Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે નરેન્દ્ર મોદી પણ માનતા કે બીજેપીને એક અહમદ પટેલની જરૂર છે

જ્યારે નરેન્દ્ર મોદી પણ માનતા કે બીજેપીને એક અહમદ પટેલની જરૂર છે

29 November, 2020 06:48 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જ્યારે નરેન્દ્ર મોદી પણ માનતા કે બીજેપીને એક અહમદ પટેલની જરૂર છે

અહમદ પટેલ

અહમદ પટેલ


હા, આ હકીકત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯૦ના દસકામાં જ્યારે બીજેપીનું સંગઠન સંભાળતા હતા ત્યારે અનેક પત્રકારો પાસે ઑફ ધ રેકૉર્ડ સ્વીકારી ચૂક્યા હતા કે કૉન્ગ્રેસ પાસે અહમદ પટેલ છે અને બીજેપીને તેમની દૃઢ આવશ્યકતા છે. કૉન્ગ્રેસના ચાણક્ય અહમદ પટેલની વિદાયથી કૉન્ગ્રેસને તો ફટકો પડવાનો જ છે, પણ સાથોસાથ ગાંધી-ફૅમિલી અને ગુજરાતને પણ બહુ મોટું નુકસાન જવાનું છે

 ‘બીજેપીને એક અહમદ પટેલની જરૂર છે. જો એક અહમદ પટેલ બીજેપીને મળી જાય તો બીજેપી ક્યાંય નીકળી જાય.’



ઑફ ધ રેકૉર્ડ બોલાયેલા આ શબ્દો બીજા કોઈના નહીં, બીજેપીનો ભગવો દેશભરમાં લહેરાવીને પાર્ટીને સત્તાનો સરતાજ પહેરાવી દેનારા નરેન્દ્ર મોદીના છે. ૯૦ના દસકામાં જ્યારે ગુજરાતમાં ચીમનભાઈ પટેલનું શાસન હતું અને બીજેપી ચીમનભાઈને ટેકો આપતી હતી એ સમયે નરેન્દ્ર મોદી બીજેપીનું સંગઠન સંભાળતા હતા. નરેન્દ્ર મોદીને સતત એવું લાગતું હતું કે પાર્ટીને એક એવા નેતાની જરૂર છે જે દરેક સ્ટેપ લેતાં પહેલાં આગળનાં ૧૦ સ્ટેપ વિશે વિચારીને બેઠો હોય. નરેન્દ્ર મોદીએ એ અરસામાં ગુજરાતના અનેક પત્રકારો પાસે આ વાત ઑફ ધ રેકૉર્ડ સ્વીકારી છે અને ચોખવટ સાથે કહ્યું છે કે કૉન્ગ્રેસ પાસે અહમદ પટેલ છે એ જ એની સૌથી મોટી જીત છે.


વાત ખોટી પણ નથી.

કૉન્ગ્રેસની જીતનો છેલ્લા ત્રણથી સાડાત્રણ દસકાનો ચિતાર જો કોઈએ આંક્યો હોય તો એ અહમદ પટેલ હતા. છેલ્લા દોઢ દસકાને બાદ કરીને જો ભૂતકાળ તમે જુઓ તો સ્પષ્ટ દેખાઈ પણ આવે કે અહમદ પટેલે ખરા અર્થમાં કૉન્ગ્રેસના ચાણક્યની ભૂમિકા ભજવી હતી. જો મનમાં દલીલ જન્મે કે આ ચાણક્ય પછી કયા કારણસર પોતાનો મૅજિક દેખાડી શક્યા નહીં તો એનો જવાબ પણ રાજકીય બિગ શૉટ્સ પાસે તૈયાર છે. ઘોડાને રેસમાં ઉતારવાનું કૉન્ગ્રેસે છોડીને ટટ્ટુને રેસમાં ઉતારવાનું ચાલુ કર્યું અને એવા સમયે જગતનો શ્રેષ્ઠ જૉકી પણ ટટ્ટુને રેસકોર્સમાં જિતાડી ન શકે. અહમદ પટેલ સાથે પણ એ જ થયું હતું અને એમ છતાં તેમણે પ્રયાસ ચાલુ રાખ્યા અને એ પ્રયાસો વચ્ચે તેઓ બીજેપીને નડતરરૂપ પણ બનતા રહ્યા, પણ દરેક વખતે થતું પેલી ગુજરાતી ઉક્તિ જેવું, ‘જણનારીમાં જોર ન હોય તો દાયણ કશું કરી ન શકે.’


કલ, આજ ઔર કલ

અહમદ પટેલ કૉન્ગ્રેસ-સુપ્રીમો સોનિયા ગાંધીના પૉલિટિકલ ઍડ્વાઇઝર હતા એ સૌકોઈ જાણે છે, પણ આ સંબંધો માત્ર સોનિયા ગાંધી પૂરતા જ સીમિત નહોતા. સોનિયા ગાંધીએ નજરે જોયું હતું કે રાજીવ ગાંધીની પૉલિટિકલ કરીઅરને એસ્ટૅબ્લિશ કરવામાં પટેલનો ફાળો બહુ મોટો હતો તો રાજીવ ગાંધીએ પણ જોયું હતું કે અહમદ પટેલ ઇન્દિરા ગાંધીની કરીઅરમાં પણ બહુ મહત્ત્વનો રોલ ભજવતા હતા. ઇન્દિરા ગાંધી, સોનિયા રાજીવ ગાંધી અને એ પછી હવે રાહુલ ગાંધીની પૉલિટિકલ કરીઅરમાં પણ અહમદ પટેલ મહત્ત્વના હતા. આમ ત્રણેત્રણ ગાંધી-જનરેશન સાથે કિચન સુધીના સંબંધો ધરાવતા અહમદ પટેલે ક્યારેય રાજ્યસભાની મેમ્બરશિપ સિવાય કોઈ પદ લીધું નહીં અને એ પછી પણ સત્તાનું રિમોટ તેમના હાથમાં રહેતું. જૂજ લોકોને ખબર છે કે અહમદ પટેલ એકમાત્ર વ્યક્તિ હતા જેમણે રાજીવ ગાંધી સાથે મળીને સૅમ પિત્રોડાને અમેરિકાથી દેશમાં લાવવાની જવાબદારી સંભાળી અને દેશમાં ટેલિકૉમ ક્રાન્તિ લાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

જો અહમદભાઈની રાજકીય કારકિર્દીને જોઈએ તો અહમદભાઈ ત્રણ વખત લોકસભા ઇલેક્શન લડ્યા અને જીત્યા, તો પાંચ વખત તેઓ રાજ્યસભાના સંસદસભ્યપદ પર રહ્યા. સળંગ ૨૭ વર્ષ આ પદ પર રહેવું એ પણ રેકૉર્ડ છે. અહમદ પટેલ જ્યારે પણ સક્રિય રાજકારણમાં એન્ટર થતા ત્યારે વિરોધીઓના પગ ધ્રૂજી જતા. ગયા રાજ્યસભાના ઇલેક્શન માટે જ્યારે તેઓ ગુજરાત આવ્યા ત્યારે ગુજરાત બીજેપીએ પોતાની આખી ફોજ ગુજરાતમાં ઉતારી દેવી પડી હતી અને સામે પક્ષે એકલા અહમદભાઈ હતા. અહમદભાઈને આવું બનતું ત્યારે હસવું પણ આવતું. અહમદભાઈ કહેતા, ‘આવું બને ત્યારે હાથી નીકળતા હોય એવી ફીલ આવે.’

અંગત હોય તો બાબુભાઈ

હા, ખાસ અને નજીકના મિત્રો કે પછી જૂના જોગી અહમદભાઈને બાબુભાઈનું સંબોધન કરતા. આ આમ પણ અહમદભાઈના પરિવારમાંથી મળેલું હુલામણું નામ હતું, જે બહુ ઓછા લોકો જાણતા અને આ નામનું સંબોધન કરવાની પરવાનગી પણ બહુ ઓછા લોકોને હતી. અંગત બનવા માટે ક્યારેક ઉપરછલ્લા સંબંધો ધરાવતા લોકો હુલામણા નામથી બોલાવી લે તો અહમદભાઈ એ વ્યક્તિને સાઇડ પર લઈ જઈને ધીમેકથી કહી પણ દેતા કે ‘એ નામ પરિવાર માટે છે, આપ પરિવારના સભ્ય નથી.’

અંગત મિત્રો જ માત્ર જાણતા કે બાબુભાઈને કવિતાનો પણ જબરદસ્ત શોખ હતો. શોખ હતો એટલું જ નહીં, બાબુભાઈ કવિતા આખેઆખી કંઠસ્થ કરીને પણ રાખતા અને સમય આવ્યે તેઓ એ કવિતા કવિના નામ સહિત ટાંકતા પણ ખરા. અહમદ પટેલની બીજી એક ખાસિયત એ પણ હતી કે તેઓ જૂનાં ફિલ્મી ગીતોના પણ પારાવાર શોખીન. પહેલાં તો તેઓ કારમાં મોહમ્મદ રફી અને મુકેશનાં ગીતો સાંભળતા, પણ જવાબદારી વધતાં ગાડીમાં મોટા ભાગે કામની વાત થવા માંડી જેને લીધે ગીતો સાંભળવાનું ઓછું થયું એટલે તેમણે ગીતો સાંભળવાનો નવો રસ્તો શોધી લીધો હતો. તેઓ પોતાના બાથરૂમમાં મોબાઇલ પર ગીતો ચાલુ કરીને એ સાંભળતા. આ બે શોખને બાદ કરતાં અહમદભાઈને બીજો કોઈ શોખ હોય તો એ હતો સંબંધો સાચવવાનો. ભરૂચ જિલ્લાની દરેક ચોથી વ્યક્તિએ સ્વીકારવું પડે કે અહમદભાઈ તેમને નામથી ઓળખે અને તેમને સામેથી મળવા પણ જાય. અહમદભાઈ કહેતા કે ટોચ પરથી પાછા આવવાની સફર અઘરી હોય છે એટલે પાછા આવતી વખતે આ બધા સાથીઓનો સાથ મળતો રહે એવા સંબંધો રાખવા જોઈએ.

શીખ્યા હતા ઇટાલિયન

બીજા તો આને ચમચાગીરી ગણીને ચાલી શકે, પણ હકીકતમાં આ પ્રકારનો સ્વભાવ એ એક પ્રકારનું ઉત્તરદાયિત્વ છે. રાજીવ ગાંધીના અવસાન પછી જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીની બાગડોર સંભાળી ત્યારે સ્વાભાવિક રીતે તેમને દરેક મોરચે તકલીફો પડતી હતી. મૅરેજને દસકાઓ પસાર થઈ ગયા હતા એટલે અંગ્રેજીમાં ફાવટ આવી ગઈ હતી અને હિન્દી સમજવાનું પણ ખાસ અઘરું નહોતું રહ્યું, પણ એ રોજબરોજની વાત પૂરતું જ લાગુ પડે. તબક્કાવાર પૉલિટિક્સમાં દાખલ થવાનું આવ્યું ત્યારે સોનિયા ગાંધીને વાત બરાબર સમજાઈ અને પરિસ્થિતિનો સાચો ચિતાર મેળવી શકે એ માટે તેમની જ બોલીમાં વાત કરવામાં આવે તો બન્ને પક્ષે સરળતા રહે એવા હેતુથી અહમદ પટેલ ખપ પૂરતું ઇટાલિયન પણ શીખ્યા હતા.

અનેક લોકોએ અહમદ પટેલ પાસે ઇટાલિયન-ટુ-ઇંગ્લિશ ડિક્શનરી પણ જોઈ છે. અહમદ પટેલનું માનવું હતું કે જે ભાષામાં વાત સમજાતી હોય એ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. પરિવારમાં પણ આ જ વાત લાગુ પડે અને પક્ષમાં પણ આ નિયમ હોવો જોઈએ. પોતાના આ જ નિયમને આધીન રહીને અહમદભાઈ તડજોડની નીતિમાં માનનારા કેટલાક નેતાઓને વર્ષો સુધી મળ્યા પણ નથી. કૉન્ગ્રેસમાં હોવા છતાં અને તેમને ઇલેક્શનમાં ટિકિટ મળે એ માટે ખુદ પોતે જ નામ સૂચવ્યું હોવા છતાં અંગત રીતે તેમને મળવા માટે અહમદ પટેલ ક્યારેય તૈયાર થતા નહીં. આની પાછળનું કારણ સ્પષ્ટ હતું કે પાર્ટીને તેમની જરૂર છે એટલે ટિકિટમાં કાપ મૂકવો નથી અને અંગત રીતે ઇમેજ બગાડવી નથી એટલે રૂબરૂ મળવું નથી.

૧૦૦ દહાડા પટેલના

રાજીવ ગાંધીથી માંડીને પી. વી. નરસિંહ રાવ અને મનમોહન સિંહના વડા પ્રધાનપદ દરમ્યાન અહમદ પટેલના હાથમાં જ તમામ પાવર રહેતો હતો. વડા પ્રધાનને મળો કે પછી અહમદ પટેલને મળો એ બધું સમાન જ ગણાતું અને આ જ નહીં, એચ. ડી. દેવેગોવડા, વી. પી. સિંહ અને આઇ. કે. ગુજરાલના સમયમાં ભલે શાસન કૉન્ગ્રેસનું નહોતું, પણ કૉન્ગ્રેસ કેન્દ્રમાં ભારોભાર વજન ધરાવતી હતી અને એટલે જ અહમદ પટેલ પણ એ સમયમાં અત્યંત વજનદાર નામ ગણાતું. આ કાર્યકાળ દરમ્યાન અનેક વખત અહમદ પટેલને ઑફિશ્યલી પ્રધાનપદ પર લેવા માટે કહેવામાં આવતું અને તેમના પર એ દબાણ રહેતું, પણ તેમણે એ વાતને હસતા મોઢે અસ્વીકાર કરી હતી. કિંગ બનવા કરતાં કિંગમેકર બનેલા રહેવામાં અનેક લાભ છે અને બદનામીની ચિંતા લગીરેય નથી એ વાત અહમદ પટેલ જાણતા હતા. કૉન્ગ્રેસ જ નહીં, સેન્ટ્રલ ગવર્નમેન્ટના નનીતિવિષયક નિર્ણયોમાં અહમદ પટેલને બિનસત્તાવાર રીતે હાજર રાખવામાં આવતા અને તેમના સૂચનને ગંભીરતા સાથે સામેલ પણ કરવામાં આવતા.

દુનિયા માટે દેશના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા અને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ દેશમાં આવે એવી નીતિનું ઘડતર કરનારા દેશના અગ્રણી નેતાઓમાં અહમદ પટેલ એક. રૂપિયો કન્વર્ટિબલ થવાનો શરૂ થયો એમાં પણ અહમદભાઈની ભૂમિકા બહુ અગત્યની હતી.

ગોલ્ડન કૉરિડોરનું મહત્ત્વ

અંકલેશ્વરથી વાપી સુધીનો બેલ્ટ ગુજરાત જ નહીં, દેશઆખા માટે ગોલ્ડન કૉરિડોર સમાન છે એ વાત કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકારને સમજાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ અહમદ પટેલ હતા. ૧૯૭૭માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે જ્યારે ઇન્દિરા ગાંધીએ અહમદ પટેલને લોકસભાની ભરૂચ બેઠકની ટિકિટ આપી ત્યારે આ જ વાત તેમને સૌથી વધારે ઇમ્પ્રેસ કરી ગઈ હતી. એ સમયે અહમદભાઈ યુથ કૉન્ગ્રેસમાં ઍક્ટિવ હતા. ચડતું લોહી અને ભારોભાર ઉત્સાહ વચ્ચે તેમણે ગુજરાતને નડતા પ્રશ્નો પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એ રિપોર્ટની સાથોસાથ તેમણે કેન્દ્ર સરકારે શું કરવું જોઈએ એનો પણ અહેવાલ તૈયાર કર્યો હતો. એ અહેવાલની રજૂઆત પ્રાઇમ મિનિસ્ટર સામે થઈ અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને પહેલી વાર લાગ્યું કે ૧૯૭પની ઇમર્જન્સીની ઇમેજ લોકોના મનમાંથી ભૂંસવા માટે અહમદ પટેલ જેવા દીર્ઘદૃષ્ટિ ધરાવતા યંગસ્ટરને આગળ કરવાનો સમય આવી ગયો છે. આ એ સમયની વાત છે જે સમયે સંજય ગાંધી ઇન્દિરા ગાંધીના રાજકીય વારસદાર ગણાતા હતા.

સંજય ગાંધીએ પણ અહમદ પટેલે તૈયાર કરેલો ‘ગ્રોથ ગુજરાત’ જોયો હતો, જે જોઈને નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતમાં નવા લોહીની આવશ્યકતા છે અને અહમદભાઈને ટિકિટ આપવામાં આવી. ૬૦,૦૦૦થી વધારે મતથી પોતાના પહેલા ઇલેક્શનમાં જીતનારા અહમદભાઈ એ સમયે જીતશે કે નહીં એવી શંકા સૌકોઈ પીઢ કૉન્ગ્રેસીઓના મનમાં હતી. ઇમર્જન્સીને દેશઆખામાં વખોડવામાં આવતી તો સાથોસાથ અહમદ પટેલનું બૅકગ્રાઉન્ડ પણ કોરી પાટી જેવું હતું, પણ ૧૯૭૭ના ઇલેક્શનના કૅમ્પેનમાં અહમદ પટેલે ભરૂચની સામે ગોલ્ડન કૉરિડોરની બ્લુપ્રિન્ટ મૂકીને સૌકોઈને દેખાડ્યું કે આપણે એ જગ્યાએ છીએ જે જગ્યાએ ભવિષ્યમાં સોનાની ખાણ બની શકે એમ છે.

ગોલ્ડન કૉરિડોર ઉપરાંત ગુજરાતમાં સૌથી મહત્ત્વનું યોગદાન જો અહમદ પટેલે આપ્યું હોય તો એ છે પોરબંદરથી વલસાડ સુધીના ફોર ટ્રૅક હાઇવેનું. આ હાઇવે પર થતા ઍક્સિડન્ટનો ૨૦ વર્ષનો રેકૉર્ડ ભેગો કરવા માટે અહમદભાઈએ પોતાની લાઇફનાં પાંચ વર્ષ આ કામમાં નાખી દીધાં હતાં તો આ સર્વે માટે તેઓ હાઇવે પર આવેલી ૧૫૦થી વધારે હાઇવે હોટેલોના માલિકોને પણ રૂબરૂ મળ્યા હતા. સંસદભવનમાં આ હાઇવેને સૌથી વધારે ગજવીને તેમણે હાઇવેને બ્રૉડ કરવાની મંજૂરી મેળવી, જેને લીધે નૅશનલ હાઇવે ૮-એ અને નૅશનલ હાઇવે ૮-બીનું એક્સપાન્શન સંભવ બન્યું.

શ્વેત વસ્ત્ર, શ્વેત ઇમેજ

કૉન્ગ્રેસ અનેક વખત કૌભાંડોની હડફેટે ચડ્યું. પ્રાઇમ મિનિસ્ટર પણ કૌભાંડ કે લાંચના આક્ષેપોમાંથી બચ્યા નહીં, પણ એ બધાની વચ્ચે અહમદ પટેલ પોતાનાં સફેદ વસ્ત્રોની જેમ પોતાની ઇમેજ એકદમ સાફસૂથરી રાખી શક્યા અને એ માટે અહમદભાઈનો સ્વભાવ જ કારણભૂત રહ્યો છે. ઓછામાં ઓછી જરૂરિયાત સાથે રહેનારા અહમદભાઈની દિલ્હીમાં પોતાની કોઈ ઑફિસ નહોતી. તેઓ કોઈને પોતાના ઘરે મળવા બોલાવતા નહીં. મળવાનું હોય તો કાં તો પાર્ટીના કાર્યાલયે મળવાનું અને કાં તો કોઈ પણ જાહેર સ્થળે મળવાનું. મોટા ભાગના કેસમાં કૌભાંડ પહેલાં જ અહમદભાઈને એની ગંધ પણ આવી જતી અને તેઓ પાર્ટીના સુપ્રીમોના ધ્યાન પર એ વાત પણ મૂકી દેતા. અહમદભાઈ પર છેક સુધી કૉન્ગ્રેસ-સુપ્રીમોનો વિશ્વાસ અકબંધ રહ્યો એની પાછળનું એક કારણ એ પણ ખરું કે તેમણે ક્યારેય ટ્રાન્સપરન્સી છોડી નહીં.

મોટા પદ પર રહેલી વ્યક્તિને કામ કરવા માટે અને અમુક કિસ્સામાં કામ ન કરવા માટે ઑફર આવે એવું બને, પણ એવું બનતું ત્યારે અહમદભાઈ પહેલું કામ પાર્ટી-સુપ્રીમોના ધ્યાન પર એ વાત મૂકવાનું કરતા. પૉલિટિક્સનો રસ્તો ચીકણો છે, એ કોઈને પણ સ્લીપ કરી શકે છે એવું માનતા અહમદભાઈએ એટલે જ પોતાના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝને સક્રિય રાજકારણમાં ક્યાંય ઍક્ટિવ થવા દીધાં નહીં. દીકરી મુમતાઝનાં મૅરેજ થઈ ગયાં છે તો દીકરો ફૈઝલ દેહરાદૂનની પૉપ્યુલર દૂન સ્કૂલમાં ભણીને અમેરિકાથી બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર થયો છે. ફૈઝલ ઇન્ડિયા આવ્યા પછી પણ તેને પૉલિટિક્સમાં ક્યાંય દાખલ કરવામાં નથી આવ્યો એ જ દેખાડે છે કે અહમદ પટેલ સ્પષ્ટ હતા કે રાજકારણથી દૂર રહેવામાં સાર છે.

ફૈઝલે દિલ્હીમાં ફર્મ શરૂ કરી છે. જિઓન ડિસ્ટ્રિબ્યુશન નામની ફૈઝલની ફર્મ અનેક સેક્ટરમાં ઍક્ટિવ છે. આવતા સમયમાં ફૈઝલ હેલ્થકૅર અને એજ્યુકેશનલ સેક્ટરમાં દાખલ થવાનું પ્લાનિંગ ધરાવે છે.

કોણે કહ્યું કૉન્ગ્રેસના ચાણક્ય?

નરેન્દ્ર મોદીએ. હા, અહમદ પટેલને કૉન્ગ્રેસના ચાણક્ય ગણાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી હતા. નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખનારા સૌકોઈ જાણે છે કે અહમદ પટેલને મોદી ચાણક્ય જ કહીને સંબોધન કરતા અને અહમદ પટેલ એ વાતને હસી કાઢતા. જોકે આ વાત ૯૦ના દસકામાં મીડિયામાં આવી અને એ પછી અહમદ પટેલ કૉન્ગ્રેસના ચાણક્ય તરીકે દેશભરમાં પ્રસ્થાપિત થઈ ગયા.

નરેન્દ્ર મોદીએ અહમદ પટેલની કાર્યશૈલીનાં પણ જાહેરમાં વખાણ કર્યાં છે. એક સમય હતો જ્યારે અહમદ પટેલ ગુજરાત આવે ત્યારે બીજેપી પોતાના વિશ્વાસુઓને અહમદ પટેલની પાછળ લગાડી દેતા અને તેઓ કોને, શું કામ મળે છે એ જાણવાની તનતોડ મહેનત કરતા.

છેલ્લો ટાસ્ક અધૂરો રહ્યો

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટે ઇલેક્શન થવાનું છે, જેની કામગીરી ઑલરેડી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. આ ઇલેક્શનમાં કૉન્ગ્રેસની કાયાપલટ થાય એવા અધ્યક્ષને પાર્ટી હાથમાં આપવાની ગણતરી પણ ચાલુ થઈ હતી અને એવા કોણ-કોણ નેતા છે જેમને પાર્ટી હાથમાં આપવાથી બીજેપીનો વિજયરથ અટકે એ શોધી કાઢવાનું કામ અહમદ પટેલને સોંપવામાં આવ્યું હતું. પાર્ટીના અધ્યક્ષપદ માટે એ સૌ સામેથી આગળ આવે એવા હેતુથી તેમને તૈયાર પણ કરવાના હતા અને અહમદભાઈ અત્યારના તબક્કે ઘરમાં બેસીને એ જ કામ કરતા હતા, પણ એ દરમ્યાન તેમને કોવિડ થયો અને સંક્રમણને કારણે તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા, જ્યાં એક મહિનાની એકધારી સારવાર પછી પણ મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા અને પાર્ટીએ સોંપેલો છેલ્લો ટાસ્ક અધૂરો રહી ગયો.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 06:48 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK