Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સપનાં બંધ આંખોનાં અને સપનાં ખુલ્લી આંખોનાં

સપનાં બંધ આંખોનાં અને સપનાં ખુલ્લી આંખોનાં

10 October, 2020 06:27 PM IST | Mumbai
Sanjay Raval

સપનાં બંધ આંખોનાં અને સપનાં ખુલ્લી આંખોનાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહેલો અને સૌથી મહત્ત્વનો સવાલ, માણસને પૉઝિટિવિટીની સૌથી વધારે જરૂર ક્યારે પડે? માણસને ક્યારે ખબર પડે કે તેણે હવે હકારાત્મકતાની આવશ્કયતા છે?

આ સવાલનો સીધો જવાબ છે, જ્યારે ચારે તરફ નકારાત્મકતા હોય ત્યારે. ચારે બાજુએથી માણસને નેગેટિવિટી મળતી હોય, નેગેટિવ વિચારો આવે એવું વાતાવરણ મળતું હોય ત્યારે તેને ખ્યાલ આવે કે હવે કોઈ એક દિશામાંથી પૉઝિટિવિટી મળશે તો એ ટકી જશે, તો એ ઝઝૂમી લેશે. અત્યારે એવો જ સમય છે, તમે જોશો તો દેખાશે કે દરેક માણસ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે નેગેટિવ થતો જાય છે. એનું કારણ છે. બધા પાસે એક જ ટોપિક છે, એક જ વાત છે, કોવિડ. ન્યુઝમાં પણ એ અને ન્યુઝ-ચૅનલમાં પણ એ જ. કોરોના અને કોરોનાને કારણે કેટલાં મૃત્યુ થયાં એ. તમારી આસપાસમાં પણ આ જ ચાલે છે. ૨૪-૪૮ કલાક પસાર થાય ત્યાં તમને કોઈ ઓળખીતાના ડેથના ન્યુઝ મળે, કોઈ જાણીતી વ્યક્તિના ડેથના સમાચાર મળે અને એ સમાચાર તમને અંદરથી ધ્રુજાવી દે. કોરોના ઓછો હતો એમ બીજી પણ એવી ઘટનાઓ આજુબાજુમાં બનતી રહે છે જે તમને ખળભળાવી દે. સુશાંતના ન્યુઝ કે પછી હાથરસ કે પછી મંદીની વાત કે પછી કોરોનાને કારણે થયેલી જાણીતી વ્યક્તિના મોતની વાત. જ્યારે તમને દરેક જગ્યાએથી એક જ વાત સાંભળવા મળવાની હોય અને એ પણ નકારાત્મક ત્યારે બને કે તમને એ બધાથી ભાગવાનું મન થાય, પણ પ્રશ્ન એ છે કે આ નકારાત્મકતાથી તમે ભાગીને જશો ક્યાં? આ જે અવસ્થા છે એનાથી દૂર જઈને થઈ પણ શું શકે? આ જ હકીકત છે અને આ હકીકતને કોઈએ ભૂલવાની નથી. કહેવાનો ભાવાર્થ એ જ કે તમારે આ નકારાત્મકતાથી ભાગવાને બદલે એની સામે લડવાનું છે અને એ લડત માટે તમારામાં જ સિસ્ટમ ઊભી કરવાની છે. કઈ રીતે એ પણ સમજવાની જરૂર છે.



આપણે બધા સપનાં જોઈએ છીએ પણ એ સપનાં આપણે આંખો બંધ કરીએ ત્યારે આવે છે. એવું પણ બને કે ઘણાં સપનાં તો આપણને યાદ પણ નથી રહેતાં અને ખાસ વાત, આ સપનાંમાંથી ૯૦ ટકા સપનાંનું કોઈ પરિણામ નથી આવતું. પરિણામ નથી આવતું કે પછી એ પરિણામ માટે આપણે પ્રયાસ નથી કરતા. રાત્રે સૂતાં, સપના જોયાં, સવારે જાગ્યા અને બધું ભૂલીને કામે લાગી ગયા. આ સપનાંઓનો અર્થ શું, આ સપનાંઓનો લાભ શું? મારે કહેવું છે કે આ રીતે બંધ આંખે સપનાં જોવાને બદલે ખુલ્લી આંખે સપનાં જુઓ. જો તમને એવું લાગે કે આપણે ખોટા રસ્તે વળી ગયા છીએ તો એ ભૂલ છે તમારી. તમે એ જ વાંચ્યું, જે મેં કહ્યું. ખુલ્લી આંખે સપનાં જોઈએ અને મિત્રો, તમે એ જોઈ પણ શકો છો અને સૌથી અગત્યની વાત કહું તમને, ખુલ્લી આંખે જોયેલાં સપનાં સાકાર કરવાં પણ આસાન છે. આપણે જે હકારાત્મકતા પામવાની વાત કરી એ આ સપનાંઓમાં જ જોડાયેલી છે. મનમાંથી નકારાત્મકતા કાઢવાની વાતમાં પણ આ ખુલ્લી આંખનાં સપનાંઓ કામ લાગશે. મનોચિકિત્સક પણ સ્વીકારે છે કે હકારાત્મકતા અને સપનાંઓને સીધો સંબંધ છે. ખુલ્લી આંખે સપનાં જોવામાં અને મનમાં હકારાત્મકતા લાવવામાં એક વાતની તમને જરૂરિયાત પડશે, વિઝ્‍યુઅલાઇઝેશનની. હા, આ બન્ને વાતનો ભાવાર્થ એક જ છે વિઝ્‍યુઅલાઇઝેશન. મારે કહેવું છે કે આ વિઝ્‍યુઅલાઇઝેશનની તાકાત અદ્ભુત છે. જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો એ ન્યુક્લિયર બૉમ્બથી પણ વધારે પાવરફુલ બની જાય છે અને જો એનો નકારાત્મક ઉપયોગ થયો તો પણ એ ભારોભાર નુકસાનકર્તા બની જાય છે. મુદ્દો માત્ર એ છે કે એનો સાચો ઉપયોગ થવો જોઈએ. વિઝ્‍યુઅલાઇઝેશનને સરળ શબ્દોમાં સમજીને આગળ વધીએ.


વિઝ્‍યુઅલાઇઝેશન એટલે તમે જે પરિસ્થિતિ ઇચ્છતા હોય એને વિચારોના માધ્યમથી જોવાની પ્રક્રિયા. હવે આજના સમયમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને એના ફાયદા શું છે એની વાત કરીએ.

સૌથી પહેલું પગલું, નક્કી કરો કે તમને જોઈએ છે શું, તમે શું મેળવવા માગો છો અને તમારે કરવું છે શું? ધારો કે તમે બિઝનેસમૅન છો અને તમારું એક લક્ષ છે કે બિઝનેસને આગળ વધારવો છે કે પછી આવતા વર્ષ સુધીમાં એનું ટર્નઓવર ત્રણગણું કરવું છે. આ છે ગોલનું પહેલું પગલું. શું જોઈએ છે એ નક્કી હોવું જોઈશે. હવે જે જોઈએ છે એ વિઝ્‍યુઅલાઇઝ કરો. ધારી લો કે ધારણા મુજબ બિઝનેસ ત્રણગણો વધી ગયો છે અને પ્રોગ્રેસ થતો જાય છે. તમારી આ ધારણા પૂરી થાય તો તમે વિચાર્યું હતું કે હું લક્ઝુરિયસ બીએમડબ્લ્યુ ખરીદીશ અને એ પછી મારી આખી ફૅમિલીને વેકેશન પર મૉરિશ્યસ લઈ જઈશ. પાછા આવ્યા પછી તેમને સીધા નવા ઘરમાં લઈને જઈશ અને તેમને બધાને સરપ્રાઇઝ આપીશ. આ તમારું સેકન્ડ સ્ટેપ છે. વિચારો એકદમ મક્કમતા સાથે કે તમે આ મેળવી લીધું છે અને તમે એ પામી લીધું છે. પામી લીધા પછી તમારા મનમાં એને માટેની ફીલિંગ્સ કેવી છે અને એ ખુશી તમને કેવા રોમાંચિત કરે છે એના વિશે વિચારો. આ ખુશી તમારી કેવી હશે એ ખૂબ મહત્ત્વની છે અને એ ખુશી તમારા વિચારો પર નિર્ભર છે. જેટલી દૃઢતાથી તમે આ વિશે વિચારશો એટલી જ શક્તિશાળી રીતે તમને એની ખુશી પ્રાપ્ત થવાની છે. સૂતાં-બેસતાં, ઊઠતાં-જાગતાં તમારે આ દિશામાં સતત મનને રોકેલું રાખવાનું છે, ખુલ્લી આંખે તમારે આ સપનું જોતા રહેવાનું છે. સપનાં જોશો તો ક્યાંક ને ક્યાંક એનું બીજ રોપાશે અને બીજ રોપાશે તો ક્યારેક ને ક્યારેક તમે એ દિશામાં નક્કર થઈને આગળ વધશો.


હવે આગળનું સ્ટેપ. વિઝ્‍યુઅલાઇઝેશન ડીટેલમાં કરો. તમે વિચાર્યું કે તમે બીએમડબ્લ્યુ લેવા માગો છો, પણ તમારે હવે એનું ડીટેલિંગ કરવું પડશે. કયો કલર તમે ગાડીનો લીધો, ગાડી લેવા માટે કોણ-કોણ ગયું. ગાડી લઈને આવ્યા પછી આજુબાજુના લોકો શું બોલે છે, રિલેટિવ્સ કેટલાં ખુશ થાય છે એવું બધું. યાદ રાખજો કે આ સ્ટેપ અગત્યનું છે. પહેલાં તમે વિચારોનું બીજ વાવ્યું છે તો હવે તમારે એ બીજને પાણી આપવાનું છે અને આ પાણી આપવાની પ્રક્રિયા એટલે આ ડીટેલ છે. તમે જેટલું ઝીણું કાંતશો, તમે જેટલી વિગતે આ ડીટેલ પર વિચારશો એટલી જ પ્રબળ ઇચ્છા તમને થવાની છે. યાદ રહે કે માત્ર કોઈ વસ્તુ જોઈએ છે એટલું વિચારવાથી એ મળી નથી જતી, પણ લક્ષપ્રાપ્તિ માટે તમારે જાતને ત્યાં સુધી ખેંચી જવી પડે છે અને એ કરવા માટે તમારે ખુલ્લી આંખે સપનાં જોવાં પડે છે.

હવે આગળનું પગલું. તમારે બીએમડબ્લ્યુ લેવી છે, બીએમડબ્લ્યુનું ડીટેલિંગ તમે કરી લીધું છે. તમારે બિઝનેસ ડેવલપ કરવો છે અને તમે એનું પણ ડિટેલમાં વિચારી લીધું છે. મતલબ કે તમે બીજ વાવી દીધાં અને એને પાણી આપવાનું પણ શરૂ કરી દીધું. હવે તમારે એ બીજમાંથી ઊગતા છોડની માવજત કરવાની છે. આ માવજત ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તમે લક્ષ પામી નથી લેતા એટલે હવે તમારે તમારા સપનાને સાકાર કરવા માટે ઍક્શન-પ્લાન બનાવવાનો છે. યાદ રાખજો કે હવે ઍક્શન-પ્લાન બન્યા પછી તમારું દરેક સ્ટેપ એ પ્લાન મુજબનું જ હોવું જોઈશે. જો એવું બન્યું તો અને તો જ તમારું સપનું સાકાર થશે. વિઝ્‍યુઅલાઇઝેશન જેટલું સ્ટ્રૉન્ગ હશે એટલું જલદી પરિણામ તમને મળશે. વિઝ્‍યુઅલાઇઝેશન જેટલું સ્ટ્રૉન્ગ હશે એટલી જ સ્ટ્રૉન્ગનેસ સાથે તમે એ કામની દિશામાં લાગશો. વિઝ્‍યુઅલાઇઝેશન તમને સમજાવે છે કે સપનાને પ્રાપ્ત કરવા માટે તમારે કેટલાં પગલાં ભરવાનાં છે. વિઝ્‍યુઅલાઇઝેશન તમને સમજાવે છે કે સપનાને સાકાર કરવા માટે તમારે કેટલું ભાગવાનું છે અને વિઝ્‍યુઅલાઇઝેશન તમને દર્શાવે છે કે આજનો સમય ભલે ખરાબ રહ્યો, પણ જો સારા સમયની દિશામાં તમે મક્કમ થઈને આગળ વધશો તો એ સમય ચોક્કસ આવશે, આવશે અને તમને તમારા સપનાની દુનિયામાં હકીકત સાથે લઈ જશે. ઘણા કહેતા હોય છે કે જાગતી આંખે સપનાં નહીં જોવાનાં, પણ હું કહીશ કે ના. જાગતી આંખે સપનાં જોવાનાં અને જાગતી આંખે સતત સપનાં જોતા રહેવાનાં. બંધ આંખે જોયેલાં સપનાં કરતાં પણ ખુલ્લી આંખે જોયેલાં સપનાં પૂરાં થવાની શક્યતા વધારે હોય છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 06:27 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK