Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમયથી આગળ જીવવાની અને સત્યને એ જ સ્વરૂપે કહી દેવાની સજા મળતી હોય છે!

સમયથી આગળ જીવવાની અને સત્યને એ જ સ્વરૂપે કહી દેવાની સજા મળતી હોય છે!

21 January, 2021 09:03 PM IST | Mumbai
Jayesh Chitalia

સમયથી આગળ જીવવાની અને સત્યને એ જ સ્વરૂપે કહી દેવાની સજા મળતી હોય છે!

સમયથી આગળ જીવવાની અને સત્યને એ જ સ્વરૂપે કહી દેવાની સજા મળતી હોય છે!

સમયથી આગળ જીવવાની અને સત્યને એ જ સ્વરૂપે કહી દેવાની સજા મળતી હોય છે!


અનેક લોકો આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમના સમયથી ખૂબ આગળ હતા અને સત્યને ખુલ્લેઆમ કહી દેવાના આગ્રહી હતા. સત્ય અને સમયના સંદર્ભમાં ઇતિહાસમાં આવા ઘણા દાખલા છે, આપણે અહીં વાત કરવી છે આચાર્ય રજનીશ ઉર્ફે ઓશોની, જે આવી જ હસ્તી ગણાય. ત્રીસ વર્ષ પહેલાંની તા. ૧૯ જાન્યુઆરીએ નિર્વાણ પામનાર ઓશો મૌલિક વિચારો, અર્થઘટનો, સત્ય અને માનવજગતની આંતરિક ક્રાન્તિના સર્જક ગણાય. તેમને સાંભળવાની યા વાંચવાની યાત્રા એક નવા વિશ્વના દ્વારે લઈ જઈ શકે છે

આજે અમારે સત્ય અને સમયની એકસાથે વાત કરવી છે. તમને થશે એકસાથે વાત કરવાનો શું અર્થ થાય? એકસાથે શબ્દ પર શા માટે ભાર મૂક્યો છે? તો જવાબ છે, અમારે ઓશો રજનીશજીની વાત કરવી છે. ૧૯ જાન્યુઆરીએ નિર્વાણ પામનાર ઓશોને આજે નિમિત્ત બનાવી સત્ય અને સમયની વાત માંડવી છે, કારણ કે ઓશો પોતાના સમયથી ખૂબ જ આગળ હતા, જેથી કરોડો લોકો તેમને તેમની હયાતીમાં ન સમજી શક્યા, એટલું જ નહીં, તેમના વિશે ભરપૂર ગેરસમજ કરી, તેમને બદનામ કર્યા, તેમની અવગણના–ઉપેક્ષા કરી. તેમની વિરુદ્ધ આંદોલન કર્યા, વિવાદ ઊભા કર્યા અને તેમની વિદાય બાદના સમયથી આજ સુધી સતત લાખો-કરોડો લોકો તેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સમજતા થયા છે તેઓ ઓશોને ચૂકી ગયા એવું ફિલ કરે છે, જ્યારે હજી સમજ્યા નથી તેઓ એટલો અહેસાસ તો કરવા લાગ્યા છે કે તેમણે ઓશો સાથે બહુ મોટી ગેરસમજ કરી જ હતી.
આ થઈ સમયની વાત, કારણ કે આવી વિભૂતિ કાયમ સમય કરતાં ઘણી જ આગળ હોય છે. તેમના સમયકાળમાં તેમને સમજી શકનારા બહુ ઓછા રહે છે. ઓશો આવી જ વિભૂતિ હતા, જે સમય કરતાં કેટલાં આગળ હતા એ પણ હજી નક્કી થઈ શકે એમ નથી. બીજી તેમની વાત છે સત્યની. ઓશો કાયમ અને ક્યાંય પણ નગ્ન અને કડવું સત્ય બોલતા રહ્યા હતા. માનવસમાજ જેને સમજી ન શકે, પચાવી ન શકે, સ્વીકારી ન શકે, જેનાથી ભયભીત થઈ જાય, જે સામે આવતા જ પોતાની સામે જ ખુલ્લા પડી જાય, પોતાનો દંભ ખુલ્લો પડી જશે એવા ડરથી એ સત્યથી દૂર ભાગવા લાગે એવું સત્ય ઓશોએ બેધડક, ખુલ્લેઆમ, અનેક વિરોધ અને વિવાદ વચ્ચે કહેવાનું ચાલુ રાખ્યું હતું, જે સમગ્ર માનવજગતના હિતમાં હતું, છે અને રહેશે. વાત માત્ર ઓશો જેવી અસાધારણ વિભૂતિઓની નથી, આપણી આસપાસ જોઈએ તો ઘણા લોકો આપણે વિચારોથી તેમના કરતાં આગળ હોઈએ તો અને આપણે તેમને સત્ય કહીએ તો એ સ્વીકારતા નથી.
વિચારોની મૌલિકતા
ચીનના ફિલસૂફ લાઓત્ઝે ઉર્ફે તાઓ કહે છે, સત્ય ક્યારેય શબ્દોમાં કહી શકાતું નથી. કહ્યું કે સત્ય ગુમ થઈ જાય છે. ઓશોએ આ સત્ય પણ લોકોને સમજાવ્યું. આ વાતને ઊંડાણપૂર્વક સમજવી પડે. આ સમજવા માટે તાઓ ઉપનિષદ વાંચવું પડે અથવા રજનીશજી-ઓશોનાં તાઓ વિશેનાં પ્રવચન સાંભળવાં પડે. ઓશો માત્ર ૫૯ વર્ષ જીવ્યા, પરંતુ આ ૫૯ વર્ષમાં તેમણે જગતને એવા વિચારોનો ખજાનો આપ્યો જે ક્યારેય ખૂટે નહીં. આ વિચારોમાં ચિનગારી છે, ક્રાન્તિ છે, ભરપૂર મૌલિકતા છે, નોખી નવીનતા છે અને વૈશ્વિકીકરણનું વિશાળ ફલક છે. આને કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, અમીર-ગરીબ, રાજા-રંક, સત્તાધારી કે સામાન્ય હસ્તીની સીમા સ્પર્શતી નથી. એમાં માનવજગત માટે જીવનને એની અખિલાઈમાં જોવાની-સમજવાની ચાવી છે. ઓશો વિશે કહેવાય છે, તેમને પ્રેમ કરી શકાય અથવા તેમને નફરત પણ કરી શકાય પરંતુ તેમની ઉપેક્ષા થઈ શકે નહીં. જોકે બદલાતા સમય સાથે તેમને સમજનારા અને સમજવાનો પ્રયાસ કરનારાઓની સંખ્યા વધી રહી છે અને નફરત કે ગેરસમજ કરનારાઓની સંખ્યા ઘટી રહી છે.
એકસાથે અનેકનો પરિચય
ઓશો રજનીશજીની વાતો ઘણી થઈ શકે, પણ એ કરતાં તેમને વાંચવાની અને એનાથી વધુ તેમને સાંભળવાની મજા કંઈક ઓર જ છે. ઓશોએ જગતની તમામ એવી હસ્તીઓ-ઘટના કે વિષયો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આપણને તેમની સરળ-રસપ્રદ-રોમાંચક-ચોટદાર-ધારદાર શૈલીમાં સમજાવ્યું છે. આમાં કૃષ્ણ, રામ, મહાવીર, બુદ્ધ, ઈસુ, શિવ, ગુરુ નાનક, કબીર, મીરા, પતંજલિ, શંકરાચાર્ય, ગોરખનાથ, રૈદાસ, તાઓ, ડાયોજિનિસ, રાબિયા વગેરે જેવી અઢળક હસ્તીઓ વિશે વધુ ઊંડી અને સાચી સમજ આપી છે. નસરુદીન મુલ્લાના પાત્રને ઊભું કરી તેમણે માનવજગતને હસાવતાં-હસાવતાં ઘણા ગહન સંદેશ આપ્યા છે. ઓશો તર્કના બાદશાહ ગણાતા. પણ માત્ર તર્ક જ નહીં, તેમની પાસે પોતાનું આગવું અને મૌલિક સત્ય હતું.
ઓશોની હિન્દી વાણી વિશે કહેવાય છે કે ઓશોનું હિન્દી એટલે કૃષ્ણના હોઠો પર બાંસુરી. એક સમય હતો કે અનેક લોકો ઓશોના વિચારોને માનતા-સમજતા પણ તેમની નજીક જવાની હિંમત ન કરતા, કેમ કે તેમને ભય રહેતો કે ઓશો તેમને બાંધી લેશે. ઓશોની આંખો અને આભા આજે પણ સંમોહિત કરી દે છે. અનેક કથિત ગુરુઓ ગુપ્ત રીતે ઓશોને મળતા, સાંભળતા યા વાંચતા; પરંતુ સમાજના ભયથી જાહેર થવા દેતા નહીં.
અંધકારમાં વહી જતો કીમતી સમય
ઓશોના પ્રવચનમાં આવતી એક વાર્તા પરથી સમયનું મહત્ત્વ સમજીએ. એક માછીમાર એક રાતે માછલીઓ પકડવા પાણીમાં જાળ નાખી તળાવના કિનારે બેસી જાય છે. રાત હોવાથી પોતે જાગતા રહેવા માટે સમય પસાર કરવા બેઠાં-બેઠાં કિનારા પરના પથ્થરો હાથમાં લઈ-લઈ પાણીમાં દૂર સુધી ફેંકતો જાય છે. આમ કરતાં અનેક પથ્થર તેણે પાણીમાં ફેંકી દીધા હોય છે અને અચાનક સૂરજના કિરણનો પ્રકાશ પડતાં એ માછીમારનું ધ્યાન હાથમાંના પથ્થર પર પડે છે તો તેને ખબર પડે છે કે એ તો હીરો છે. માછીમારને સમજાઈ જાય છે કે તેણે રાતના અંધારામાં પથ્થર સમજીને સંખ્યાબંધ હીરા પાણીમાં ફેંકી દીધા હતા. હવે આ છેલ્લો હીરો તેના હાથમાં રહી ગયો હોય છે જેને તે ફેંકવા જતો હતો કે પ્રકાશને કારણે અટકી જાય છે. ઓશો કહે છે, માણસો મોટે ભાગે આવું જ કરતા હોય છે. પોતાના સમયરૂપી હીરાઓને ઓળખી શકતા નથી અને પથ્થર સમજી ફેંકતા રહે છે, આખરે જીવન પૂરું થઈ જાય છે. આ માછીમાર તો કમસે કમ એટલો ભાગ્યવાન હતો કે તેને પ્રકાશની એક ઝલક મળી ને તેના હાથમાં એક હીરો તો બચી ગયો. આપણે તો હજી પણ અંધકારમાં જ છીએ અને હીરાસમાન કીમતી સમય પસાર થતો જાય છે. આપણા જીવનમાં પ્રકાશ ક્યારે આવશે?
ભગવાન તમે પણ છો!
ઓશોએ પોતાને ભગવાન જાહેર કર્યા એનો સમાજ-જગતને બહુ જ મોટો વાંધો હતો, પરંતુ એ લોકોએ ઓશોનું કહેલું એ ન સાંભળ્યું કે તમે દરેક જણ પણ ભગવાન છો. જગત શબ્દો સાંભળે છે પણ એના અર્થ પોતાની ટૂંકી દૃષ્ટિ સાથે કરવા જાય છે તેથી સત્ય સુધી પહોંચી શકતું નથી. અર્થાત્ આપણી ભીતર પણ ભગવાન છે જેને ઓળખી લઈએ તો તેને પામી લઈ શકીએ, તેને બહાર શોધવાની જરૂર નથી. તે બહાર મળશે પણ નહીં, કારણ કે તે છે જ ભીતર. દરેકની ભીતર. બસ, જાગી જવાની જરૂર હોય છે. ઓશોએ જીવનમાં અવેરનેસ-જાગ્રતિ પર અને ધ્યાન પર સૌથી વધુ ભાર મૂક્યો છે. તેમણે દરેકની ચેતનાને જગાડવા વિવિધ પ્રયોગ કર્યા, પોતાને વિવાદમાં પણ મૂક્યા. જોકે સત્ય કહેવા માટે તેમણે કોઈ સમાધાન ન કર્યાં અને એટલે જ તેઓ સમયથી આગળ ચાલનારા-જીવનારા રહ્યા. સોક્રેટિસના સત્યને તેના સમયમાં સ્વીકારાયું નહીં અને સુકરાત (સોક્રેટિસ)ને ઝેરનો પ્યાલો પીવડાવી દેવાયો અને આજે સોક્રેટિસ વિશે જગતને વાંચવા-સમજવાનું કહેવામાં આવે છે. ઈસુ, બુદ્ધ, મહાવીર, કબીર, મીરા આ બધાં સમયથી પર અને ખૂબ આગળ હતાં. તેમણે પણ પોતાના સમયકાળમાં લોકોની નિંદા-નફરતનો સામનો કરવો પડ્યો હતો. એટલે જ તેઓ ગઈ કાલે હતાં, આજે પણ છે અને આવતી કાલે પણ રહેશે. મહાકાળ પણ આવી હસ્તીઓને મૃત્યુ આપી શકતો નથી.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)



તમારો અનુભવ એ તમારું સત્ય


આજે પણ સમયથી આગળ ગણાતા ઓશોને સમજવા અઘરા છે. ઓશોએ પોતે ખરેખર તો કોઈને બાંધ્યા નહોતા. તેમણે કહ્યું હતું, જેમ તમે પુષ્પો પાસેથી પસાર થાઓ અને તમને સુગંધનો અનુભવ થાય એ પછી એ સુગંધ તમારી, પુષ્પને એની સાથે કોઈ નિસબત નથી. એ જ રીતે મારી જે વાત તમને સાચી-સારી-યોગ્ય લાગી એ તમે અપનાવી લો તો એ તમારી થઈ ગઈ, મારો પણ એના પર કોઈ દાવો નથી. તમારા અનુભવમાંથી જે ઊપજે એ તમારું સત્ય અને એ જ ખરું સત્ય. અનુભવ વિનાના સત્યનું કોઈ મૂલ્ય નથી. સમય અને સત્યની જય હો!


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 09:03 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK