સલામ સોનુ સૂદને : આવા સોનુ આપણા સમાજમાં ઘણા છે, ઘણા બની શકે છે!

Published: Aug 06, 2020, 20:06 IST | Jayesh Chitalia | Mumbai

માત્ર એક જ માણસ ધારે તો...માણસના મનમાં જ્યારે કોઈ સદ્ભાવ જાગી જાય, ચોક્કસ લક્ષ્ય મળી જાય અને નિઃસ્વાર્થ ભાવ સાથે લોકોનાં હિતમાં કંઈક સારું કરવાની ભાવના પ્રબળ બની જાય તો એ માણસ એકલો પણ ઘણુંબધું કાર્ય કરી શકે છે, જે ક્યારેક અસંભવ જેવું લાગી શકે, પરં

સોનુ સૂદ
સોનુ સૂદ

એક જ માણસ ધારે તો શું નું શું કરી શકે? હા, ફક્ત એક જ માણસ. કોઈ પણ લાંબામાં લાંબી યાત્રાનો આરંભ પણ એક જ કદમથી થાય છે. કોઈ પણ જબરદસ્ત ક્રાન્તિનો જન્મ કેવળ એક વિચારથી જ થયો હોય છે. આ બધાની પાછળ પછીથી અનેક લોકો જોડાતા જાય છે એ જુદી વાત છે, પરંતુ પ્રારંભ એકથી થાય છે. યસ, તો અહીં કહેવાનો આશય એ છે કે એક જ માણસ ધારે તો સમાજને, માનવજાતને અને સમગ્ર જગતને સાર્થક પરિણામ આપી શકે છે.
તાજેતરમાં સતત સારા કારણસર સમાચારમાં રહેલો ફિલ્મઅભિનેતા સોનુ સૂદ આપણી સમક્ષ એક માણસ ધારે તો કેવું સુંદર પરિણામ લાવી શકે એનું તાજું મસ્તમજાનું ઉદાહરણ છે. કોરોના-લૉકડાઉનના આ કપરા કાળમાં વિવિધ શહેરોમાં ફસાઈ ગયેલા આપણા જ દેશના વિભિન્ન શહેરો કે ગામના લોકોને પોતાના વતનમાં, પોતાના ઘરે પહોંચાડવા સોનુ સૂદે કેવી જહેમત ઉઠાવી એ આપણે નજરે જોયું અને વાંચ્યું પણ છે. એક ઘટનાથી તેના મનમાં એક સુવિચારે જન્મ લીધો અને એકલા હાથે માઇગ્રન્ટ મજદૂરો, કારીગરો, કર્મચારીઓ અને તેમના પરિવારના લોકોની પીડાને સમજીને આ અભિનેતાએ જે કામ કર્યું છે એને ધ્યાનમાં રાખતાં સોનુ રિયલ લાઇફ હીરો બની ગયો છે એ હકીકત છે. તેણે પરદેશમાં કોરોનાને કારણે ફસાઈ ગયેલા હજારો લોકોને પણ દેશમાં લાવવાની સુવિધા કરી આપી. આ કાર્યને સફળ બનાવવા તેણે પોતાના પરિવારથી ઘણો સમય અલગ રહેવું પડ્યું. દિવસ-રાત આ પીડિત લોકોનો વિચાર કરવો પડ્યો અને કોરોનાના જોખમી માહોલમાં અનેક વાર બહાર નીકળવું પડ્યું. કેટલીય સરકારી વિધિઓ કરવી પડી. ખરેખર તો જે જવાબદારી કેન્દ્ર કે રાજ્ય સરકારની બનતી હતી, જે આખા દેશમાં કરુણતાની સાથોસાથ વિવાદનો વિષય બની ગયો હતો એને પોતાની વિચારધારા અને ટીમ સાથે મળીને સોનુએ સુપેરે પાર પાડી. જગત માટે, આપણા દેશ અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના એકેક વ્યક્તિના પત્ર, સંદેશ, ટ્વીટ પર તેણે ઝડપી પ્રતિભાવ આપ્યો. આનું ઍનૅલિસિસ કરવામાં આવે તો ખરી કલ્પના થઈ શકે કે ક્યાં એક સરકાર અને ક્યાં એક માણસ! પણ એક માણસ ધારે તો સરકાર કરતાંય બહેતર પરિણામ આપી શકે છે. સોનુ સૂદે પોતાના સમગ્ર જીવનના આ ચાર જ મહિનામાં જિંદગીનો સાચો આનંદ અને સંતોષ મેળવ્યા છે એમ તેણે પોતે જાહેરમાં કહ્યું છે. એટલું જ નહીં, તેણે જે-જે લોકોને મદદ કરી છે એ બધાએ પણ પોતાના આ આકરા સમયમાં સોનુ સૂદની સહાયને કારણે જિંદગીમાં ખરી રાહત, સંતોષ અને આનંદને પ્રાપ્ત કર્યો છે. સોનુને પોતાને આ આનંદ અને સંતોષની લાગણી મળવાનું કારણ તેનું નિઃસ્વાર્થ ભાવથી કરાયેલું કાર્ય છે. લોકોની પીડાને પોતાની ગણીને જેકોઈ વ્યક્તિ આવું પરોપકાર કે માનવતાનું કાર્ય કરે છે તેને જિંદગીનો સાચો સંતોષ અને આનંદ મળે જ એવી વ્યવસ્થા ખુદ પ્રકૃતિ-કુદરતે કરી જ છે, જે પણ કોઈ આવું કાર્ય કરે છે તેને આ વિષયની અનુભૂતિ ચોક્કસ મળતી જ હોય છે.
માત્ર ધનથી કામ થઈ જતું નથી
સોનુ સૂદ અભિનેતા હોવાને કારણે અને તેની પાસે સંપત્તિ હોવાને કારણે આમ કરવામાં તેને સરળતા રહી કે સફળતા મળી એવી દલીલ ઘણા કરી શકે, પરંતુ આ સાથે એ પણ વિચારવું જોઈએ કે આવી સિદ્ધિ તો ઘણા લોકો પાસે હતી અને છે, કેમ બીજાઓને આવો વિચાર ન આવ્યો? અનેક આવી સેલિબ્રિટીઝ તો સોનુ કરતાં પણ બધી રીતે વધુ સમર્થ છે, તો પછી તેઓ કેમ આ કામ માટે આગળ ન આવ્યા? સોનુને આ કામ માટે સારી ટીમ પણ મળી, જેમણે માનવતાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું, પોતે તકલીફ ભોગવીને પણ આ ભગીરથ કાર્ય કર્યું. આ લોકોએ કોરોનાના ભય વિના કે પોતાના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વિના આ સત્કર્મનાં કાર્ય કર્યાં છે. આ પ્રકારના સંવેદનશીલ જવાબદારીભર્યા કાર્યમાં અનેક ગૂંચવણભરી વિધિમાંથી પસાર થવાનું હોય છે. સતત આયોજન, મૅનેજમેન્ટ, વ્યવસ્થા અને કમિટમેન્ટ જરૂરી બને છે. સોનુ કરતાં વધુ સમર્થ હસ્તીઓ પાસે સોનુ કરતાં પણ મોટી ટીમ હોઈ શકે, પરંતુ સુવિચાર અને તેનું આચરણ સૌથી વધુ મહત્ત્વનાં છે.
સોનુ ઉપરાંત ઘણા બેનામીઓનો ફાળો
આ વાત માત્ર સોનુ સૂદની નથી, આ કપરા સમયમાં અનેક વ્યક્તિએ લોકોની સહાય માટે પોતાનાથી બનતા પ્રયાસ કર્યા જ છે. તેઓ જાણીતાં નામ ન હોવાથી તેમની બહુ ચર્ચા થતી નથી અથવા તેમનું સહાયનું કદ કે પ્રમાણ ઓછું હશે એથી તેમનું નામ સમાચાર બન્યું નથી. બાકી વ્યક્તિગત સ્તરેથી લઈને સંસ્થાકીય સ્તરે અનેક હસ્તીઓએ આ કપરા સમયમાં લોકોને ભોજનથી માંડીને રહેવાની, ઇલાજની અને તેમને પોતાના વતન પહોંચાડવાની કામગીરી બજાવી છે. આ સમયમાં જેમના સારા કામની સતત ચર્ચા થતી રહી છે એવા અનેક ડૉક્ટર, નર્સ, પૅરા-મેડિકલ સ્ટાફ, પોલીસ-કર્મચારી, સફાઈ કામદાર સહિત નગરપાલિકાના કર્મચારી અને બૅન્ક-કર્મચારીઓનો સમાવેશ છે. આમાં પણ ઘણી વ્યક્તિ એકલી પણ હશે, જેમણે પોતાના જીવના જોખમે પોતાની ફરજ ચાલુ રાખી હતી, ઘણા જીવનઆવશ્યક વસ્તુઓના દુકાનદારો પણ છે જેમણે પોતાની કમાણી કરતાં પણ લોકોની જીવનજરૂરિયાતને વધુ ધ્યાનમાં રાખી દુકાનો ખોલી છે અને લોકોને જરૂરી સામગ્રી પૂરી પાડી છે. આમાં ક્યાંક કોઈ વેપારહિત જરૂર હોઈ શકે, પરંતુ આમાંથી ચોક્કસ એવા લોકો પણ હશે જેઓ પોતાની દુકાન બંધ રાખત તો તેમને પોતાને નાણાંની કોઈ તંગી થાત નહીં, પણ તેમણે લોકોને વધુ મહત્ત્વ આપ્યું. ખાનગી ડૉક્ટરોએ પણ આ યજ્ઞમાં ચોક્કસ ફાળો આપ્યો છે. આ બધી બેનામી હસ્તીઓને પણ બિરદાવવી જોઈએ.


સમાજહિતમાં અનેક હસ્તીઓ સતત કાર્યરત

વાત માત્ર કોરોનાકાળની પણ નથી, સમાજમાં વિવિધ સ્તરે કેટલીય એકલી વ્યક્તિ સતત સમાજના હિતમાં, માનવતાના હિતમાં, ગરીબ-જરૂરિયાતમંદ વર્ગ માટે કાર્ય કરતી રહે છે. એ વ્યક્તિ તેમની સાથે કોઈ જોડાય કે ન જોડાય એની રાહ જોતી નથી. એ જુદી વાત છે કે પછીથી સાથીઓ આવતા જાય છે, કારવાં બનતો જાય છે. આ વ્યક્તિ તબીબ સ્વરૂપે, કલાકાર સ્વરૂપે, વૈજ્ઞાનિક, પ્રોફેસર, શિક્ષક, વેપારી, બિઝનેસ સાહસિક વગેરે સ્વરૂપે સમાજના હિતમાં કાર્ય કરતી જ રહે છે. આવી હસ્તીઓમાં અમુક લોકો પ્રસિદ્ધિ પામે છે, જ્યારે મોટા ભાગની હસ્તીઓ અનેક સમાજહિતનાં કાર્ય ચૂપચાપ કરતી રહીને પસાર થઈ જાય છે. કેટલાકની પછીથી ઇતિહાસ નોંધ લે છે. આવી અનેક હસ્તીઓએ સમાજને સતત કંઈક નક્કર આપ્યું હોય છે અને આપતી રહે છે. શ્રીરામને લંકા જતી વખતે સાગર પર સેતુ બાંધવાની જરૂર ઊભી થાય છે ત્યારે એક ખિસકોલી પણ પોતાની પીઠ પર રેતી લઈને ઠાલવતી રહી હતી, જેની નોંધ પરમાત્માએ લીધી અને જગતે પણ લીધી. કોઈ પણ સત્કાર્ય નાનું હોય કે મોટું હોય, જગત પર પોતાની છાપ છોડી જ જાય છે. સમય એને ભૂંસાવા દેતું નથી. આપણે દરેક જણે આપણી આસપાસ કોઈ પીડિત-મજબૂર હોય તો આપણો હાથ લંબાવવો જોઈએ, કારણ કે ઈશ્વરની પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં ગરીબ-મજબૂરની સહાય માટે લંબાયેલો એક હાથ વધુ મહાન ગણાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો  લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK