Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હું માનું છું કે મહેનતથી ઓછું ને પુરુષાર્થથી વધારે કશું હોતું નથી

હું માનું છું કે મહેનતથી ઓછું ને પુરુષાર્થથી વધારે કશું હોતું નથી

15 July, 2020 03:28 PM IST | Mumbai
Pankaj Udhas

હું માનું છું કે મહેનતથી ઓછું ને પુરુષાર્થથી વધારે કશું હોતું નથી

પુરાની યાદે- ફિલ્મ ‘નામ’માં ગઝલસિંગર દેખાય એ વિચાર રાઇટર સલીમ ખાનનો હતો અને રાજેન્દ્રકુમારે તેમની એ વાત તરત જ માની લીધી હતી

પુરાની યાદે- ફિલ્મ ‘નામ’માં ગઝલસિંગર દેખાય એ વિચાર રાઇટર સલીમ ખાનનો હતો અને રાજેન્દ્રકુમારે તેમની એ વાત તરત જ માની લીધી હતી



સ્ક્રીન પર મારો પહેલો અપીરન્સ એટલે ‘નામ’ ફિલ્મનું ‘ચિઠ્ઠી આઇ હૈ...’ સૉન્ગ. આ ગીત રિલીઝ થયું અને હિટ થયું એ પછીના થોડા સમય પછી એક દોર એવો પણ શરૂ થયો જેમાં સિંગર સ્ક્રીન પર દેખાય. અમારા સમયના ઘણા સિંગર્સ એવી રીતે સ્ક્રીન પર આવ્યા અને અપીરન્સ આપવાનું તેમણે શરૂ કર્યું. એ પછી પૉપ મ્યુઝિકનું એક આખું કલ્ચર આવ્યું અને એ સમય વચ્ચે પણ મેં મારું કામ ચાલુ રાખ્યું અને અનેક આલબમ કર્યાં, જેમાંનાં અમુક આલબમમાં મારા ભાગે ઍક્ટિંગ કરવાનું પણ આવ્યું.
ફૂડ ફૉર સોલ.
અંગ્રેજીમાં આ ત્રણ શબ્દનો એક વાક્ય છે અને હું હંમેશાં માનતો આવ્યો છું કે મ્યુઝિક એ મારી માટે ફૂડ ફૉર સોલ છે. સ્વાભાવિક છે કે એવા સમયે મને ઍક્ટિંગમાં કોઈ દિલચસ્પી ન હોય પણ રાજેન્દ્રકુમારે ‘નામ’ ફિલ્મમાં મારો એ છોછ કે પછી કહો કે ડર તેમણે કાઢી નાખ્યો હતો. ‘નામ’ ફિલ્મના એ ગીતની સફર વિશે તો મેં તમને અગાઉ કહ્યું જ છે અને આપણે એ બાબતમાં લંબાણપૂર્વક વાત પણ થઈ છે.
‘ચિઠ્ઠી આઇ હૈ...’ ગીતમાં મને ઍક્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું એ હકીકતમાં સલીમ ખાનનો વિચાર હતો. સલીમ ખાન એ ફિલ્મના સ્ક્રિપ્ટ-રાઇટર. સલીમ ખાનની ઇચ્છા હતી કે આવી કોઈ લાઇવ કૉન્સર્ટમાં હીરો એટલે કે સંજય દત્ત જાય છે એવું આપણે જ્યારે દેખાડીએ છીએ ત્યારે શું કામ આપણે એ સૉન્ગ કોઈ પાસે ગવડાવીને બીજા ઍક્ટર પર શૂટ કરીએ. એવું કરીશું તો આર્ટિફિશ્યલ લાગશે. એવું કરવાને બદલે આપણે રિયલ સિંગર પાસે જ ગીત ગવડાવીએ અને પછી એના પર જ શૂટ કરીએ. બહુ બધી દલીલો થઈ હતી અને એ બધી દલીલ-ચર્ચા પછી ફાઇનલી સલીમ ખાનની વાત રહી અને બધાએ નક્કી કર્યું કે આ ગીત સિંગર પર જ પિક્ચરાઇઝ કરવું. હવે એવા સમયે એ પણ જોવાનું હોય કે કયા સિંગરને સ્ક્રીન આપવી જોઈએ. સિંગર્સનાં લિસ્ટ જોવામાં આવ્યાં, જેમાં ફૉચ્યુર્નેટલી ટૉપ ત્રણમાં મારું નામ એટલે એ લોકોએ નક્કી કર્યું કે પંકજ ઉધાસ પાસે કરાવીએ અને મને ફોન આવ્યો.
આગળની વાત મેં તમને અગાઉ કહી છે એટલે એ વાતને હું રિપીટ નથી કરતો, પણ હા એ યાદ દેવડાવી દઉં કે રાજેન્દ્રકુમારે જ્યારે મને ઍક્ટિંગની ઑફર આપી ત્યારે મને બે દિવસ સુધી ઊંઘ નહોતી આવી, પણ પછી જેકાંઈ બન્યું એ હિસ્ટરી બની ગયું. હું હંમેશાં કહેતો આવ્યો છું કે ક્યારેય કોઈ સુપરહિટ ગીતનું સર્જન ન થાય, એ તો જન્મે અને આપબળે આવે. મારાં અનેક ગીતો એવી રીતે આવ્યાં છે, અનેક ગઝલો એવી જ રીતે આવી અને એ પછી એણે પૉપ્યુલરિટીના બધા ચાર્ટ તોડી નાખ્યા, પણ ‘નામ’ની વાત જરા જુદી હતી. એ સમયે આ એક નવો શિરસ્તો શરૂ થયો. અગાઉ એવું હતું કે ઍક્ટર ખુદ પોતે જ પોતાનાં ગીત ગાતા, પણ એ પછી સિંગરનું મહત્ત્વ વધ્યું અને ઍક્ટર પર ગીત પિક્ચરાઇઝ થવાનું શરૂ થયું અને એ જ સમય ચાલતો હતો, પણ ‘નામ’માં એ વાતને તોડવામાં આવી અને સિંગરને લાવીને તેમણે પુરવાર કર્યું કે સિંગર ખુદ પોતે ગાયેલાં ગીતોમાં ઍક્ટિંગ કરે. આ એક નવી શરૂઆત હતી અને આ શરૂઆત કરવામાં ક્યાંક ને ક્યાંક હું પણ નિમિત્ત બન્યો એની મને ખુશી છે.
‘નામ’ પછી તો અનેક ફિલ્મોમાં આ રીતે અપીરન્સ આપવાનું બન્યું અને હું સ્ક્રીન પર આવ્યો. ક્યારેય રાજેન્દ્રકુમારજી મળતા તો હું કહેતો પણ ખરો કે તમારે લીધે થયેલા પેલા બે દિવસના ઉજાગરા લેખે લાગ્યા છે. એક સમય એવો પણ આવ્યો કે પ્રોડ્યુસર-ડિરેક્ટર મને લકી મૅસ્કૉટ પણ માનવા માંડ્યા અને એવું ધારવા માંડ્યા કે જે ફિલ્મમાં પંકજ ઉધાસ ઍક્ટિંગ કરે એ ફિલ્મ સુપરહિટ થાય છે. બનતું પણ ખરું. ‘નામ’ પછી ‘સાજન’ આવી, એમાં પણ મેં ઍક્ટિંગ કરી અને ‘સાજન’ પણ સુપરહિટ થઈ. ‘યે દિલ્લગી’ નામની ફિલ્મ આવી, એમાં અક્ષયકુમાર અને સૈફ અલી ખાન હતા, એ પણ નસીબજોગે સુપરહિટ રહી અને ઇન્ડિયાની પહેલી ટીવી-ફિલ્મ ‘ફિર તેરી કહાની યાદ આઇ’ પણ ખૂબ જ વખણાઈ હતી. આ બધી ફિલ્મો પણ સારી હતી એટલે હું એવું તો નહીં કહું કે એમાં મારી કોઈ ખાસિયત કામ કરી ગઈ, પણ આ બધી ફિલ્મોનું એક કૉમન ફૅક્ટર હતું, પંકજ ઉધાસ અને એ કૉમન ફૅક્ટરને લીધે બધાને હું લકકી મૅસ્કૉટ લાગવા માંડ્યો એ વાત જુદી છે.
આજની જનરેશનને કદાચ ‘સાજન’ વિશે ખબર ન હોય તો એના વિશે થોડી વાત કરું. ૯૦ના દસકામાં ખૂબ જ ચાલી હોય એવી ‘સાજન’ના લીડ સ્ટારમાં સંજય દત્ત, સલમાન ખાન અને માધુરી દીક્ષિત હતાં. ફિલ્મમાં બહુ ઇમોશનલ સિચુએશન પર ગીત હતું. સલમાન ખાનને ખબર પડે છે કે માધુરી દીક્ષિત તેને નહીં, પણ મોટા ભાઈ સંજય દત્તને પ્રેમ કરે છે, જે આ ગીત દરમ્યાન ખબર પડે છે. ગીતના શબ્દો છે -
જિયે તો જિયે કૈસે, બિન આપકે
લગતા નહીં દિલ કહીં, બિન આપકે...
ગીતકાર સમીરે આ ગીત લખ્યું હતું. આ ગીતની સૌથી સરસ વાત જો કોઈ હોય તો એ એના શબ્દો. અત્યંત સરળ શબ્દોમાં લખાયેલું આ ગીત બહુ ઝડપથી લોકોમાં પ્રિય બની ગયું. ભારેખમ શબ્દો સાથે લખાતાં ગીતો મોટા ભાગે લોકોમાં સ્વીકારાતાં નથી અને જો એનો સ્વીકાર થાય તો એ ગીત લોકો સામાન્ય રીતે ગણગણતા નથી, કારણ કે એના શબ્દો યાદ રાખવા અઘરા થઈ જાય છે. ગીતકારની એ જ ખૂબી હોય છે કે તે સરળ અને સીધાસાદા શબ્દોમાં ગીત લખે અને શ્રેષ્ઠ લાગણીઓ દર્શાવે. ‘સાજન’ ફિલ્મનું આ ગીત લોકોએ ખૂબ વખાણ્યું તો એનું કારણ પણ આ જ હતું એવું કહેવામાં મને જરાય સંકોચ નહીં થાય. આ ગીતનો હું બધો જશ સમીરને આપું છું, પણ અત્યારે આપણી વાત આ ગીતની નહીં, ઍક્ટિંગની ચાલતી હતી.
ફિલ્મમાં ઍક્ટિંગ કરવી કે પછી સિંગર તરીકે પણ કોઈ ગીતના આલબમમાં ઍક્ટિંગ કરવી એ નવું-નવું શરૂ થયું હતું અને આ પ્રકારનો સમય શરૂ થયો હતો એવું કહું તો ચાલે. મારી જેમ ફાલ્ગુની પાઠકે પણ પોતાનાં એક-બે સૉન્ગના વિડિયો આલબમમાં ઍક્ટિંગ કરી હતી તો અનુરાધા પૌડવાલ પણ સ્ક્રીન પર દેખાતાં એ મને યાદ છે. આ સમયની જરૂરિયાત હતી. એ સમયે કલ્ચર એ પ્રકારનું હતું કે જે ગીત ગાતું હોય તે સિંગર પોતે સ્ક્રીન પર ગીત ગાતો દેખાય, બીજાં ઍક્ટર-ઍક્ટ્રેસ પોતાનું કામ કરે. ડાન્સ કરે કે પછી સિચુએશનલ સૉન્ગ હોય તો સ્ટોરીને આગળ લઈ જવાનું કામ કોરિયોગ્રાફર અને ડિરેક્ટરના આદેશ મુજબ કરે, પણ હા, હું માનું છું કે સિંગર જો ડાન્સ કે એવું બીજું કંઈ કરે તો તેને માટે તેની પાસે સ્ક્રીન-પ્રેઝન્સ હોવી જોઈએ. આ વાત કરતાં મને અત્યારે મારું જ એક આલબમ યાદ આવે છે, એનું નામ ‘મહેક.’ આ આલબમના એક સૉન્ગ ‘ચુપકે ચુપકે સખિયોં સે બાતેં કરના ભૂલ ગઈ...’ માટે અમે સ્વિટ્ઝરલૅન્ડના ખૂબ જ સુંદર એવા લોકેશન પર શૂટિંગ કર્યું હતું, જેમાં મારે સિંગર તરીકે જ દેખાવાનું હતું અને સાથે એક સ્ટોરી ચાલતી રહે. વિડિયો-સૉન્ગનું શૂટિંગ હતું અને લાસ્ટ મોમેન્ટે આ વિડિયો-સૉન્ગ માટે જૉન એબ્રાહમને પસંદ કરવામાં આવ્યો અને એ રીતે જૉન એબ્રાહમ પહેલી વખત સ્ક્રીન પર દેખાયો. આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે એવું મારું માનવું છે. જૉન એબ્રાહમ ખૂબ શરમાળ પ્રકૃતિનો, દિવસમાં માંડ બેથી ચાર વાક્યો બોલે. એકદમ ડાહ્યો અને શાંત સ્વભાવનો. જૉન એબ્રાહમ આજે તો ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે ખૂબ મોટું નામ થઈ ગયું છે અને ઘણી સરસ ફિલ્મો સાથે તે જોડાયેલો છે, પણ એ સમયે જૉન એબ્રાહમ સાવ નવોસવો, કહોને તે ઍક્ટિંગના ફીલ્ડમાં પાપા પગલી ભરતો હતો. આ ગીતના વિડિયો આલબમમાં જૉન એબ્રાહમ કરતાં વધારે કૅમેરા એક સિંગર તરીકે મારા પર રહે અને એ સ્વાભાવિક હતું, કારણ કે એ સમય જ એવો હતો કે લોકોને એવું લાગતું કે પંકજ ઉધાસ લકી મૅસ્કૉટ છે, પણ હું એવું માનતો નથી. હું નમ્રતા સાથે કહું છું કે દુનિયામાં મહેનતથી ઓછું અને પુરુષાર્થથી વધારે કશું હોતું નથી.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 03:28 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK