Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાથનો એમાં હાથ છે

હાથનો એમાં હાથ છે

10 May, 2020 09:52 PM IST | Mumbai Desk
Hiten Anandpara

હાથનો એમાં હાથ છે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


જે હાથ થામવા માટે લંબાવવાનો હોય એ હાથ ગ્લવ્ઝમાં સાવચેતી પહેરીને છેટો રહેવા મજબૂર થયો છે. કોરાના વાઇરસના સંક્રમણમાં હાથની ભૂમિકા મહત્ત્વની બની છે. સાંપ્રત સ્થિતિને હરીશ ઠક્કરની પંક્તિઓમાં અનુભવી શકાશે...

ચિત્ર દોરું છું તારું રોજેરોજ
હાથ મારો હજી નથી બેઠો
શ્વાસ ખાવો કે રોટલા ખાવા?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો?
એક તરફ ઘણા લોકો પાસે કામ છે, પણ કામધંધાના સ્થળે પહોંચી શકતા નથી. બીજી તરફ લૉકડાઉનને કારણે જરાય કામ નથી એવા હિજરતી કામદારો હિજરાઈ રહ્યા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની પ્રક્રિયામાં બધો મેળ બેસાડવો સરકાર માટે ટાઇટૅનિક ટાસ્ક છે. લાખોની સંખ્યામાં હેરફેર કરવામાં સાચવેતી નેવે મુકાવાની અપાર સંભાવના રહે છે. કેન્દ્ર સરકારે દોઢેક મહિના સુધી આ હિજરતની અંધાધૂંધી ટાળી, હવે એ શક્ય નથી. મજૂરો પોતાના વતન પહોંચવા મજબૂર બન્યા છે. હજાર કિલોમીટરથી વધારેનું અંતર કાપવા ખરેખર ચાલતી પકડી છે. ભૂખ અને પરિશ્રમના કારણે મોત પોતાનો ટોલ ટૅક્સ ઉઘરાવવા ઊભું જ હોય. હેમંત પુણેકરના શેરમાં આ સ્થિતિ તાદૃશ્ય થાય છે...
એકદમ ન હાથ નાખ સળગતા સવાલમાં
થોડો સમય જવા દે એ ઠંડો પડી જશે
આખા જીવનને માપતા આ શ્વાસનો પનો
એક પળનું મોત માપવા ટૂંકો પડી જશે
રોગ અને ભૂખનું સામ્રાજ્ય છવાયેલું છે. આવા સમયમાં દારૂની દુકાન ખુલ્લી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સવારના છ વાગ્યાથી પિપાસુઓએ લાઇન લગાડી દીધી. દિલ્હીમાં સામાજિક અંતરના બધા નિયમો નેવે મૂકીને બૉટલ મેળવવા પડાપડી થઈ. સવા મહિનાથી દબાયેલી તરસ નાયગરાના ધોધની જેમ ધસી આવી. નોટબંધી દરમ્યાન બૅન્કમાં લાગતી હતી એના કરતાં અનેકગણી વધારે લાઇન નશો ખરીદવા લાગી. કેટલાક ચહેરા જોઈને એવું લાગ્યું કે આ માણસ મફતનું સરકારી રૅશન લેતો હશે પણ દારૂ પીવા માટે તેની પૈસાની જોગવાઈ થઈ ગઈ લાગે છે. મકરંદ દવેના શેરમાં એની ચાલ વર્તાય છે...
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી
મારી લથડતી ચાલ મને ક્યાં લઈ જશે?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી
શરાબ પીને લથડતી ચાલે ઘરે જતા લોકો પર અર્થતંત્રનો મોટો મદાર છે, કારણ કે એમાં સારીએવી રકમનો ટૅક્સ સરકારને મળે છે. મુંબઈમાં આવી દુકાનો ખોલવાની છૂટ પાછી ખેંચી લેવાઈ. હ્યુમન રાઇટ્સવાળા જો બહુ ગળે ભરાશે તો ભવિષ્યમાં સોમરસને મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ કરવા માટે જંગે છેડે તો નવાઈ નહીં. હરીન્દ્ર દવેના શેરમાં સુરા સાથે સંવેદના પણ ઝીલાઈ છે...
હું તો અવળે માર્ગ ચાલું છું હવે હાથે કરી
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં
હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં
કોરોના રોગ તરીકે જ નહીં, વિષય તરીકે પણ પીછો છોડતો નથી. રોજ રાતે આંકડાઓ નજર સામે તરવર્યા કરે. મન સરખામણી કર્યા કરે કે અમેરિકામાં આટલા કેસની સામે આટલાં મોત થયાં તો ઍવરેજ આટલી થઈ. ભારતમાં આટલા કેસ થયા તોય મરણની ઍવરેજ ફક્ત આટલી છે. કપરા સમયમાં પણ આવી કોઈ નિરાંત ગોતી કાઢવી પડે નહીંતર સપનાં ચોળાઈને ચપટ્ટ થઈ જાય. ચિનુ મોદી કહે છે એમ ખુમારી તો ટકાવી રાખવી પડે...
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે
હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે
વળેલા લોકોને ટટ્ટાર ઊભા રાખવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ મથી રહી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન જેવી સંસ્થાએ મસમોટી સંખ્યામાં પેટનો ખાડો પૂરવાનું પ્રશંસનીય કામ કર્યું. ખંધા રાજકારણીઓ અને ગળથૂથીમાં વિવાદની ટોટી ચૂસીને મોટા થયેલાં દેશદ્રોહી તત્ત્વો સિવાય અનેક ભેદભાવ ઓગળતા જણાયા. તમામ મંતવ્યો-દલીલોને બાજુએ મૂકી માનવધર્મ સૌથી મોટો છે એ સત્ય સામે આવીને ઊભું રહ્યું છે. આ જ્ઞાન ટકી રહે તો સારું. સ્નેહી પરમાર સ્નેહપૂર્વક કહે છે...
મારાં ને એનાં બેઉનાં મેં પારખાં કર્યાં
પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા
સામે તમે મળ્યાં, ને સમાધાન થઈ ગયું
આંખોએ આંસુઓના હાથે પારણાં કર્યાં
વાઇરસનું સમાધાન બધા ગોતી રહ્યા છે. રસી માટે કમર કસીને વૈજ્ઞાનિકો મચી પડ્યા છે. હળવી શૈલીમાં લગ્નને સમાધાન કહેવાય છે, પણ આ સમાધાન વિલંબિત થઈ ગયું છે. મે મહિનામાં તો ફાટફાટ લગ્ન હોય. એની બદલે માંડવા સૂના પડ્યા છે. શરણાઈ સૂન થઈ ગઈ છે. કંકોતરીને કોરોના ડસી ગયો છે. લગ્નોત્સુક વરરાજાઓનાં કુંવારાં અરમાન ધુમાડા થઈ ગયાં. છતાં છૂટકમૂટક લગ્ન ઉપરાંત ઑનલાઇન લગ્નની ઘટનાઓ પણ સામે આવી છે. બાબુલાલ ચાવડા ‘આતુર’ની પંક્તિઓ પ્રેમ પદારથ પામવાનું કષ્ટ વ્યક્ત કરે છે...
હાથ છોડાવી ગયાં ને હસ્તરેખા લઈ ગયાં
ભાગ્યના મારા બધા ટુકડા ય ભેગા લઈ ગયાં
સોંપવા ફરતાં હતાં જે હાથમાં લઈને હૃદય
કોણ જાણે કેટલાં કાપી કલેજાં લઈ ગયાં
ક્યા બાત હૈ
ડૉક્ટરની વ્યથા
લખું ડેથ-સર્ટિફિકેટ જે હાથે
હું રોજ જમું એ હાથે
આને કહેવું સુખ?
મળે જે મજબૂરી સંગાથે?



જ્યારે બંધ થાય છે આંખો
તૂટી જાય છે શ્વાસો
નિષ્ફળતાનો કડવો ઘૂંટડો
મારે જાણે તમાચો
કટાર વાગે કળતરની
ને નાવ ડૂબે જઈ કાંઠે


સત્ય કહેવાના શપથ લીધા
પણ આંસુ ક્યાંથી ખાળું?
દુઃખનું મહાભારત રોકવા
યુધિષ્ઠિરને મારું?
આંખ કોરી ને ભીતર રડે
ગમ વ્હેંચું કોની સાથે?

લોક કહેઃ ઈશ્વરનો હાથ છું
તોય નડી લાચારી!
સ સફળતાનો ઘૂંટવામાં
વહી જિંદગી સારી
અવતાર નથી, હું માણસ છું
એ વાત કઠે છે રાતે
- ડૉ. નીલેશ રાણા (અમેરિકા)


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2020 09:52 PM IST | Mumbai Desk | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK