Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બધી જ બાબતો માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી

બધી જ બાબતો માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી

01 September, 2020 10:26 PM IST | Mumbai
Taru Kajaria

બધી જ બાબતો માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પર્યાવરણ અને ગ્રાહકોના હક અને સુરક્ષા માટે લડનારી ભૂતપૂર્વ બ્યુટી-ક્વીન અને અમેરિકન મૉડલ એરિન બ્રૉકોવિચનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે. આ મહિલાનું કહેવું છે કે આપણી સમસ્યા માટે કોઈ સુપરમૅન આવવાનો નથી, આપણે જ આપણા હક માટે અને સમસ્યા માટે કંઈક કરવું પડશે

Erin Brockovich



૧૯૯૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસેમ્બ્લીની પર્યાવરણ અને વિકાસ પરિષદ રિયો ડી જાનેરોમાં મળી હતી. એમાં દુનિયામાં પાણીના અગત્ય અને ઉપયોગિતા વિશે ગહન ચર્ચા થયેલી. એ જ બેઠકમાં પાણી બચાવવાની અનિવાર્યતા વિશે દુનિયામાં જાગૃતિ લાવવાના પગલારૂપે આંતરરાષ્ટ્રીય જળ દિવસ ઊજવવાનું નક્કી થયેલું અને બાવીસ માર્ચ પર કળશ ઢોળાયો હતો. (જોગાનુજોગ છે કે આ તારીખ આપણે એક બીજા સંદર્ભે કદી નહીં ભૂલી શકીએ. યાદ છેને કોવિડ-19ના પ્રતાપે દેશમાં થયેલું પ્રથમ લૉકડાઉન ૨૦૨૦ની ૨૨ માર્ચથી લાગુ થયેલું!)
હમણાં અનેક ટીવી-ચૅનલો પર ‘જલ બચાવ, જીવન બચાવ’ અભિયાનના સંદેશા અને કમર્શિયલ્સ જોઈને એક ભૂતપૂર્વ બ્યુટી-ક્વીન અને મૉડલ જે પછીથી એક કાનૂની ફર્મમાં ક્લર્ક તરીકે જોડાઈ હતી એવી અમેરિકન યુવતી એરિન બ્રૉકોવિચની યાદ આવી ગઈ. નોકરી માટેની કોઈ વિશિષ્ટ ડિગ્રી કે અનુભવવિહોણી એરિન એક મોટી કાનૂની ફર્મના માલિક પાસે નોકરી માગવા ગઈ ત્યારે તેના આત્મવિશ્વાસ અને ધગશથી જ ધરાર તેણે એ નોકરી મેળવી હતી, પરંતુ બારીકીઓ અને વિગતો શોધતી એરિનની તેજ નજર અને તીક્ષ્ણ બુદ્ધિના પરિણામે બે-ત્રણ વર્ષમાં જ તે કંપનીની સૌથી મહત્ત્વની અને આધારભૂત કાનૂની નિષ્ણાત બની ગઈ હતી. જે કામ કરે એમાં જીવ પરોવીને કરવાની કેટલાક લોકોની તાસીર હોય છે. એરિન તેમનામાંની જ એક છે.
૯૦ના દાયકાના આરંભની વાત છે. કૅલિફૉર્નિયાનાં મોટા ભાગનાં શહેરોમાં ગૅસ અને વીજળી સપ્લાય કરતી પૅસિફિક ગૅસ ઍન્ડ ઇલેક્ટ્રિક કંપનીના હેન્કલી શહેરમાં ૧૯૫૨માં બંધાયેલા કૉમ્પ્રેસર સ્ટેશનને કાટથી બચાવવા એમાં એક કેમિકલનો ઉપયોગ થતો હતો. એ પ્લાન્ટમાંથી નીકળતું પ્રદૂષિત પ્રવાહી અને કદડો જમીનમાં જઈને આસપાસના ભૂતળ જળમાં ભળતાં હતાં અને હેન્કલીના એ વિસ્તારના પાણીને પ્રદૂષિત કરતાં હતાં. એ પ્રદૂષિત પાણીના વપરાશથી શહેરના અનેક લોકોને કૅન્સર જેવી ઘાતક બીમારીઓ થઈ. કેટલાય લોકો મૃત્યુ પણ પામ્યા હતા. આ પ્રદૂષણથી પ્રભાવિત શહેરીજનોએ કંપની સામે અવાજ ઉઠાવ્યો, પરંતુ આવી જંગી કંપનીઓ પાસે પોતાનાં પાવરધા પ્રચારતંત્રો હોય છે. કાનૂની લડત લડવાની પણ ધરખમ ક્ષમતા હોય છે. વળી આવા મુકદ્દમામાં સજ્જડ પુરાવાઓની જરૂર પડે. કંપનીના પ્લાન્ટમાંથી નીકળેલું રસાયણ ભૂતળમાં જઈને પાણીમાં ભળ્યું છે અને એ રસાયણયુક્ત પાણીના ઉપયોગથી જ એ બીમારી થઈ છે એ પુરવાર કરતા તબીબી અને તકનિકી પુરાવાઓ મેળવવાનું કામ દુષ્કર હતું. એ જ કારણે ૪૦-૪૦ વર્ષથી કંપની સામે થયેલી અનેક ફરિયાદો છતાં કંપનીને છટકબારીઓ મળી રહેતી હતી,
પરંતુ હેન્કલીના ૬૬૬ પીડિત પરિવારોએ પીજીઈ કંપની સામે કરેલા મુકદ્દમાની લગામ જ્યારે એરિનની કંપનીએ તેના હાથમાં સોંપી એ ક્ષણથી કદાચ પૅસિફિક ગૅસ ઍન્ડ ઇલેક્ટ્રિક કંપનીના પરાજયની અવળી ગણતરી શરૂ થઈ ગઈ હતી. એરિને કલ્પના પણ ન આવે એવી જગ્યાએથી પુરાવા મેળવ્યા, ઘરે-ઘરે જઈને સાક્ષીઓ પાસેથી વિગતો મેળવી. સ્થાનિક કચેરીઓમાં જઈને સુધરાઈના તેમ જ અન્ય ટેક્નિકલ દસ્તાવેજો પણ મેળવ્યા અને એવો સજ્જડ કેસ ઊભો કર્યો કે ત્રણ વર્ષમાં કેસનો નિવેડો આવી ગયો. સેટલમેન્ટમાં અદાલતે પીજીઈને વળતર પેટે ૩૩૩ મિલ્યન ડૉલર્સ (એટલે કે ૩૩ કરોડ ૩૦ લાખ ડૉલર્સ) ચૂકવવાનો આદેશ આપ્યો. અમેરિકાના કાનૂની ઇતિહાસમાં આ પ્રકારના મુકદ્દમામાં ચૂકવાયેલું એ સૌથી મોટું વળતર હતું.
એ મુકદ્દમા પરથી ૨૦૦૦ના વર્ષમાં બનેલી ‘એરિન બ્રૉકોવિચ’ નામની ફિલ્મને ઑસ્કર અવૉર્ડ મળેલો. પછી તો એરિને પર્યાવરણના રક્ષણ અને
ગ્રાહકોના અધિકાર માટેની પોતાની લડતને બુલંદ બનાવી દીધી. એવા બીજા મુકદ્દમાઓ પણ જીત્યા અને પીડિત અરજદારોને જંગી વળતર અપાવ્યું. કાનૂની અને પત્રકારત્વના ક્ષેત્રે તેનું નામ ખૂબ આદરથી લેવાવા લાગ્યું. ગયા મહિને એરિનનું એક પુસ્તક પ્રગટ થયું છે: ‘સુપરમૅન ઇઝ નૉટ કમિંગ : અવર નૅશનલ વૉટર ક્રાઇસિસ ઍન્ડ વૉટ વી પીપલ કૅન ડુ અબાઉટ ઇટ.’
વર્ષો પહેલાં અમેરિકાના હજારો વિજ્ઞાનીઓ, કાનૂનવિદો, ઇજનેરો અને વહીવટી નિષ્ણાતોએ ભેગા મળીને પર્યાવરણની રક્ષા માટેની આ રાષ્ટ્રીય એજન્સી રચી હતી. એના અનુસાર અમેરિકન સરકાર કોઈ પણ પ્રકલ્પનું આયોજન કરતી હોય તો એની પર્યાવરણીય અસરો કે જાહેર સ્વાસ્થ્ય પર થનારી એની અસરોનો અભ્યાસ કરીને આ એજન્સી અહેવાલ આપે અને એમાં અપાયેલી વિગતો પ્રત્યે ધ્યાન રાખીને પ્રકલ્પોનું આયોજન થતું, પરંતુ અમેરિકાની ટ્રમ્પ સરકારે તો વિકાસને મોકળું મેદાન આપવા માટે પર્યાવરણ-રક્ષણના અનેક નિયમના લીરેલીરા ઉડાડી દીધા છે. આ પર્યાવરણ રક્ષણ એજન્સીનું ભંડોળ ઘટાડી દીધું છે. આ સંજોગોમાં એરિન કહે છે કે અમેરિકનો પીએ છે એ પાણીની, શ્વસે છે એ હવાની અને જેમાં ઊગેલું ધાન ખાય છે એ જમીનની રક્ષા કરવાનું આ એજન્સી માટે દુષ્કર બની ગયું છે. પીવાના પાણીની ગુણવત્તાનું સ્તર જાળવી રાખવાનું પણ દુષ્કર બન્યું છે.
અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા દિવસે-દિવસે વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે. આ પુસ્તકમાં એરિને પર્યાવરણીય સમસ્યાઓ સુલઝાવવા માટેના જનઆંદોલનોની સફળ લડતના કિસ્સા ટાંક્યા છે, જેમાં જનતાએ પોતે આગળ આવીને પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ સુરક્ષા તેમ જ જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાનાં પગલાં ભર્યાં છે અને સુખદ પરિણામ મેળવ્યાં છે. એરિન કહે છે કે બધી બાબતો માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી. આપણે પોતે આ સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાના અને એના ઉકેલ માટે ઇનોવેટિવ ઉપાય કરવા પડશે.
સાચી વાત છે, સરકારરૂપી સુપરમૅન આવીને આપણી સમસ્યાઓ ઉકેલશે એવી ભ્રમણામાં રહેવાને બદલે માણસે પોતે જ સમસ્યાઓને કાંઠલેથી પકડીને એને દૂર કરવાના કામે લાગી જવું પડશે. પછી એ સમસ્યા જળના જતનની હોય કે પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવાની હોય. આપણે પણ સ્થાનિક સ્તરે કેટલાક એવા વિરલાઓને જોયા જ છેને? રસ્તાની ધારે-ધારે બીજ વાવીને વૃક્ષારોપણ કરતાં કે રસ્તા પરના ખાડાઓ પૂરવા નીકળી પડેલાં સજ્જનો-સન્નારીઓ વિશે વાંચ્યું છે. આવી એકલદોકલ વ્યક્તિની પ્રવૃત્તિમાં લોકો જોડાતા જાય તો એ કાફલો બને અને પછી એ સૌના સહિયારા પ્રયાસ જનઆંદોલનમાં પરિણમી શકે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં પાણીની સમસ્યા દિવસે-દિવસે વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે. આ પુસ્તકમાં એરિને પર્યાવરણીય સમસ્યાઓ સુલઝાવવા માટેના જનઆંદોલનોની સફળ લડતના કિસ્સા ટાંક્યા છે, જેમાં જનતાએ પોતે આગળ આવીને પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ સુરક્ષા તેમ જ જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાનાં પગલાં ભર્યાં છે અને સુખદ પરિણામ મેળવ્યાં છે. એરિન કહે છે કે બધી બાબતો માટે સરકાર સામે મીટ માંડીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી. આપણે પોતે આ સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાના અને એના ઉકેલ માટે ઇનોવેટિવ ઉપાય કરવા પડશે.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 10:26 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK