Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું કરવું છે એના કરતાં શું નથી કરવું એની સ્પષ્ટતા મનમાં હોવી જોઈએ

શું કરવું છે એના કરતાં શું નથી કરવું એની સ્પષ્ટતા મનમાં હોવી જોઈએ

12 May, 2020 08:45 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

શું કરવું છે એના કરતાં શું નથી કરવું એની સ્પષ્ટતા મનમાં હોવી જોઈએ

શું કરવું છે એના કરતાં શું નથી કરવું એની સ્પષ્ટતા મનમાં હોવી જોઈએ


ગયા મંગળવારે મેં કહ્યું હતું એમ, ‘સફારી’ અને ‘ખલનાયક’ એમ બન્ને ફિલ્મોના લીડ ઍક્ટર સંજય દત્ત સામેના કેસને લીધે એ બન્ને ફિલ્મો અટકી ગઈ હતી એટલે મારો હિન્દી ફિલ્મ પ્રત્યેનો પ્રેમ ફરી એક વખત એકમાર્ગી પુરવાર થયો હતો અને ત્યાં જ મને નરેન્દ્ર બજાજનો ફોન આવ્યો સલમાન ખાન અને રેવતી સ્ટારર ફિલ્મ ‘લવ’ માટે.

‘લવ’ના પ્રોડ્યુસર શ્યામ બજાજ અને નરેન્દ્ર બજાજ હતા. નરેન્દ્ર કે. સી. કૉલેજમાં ભણતો અને એ રીતે અમારે બન્નેને ઓળખાણ હતી. નરેન્દ્રએ મને સવારે ફોન કરીને રિક્વેસ્ટ કરી કે તું હમણાંને હમણાં બાંદરા મારી ફિલ્મના શૂટિંગમાં આવી જા. એક ઍક્ટરનો પ્રૉબ્લેમ થયો છે એટલે તેનો રોલ તારે કરવાનો છે. મિત્રો, આ ‘લવ’ ફિલ્મમાં શફીભાઈ પણ એક રોલ કરતા હતા. નરેન્દ્ર સાથે ભાઈબંધી હતી અને તેણે રિક્વેસ્ટ કરી એટલે હું ત્યાં ગયો. ત્યાં ગયો ત્યારે મેં જોયું કે બંગલાના ગાર્ડનમાં ઘણા બધા પર-ડેવાળા નાના કલાકારો બેઠા હતા; જેવા કે મનમૌજી, જુગનુ વગેરે. એ લોકો સાથે મારો સીન હતો. મને બીરબલની જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો. બીરબલનું કોઈ બીજી ફિલ્મનું શૂટિંગ ફિલ્મિસ્તાનમાં હતું એટલે તેની જગ્યાએ મને બોલાવ્યો હતો.



મિત્રો, મારે ક્યારેય પણ આ પ્રકારના રોલ નહોતા કરવા. બીરબલ કે મોહન ચોટી જેવા રોલ મારા ઇન્ટલઍક્ટને માફક નહોતા આવતા. એક વાત હું તમને કહીશ કે શું કરવું છે એની ગતાગમ મોડી પડશે તો ચાલશે, પણ શું નથી કરવું એની સમજદારી તો હોવી જ જોઈએ. વાત કરીએ ‘લવ’ના સેટ પરના વાતાવરણની.


બધા પહોંચી ગયા હતા, સલમાન ખાનની રાહ જોવાતી હતી. હું પણ ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. થોડી વારમાં બીરબલ ક્યાંકથી દોડતો-દોડતો આવ્યો. એ સમયે તેની પાસે લેમ્બ્રેટા સ્કૂટર હતું. એનું જે શૂટિંગ ફિલ્મિસ્તાનમાં હતું એ કૅન્સલ થઈ ગયું હતું. આવીને પહેલું તેણે મનમૌજીને કહ્યું, ‘વહાં શૂટિંગ કૅન્સલ હો ગયા, ઇસલિએ મૈં યહાં આ ગયા. અગર કોઈ ઍક્ટર ના આયા હો તો મેરા પર-ડે ન જાએ...’

જુગનુએ બીરબલને મારી તરફ ઇશારો કર્યો કે જો આ આવીને બેઠો છે એ તારું રિપ્લેસમેન્ટ છે.


બીરબલ નિરાશ થઈ ગયો. મને એ ગમ્યું નહીં. આ મારા લોહીમાં છે. મને લાચારીવાળી ફીલિંગ્સ કે પછી એવો માહોલ અનુકૂળ આવતો નથી. આ ઇશારા પછી હું ચૂપચાપ ત્યાંથી ઊભો થઈને મારું કાઇનૅટિક લઈને નીકળી ગયો અને મેં એ રોલ બીરબલને કરવા દીધો.

‘લવ’ પછી નરેન્દ્ર બજાજે સલમાન ખાન અને રાની મુખરજીને લઈને ‘કહીં પ્યાર ના હો જાએ’ કરી. એ ફિલ્મમાં પણ તેણે મને સેલ્સમૅનનો એક રોલ ઑફર કર્યો. મેં એ રોલ કર્યો. એ રોલમાં હ્યુમર ન હોવા છતાં મેં એમાં મારી રીતે હ્યુમર ઉમેરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે કે આ બધું મેં માત્ર સંબંધો માટે જ કર્યું છે. આવું કામ કરવાની મારી ક્યારેય ઇચ્છા નહોતી અને આજે પણ નથી. મને યાદ છે કે શૂટિંગ પછી મને નરેન્દ્રએ ૩૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. એ વખતે એ પેમેન્ટ મોટું હતું અને ખુશ થવાય એવું હતું છતાં એ હકીકત પણ મારી આંખો સામે હતી કે મારે આવું કામ કરવું નથી.

એક વખત શફીભાઈ સાથે એમ જ વાત ચાલતી હતી ત્યારે તેમણે મને કહ્યું કે આપણે ગુજરાતી સિરિયલ બનાવીએ. એ જ વાતચીત દરમ્યાન તેમણે એમ પણ કહ્યું કે આપણે ગુજરાતી નાટક પણ બનાવીએ. આ વાત થઈ એ પહેલાં તેમણે હિન્દી નાટકો જ કર્યાં હતાં, માંડ એકાદ ગુજરાતી નાટક કર્યું હતું. શફીભાઈએ સામેથી કહ્યું કે તું ઑલરેડી નાટક પ્રોડ્યુસ કરી ચૂક્યો છે તો આપણે સાથે મળીને એક નાટક પ્રોડ્યુસ કરીએ. તારી માર્કેટિંગ-સ્ટ્રૅટેજી અને મારી ક્રીએટિવિટીના મિશ્રણથી કંઈક સરસ રિઝલ્ટ આવશે.

પહેલાં અમે કામ શરૂ કર્યું ગુજરાતી સિરિયલનું. સિરિયલ માટે અમે એ સમયના બે ઊગતા લેખક એવા આતિશ કાપડિયા અને સંજય છેલનો કૉન્ટૅક્ટ કર્યો. બે સબ્જેક્ટ હતા, જેમાંથી ‘શ્રીમાન અમદાવાદી’નો પાઇલટ એપિસોડ અમે સંજય પાસે લખાવ્યો, તો આતિશ કાપડિયા પાસે ‘ગુરુબ્રહ્મા’નો પાઇલટ એપિસોડ લખાવ્યો. આ પ્રોસેસ દરમ્યાન અમે નાટકના સબ્જેક્ટ પર પણ નજર નાખવાનું શરૂ કર્યું.

એ સમયે ડસ્ટિન હૉફમૅનની ‘રેઇનમૅન’ નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મનો આઇડિયા મને બહુ ગમ્યો હતો. ફિલ્મનો બેઝિક આઇડિયા લઈને અમે સંજયને નાટક લખવાનું કહ્યું. સંજયે નાટક લખવાની તૈયારીઓ શરૂ કરી અને ત્યાં જ મને એક નાટકની ઑફર આવી. નાટકમાં મારો રોલ ઘરનોકરનો હતો. જે વચ્ચે-વચ્ચે આવીને કૉમેડી કરે. એ રોલ મેં એટલા માટે સ્વીકાર્યો, કારણ કે એના દિગ્દર્શક અરવિંદ ઠક્કર અને લેખક પ્રવીણ સોલંકી હતા. ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શનના બૅનર હેઠળ આ નાટક બની રહ્યું હતું. પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદી અને નિર્માતા આશિષ ત્રિવેદી હતા. કલાકારોનું લિસ્ટ બહુ મોટું હતું. મેઘના રૉય, ડિમ્પલ શાહ, હેમંત ઝા, કિશોર ભટ્ટ, સમીર ખખ્ખર, અરવિંદ ત્રિવેદી અને કૉમેડિયન રાજેશ મહેતા જેમણે પહેલા અને છેલ્લા નાટકમાં સિરિયસ રોલ કર્યો હતો. એ નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. ઓરિજિનલી એ નાટક અગાઉ ‘ખુન્નસ’ના નામે બરજોર પટેલ પ્રોડક્શનના બૅનર હેઠળ ભજવાયું હતું. એ નાટક મેં જોયું હતું. એમાં સમીર ખખ્ખરે બહુ સરસ રોલ કર્યો હતો. નાટક ઠીક-ઠીક ગયું હતું.

બીજી બાજુ સંજય છેલ અને આતિશ કાપડિયાએ સિરિયલના પાઇલટ એપિસોડ લખવાનું શરૂ કરી દીધું હતું. સંજયને જે નાટક લખવાનું કામ સોંપ્યું હતું એનો પહેલો અંક પણ લખી નાખ્યો હતો. એ પહેલા અંકનું તેણે અમારી સમક્ષ રીડિંગ કર્યું. શફીભાઈએ એમાં થોડા ઘણા સુધારા સૂચવ્યા. સંજય એના પર કામ કરી જ રહ્યો હતો ત્યાં એક દિવસ શફીભાઈએ આવીને ધડાકો કર્યો, ‘સંજય છેલવાલા નાટક અભી હૉલ્ટ પે રખો... હમારે બૅનર કે લિએ એક બહોત હી અચ્છા નાટક મિલ ગયા હૈ...’

મૂળ વાત એ હતી કે મરાઠી નાટક ‘આઇ રિટાયર હોતેય’નું રીડિંગ એ નાટકના લેખક અશોક પાટોળે ભક્તિ બર્વે-ઇનામદાર પાસે કરવા આવ્યા હતા. એ સમયે શફીભાઈ ઘરમાં જ હતા. ભક્તિબહેને તેમને આગ્રહ કરીને નાટકના રીડિંગમાં બેસાડ્યા. શફીભાઈને એ નાટક એટલુંબધું ગમ્યું કે તેમણે તરત જ અશોક પાટોળેને કહ્યું કે મરાઠી સિવાયનાં બાકી બધી ભાષાનાં નાટકના હકો આજથી મારા. બે મહિના પછી એક દિવસ શફીભાઈએ આવીને મને કહ્યું કે શિવાજી મંદિરમાં આવતી કાલે ‘આઇ રિટાયર હોતેય’નો શુભારંભ પ્રયોગ છે. તું જઈને જોઈ લે. નાટક જોઈને હું ભાવવિભોર બની ગયો. આ નાટક તો કરાય જ કરાય. ગુજરાતી રંગભૂમિના માંધાતાઓએ મને ચેતવ્યો કે ગુજરાતીમાં વર્કિંગ-વુમનનો કોઈ કન્સેપ્ટ જ નથી એટલે આ નાટક નહીં ચાલે, પણ હું ટસનો મસ ન થયો. શફીભાઈએ મને પૂછયું કે નાટકનું રૂપાંતર આપણે કોની પાસે કરાવીએ, એટલે મેં કહ્યું કે પ્રકાશ કાપડિયા પાસે. આ પ્રકાશ કાપડિયા કોણ? તેમની સાથે મારી શું ઓળખાણ? એની વાતો કરીશું આવતા મંગળવારે...

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:45 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK