હોશિયારી અને શાણપણઃ તમે કઈ દિશાના સારથિ?

Published: Jan 11, 2020, 15:24 IST | Sanjay Raval | Mumbai

આ બન્ને શબ્દો સારા છે, પણ એ બન્નેનો અર્થભેદ સમજવાની જરૂર છે. હોશિયાર હશો તો સુખી થશો, પણ શાણપણ હશે તો તમે ખુશ રહેશો

જીવનમાં બે પ્રકારના માણસો હોય છે, એક હોશિયાર અને બીજો ડાહ્યો અને સમજુ. હોશિયાર માણસની વાત કરીએ. હોશિયાર હોય તે ગમે એવી આકરી મુશ્કેલી આવે, મહાકાય પ્રશ્નો આવે, તકલીફો આવે, પણ તે એમાંથી ક્ષેમકુશળ રીતે બહાર નીકળી જાય. તકલીફોને ફોડવાની તેનામાં ક્ષમતા હોય, સામે લડવાની તેનામાં ત્રેવડ હોય અને તે સક્ષમ રીતે મુશ્કેલીઓની સામે બાથ ભીડી લે.

હવે વાત કરીએ બીજા પ્રકારના માણસની. ડાહ્યો અને સમજુ માણસ. તમને એવો વિચાર આવી શકે કે ડાહ્યા અને હોશિયાર વચ્ચે શું ફરક હોવાનો. હા, ફરક હોય છે અને એ ફરક જ અત્યારે સમજવાનો છે. ડાહ્યો માણસ એ બધું કરે જે હોશિયાર માણસ કરતો હોય, પણ પ્રૉબ્લેમ આવે એ પહેલાં કરે, પ્રશ્નો ઉપસ્થિત થાય એના પહેલાં અને મુશ્કેલી આવે એ પહેલાં. હવે મુદ્દો એ છે કે તમે શું બનવાનું પસંદ કરશો, હોશિયાર માણસ જેની પાસે બધા જ પ્રૉબ્લેમનાં સૉલ્યુશન છે, ગમે એવી મોટી મુશ્કેલી સામે ટકી જાય છે અને બધા પ્રશ્નો પાર પાડે છે કે પછી એવા ડાહ્યા માણસ બનવાનું પસંદ કરશો, જે પ્રશ્નો આવવા નથી દેતો કે પછી પ્રશ્નો ઊભા નથી થવા દેતો?

આ વિષય પર વાત શરૂ કરવાનો હેતુ સમજવા જેવો છે. જો તમે હોશિયાર બનવાની દિશામાં આગળ વધશો તો તમારે તકલીફ અને મુશ્કેલીઓને પણ આવકારતા રહેવું પડશે, એ ફોડતા જવું પડશે અને એનું નિરાકરણ પણ કાઢતા રહેવું પડશે, પણ જો તમે ડાહ્યા અને શાણા બનીને આગળ વધશો તો આવનારી મુશ્કેલીને ઓળખવાની ક્ષમતા તમારામાં આવશે અને એ ક્ષમતા જ તમને ભવિષ્યમાં પડનારી તકલીફોને સંભાળી લેવાની ક્ષમતા આપશે.

હોશિયાર બનવું ખોટું નથી, પણ હોશિયાર બનવા કરતાં શાણા બનશો તો તમારા માટે જ લાભદાયી બનશે. આજે એવી પરિસ્થિતિ છે કે બધાને હોશિયાર બનવું છે, પણ કોઈને ડહાપણ સાથે શાણા નથી બનવું. એનું કારણ પણ છે. ડહાપણ હોવું એ જુનવાણી લાગે છે. તમે જુઓ તમારા ઘરમાં, તમારા પરિવારમાં. તમારા વડીલો હોશિયાર બનવાને બદલે શાણા બનવાનું જ કહેતા. તેમના જેવું શાણપણ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. જે વ્યક્તિએ તમારા જેવા હોશિયારને તૈયાર કર્યા હોય તેમના શાણપણની વાત પણ ન થઈ શકે. ઘરમાં આવતા પ્રસંગોને ક્ષેમકુશળ રીતે પાર પાડવાની જે ક્ષમતા હોવી જોઈએ એ આ વડીલોમાં હોય છે. તેમને ખબર હોય છે કે પ્રસંગ સમયે કોને વધારે સાચવવા પડશે અને કોને ગમે એટલું સાચવી લો તો પણ એના વાંધાવચકા ઊભા રહેવાના છે. આ જાણકારીના આધારે જ તે પોતાનું કામ કરે છે અને આવનારી તકલીફો, મુશ્કેલીનું તે પહેલેથી જ નિરાકરણ કાઢી લે છે. જો તમને એવું લાગતું હોય કે આ વાત ખોટી છે તો તમારે કશું નથી કરવાનું. તમારે માત્ર તમારી આસપાસમાં જ જોવાનું છે. તમારા વડીલોને જ જોવાના છે. તેઓ જે રીતે પોતાની જિંદગી જીવ્યા છે, સારા-નરસા પ્રસંગોને સાચવી લીધા છે એ એક વખત આંખ સામે લઈ આવજો. તમને સમજાઈ જશે કે જીવનમાં હોશિયાર બનવા કરતાં પણ શાણા હોવું વધારે ઉચિત અને જરૂરી છે.

વડીલો દ્વારા કહેવામાં આવતી નાનામાં નાની વાત યાદ કરશો તો પણ તમને એમાંથી અનુભવનું એવું ભાથું મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વ્યાજને રવિવાર નથી હોતો. આ મેં નાનપણમાં સાંભળેલી ઉક્તિ છે. કહેવત નથી આ, આ મારા ફાધરના મોઢે વારંવાર સાંભળવા મળેલી વાત છે. તેઓ કોઈ પણ જાતની લોન લેવામાં નહોતા માનતા અને આજે, આજે આપણે ત્યાં બધી વસ્તુ લોન પર લેવામાં આવે છે. મેં ઘણા લોકો એવા જોયા છે જેઓ હસતાં-હસતાં એવું પણ બોલતા હોય કે લોન પર મળે તો તો હાથી પણ ઘરે બાંધી લઉં.

આ હોશિયારી હોઈ શકે, પણ આમાં ડહાપણ તો નથી જ નથી. રૂપિયો તમારે માટે કમાણી કરે એવો હોવો જોઈએ, એ બીજાને કમાવી આપવા માટે ન હોવો જોઈએ. હોશિયારી સ્ટેટસ આપવાનું કામ કરશે, પણ શાણપણ સંતોષ આપવાનું કામ કરશે. હોશિયારી સપનાંઓ મોટાં કરશે, પણ શાણપણ સંબંધો માટે કેટલું જતું કરવું એની સમજણ આપશે. મુંબઈ સપનાંઓની નગરી છે એટલે મારે ખાસ કહેવું છે કે સપનાંઓની નગરીમાં જો સુખી થઈને રહેવું હોય તો વાસ્તવિકતાને હાથવગી રાખવી જોઈએ. વાસ્તવિકતા જ્યારે પણ ભૂલવામાં આવે ત્યારે પગ નીચેની ધરતી સરકવા માંડે છે. શાણો માણસ વાસ્તવિકતા છોડે નહીં, વાસ્તવિકતા તરછોડે નહીં અને વાસ્તવિકતાને હાંસિયાની બહાર ધકેલે નહીં, પણ તે હંમેશાં વાસ્તવિકતાના આધારે જીવે છે. કાગળ પર દેખાતા એક કરોડના નફાને જોઈને જે આજથી ખર્ચ ચાલુ ન કરે તેનું નામ શાણો અને કાગળ પર દેખાતા એક કરોડના નફા પછી જે નવા ફ્લૅટનો ભાવ પૂછવા માંડે તેનું નામ હોશિયાર.

હોશિયાર ખરાબ છે એવું કહેવાનો મારો કોઈ અર્થ નથી કે પછી મારા શબ્દોનો એ ભાવાર્થ પણ નથી. હોશિયાર સારા જ છે. તમને આગળ કહ્યું એમ, તે તકલીફો આવશે ત્યારે તરત જ એમાંથી રસ્તો કાઢવાનો છે અને સફળતા સાથે રસ્તો કાઢશે, પણ એ તકલીફ આવશે ત્યારે રસ્તો કાઢવા બેસશે, જ્યારે શાણપણ હશે તે તકલીફ જન્મે એ પહેલાં જ એનું સૉલ્યુશન કાઢી લેશે. મેં અનેક એવા લોકોને જોયા છે જેઓ પોતાના કૅલ્ક્યુલેશન સાથે આગળ વધીને લોન લેશે, પણ લોન લીધા પછી એની બૅન્ક-બૅલૅન્સ તે લોન જેટલી જ જાળવી રાખશે, જેને લીધે તે કોઈ પણ જાતના ઇન્સ્ટૉલમેન્ટ માટે ભાગદોડ કરતો તમને દેખાશે નહીં. મેં એવા ગુજરાતીઓ પણ જોયા છે કે તેમના ઇન્સ્ટૉલમેન્ટનું પ્લાનિંગ જ એ પ્રકારે થતું હોય, એ ઇન્સ્ટ‍ૉલમેન્ટ જેટલી ઇન્કમ તેને પોતાની બચતમાંથી થતી હોય. આ જે પ્લાનિંગ છે એ શાણપણ છે. એ વર્ષે ૫૦ લાખની કમાણી કરીને તે ૨૦ લાખની ગાડી નથી લેતો, તે પચીસ લાખની વાર્ષિક આવક સમયે પણ મનમાં પોતાનાં સંતાનોના કે પછી ફૅમિલીના ભવિષ્યના પ્લાનિંગને આંખ સામે રાખતો હોય છે.

મારે એક બીજી પણ વાત કહેવી છે તમને. જીવનમાં ક્યારેય હોશિયાર પુરવાર થવાની લાયમાં મૂર્ખ પુરવાર ન થતા. જગતમાં જેટલા પણ મૂર્ખ પુરવાર થયા છે એ બધી વાતોની પાછળ હોશિયાર પુરવાર થવાનો ઉત્સાહ જ મહત્ત્વનો ભાગ ભજવતો પુરવાર થયો છે. શાણો કે ડાહ્યો ક્યારેય પોતાને સાબિત કરવાનું કષ્ટ નથી લેતો. શાણો હોય છે તે જાણતો જ હોય છે કે તેનું શાણપણ વાજબી સમયે સામેની વ્યક્તિને સમજાઈ જવાનું છે એટલે તે એને માટે હવાતિયાં નથી મારતો કે પોતાની જાતને સાચો સાબિત કરવાની હોડમાં નથી ઊતરતો, પણ એ કામ હોશિયાર માણસ કરી બેસે છે. એનું કારણ પણ છે. હોશિયાર હોય છે તેની પાસે અનુભવનું ભાથું નથી હોતું. અનુભવના અભાવે તે એવી ભૂલ કરે છે જે ભૂલ ઉત્પાત મચાવી દે છે. જરૂર હોય ત્યાં ઊભા રહેવું એ સમજણ શાણામાં હોય છે. જરૂર ન હોય એવી જગ્યાએ દોઢડહાપણ ઢોળવું નહીં એની સમજદારી પણ શાણામાં હોય છે. વગરમાગ્યે સલાહ આપવા પણ તે રાજી નથી. એવું નથી હોતું કે તેને સામેની વ્યક્તિ માટે પ્રેમ નથી, હોય છે, પણ તેને એ પણ ખબર હોય છે કે માગ્યા વિના આપવામાં આવેલી આ સલાહની કિંમત નથી રહેવાની અને એટલે જ એ પૂરતી તૈયારી સાથે બેસે છે કે સામેની વ્યક્તિ માત્ર ઇશારો કરે કે તરત જ તે તેની પાસે ઊભો રહી જાય અને તેને જરૂરી મદદ-સહાય કરે.

જીવનમાં શાણા બનજો, અને શાણપણ ત્યારે જ આવશે જ્યારે જીવનમાં સંતોષ આવશે. દોડવાને બદલે ચાલવાનું પસંદ કરજો. ભાગવાને બદલે પગલાં માંડવાનું નક્કી રાખજો. જે તમારું છે એ લઈ જવાની હિંમત કોઈ નથી કરી શકવાનું અને જે કોઈ લઈ ગયું છે એ તમારું નહોતું એ સમજવાની ક્ષમતા પણ આ શાણપણ દ્વારા જ આવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK