મને બીક લાગે છે!

Published: 3rd January, 2021 18:00 IST | Dr. Dinkar Joshi | Mumbai

અભય હોવું અને નીડર હોવું એ બન્ને એક નથી. નીડર હોવામાં ડર તો છે જ પણ ડર ઉપર જીત મેળવી શકાય એવી પરિસ્થિતિ પણ આપણે પેદા કરીએ છીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અમદાવાદ તરફ જતી એક ગાડી તૈયાર થઈને ઊભી હતી. ગાડી ઊપડવાને હજી થોડી વાર હતી. ૧૨-૧૩ વર્ષના એક પુત્રને લઈને કોઈક પ્રવાસી ડબ્બામાં દાખલ થયો અને તેના સદ્ભાગ્યે ભીડ નહોતી એટલે એ બાપ-દીકરાને બેસવાની જગ્યા પણ મળી ગઈ. દીકરો રાજી-રાજી થઈ ગયો કેમ કે તેને બારી પાસે જગ્યા મળી ગઈ હતી. થોડી વારમાં પ્લૅટફૉર્મ પરથી એક ઠંડાં પીણાં વેચનારો ફેરિયો પસાર થયો એટલે દીકરાએ બાપને કહ્યું, ‘બાપુ, આ અપાવો.’ બાપે દીકરાને રોક્યો અને કહ્યું, ‘હમણાં ન લેવાય. હજી હમણાં જ આપણે ઘરેથી ચા પીને નીકળ્યા છીએ.’ દીકરો હઠે ચડ્યો, ‘ના બાપુ, અપાવો.’ બાપે આંખ કાઢીને તેને ટોક્યો. દીકરાએ બાપની આંખ સામે  જોઈને વળી આંખ કાઢી, ‘તો પછી બાપુ પેલું કહી દઈશ.’

આ પેલું એટલે શું?

બરાબર એ વખતે ડબ્બામાં ટી. ટી. ઈ. દાખલ થયો અને તેણે ચેકિંગ શરૂ કર્યું એટલે દીકરાએ બાપને કહ્યું, ‘બાપુ, હું પેલું કહી દઈશ હોં.’ બાપ કશું બોલ્યો નહીં. થોડો ઢીલો પડી ગયો અને દીકરાને જે પેલા ફેરિયા પાસેથી જોઈતું હતું એ અપાવી દીધું. આગળ જતાં બીજું કોઈક સ્ટેશન આવ્યું. દીકરાએ બાપને કહ્યું, ‘બાપુ, પેલાં ચીકુ અપાવો, મને બહુ ભાવે છે.’ બાપએ આંખ લાલ કરીને કહ્યું, ‘એમ દરેક સ્ટેશને કંઈ ને કંઈ ન લેવાય, છાનોમાનો બહાર જોયા કર.’ દીકરાએ બાપની વાત સાંભળ્યા વિના કહી દીધું, ‘ના હોં બાપુ, નહીં તો હું કહી દઈશ.’

કહેવા જેવું છે શું?

દીકરાએ બાપ પાસેથી ચીકુ પણ મેળવ્યાં. ગાડી આગળ ચાલી. વળી એક સ્ટેશન અને વળી બાપ-દીકરા વચ્ચેનો એનો એ સંવાદ - ‘બાપુ આ અપાવો, તે અપવો, પેલું અપાવો, નહીં અપાવો તો હું કહી દઈશ.’ બાપ દીકરા પર ગુસ્સે થાય અને દીકરાને ધમકાવે પણ આ ધમકીને અંતે પેલું વાક્ય બોલે, ‘તો પછી હું કહી દઈશ.’ અને આ કહી દઈશ પાસે બધી વાત પૂરી થઈ જાય. બાપ દીકરાને જે જોઈતું હોય એ અપાવી દે!

આવું કેમ બને છે?

 અમદાવાદ સુધી આમ ચાલ્યું. બાપ-દીકરા વચ્ચે આની ખેંચતાણ દરેક સ્ટેશને ચાલે. દીકરો ધાર્યું કરાવી લે. સામેની પાટલી પર બેઠેલો બીજો એક પ્રવાસી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી આ જોઈ રહ્યો હતો. અમદાવાદ સ્ટેશન આવવાનું થયું ત્યારે તેનાથી રહેવાયું નહીં. તેણે બાપને પૂછ્યું, ‘એવું તે શું છે કે તમે દીકરાની આ એક વાતથી ડરો છો?’ બાપ છેક મુંબઈ સેન્ટ્રલથી અકળાઈ રહ્યો હતો. તેણે હળવેકથી કહી દીધું, ‘શું થાય ભાઈ? આ ડફોળને ૧૪ વર્ષ થયાં છે અને મેં તેને બારથી ઓછાં છે એમ કહીને અડધી ટિકિટ લીધી છે. હવે જો તે ટી.ટી.ને કહી દે કે તેની ટિકિટ ખોટી છે તો મારે દંડ ભરવો પડે.’

આ દંડ ભરવાની બીકથી મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી તેણે ટિકિટના પૈસા બચાવ્યા એના કરતાં વધુ ખર્ચી નાખ્યા હતા અને છેક મુંબઈ સેન્ટ્રલથી દીકરાથી ડરતો-ડરતો, ટી. ટી. ઈ.થી ડરતો-ડરતો મુસાફરી કરતો હતો.

આપણને ડર શાનો લાગે છે?

 પેલા બાપના ગજવામાં કંઈક ખોટું હતું. આ ખોટાને સંતાડીને એનો લાભ લેવા તેણે અત્યાર સુધીમાં બેવડો-ત્રેવડો ખર્ચ કરી નાખ્યો હતો એટલું જ નહીં, કલાકોથી એ બાપ હોવા છતાં દીકરાથી દબાતો-દબાતો સંકોડાઈ બેઠો હતો. વ્યવહારિક જગતમાં આપણે વાત-વાતમાં ડાંખરા થઈને આપણે કહેતા તો હોઈએ છીએ કે હું કંઈ કોઈનાથી ડરતો નથી, પણ ખરેખર તો સવારથી સાંજ સુધીમાં કેટલી વાર કઈ વાતથી અને કોના-કોનાથી ડરીએ છીએ એની યાદી કરવા જેવી છે. આ ડરવું ત્યારે જ બને છે કે જ્યારે આપણા સરસામાનમાં ક્યારેક કંઈક, કશુંક ખોટું હોય છે અને આ ખોટાને આપણે છુપાવવા માગતા હોઈએ છીએ.

 પરિવારમાં માતા-પિતા, પતિ-પત્ની, સંતાનો આ બધાં સાથે આપણે સવારે ઊઠીએ ત્યારથી માંડીને આપણું રોજિંદું જીવન યાદ કરીએ. આપણી પ્રામાણિકતાને સંભારીએ. નાની-નાની વાતોમાં આપણે જે લેવડ-દેવડ કરીએ છીએ એનો હિસાબ જાતે જ મેળવી લઈએ. આ હિસાબનો જ્યારે સરવાળો કરીશું ત્યારે - ‘તો પછી હું પેલું કહી દઈશ.’ એ સમજાઈ જશે.

સત્ય શું છે? એ વિશે આપણે અહીં ચર્ચા નથી કરવી. આપણા પૂરતું તત્કાલીન સત્ય આપણે બધા જ જાણીએ છીએ. જેમાં કશું જ મેળવવાનું નથી એવી નજીવી વાતમાં પણ આપણે અકારણ જ અસત્યનો આશરો લઈએ છીએ. એ પછી પેલા મુંબઈ-અમદાવાદના પ્રવાસી બાપની જેમ સતત લડતા રહીએ છીએ.

 સત્ય માટે એવું કહેવાય છે કે સાચું બોલવું સાવ સહેલું છે. એક વાર અસત્યનો આશરો લીધો એટલે આ અસત્યના તાણાવાણાને છેક સુધી જોડાયેલા રાખવા માટે ભારે પરિશ્રમ કરવો પડે છે. ઘણુંબધું યાદ રાખવું પડે છે અને આ યાદ રાખવાની મથામણમાં જ જિંદગીભર બોજો વહોરીએ છીએ.

અભય એટલે શું?

ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે સદ્ગુણોનાં જે લક્ષણ ગણાવ્યાં છે એમાં અભય હોવું એને સૌથી ઉપલા ક્રમે મૂક્યું છે. અભય હોવું અને નીડર હોવું એ બન્ને એક નથી. નીડર હોવામાં ડર તો છે જ પણ ડર ઉપર જીત મેળવી શકાય એવી પરિસ્થિતિ પણ આપણે પેદા કરીએ છીએ. દાખલા તરીકે પોલીસ રક્ષણથી ઘેરાયેલા આપણે બહાર જઈએ અને એ વખતે એવું કહીએ કે મને કોઈનો ડર નથી તો એ વાત સાચી નથી. ડર તો છે જ પણ તદ પૂરતું રક્ષણ મેળવીને આપણે નીડર હોવાનો દંભ કરીએ છીએ. સાચી બીક એ બૂરી વાત નથી. અહીં સત્યના ભોગે નીડર થવાનો દંભ આચર્યો છે. અભય એવું લક્ષણ છે કે જેમાં માણસ જે કંઈ ખોટું છે એ જાણતો જ નથી. અંગુલિમાલને મળવા ગયેલા બુદ્ધ અભય છે. જીવનમાં ડગલેને પગલે મનને ક્યાંય ને ક્યાંય બીક લાગતી હોય તો એ બીક ખિસ્સામાં પડેલા અસત્યને કારણે તો નથીને એ જાણી લેવું જોઈએ. મુંબઈ-અમદાવાદ જતા બાપને દીકરો દરેક સ્ટેશને ડરાવતો નથીને એ સમજી લેવું જોઈએ. બીક ખોટી નથી, પેલું અસત્ય ખોટું છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK