પહલા નશા... પહલા ખુમાર

Published: 14th February, 2021 15:22 IST | Varsha Chitalia | Mumbai

ટીનેજ લવ-સ્ટોરીમાં લૉન્ગ રિલેશનશિપ જેવું ફૅક્ટર ખરેખર નથી હોતું કે હવે મૅચ્યોરિટીની એજ બદલાઇ ગઈ? આજની પેઢી અટ્રૅક્શન અને લવને ડિફાઇન કરવા જેટલી સક્ષમ છે? ચાલો જાણીએ...

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક જમાનામાં કૉલેજમાં ભણતા યુવાનો પણ પ્રેમમાં પડતાં અચકાતા હતા, જ્યારે ડિજિટલ વર્લ્ડમાં જન્મેલી પેઢી ૧૩ વર્ષની ઉંમરે રોમૅન્ટિક રિલેશનશિપ રાખતી થઈ ગઈ છે એવું રિસર્ચ કહે છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ટીનેજર અટ્રૅક્શન અને લવ વચ્ચેના ભેદને પારખી શકે એટલા મૅચ્યોર્ડ હોતા નથી એથી આવા અફેરમાં બ્રેકઅપના ચાન્સિસ વધુ હોય છે. ટીનેજ લવ-સ્ટોરીમાં લૉન્ગ રિલેશનશિપ જેવું ફૅક્ટર ખરેખર નથી હોતું કે હવે મૅચ્યોરિટીની એજ બદલાઇ ગઈ? આજની પેઢી અટ્રૅક્શન અને લવને ડિફાઇન કરવા જેટલી સક્ષમ છે? ચાલો જાણીએ...

વર્ષા ચિતલિયા

એકવીસ-બાવીસ વર્ષની યુવાન વયે મનગમતો ચહેરો જોઈને દિલ ધબકારા ચૂકી જાય એ પછી તેને ‘આઇ લવ યુ’ કહેવા માટે ખાસ્સી હિંમત એકઠી કરવી પડતી. આકર્ષણ નહીં, પણ ગજબનું ખેંચાણ અને સાચેસાચો પ્રેમ હોવા છતાં યોગ્ય સમયે મનની વાત કહી ન શકનારા કેટલાય આશિકોની માશૂકાઓ બીજે પરણી ગયાના અઢળક દાખલા છે. કૉલેજનાં છેલ્લાં વર્ષોમાં થતો ચુંબકીય પ્રેમ હવે આઉટડેટેડ થઈ ગયો છે. અત્યારે સ્કૂલવાલી લવ-સ્ટોરીનો જમાનો છે. 

‘તુને મારી એન્ટ્રીયાં દિલ મેં બજી ઘંટીયાં, ટંગ ટંગ...’ સ્કૂલ-લાઇફમાં દિલની ઘંટડી વાગવી આજની જનરેશન માટે નવી વાત નથી. કૉલેજમાં પગ મૂકતા સુધીમાં તો આ ઘંટડી એક વાર નહીં, અનેક વાર વાગે છે અને પરિણામે લવ બ્રેકઅપ લવનો ત્રિકોણ સર્જાયા કરે છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં ટાબરિયાંઓ (આપણી નજરમાં હોં!) પણ દિલમાં સંભળાતા ટંગ ટંગ અવાજને અનુસરીને વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ‘આઇ લવ યુ’ લખેલાં કાર્ડની આપ-લે કરતાં થઈ ગયાં છે. રિસર્ચ કહે છે કે ટીનેજમાં લવ ઍટ ફર્સ્ટ સાઇટ કૉમન છે. ડિજિટલ વર્લ્ડમાં જન્મેલાં ૩૫ ટકાથી વધુ બાળકો ૧૩ વર્ષની ઉંમરથી રોમૅન્ટિક રિલેશનશિપ રાખે છે અને ૧૭ વર્ષની વય સુધીમાં સેક્સનો અનુભવ કરી લે છે. ‘જો જીતા વહી સિકંદર’માં સ્કૂલમાં સ્ટડી કરતો આમિર ખાન અન્ય સ્કૂલમાં અભ્યાસ કરતી શ્રીમંત પરિવારની પૂજા બેદીના પ્રેમમાં (?) પડે છે. બીજી તરફ નાનપણથી તેની તમામ હરકતોને નજરઅંદાજ કરતી આયેશા ઝુલ્કાના પ્રેમને ઓળખવામાં આમિર ભારોભાર થાપ ખાઈ જાય છે. જોકે ફિલ્મ હોવાથી એન્ડમાં લવ ઍન્ડ અટ્રૅક્શન વચ્ચેની પાતળી રેખા ભૂંસાઈ જાય છે, પરંતુ રિયલ લાઇફમાં આ વાત સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે. આ રિસર્ચ સંદર્ભે સાયકોથેરપિસ્ટ શું કહે છે તેમ જ અટ્રૅક્શન અને લવને યુવા પેઢી કઈ રીતે ડિફાઇન કરે છે એ જાણીએ...

ટીનેજ લવ-સ્ટોરીના અનેક કેસમાં કાઉન્સેલિંગ કર્યા બાદ તારણ નીકળ્યું છે કે પ્રેમમાં પડવાની ઉંમર અને એને સમજવાની ઉંમર બદલાઈ ગઈ છે. વડાલાનાં સાયકોથેરપિસ્ટ અને કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘અત્યારે મિડલ એજના જે પેરન્ટ્સ છે તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે તેમનામાં બાળકબુદ્ધિ હતી. રોમૅન્સ જેવો શબ્દ તેમને માટે નવો હતો. મૅચ્યોરિટીની એજ પણ ૨૧ પછીની રહેતી. સ્માર્ટ વર્લ્ડમાં સિનારિયો ચેન્જ થઈ ગયો છે. અત્યારે છટ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો ગર્લફ્રેન્ડ અને બૉયફ્રેન્ડ રાખતાં થઈ ગયાં છે. તેમના માનસ પર ઇન્ટરનેટનો એટલો પ્રભાવ છે કે અફેર કરવું એ તેમને માટે અચીવમેન્ટ છે. આ એજમાં મૅચ્યોરિટીનો અભાવ હોવાથી હાર્ટબ્રેક થવાના કિસ્સા વધી ગયા છે. મારી પાસે ૧૨ વર્ષની એક ગર્લનો કેસ આવ્યો હતો. ક્લાસમાં સાથે ભણતા હમઉમ્ર છોકરા માટે તેને ક્રશ હતો, પણ એ છોકરો તેને જસ્ટ ફ્રેન્ડ માનતો હતો. કુમળી વયનાં બે બાળકો વચ્ચે પ્રેમ પાંગરે અને એમાંથી એક ઇમોશનલ હોય ત્યારે હાર્ટબ્રેક થઈ જાય છે. દિલને ઠેસ પહોંચે પછી સ્ટડીમાં ફોકસ ન રહે, પેરન્ટ્સ સાથે ઝઘડો કરે, આવેશમાં આવીને પોતાની જાતને હાનિ પહોંચાડી બેસે એવા કિસ્સા સામાન્ય થતા જાય છે. જોકે આ એજમાં બૉર્ડર ક્રૉસ કરનારાં બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. અફેર કરવું એ ટ્રેન્ડ છે, બધાની ગર્લફ્રેન્ડ હોય છે એટલે મારી પણ હોવી જોઈએ એવું તેઓ માને છે.’

મારું ઑબ્ઝર્વેશન કહે છે કે એક્સપોઝર વધતાં પરિપક્વતાની ઉંમર પણ બદલાઈ છે. આજે ૧૨ વર્ષે લવ થાય છે તો ૧૭-૧૮ વર્ષની ઉંમરમાં અટ્રૅક્શન અને લવ વચ્ચેનો ભેદ પણ સમજાઈ જાય છે. તેઓ કહે છે, ‘સ્કૂલ ગોઇંગ કિડ્સ ઇન્ફ્લુઅન્સમાં આવીને રોમૅન્ટિક રિલેશનશિપ રાખે છે ત્યારે લાંબા ગાળે સાયકોલૉજિકલ ડૅમેજ જોવા મળે છે, જ્યારે એનાથી ઉપરની વયનાં બાળકો પોતાની લાઇફનો નિર્ણય લઈ શકે એટલાં પરિપક્વ હોય છે. અત્યારના જમાના પ્રમાણે મૅચ્યોરિટીની વૅલિડ એજ ઘટી છે. સાયન્ટિફિકલી જોવા જઈએ તો ઇન્ડિકેશન જેવું કશું હોતું નથી, પરંતુ આપણા મગજમાં એક પ્રકારનું કેમિકલ હોય છે જે દર ત્રણ વર્ષે રિલીઝ થાય છે. આટલો સમય અફેર રહ્યા બાદ રિલેશનશિપને એક સ્ટેપ આગળ વધારવું છે એવો નિર્ણય લેવો એને પરિપક્વતાની નિશાની કહી શકાય. આવા પ્રેમ-પ્રકરણમાં અટ્રૅક્શનવાળું ફૅક્ટર આઉટ થઈ જાય છે અને લવની એન્ટ્રી થાય છે.’ મળો સ્કૂલવાલી લવસ્ટોરીને આગળ વધારનારા વેરી યંગ કપલ્સને...

અત્યારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ્સ ગર્લફ્રેન્ડ અને બૉયફ્રેન્ડ રાખતા થઈ ગયા છે. તેમના માનસ પર ઇન્ટરનેટનો એટલો પ્રભાવ છે કે અફેર કરવું એ અચીવમેન્ટ છે. જોકે એક્સપોઝર વધતાં અટ્રૅક્શન અને લવ વચ્ચેના ભેદને સમજવાની વૅલિડ એજ ઘટીને ૧૮ થઈ ગઈ છે. ત્રણ વર્ષની રિલેશનશિપ બાદ મોટા ભાગના યંગસ્ટર્સ એક સ્ટેપ આગળ વધવાનો નિર્ણય લઈ લેતા હોય છે.

-નીતા શેટ્ટી, સાયકોથેરપિસ્ટ

દસમા ધોરણમાં શરૂ થયેલી લવ-સ્ટોરી લગ્નમાં પરિણમી

ધ્વનિ અને સની દોશી

૨૪ વર્ષની ધ્વનિની પહેલી વાર સની સાથે મુલાકાત થઈ ત્યારે તે ટેન્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી હતી. અટ્રૅક્શન, ફ્રેન્ડશિપ, મેડનેસ અને મૅરેજ એમ દરેક તબક્કામાંથી તેઓ પસાર થયાં છે. પોતાની ટીનએજ લવ-સ્ટોરી શૅર કરતાં ધ્વનિ કહે છે, ‘સની મારી કઝિનનો ફ્રેન્ડ હતો. અમે કમ્પ્યુટર ક્લાસમાં મળ્યાં હતાં. ઉંમરમાં ત્રણ વર્ષનો તફાવત હોવાથી સની ત્યારે પણ ઘણો મૅચ્યોર્ડ હતો. હા, હું થોડી મૅડ હતી એમ કહી શકો. ટીનએજ એવી ઉંમર છે જ્યાં દરેક ગર્લને કોઈ સ્પેશ્યલ ફીલ કરાવે એ બહુ ગમતું હોય. મારું માનવું છે કે લવ ઍટ ફર્સ્ટ સાઇટનો અર્થ અટ્રૅક્શન હોય છે. ચહેરો જોઈને કોઈ ગમે ત્યારે જ તમે આગળ વધો છો. જોકે અટ્રૅક્શન શૉર્ટ ટર્મ માટે રહે છે, જ્યારે લવ જુદી ફીલિંગ છે. શરૂઆતમાં ગિફ્ટનો ઢગલો કરી દેતો બૉયફ્રેન્ડ કંઈ આખી જિંદગી તમને પેમ્પર નથી કરવાનો એવી સમજણ કેળવાય, લાંબા સમય સુધી એકબીજાની કંપનીમાં રહેવું ગમે, બન્ને વચ્ચે વિચારોના મતભેદ હોવા છતાં રિસ્પેક્ટ રહે ત્યારે ઑટોમૅટિકલી અંદરથી અવાજ આવે કે યસ, યહી હૈ રાઇટ ચૉઇસ.’

વાઇફની વાત સાંભળીને હસી પડતાં સની કહે છે, ‘ધ્વનિની લવ-સ્ટોરી સ્કૂલ-લાઇફના એન્ડમાં શરૂ થઈ હતી, પણ હું ડિગ્રી કૉલેજમાં હતો. મારા જીવનમાં આવનારી ફર્સ્ટ ઍન્ડ લાસ્ટ ગર્લ સેમ હોવી જોઈએ એ બાબત માઇન્ડમાં ક્લિયર હતી. પ્યાર એક બાર હોતા હૈ, બાર બાર નહીં. મારું માનવું છે કે માત્ર ગુડ લુક માટે તમે જીવનભર સાથે રહી ન શકો. પ્યૉર લવનો અર્થ સમજવા જેટલી ઉંમર થયા પછી રિલેશનશિપમાં આગળ વધવાનો નિર્ણય લો તો તમારે કારણે કોઈ પણ ગર્લને રડવાનો વારો ન આવે. હું લવને એક્સપ્રેસ કરવામાં નહીં, ફીલ કરવામાં માનું છું. લાંબો સમય સાથે રહ્યાં અને સમય જતાં અમારું અટેચમેન્ટ વધતું ગયું એ પછી પરણી ગયાં.’

લવ ઍટ ફર્સ્ટ સાઇટમાં અમે બિલીવ કરીએ છીએ

જિનલ પરમાર અને પ્રતીક સોલંકી

સ્કૂલમાં ભણતાં હોઈએ ત્યારે સાથે અભ્યાસ કરતો છોકરો ગમી જાય, બહેનપણીઓ આપણને તેના નામથી ચીડવે, ત્રાંસી નજરે ક્લાસમાં તેને જોઈ લેવું એને પ્રેમનું નામ ન આપી શકાય. ૧૯ વર્ષની જિનલ કહે છે, ‘બધાં છોકરા-છોકરી સાથે સ્કૂલમાં આવું થતું હોય છે, પણ એ લવ નથી, ફન છે એવી આજના જનરેશનને ખબર પડે છે. પ્રતીક મને પહેલી નજરે ગમી ગયો હતો એથી લવ ઍટ ફર્સ્ટ સાઇટમાં બિલીવ કરું છું. ત્રણ વર્ષ પહેલાં બેસ્ટ ફ્રેન્ડના ઘરે પ્રસંગમાં રાત રોકાવા ગઈ હતી ત્યારે અમારી પહેલી મુલાકાત થઈ. એ વખતે વાતચીત નહોતી કરી, પણ દિલમાં ઘંટડી વાગી ગઈ છે એ કન્ફર્મ થઈ ગયું. ઘરે આવ્યા પછી તેનો ચહેરો નજર સામે તરવરવા લાગતાં બેચેની વધી ગઈ. સામા પક્ષે પ્રતીક પણ મને મળવા તલપાપડ હતો એથી ફ્રેન્ડના માધ્યમથી ફોન-નંબરની આપ-લે થઈ. જોકે પ્રતીક વિશે વધુ માહિતી ન હોવાથી એકાંતમાં મળવાની હિંમત નહોતી થઈ.’

લવ પરિણયમાં કઈ રીતે કન્વર્ટ થયો એની વાત કરતાં ૨૨ વર્ષનો પ્રતીક કહે છે, ‘જિનલ મળવા આવી તો ખરી, પણ કન્ફ્યુઝ હતી. તેના મનમાં ક્લૅરિટી નહોતી એથી શરૂઆતમાં ફોન પર જ વાત કરતાં હતાં. છોકરીના મનમાં ડાઉટ હોય ત્યાં સુધી પ્રપોઝ કરવાનો મતલબ નથી એવું સમજીને મનને મનાવી ફ્રેન્ડશિપ રાખી. એક વર્ષ પછી ઇન્ટરેસ્ટિંગ ઘટના એ બની કે જિનલે એક દિવસ સામેથી પ્રપોઝ કરતાં કહ્યું, ‘મારી સાથે લગ્ન કરીશ?’ ગર્લની હા થઈ પછી મળતાં કોણ રોકી શકે? બે વર્ષના અફેર બાદ ગયા મહિને અમારી સગાઈ થઈ છે. મારું માનવું છે કે અટ્રૅક્શન છે કે લવ જેવાં પારખાં કરવા કરતાં એકબીજાને સમજવાનો અને વિચારવાનો પૂરતો સમય આપવાથી રિલેશનશિપ સ્ટ્રૉન્ગ બને છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK