નિંદા કરવા જેવી નથી છતાં આટલું તો સમજવું પડશે

Published: 11th October, 2020 19:50 IST | Dr Dinkar Joshi | Mumbai

જગતના બધા જ માણસો કંઈ સારા નથી હોતા, એજ રીતે બધા જ માણસો કંઈ ખરાબ પણ નથી હોતા. આપણે પોતે પણ કેટલાક માટે સારા હોઈએ છીએ તો કેટલાક માટે ખરાબ. આપણે જેને ખરાબ કહેતા હોઈએ છીએ તેને સારા કહેનારા સેંકડો માણસો હોય છે

સાડાપાંચ દાયકા પહેલાં નરસિંહ મહેતાએ વૈષ્ણવ જનની વ્યાખ્યા આપી છે. ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ગાંધીજીનું આ પ્રિય ગીત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. વૈષ્ણવ જનનાં જે લક્ષણો નરસિંહે ગાયાં છે એમાં ‘સકળ લોકમાં સહુને રે વંદે, નિંદા ન કરે કેની રે’ એમ કહ્યું છે. સકળ લોકમાં સહુની સાથે નમ્રતાથી વર્તવું એ ગુણ તો સમજાયો, પણ કોઈની નિંદા ન કરવી એ લક્ષણ થોડી ઝીણવટથી તપાસવા જેવું છે.

સંત કબીરે આ નિંદા શબ્દ સાથે એક જુદી જ વાત કરી છે. કબીર કહે છે કે ‘નિંદક નિયરે રાખીએ’ આનો અર્થ એ થયો કે નિંદા કરનારને નજર સામે જ રાખવો. કબીર કહે છે કે આપણી નિંદા કરનારો જો આપણી નજર સામે જ હોય તો આપણે સભાન રહીએ. નિંદા કરનારો જેકંઈ ટીકા કરે એનાથી આપણે એ દુર્ગુણોથી બચતા રહેવાનો પ્રયત્ન કરીએ. સરવાળે નિંદા કરનાર આપણા દુર્ગુણોને દૂર કરવામાં સહાય કરે છે.

ગાંધીજીએ નિંદા વિશે એક જુદી જ વાત કરી છે. નિંદા કરનાર તમારા વિશે આડીતેડી જે-તે વાત કરે છે. એક માણસ લુચ્ચો હોય, ઠગ હોય, લૂંટારો હોય એવાં બધાં લક્ષણો વ્યવહારમાં ધરાવતો હોય. આવા માણસ વિશે કોઈ વાત કરતી વખતે તેને લુચ્ચા કે બદમાશ તરીકે ઓળખાવે તો એમાં ખોટું કાંઈ નથી. એ તેનાં સાચાં લક્ષણ છે. તે જેવો છે એવી ઓળખાણ આપી. જો સત્ય હોય તો નિંદા ન કહેવાય, પણ કોઈ સારા માણસ વિશે જો આવી અઘટિત વાત કરીએ તો એ અસત્યવાદન થયું અને અસત્યવાદન જરૂર નિંદા કહેવાય. કોઈની ખોટી વગોવણી કરવી એ નિંદા છે.

આ બધાનો અર્થ એ થાય કે નિંદા એટલે ખોટી વગોવણી, ખોટી બદબોઈ. એક માણસ સાચાબોલો, બહાદુર કે સેવાભાવી હોય તો આપણે તેને તેના આ ગુણોથી ઓળખીએ અને તેના વિશે બીજાને આ વાત કરતી વખતે આ લક્ષણોનો ઉલ્લેખ કરીએ. હવે એ જ રીતે એક ધૂર્તબાજ કે હત્યારા માણસને ઓળખાવતી વખતે તેનાં આ લક્ષણોનો પણ ઉલ્લેખ કરીએ તો એમાં ખોટું શું છે? ખરેખર તો તેનાં આ લક્ષણોની ઓળખાણ એ જો નિંદા કહેવાતી હોય તો પેલા સજ્જનની ઓળખાણ તેના સદ્ગુણોથી આપી એ શું ખુશામત કહેવાય? ખુશામત તો ત્યારે કહેવાય જ્યારે આવા સારા શબ્દો તેના કાને પહોંચાડીને કંઈક વળતો લાભ લેવાની છૂપી ગણતરી હોય. સત્યને સત્ય કહેવું એ ખુશામત નથી. એ જ રીતે કોઈક હલકી વાત સત્ય હોય તો એને હલકી તરીકે ઓળખાવીને લોકોને જાણ કરીએ તો એમાં એને નિંદા એટલે કે બદબોઈ કરી કહેવાય?

નિંદામાં કુભાવ રહેલો છે, જેના વિશે ઝાઝું જાણતા નથી, જેના વિશે આપણા મનમાં સદ્ભાવ નથી, પણ દુર્ભાવ ભરેલો છે, જેના વિશે વાત કરતી વખતે આપણને તેની કહેવાતી હલકાઈમાં રસ પડે છે, નિંદાનું આ પહેલું લક્ષણ છે. નરસિંહ મહેતા વૈષ્ણવ જનના જે લક્ષણ માટે આ લક્ષણ ‘નિંદા ન કરે કેની રે’ ગણાવે છે એ અહીં સમજાય છે. વૈષ્ણવ જને જરૂર પડ્યે સાચું બોલીને, જાત પર સહન કરીને, કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરવી જ જોઈએ એ નિંદા નથી, પણ એ જ વ્યક્તિ વિશે તેની કાળી બાજુ એટલે કે તેનાં અપલક્ષણો ઢાંકી દેવાં એ સજ્જનનું કામ નથી. 

કોઈના વિશે આપણે જો સારી વાત સાંભળીએ ત્યારે આપણા મનમાં બે પ્રવાહો એકસાથે પેદા થતા હોય છે. એ જ રીતે કોઈના વિશે ખરાબ વાત સાંભળીએ ત્યારે પણ જાણ્યે-અજાણ્યે બે પ્રવાહો જ પેદા થાય છે. પહેલાં તો આપણને એમ થાય કે આપણે જે વાત સાંભળીએ છીએ એ વાત કેટલા અંશે સાચી અથવા ખોટી હશે. વાત કહેનાર વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર છે એવો પ્રશ્ન પેદા થાય અને પછી તરત જેના વિશે વાત થઈ રહી છે તે વ્યક્તિ વિશે આપણને પણ રસ હોય તો તરત જ એની વાત સાચી લાગવા માંડે છે. જો આપણને એ વ્યક્તિ વિશે સદ્ભાવ હોય તો આવું કહેનારો માણસ જ આપણને મનોમન અસ્વીકાર્ય થઈ જાય છે. ...‘અરે એવું તે કંઈ હોય! હું તેમને ઘણા લાંબા સમયથી ઓળખું છું. આવું કહેનારો માણસ લુચ્ચો છે. તેને કંઈક કામ કરાવવું હશે પણ એ કામ ખોટું હશે એટલે પેલાએ નહીં કર્યું હોય વગેરે વગેરે’ આમ આપણું મન બે રીતે પ્રત્યાઘાત આપે છે.

નિંદાને ખરાબી સાથે સંબંધ છે. કોઈના વિશે સાચી અને સારી વાત કરીએ એ નિંદા નથી બનતી. એ જ રીતે હલકી પણ સાચી વાત નિર્લેપ ભાવે કરીએ તો એ પણ નિંદા નથી બનતી. બને છે એવું કે આપણને પણ જેમાં રસ પડે એવી કોઈ હલકી વાત કાને પડે એટલે આપણા ચિત્તમાં રસનો આ પ્રવાહ આપોઆપ પુષ્ટ થઈ જાય છે. જે રીતે સ્વાદના ૬ રસ છે અને સાહિત્યમાં ૯ રસ છે એ જ રીતે અહીં જે નિંદા રસ ઉત્પન્ન થાય છે એ આ બધા રસ કરતાં ભારે રસપ્રદ બની જાય છે.

જગતના બધા જ માણસો કંઈ સારા નથી હોતા, એજ  રીતે બધા જ માણસો કાંઈ ખરાબ પણ નથી હોતા. આપણે પોતે પણ કેટલાક માટે સારા હોઈએ છીએ તો કેટલાક માટે ખરાબ પણ હોઈએ છીએ. આપણે જેને ખરાબ કહેતા હોઈએ છીએ તેને સારા કહેનારા સેંકડો માણસો હોય છે. હિટલર ક્રૂર અને ઘાતકી હતો એવું આપણે માનીએ છીએ. આમ છતાં હિટલરનું સમર્થન કરનારા જર્મનીમાં લાખો લોકો હતા. હિટલર ક્રૂર અને ઘાતકી કેમ બન્યો એ વિષયમાં જો ઊંડા ઊતરીએ તો તરત જાણવા મળે કે પહેલા વિશ્વયુદ્ધના વિજેતા દેશોએ તેને એ માર્ગે જવાની ફરજ પાડી હતી. આમ સારું હોય કે ખરાબ, સાચુ હોય કે ખોટું, આપણને ગમતું હોય કે અણગમતું એ બધાનાં  પોતાનાં કારણ હોય છે. કોઈ પણ ઘટનાનાં કારણોની ભૂમિકામાં તટસ્થ ભાવે ઊંડા ઊતર્યા વિના ક્યારેય એક વાતને નિંદા કે ખુશામત કહી દેવી એ શુદ્ધ અને તર્કબદ્ધ નથી.

સત્યને સમજવું સહેલું નથી હોતું. આપણા ગમા-અણગમા પ્રમાણે આપણે સત્ય કે અસત્યને ઘાટ આપીએ છીએ. આનું પરિણામ એ આવે છે કે સત્ય અને અસત્ય જાતજાતના અને ભાતભાતના આકાર ધારણ કરી લે છે. વાસ્તવમાં સત્ય કે અસત્યને કોઈ આકાર નથી હોતો, એ માત્ર હોય છે અને એને જેવું હોય એવું માત્ર અસ્તિત્વ તરીકે સ્વીકારી શકાય ત્યારથી એની સમજણનો આરંભ થાય છે.

વાલ્મીકિ રામાયણમાં રામના જીવનની જે ઘટનાઓ છે એ ઘટનાઓ અને એના પ્રતિભાવો ઉપર સહેજ નજર નાખીએ તો નિંદાને સમજવી સહેલી થઈ જશે. રામે કિષ્કિન્ધાના રાજા વાલીનો વધ કર્યો. રામ પ્રકાંડ બાણાવળી હતા. સત્યવાદી હતા, ધર્મનું પાલન કરતા હતા અને છતાં સુગ્રીવની સહાય મેળવવા માટે વાલીનો છુપાઈને વધ કર્યો. એ જ રીતે શૂદ્ર જાતિનો શંબુક તપશ્ચર્યા કરતો હતો એનો પણ રામે વધ કર્યો. આ બન્ને ઘટનાઓ રામના ઊજળા પાત્રને શોભા આપે એવી નહોતી. એને તટસ્થ ભાવે અવશ્ય નિંદનીય ગણી શકાય છતાં રામાયણનું આલેખન કરનારાઓ રામના ચરિત્રને ઉજ્જ્વળ રાખવા માટે એવું કરતા નથી અને આ બન્ને ઘટનાઓને બીજી રીતે સમજાવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ગમા-અણગમા બન્ને એકસાથે રાખીને જ આપણે મધ્યમ માર્ગે પસાર થઈ જવું પડે છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK