્યો જ હોય. પોતાના કથાનાયકને ખૂબ વહેલો અભ્યાસ પૂરો કરતો બતાવીને તેમણે એ રંજનું સાટું વાળ્યું હોઈ શકે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના મુંબઈમાં આધુનિક વિચાર, શિક્ષણ, રહેણીકરણીના જે અંશો પ્રગટ થયા હતા એનો અણસાર ગોવર્ધનરામની નવલકથામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. સરસ્વતીચંદ્રનો પિતા લક્ષ્મીનંદન બહુ ભણ્યો નહોતો, પણ મુંબઈનો એક ધનાઢ્ય વેપારી હતો. આપબળે શીખીને થોડું અંગ્રેજી બોલી શકતો. બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં બેસાડીને (પહેલી) પત્ની ચંદ્રલક્ષ્મી સાથે ફોટો પડાવીને ઘરની દીવાલ પર ટાંગી શકે એટલો ‘સુધરેલો’ હતો. છતાં એ જમાનાની ચાલ પ્રમાણે પહેલી પત્નીનું અવસાન થયું એ જ દિવસે ગુમાન નામની બીજી સ્ત્રી સાથે તેના વિવાહ થયા હતા. પૈસા વેરીને વિદ્વાનો, સરકારી અધિકારીઓ વગેરેને તે પોતાના પડખે રાખતો. એ વખતના મુંબઈમાં કૉટન મિલોની બોલબાલા હતી. લક્ષ્મીનંદન આવી એકબે મિલોનો કારભાર સંભાળતો હતો. અંગ્રેજ અમલદારોને ઘરે બોલાવીને તેમની આગતાસ્વાગતા કરતો. ગવર્નર તરફથી અપાતી પાર્ટીઓમાં હાજર રહેવાનાં આમંત્રણ તે મેળવી શકતો. અંગ્રેજી અને ગુજરાતી અખબારોના તંત્રીઓ સાથે તેને મીઠા સંબંધ હતા. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઑફ પીસ’ની પ્રથા શરૂ થઈ હતી. સેક્રેટરિયેટના એક અમલદારની વગથી તેને આ માન પણ મળ્યું હતું. લક્ષ્મીનંદન પાસે પોતાની ઘોડાગાડી છે, પણ મોટર નથી. કારણ મુંબઈમાં પહેલવહેલી ચાર મોટર ૧૮૯૮માં સર જમશેદજી તાતા અને બીજા ત્રણ પારસીઓએ ખરીદી હતી. કલકત્તા, મુંબઈ, મદ્રાસ અને અમદાવાદમાં પહેલવહેલું ટેલિફોન એક્સચેન્જ ૧૮૮૧માં ઇંગ્લૅન્ડની ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીએ શરૂ કર્યું હતું  અને ૧૮૮૨ની ૨૮ જાન્યુઆરીથી દેશમાં ટેલિફોન-સર્વિસ શરૂ થઈ હતી છતાં કોણ જાણે કેમ ધનાઢ્ય લક્ષ્મીનંદનના ઘરમાં ટેલિફોન નથી.

સરસ્વતીચંદ્ર નવલકથામાં પ્રણયકથા છે ખરી, પણ ગોવર્ધનરામનો મુખ્ય હેતુ અહીં વ્યક્તિની કથા કહેવાનો નહીં એટલો પોતાના જમાનાની, ૧૯મી સદીનાં છેલ્લાં પચાસેક વર્ષની સંસ્કૃતિકથા કહેવાનો છે. આ માટે તેમણે મુખ્યત્વે બે સ્થળોને સામસામે મૂક્યાં છે - એક મુંબઈ અને બીજું સુવર્ણપુરનું કલ્પિત દેશી રાજ્ય. સુવર્ણપુરના દરબારમાં હાજર રહીને ત્યાં ચાલતી ખટપટોનો સાક્ષી બનીને સરસ્વતીચંદ્ર અમાત્ય બુદ્ધિધન સાથે ઘરે પાછો ફરે છે ત્યારે તેના મનમાંથી જાણે ચીસ ઊઠે છે - ‘અંધકાર! અંધકાર! સુવર્ણપુરની દીન પ્રજા! ચાર-ચાર કલાકની વાર્તામાં તારે સારુ પા કલાકનો પણ અવસર ન મળ્યો.’

ગુજરાતી નવલકથાનું સીમાચિહ્ન સરસ્વતીચંદ્ર. તો ગુજરાતી કવિતાનું સીમાચિહ્ન નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા.’ સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ અને કુસુમમાળા બન્ને એક જ વર્ષે ૧૮૮૭માં પ્રગટ થયા. એક પુસ્તકે ગુજરાતી નવલકથાની દિશા બદલી નાખી, તો બીજાએ ગુજરાતી કવિતાની દિશા બદલી નાખી. અને બન્ને પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. બન્નેના સર્જકો યુનિવર્સિટી ઑફ બૉમ્બેના વિદ્યાર્થીઓ. બન્નેએ જીવનનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં. મુંબઈએ તેમના જીવન અને લેખન પર જે કાયમી પ્રભાવ પાડ્યો એની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 07:06 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK