પાઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં તમારાયે આવા જ હાલ છે?

Published: 12th February, 2021 13:16 IST | Ruchita Shah | Mumbai

જવાબ ન મળતો હોય તો આ લેખ વાંચો આગળ અને જાણી લો કે ઓછા સમયમાં વધુ પ્રોડક્ટિવ પરિણામ મેળવવા માટે શું કરી શકાય

પાઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં તમારાયે આવા જ હાલ છે?
પાઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં તમારાયે આવા જ હાલ છે?

આ પ્રશ્ન આજે પુછાયો છે, કારણ કે આજે નૅશનલ પ્રોડક્ટિવિટી ડે છે. એવો અનુભવ તમે પણ ક્યારેક તો કર્યો જ હશે કે કેટલાં કામ કરવાનાં બાકી છે પરંતુ સમય જ નથી મળતો. ખરેખર સમયનો અભાવ છે કે મળેલા સમયનો યોગ્ય ઉપયોગ નહીં કરી શકવાની સ્માર્ટનેસનો? આત્મચિંતન કરો થોડું. એવું બન્યું છે કે આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી પણ સાંજે તાળો મેળવો તો લાગે કે કાંઈ કામ જ ન થયું આજે તો? એવું શું બને છે કે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની બાબતમાં માર ખવાઈ જાય? પૂછો જાતને. જવાબ ન મળતો હોય તો આ લેખ વાંચો આગળ અને જાણી લો કે ઓછા સમયમાં વધુ પ્રોડક્ટિવ પરિણામ મેળવવા માટે શું કરી શકાય

પૈસા ખોઈ દેશો તો પાછા કમાઈ શકાશે, પરંતુ વીતી ગયેલી વેળા પાછી આવી શકે? વેસ્ટર્ન વર્લ્ડ ટાઇમ મશીનને લગતી અનેક સાયન્સ ફિક્શન સ્ટોરી લાવ્યું પરંતુ આજ સુધી વીતેલા સમયમાં પાછા લઈ જાય એવું ઍક્ચ્યુઅલ મશીન બન્યું નથી. બને એવી કોઈ સંભાવના પણ જણાતી નથી. હાથમાં પકડેલી રેતીની જેમ સરકી રહેલા સમયની ઉપમા માત્ર કવિઓની કલ્પના નથી પરંતુ હકીકત છે. ખબર પણ ન પડે એ રીતે સમય હાથમાંથી સરકી રહ્યો છે. હજી તો હમણાં જ તમે વિદ્યાર્થી હતા અને અચાનક યુવાન થઈ ગયા, યુવાની પણ આંખના પલકારાની જેમ સરકી ગઈ. જોકે આ સરકતા સમય વચ્ચે જીવનમાં ઘણું કરવાનું રહી ગયું એવા અફસોસને સ્થાન ન આપવું હોય તો જે છે એનો અકસીર રીતે ઉપયોગ કરવાનું શીખવું પડે. થોડામાં ઘણું કરવાની આવડત કેળવવી પડે. સમયને સાધવાનું એને જ કહેવાય. પ્રોડક્ટિવિટી એટલે તમારી ક્ષમતા અને સમયના સંયોજનથી મેળવેલું આઉટપુટ. સમય વહી જાય અને આપણી નકામી આદતોને કારણે અથવા અનઑર્ગેનાઇઝ્ડ વર્ક પૅટર્નને કારણે જે-તે સમયમાં જેટલું કામ થવું જોઈએ એટલું થઈ ન શકે. મજાની વાત એ છે કે વેસ્ટર્ન રિસર્ચરોએ આ દિશામાં ખૂબ કામ કર્યું. એમ્પ્લૉયરની પ્રોડક્ટિવિટી વધારવા માટે, તેમનું આઉટપુટ વધારવા નડતર શું છે અને એને ઇમ્પ્રૂવ કેમ કરી શકાય એ વિશે આજે વિગતવાર ચર્ચા કરીએ.
અનિવાર્યતા શું કામ?
આપણે સૌ લિમિટેડ સમયમર્યાદા માટે છીએ. એટલે સમયની સાચી ઉપયોગિતા થાય એ વ્યક્તિગત ધોરણે પણ મહત્ત્વનું છે. કૉર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા હો, તમારો પોતાનો વેપાર હોય, ઘર સાચવતા હો તો પણ પ્રૉપર ટાઇમ મૅનેજમેન્ટ સાથે ઓછા સમયમાં વધુ કામ સાધવાની ટેવ કેળવાય એ જરૂરી છે. બિહેવિયરલ ઍન્ડ કૉર્પોરેટ ટ્રેઇનર હરિ મેનન કહે છે, ‘સમય અને એનર્જી આ બન્ને વસ્તુ આપણી પાસે લિમિટેડ છે. લોકો ટાઇમ મૅનેજમેન્ટમાં પોતાની એનર્જીને હંમેશાં અન્ડરએસ્ટિમેટ કરી દેતા હોય છે. હું તો તેના પર પણ ફોકસ આપવાનું કહીશ. હવે સમય અને શક્તિ બન્ને જ્યારે મર્યાદિત હોય ત્યારે એનો વેડફાટ ઓછો થાય અને વધુમાં વધુ એનો ઉપયોગ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. મોટા ભાગે લોકો સમયનો વેડફાટ ક્યાં થઈ રહ્યો છે એ તરફ ધ્યાન નથી આપી શકતા. પોતે ક્યાં સમય બગાડે છે અને પોતે ક્યાં ખોટેખોટી એનર્જી ખર્ચે છે એની સભાનતા આવવા માંડે તો તમે થોડામાં ઘણું કરી શકવા માટે સમર્થ બની જતા હો છો. મુદ્દો એ છે કે ખોટો સમય ક્યાં જઈ રહ્યો છે, કેવી રીતે જઈ રહ્યો છે એ પ્રત્યે સભાન રહેવું. ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્નેને મેઇન્ટેન કરવા માટે એનર્જી અને સમય બન્નેનો સદુપયોગ થતો રહે એ જરૂરી છે.’
કર્મચારીઓનો સમય ક્યાં બગડે?
કૉર્પોરેટમાં કામ કરતા હો તો લોકો ક્યાં સૌથી વધુ સમયનો બગાડ કરે છે એ વિશે જણાવતાં હરિ મેનન કહે છે, ‘એમ્પ્લૉઈનો સમય ટાઇમ મૅનેજમેન્ટના અભાવ ઉપરાંત નેગેટિવિટી અને ગૉસિપમાં ઘણો જતો હોય છે. આ બાબતમાં દરેકે સભાન થવાની ખૂબ જરૂર છે. દરેક ઑફિસમાં થોડાક એવા જણ હશે જ જે નેગેટિવિટી ફેલાવવામાં અવ્વલ હશે. પગારનાં ધોરણો હોય, કંપનીની પૉલિસીઓ હોય કે અન્ય કોઈ પણ ઑફિસ એન્વાયર્નમેન્ટને લગતી ગૉસિપ ચાલતી હોય ત્યારે તમારે ત્યાં રહેવું કે નહીં એ જાતે નક્કી કરવાનું છે, કારણ કે નેગેટિવિટીને કારણે તમે ચર્ચામાં હતા એટલો જ સમય નહીં પરંતુ એ પછી બાકીના કલાકોના તમારા કામ પર પણ એની અસર પડશે. આ બધું અવૉઇડ કરો જો ઓછા સમયમાં વધુ કામ કરવું હોય. બીજું, જે કામ ગૂંચવણભર્યું હોય એ ઑફિસની શરૂઆત થઈ હોય ત્યારે ફ્રેશ માઇન્ડમાં પતાવી લો. ઈ-મેઇલ, ફોનકૉલ્સ અને મીટિંગ્સમાં ઘણો નકામો સમય વેડફાઈ જતો હોય છે એના પ્રત્યે સભાન રહો. કોઈ એક નિયત સમય એના માટે રાખો. સોશ્યલ મીડિયા, ફોન અને વધારાની માહિતી પ્રત્યેનું આકર્ષણ અને ક્યુરિયોસિટીમાં હાથમાં રહેલાં કામ રખડી પડતાં હોય છે એના પર પકડ રાખો. નિશ્ચય કરો કે ફલાણું કામ કર્યા પહેલાં હાથમાં ફોન નહીં લઉં. ઘણી વાર કંપનીની લાંબી લચક પ્રોસેસ સિસ્ટમ પણ કર્મચારીઓના સમયને વેડફવામાં નિમિત્ત બનતી હોય છે. સરકારી ખાતાની જેમ પ્રોસેસ ન હોય, એ તો એમ્પ્લૉઈ ફ્રેન્ડ્લી હોવી જોઈએ. જોકે કંપનીના નિયમોને બદલવામાં આપણે સફળ ન રહીએ તો પણ આપણા હાથમાં જે હોય એમાં બહેતર થવામાં શું કરી શકાય એ વિશે વિચારતા રહેવું જોઈએ. સમયની જેમ એનર્જીનું સંવર્ધન પણ થાય એ માટે હેલ્ધી આહાર અને જરૂરી આરામ પણ કરવો જ જોઈએ. અતિશય વર્ક લોડમાં આપણે આરામ અને આહારનો ભોગ આપતા હોઈએ તો એ ખોટી રીત છે, કારણ કે થોડોક સમય બચાવવા માટે તમે તમારા માઇન્ડને લાંબા સમય માટે ડિસ્ટર્બ અને ડિસ્ટ્રૅક્ટેડ કરી શકો છો.’
આ તો થઈ કોઈ કંપનીમાં કામ કરતા એમ્પ્લૉઈની વાત. અમારો અનુભવ એવું કહે છે કે તમે કંપની માટે કામ કરતા હો કે પોતાની જાત માટે, સમયનો બગાડ તમારા જીવનનો હિસ્સો ન જ હોવો જોઈએ. તમારા કંપનીના લોકો પણ જો તમે ધાર્યા કરતાં વધુ પ્રોડક્શન આપતા હશો તો ખુશ રહેવાના અને તમારી પોતાની મેન્ટલ હેલ્થ માટે પણ ટાસ્ક પૂરો કરવાની બાબત અનેકગણું મોટિવેશન લઈને આવશે એ નક્કી. એટલે તમે તમારા સાહેબ કે બૉસ માટે નહીં પણ તમારી જાત માટે સેલ્ફિશ થઈને વિચારતા હો તો પણ તમે તમારા સમયનો ઓછામાં ઓછો બગાડ કરો એ તમારા હિતમાં છે. હવે ધારો કે તમે કોઈ કંપનીમાં નોકરી નથી કરતા પણ તમારો પોતાનો વેપાર હોય અથવા તમે હાઉસવાઇફ હો તો પણ અમુક નિયમો તો દરેકને લાગુ પડે. જેમ કે કટાણે આવેલા લાંબા ફોન, કામની પ્રાયોરિટી સેટ કર્યા વિના જરૂરી કામ બાજુ પર રાખવાની નીતિ, પર્ફેકશનની લાયમાં એક જ કામમાં જરૂર કરતાં વધુ સમય આપવાની આદત અને નકારાત્મકતા લાવે એવા લોકો સાથે રહેવું એ બધું જ આપણાં સમય અને શક્તિનો વેડફાટ કરવામાં મદદ કરે એવી બાબતો છે.

પ્રોડક્ટિવિટી વધારવાની કેટલીક સિમ્પલ આદતો પર નજર કરી લો

પ્રાયોરિટી ફિક્સિંગ
કયું કામ જરૂરી છે અને કયા કામને પહેલાં કરવાનું છે એ નક્કી કરી લો તો છેલ્લી ઘડીનું ટેન્શન પણ દૂર થાય અને જે કાર્ય હાથમાં હોય એ સમયસર પૂરું કરીને તમે નવા કામને વળગી શકો. આવનારા દિવસનું પ્રાયોરિટી લિસ્ટ રોજ આગલા દિવસે પ્લાન કરી લો એ જરૂરી છે.
કંપની મૅટર્સ
બહુ જ એટલે બહુ જ મહત્ત્વનો મુદ્દો છે આ. તમે કેવા લોકો સાથે રહો છો એના પર તમારા કાર્યનો બહુ મોટો આધાર રહેલો છે. આળસુ, ગૉસિપ કરનારા અને હંમેશાં નકારાત્મકતા સાથે જીવનારા લોકો તમને એ જ દિશામાં લઈ જશે અને ઘણોબધો ફાલતુ સમય ખાઈ જશે. એને બદલે ગોલ સેટિંગ્સ સાથે પોતાના લક્ષ્ય માટે કામ કરનારા અને જીવનનાં તમામ પાસાંને મહત્ત્વ આપનારા લોકો સાથે વાત કરશો તો એની તમારા કાર્ય પર પણ પૉઝિટિવ અસર પડશે. પારકી પંચાત તમારા કામમાં કોઈ મદદ નહીં કરે અને તમારા વર્ક લોડમાં એનાથી કંઈ ઓછું નહીં થાય એ બાબત ભૂલવાની નથી.
એક ટાઇમ પર એક લક્ષ્ય
આપણામાંના ઘણાબધા લોકો એકસાથે અનેક મોરચે લડનારા લોકો છે. અઢળક જવાબદારીઓ વચ્ચે એક વાર પ્રાયોરિટી લિસ્ટ નક્કી થઈ જાય પછી કમ સે કમ જે સમયે જે વસ્તુ પ્રાયોરિટીમાં હોય એના પર ફોકસ કરશો તો ફાયદામાં રહેશો. ભલે પાંચ કામ કરવાનાં છે પરંતુ જે સમયે જે કાર્ય કરતા હો એમાંથી ડાઇવર્ટ થઈને બીજા કામમાં સમય નાખશો તો તમારું ડિસ્ટ્રૅક્ટેડ માઇન્ડ હાથમાં રહેલા કામને ઝડપથી પૂરું કરવાની અનુકૂળતા નહીં આપે.
સ્ક્રીન ટાઇમ અને તમે
અત્યારના સમયમાં ડિસ્ટ્રૅક્શનમાં દાનવની ભૂમિકા ભજવવામાં કોઈ સર્વોપરી હોય તો એ છે સોશ્યલ મીડિયા. સોએ સો ટકા આનો અનુભવ તમે કરી ચૂક્યા છો કે જ્યારે તમને ખ્યાલ પણ ન આવે ને કલાકો તમે ફેસબુક, વૉટ્સઍપ કે ઇન્સ્ટાગ્રામ પર બગાડી નાખ્યા હોય. કોઈ સોશ્યલ મીડિયા પ્રેમી ન હોય તો ન્યુઝ વાંચવામાં અને દુનિયાભરની ઇન્ફર્મેશનનો અડ્ડો બનેલી વેબસાઇટમાં ખાંખાંખોળા કરવામાં તમે કલાકો વેડફી નાખ્યા હોય. આનાથી બચો. સોશ્યલ મીડિયા કે ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી માહિતીઓથી અપડેટેડ રહેવું ખરાબ નથી, પરંતુ કટાણે થતી આ ઍક્ટિવિટી તમારા દિવસનો મહત્ત્વનો સમય ન ઝાપટી જાય એટલી દરકાર તો રાખવી જ જોઈએ.
આહાર, વિહાર અને આરામ
યસ, આ મહત્ત્વનું છે. યોગ્ય આહાર જે તમારા શરીરને અને મનને સ્વસ્થ રાખે, કારણ કે શરીર સારું હશે તો જ કામ સૂઝશે અને કામ થશે. શરીરને સારું રાખવા સારુ ખાવું, શરીરને સારું રાખવા ઉચિત કસરતો કરવી અને શરીરને સારું રાખવામાં પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી આ ત્રણેય મહત્ત્વનું છે. બેશક પ્રમાણભાન રાખીને જીભને ગમે એવું ચટાકેદાર જન્ક ક્યારેક ખાઈ લો, ક્યારેક એકાદ દિવસ કસરતમાં છુટ્ટી લઈ લો અને ક્યારેક મોડી રાતે એક મૂવી જોઈ લો પરંતુ આ ‘ક્યારેક’ને ક્યારેય ભૂલવાનું નથી. મોડી રાત સુધી સોશ્યલ મીડિયા પર આંગળીઓ ફેરવતા કે વેબ-સિરીઝ જોવામાં કલાકો વેડફી નાખતા લોકોને તો આ વાત ખાસ લાગુ પડે છે.

નૅશનલ પ્રોડક્ટિવિટી વીક શું કામ ઊજવાય છે?
ભારત સરકારના ઇન્ડસ્ટ્રી મંત્રાલય દ્વારા ૧૯૫૮માં નિર્મિત નૅશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા દર વર્ષે આજના દિવસે એટલે કે બાર ફેબ્રુઆરીએ નૅશનલ પ્રોડક્ટિવિટી ડેની ઉજવણી કરવામાં આવે છે; જેનું મુખ્ય ધ્યેય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટિવિટી, ઇનોવેશન્સ અને પ્રોડક્ટિવિટીને લગતા ટૂલ્સ અને ટેક્નિકનો ઉપયોગ વ્યાપક બને. ૧૨થી ૧૮ ફેબ્રુઆરીએ નૅશનલ પ્રોડક્ટિવિટી વીકની ઉજવણી કરવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK