Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સપનાની એક ખાસિયત હોય છે, રાતે તમને સૂવા ન દે અને દિવસે ચેનથી જીવવા ન દે

સપનાની એક ખાસિયત હોય છે, રાતે તમને સૂવા ન દે અને દિવસે ચેનથી જીવવા ન દે

27 September, 2020 05:20 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

સપનાની એક ખાસિયત હોય છે, રાતે તમને સૂવા ન દે અને દિવસે ચેનથી જીવવા ન દે

સપનાની એક ખાસિયત હોય છે, રાતે તમને સૂવા ન દે અને દિવસે ચેનથી જીવવા ન દે


નાહી ધોઈ ખાઈ પીને કવિતા થાતી નથી એ દોસ્ત

લોહી વહેતું હોય ત્યારે પત્ર ધરવો જોઈએ



                   - મુકુલ ચોક્સી


દરેક મનુષ્યના હૃદયમાં ક્યાંક કવિતાનું ઝરણું વહેતું હોય છે. આપણા આત્મામાં ઈશ્વરે સત્ય અને સૌંદર્ય મૂકેલા છે જેની અનુભૂતિ કવિતા કરાવે છે. એટલે તો કવિને ઈશ્વરનો જાસૂસ કહેવામાં આવે છે. વિખ્યાત કવિ રાલ્ફ ઇમર્સન કહે છે કે કવિતા એ મનુષ્યની માતૃભાષા છે. કવિતામાં આપણાં સુખ, દુઃખ, આશા, નિરાશા, ઇચ્છા, વળગણ, વેદના, સંવેદના, મિલન, વિરહ જેવા અનેક ભાવોનું પ્રતિબિંબ પડતું હોય છે. એને વ્યક્ત કરવા કવિને જે પીડા અનુભવવી પડે એ પ્રસૂતિની પીડા કરતાં ઓછી નથી. એક શૅર યાદ આવે છે...

ગઝલ લીખના આસાન નહીં, પૂછો ઇન ફનકારોં સે


યે સબ લોહા કાટ રહે હૈ, કાગઝ કી તલવારોં સે

આજે એવા જ એક ફનકારની વાત કરવી છે જેમની કવિતાએ ફિલ્મ-સંગીતમાં હિન્દી ભાષાને  મહત્ત્વનું સ્થાન અપાવ્યું. તે પોતાની માતૃભાષાના ચિક્કાર પ્રેમમાં હતા. એ સાથે તેમને ઉર્દૂ ભાષાનો છોછ નહોતો. બોલચાલની સહજ ભાષામાં જરૂર પડે ત્યારે તે ઉર્દૂ શબ્દોને સહજતાથી અપનાવી લેતા. જેમની કલમમાંથી સંગીતપ્રેમીઓને ‘કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે’ (પૂરબ ઔર પશ્ચિમ), ‘ઝીંદગી કા સફર હૈ યે કૈસા સફર’ (સફર), ‘એક તું ના મિલા સારી દુનિયા મિલે ભી તો ક્યા’ (હિમાલય કી ગોદ મેં) જેવા અનેક અર્થસભર, ભાવવાહી ગીતો મળ્યાં; તે હતા ગીતકાર  ઇન્દિવર.                  

શ્યામલાલ બાબુરાય (ઇન્દિવર)નો જન્મ ૧૯૨૪ની ૧૫ ઑગસ્ટે ઝાંસી નજીકના બરુઆસાગર કસ્બાના એક ગામમાં થયો. બહુ નાની ઉંમરે જ તેમનાં માતા-પિતાનું અવસાન થયું એટલે મોટી બહેન તેમને પોતાને સાસરે લઈ ગઈ. જોકે થોડાં વર્ષો બાદ કિશોર ઇન્દિવરનું મન ત્યાંથી ઊઠી ગયું અને તે પાછા પોતાને ગામ આવી ગયા. ગામમાં ફક્કડ બાબા નામના એક બાબા હતા. તે ભિક્ષાટન કરીને પોતાનું જીવન ગુજારતા. તેમની સાથે ઇન્દિવરને સંગત કરવી ગમતી. એનું મુખ્ય કારણ એ હતું કે તે કવિતાના શોખીન હતા. ઇન્દિવરનો અવાજ સારો હતો. તે કવિતાઓ ગાતા. ધીમે-ધીમે તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી અને બાબાના માનીતા બની ગયા. ઇન્દિવર બાબા માટે રસોઈ બનાવે, તેમનાં નાનાં-મોટાં કામ કરે. આમ તેમની જિંદગી પસાર થતી હતી.

સમય જતાં કવિતાઓને લીધે તેમનું નામ થવા લાગ્યું. એ દિવસોમાં આઝાદીનું આંદોલન પૂરજોશમાં ચાલતું. ઇન્દિવર એમાં સક્રિય ભાગ લેતા. પરિસ્થિતિથી પ્રેરાઈને તેમણે પોતાનું  ઉપનામ ‘આઝાદ’ રાખ્યું હતું. આજુબાજુનાં ગામમાં નાનાં-નાનાં કવિ સંમેલનોમાં તેમને આમંત્રણ મળતું એટલે થોડા પૈસા મળવા માંડ્યા. લોકોમાં જાણીતા થયા. આ કારણે તેમનો ખાવા પીવાનો પ્રબંધ થઈ રહેતો. એ દિવસોમાં તેમની એક કવિતા ‘ઓ કિરાયેદારો, કર દો મકાન ખાલી’ એટલી જાણીતી થઈ કે અંગ્રેજોએ તેમને જેલમાં નાખ્યા. ત્યાં તેમની મુલાકાત વિખ્યાત કવિ મૈથિલીશરણ ગુપ્ત સાથે થઈ. કવિતા ઉપરાંત તેમને વાંસળી વગાડવાનો શોખ હતો. કલાકો સુધી ગામના તળાવની પાળે બેસી વાંસળી વગાડતા. ત્યારે તેમનું એક સપનું હતું, મારે ફિલ્મના ગીતકાર બનવું છે.

૨૦ વર્ષની ઉંમરે મોટી બહેનના સતત આગ્રહને કારણે તેમની આમન્યા રાખીને તે પરણ્યા. પોતાની મરજી વિરુદ્ધ થયેલાં આ લગ્નથી તે સંતુષ્ટ નહોતા એટલે પોતાની નારાજગી દેખાડવા એક દિવસ મુંબઈ ભાગી છૂટ્યા. મુંબઈમાં સ્ટુડિયોના ચક્કર લગાવતા, ફિલ્મ ‘જસ્ટિસ ચૌધરી’ (૧૯૪૬) માટે એક ગીત લખવાનો મોકો મળ્યો. જોકે એ ગીત માટે તેમને ક્રેડિટ ન મળી, (એ અલગ વાત છે કે ૧૯૮૬માં ‘જસ્ટિસ ચૌધરી’ માટે તેમણે ગીતો લખ્યાં) કારણ કે પહેલેથી આ ફિલ્મ માટે પંડિત ડી. એન. મધોકનો ગીતો લખવાનો કૉન્ટ્રૅક્ટ થઈ ગયો હતો. એક સ્વતંત્ર ગીતકાર તરીકે તેમને પહેલો મોકો ૧૯૪૬માં ફિલ્મ ‘ડબલ ફેસ’માં મળ્યો. ‘આઝાદ’ ઉપનામે તેમણે આ ફિલ્મનાં ૭ ગીત લખ્યાં, જેના સંગીતકાર હતા શ્યામબાબુ પાઠક. કમનસીબે આ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ અને આમ તેમના ભવિષ્ય પર સવાલ ઊભો થયો. ત્યાર બાદ તેમણે ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ વાત બની નહીં. છેવટે થાકીને તે ઘેર પાછા ફર્યા. ધીમે-ધીમે તેમનું લગ્નજીવન થાળે પાડવા લાગ્યું. જોકે ફિલ્મના ગીતકાર બનવાનું તેમનું સપનું હજી જીવંત હતું.

જે વ્યક્તિ પાસે પોતાનું કોઈ સપનું ન હોય તેના જેવો કમનસીબ કોઈ નથી. સપનાની એક ખાસિયત હોય છે, રાતે તે તમને સૂવા ન દે અને દિવસે તમને ચેનથી જીવવા ન દે. એક સરસ વાત યાદ આવે છે ‘I dream my paintings and I print my dreams.’ દુનિયામાં એક જ ચીજ તમને તમારું સપનું પૂરું કરવામાં બાધરૂપ બની શકે; એ છે નિષ્ફળતાનો ડર. ઇન્દિવરને ખબર હતી કે તેમની આખરી મંજિલ ફિલ્મ-ગીતકાર તરીકેની હતી. ફરી એક વાર તેમણે મુંબઈ જવાનો નિર્ણય કર્યો. આ વખતે કિસમતે તેમને સાથ આપ્યો. ફિલ્મ ‘દીદી’ (૧૯૪૮ - સંગીતકાર મુકુંદ મસુરેકર) અને ‘જાગૃતિ’ (૧૯૪૯ — કે. નારાયણ રાવ)માં તેમને ખાસ સફળતા ન મળી, પરંતુ ૧૯૫૧માં તેમને ફિલ્મ ‘મલ્હાર’નાં ગીતો લખવાનો મોકો મળ્યો. તેમણે લખેલાં ફિલ્મનાં ત્રણ ગીતો ખૂબ જ લોકપ્રિય થયાં અને ઇન્દિવરનું સપનું સાકાર થયું.

મારી લાઇબ્રેરીમાં ઇન્દિવરનો એક ઇન્ટરવ્યુ છે. એમાં પોતાની આ પહેલી સફળતાની વાત કરતાં ઇન્દિવર જે કહે છે એ ખરેખર રસપ્રદ છે. ‘સંઘર્ષના એ દિવસોમાં હું અને મારો કવિમિત્ર  મલાડની એક નાની સિંગલ રૂમમાં રહેતા હતા. તે કેવળ મારો મિત્ર નહીં, ગુરુ પણ હતો. જ્યારે મેં ‘મલ્હાર’નું ગીત લખ્યું ત્યારે તેણે મને અમૂલ્ય સલાહ આપી. મેં લખ્યું હતું...

બડે અરમાનોં સે રખ્ખા હૈ બલમ તેરી કસમ

પ્યાર કી દુનિયા મેં યે પહેલા કદમ 

આ ગીતનો એક અંતરો આ પ્રમાણે હતો... 

મેરી નૈયા કો કિનારે કા ઇન્તઝાર નહીં

તેરા આંચલ હો તો પતવાર કી દરકાર નહીં

તેણે મને કહ્યું, ‘ઇન્દિવર, તું ‘પતવાર કી’ને બદલે ‘પતવાર ભી’ કરી નાખ. તને ખબર છે ‘દરકાર’ એટલે શું? મેં કહ્યું, હિન્દીવાળા તો ‘દરકાર’ એટલે ‘ઝરૂરત’ સમજે છે. આમ કહી મેં ગીતકાર ભરત વ્યાસનું એક મુખડું સંભળાવ્યું. ‘જિંદગી ભી એક મોટરકાર હૈ, ઉસકો ભી એક ડ્રાઇવર કી દરકાર હૈ’ એટલે મેં પણ ‘પતવાર કી દરકાર’ લખ્યું. મિત્ર કહે, ના, દરકાર એટલે ‘ચાહીએ’ એટલે તું ‘કી’ કાઢીને ‘ભી’ લખ. મેં તેમના પગ પકડ્યા, જેમણે મને આટલી મોટી સમજણ  આપી. એ દિવસથી મેં નક્કી કર્યું કે મારે અનેક ભાષાનો અભ્યાસ કરવો જોઈએ.’

એક આડ વાત. લતા મંગેશકર અને મુકેશના મધુર સ્વરમાં સંગીતકાર રોશને સ્વરબદ્ધ કરેલું આ ગીત અનેક વાર સાંભળ્યું છે. આજે આ લખતાં મેં આ ગીત ધ્યાનથી સાંભળ્યું અને ત્યારે ‘કી’ અને ભી’ વચ્ચેનો ભેદ સમજાયો. ઇન્દિવરની નિખાલસ કબૂલાત અને ત્યાર બાદ તેમણે કરેલો સંકલ્પ જીવનમાં ઉતારવા જેવો છે.  

પહેલી જ ફિલ્મમાં સફળતા મળવાથી તમે જાણીતા થાવ છો, પરંતુ એસ્ટાબ્લિશ થવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ વાતનો અહેસાસ ઇન્દિવરને થતો હતો. ત્યાર બાદના એક દસકા સુધી તેમને ઝાઝી સફળતા ન મળી. એ દરમ્યાન તેમણે ‘નિર્મોહી’ (૧૯૫૨ — મદન મોહન), ‘દાના પાની’ (૧૯૫૩ -- મોહન જુનિયર, ‘મહેબૂબા’ (૧૯૫૪ – રોશન / ઓ.પી. નય્યર), ‘કિસ્મત’ (૧૯૫૬ — ચિત્રગુપ્ત),  ‘તાજ ઔર તલવાર’ (૧૯૫૬ — સુદીપ્ત), ‘જાસૂસ’ (૧૯૫૭ -- અનિલ બિસ્વાસ), ‘માયા બાઝાર (૧૯૫૮ — ચિત્રગુપ્ત), ‘સંસ્કાર’ (૧૯૫૮ — અનિલ બિસ્વાસ), ‘રૉયલ મૅન’ (૧૯૬૩ — અવિનાશ વ્યાસ) માટે ગીતો લખ્યાં, જેની ખાસ નોંધ ન લેવાઈ. આ તરફ તેમનાં પત્ની પાર્વતી મુંબઈ આવવા રાજી નહોતાં. આમ વ્યાવસાયિક જીવનની અસફળતા  અને અંગત જીવનની એકલતા તેઓ સતત અનુભવતા હતા. તેમની કવિતામાં જીવનની સચ્ચાઈ અને પીડાનો ભાવ સતત ડોકાયા કરે છે, એનું આ જ કારણ હશે.

લાંબા સમય બાદ ૧૯૬૩માં ફિલ્મ ‘પારસમણિ’માં ઇન્દિવરે લખેલું એક ગીત ‘રોશન તુમ્હી સે દુનિયા, રૌનક તુમ્હી જહાં કી’ અત્યંત લોકપ્રિય થયું. એ ઉપરાંત ફિલ્મ ‘સૂનહરી નાગિન’માં કલ્યાણજી–આણંદજી સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ ઘટના તેમના જીવનમાં એક ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ. ઇન્દિવરનો અને કલ્યાણજી—આણંદજી અને પરિવાર સાથે ઘરોબો બંધાયો. આ ત્રિપુટીએ ફિલ્મો માટે અનેક યાદગાર અમર ગીતો બનાવ્યાં. આમ ઇન્દિવરની ગણના એક સફળ ગીતકાર તરીકે થવા લાગી. એ વિશે વાત કરતાં ઇન્દિવર કહે છે, ‘હું ભણતો હતો ત્યારે હરિવંશરાય બચ્ચનનું નામ હતું. હિન્દી કવિતાને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. હું તેમને મારો આદર્શ માનું છું. મારી અહેમિયતનો અહેસાસ ફિલ્મ ‘પારસમણિ’ પછી થયો. ‘કસમે  વાદે પ્યાર કહાં’એ મને જીવનની ફિલોસૉફી શિખડાવી. સફળતા માટે જનતાની જુબાન પાસે જવું પડે છે; એ સત્ય મને સમજાયું.’

બચ્ચનજી આ પંક્તિઓ મને બેહદ પસંદ છે...

તુમ ગા દો મેરા ગાન અમર હો જાયે              

તુમ  છુ લો મેરે પ્રાણ અમર હો જાયે

આ ગીતની ધૂન મેં બનાવી અને કલ્યાણજી -આણંદજીને સંભળાવી. તેમને થયું કે આ મેં લખ્યું હશે. મેં કહ્યું, આ તો બચ્ચનજીની પંક્તિઓ છે. તમે ફિલ્મમાં લઈ શકો છો. તો કહે, ના, ફિલ્મવાળા આવું ગીત પસંદ નહીં કરે. મેં કહ્યું, સંગીતકાર જયદેવને આ ગીત ખૂબ ગમ્યું છે. તો કહે, તમે આ જ ભાવ કઈક અલગ રીતે લખો. તેમની વાત સાચી હતી. આ જ વિચારને મેં આ રીતે શબ્દદેહ આપ્યો...                                                                                             

હોઠો સે છુ લો તુમ, મેરા ગીત અમર કર દો

બન જાઓ મીત મેરે, મેરી પ્રીત અમર કર દો

(૧૯૮૧ — પ્રેમગીત — જગજીત સિંઘ) 

એક ગીતકાર તરીકે ઇન્દિવરની સફળતાનું વિશ્લેષણ કરીએ તો એક વસ્તુ સાફ નજર આવે છે કે સમયની નાડ અને નઝાકતને સમજવામાં તે માહેર હતા. તેમનાં ગીત હોય કે ગઝલ, સહેલાઈથી ચોટદાર બનાવતા શબ્દોને કારણે અત્યંત લોકપ્રિય થયાં. શુદ્ધ ઉર્દૂ મુશાયરામાં હિન્દીને જે ઇજ્જત મળી એ માટે નીરજ અને ઇન્દિવરને શ્રેય મળવું જોઈએ. તેમની હાજરીમાં જે સમા બંધાતો તે ગજબ હતો. એ દિવસોને યાદ કરતાં ઇન્દિવર કહે છે...

‘જાં નિસાર અખ્તર, સાહિર લુધિયાન્વી, સરદાર જાફરી, ફિરાક ગોરખપુરી અને બીજા મોટા શાયરોનો એક મુશાયરો હતો જેમાં મને આમંત્રણ મળ્યું. જ્યારે હું બોલવા ઊભો થયો ત્યારે સૌથી ઓછી તાળી પડી. જ્યારે મેં કવિતાપઠન પૂરું કર્યું ત્યારે સૌથી વધુ તાળી મને મળી. આવું ઘણી વાર  બનતું. હું તેમને કહેતો, ‘હું તમારાથી મોટો શાયર નથી, પરંતુ મારી ઝૂબાન મિલીજુલી છે. સહજ હિન્દી અને ઉર્દૂ ભાષાની આ કમાલ છે. ફિલ્મોમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ વધારે થાય, એનો અર્થ એવો નથી કે લોકો એ સહેલાઈથી સમજી શકે છે. કોઈ પણ પ્રાંતની ભાષા લો; મરાઠી, ગુજરાતી, તામિલ, તેલુગુ, કન્નડ, સિંધી, પંજાબી દરેકમાં સંસ્કૃતથી આવેલા શબ્દો છે. જો ઉર્દૂ શાયરે સફળ થવું હોય તો હિન્દીનો ઉપયોગ જરૂરી છે. એ જ રીતે હિન્દી કવિ માટે ઉર્દૂનો ઉપયોગ જરૂરી છે. સફળ થવું હોય તો કેવળ એક ભાષાથી કામ ન ચાલે. દુનિયામાં આવું બનતું આવ્યું છે કે પ્રોડ્યુસર પોતે જે ભાષા બોલતો હોય એ જ ભાષા બીજા પર લાદવા માગે. જોકે એ લાંબા સમય સુધી શક્ય નથી.’

આવતા રવિવારે ઇન્દિવર અને કલ્યાણજી–આણંદજીના મજેદાર કિસ્સાઓની વાત કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2020 05:20 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK