સમય છે ઇતિહાસને નવા સ્વરૂપમાં લઈ આવવાનો

Published: 29th November, 2020 18:46 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આપણે ત્યાં સુપરહીરો એટલાબધા છે કે દુનિયાઆખી એની કૉપી કરે છે અને આપણે જ તેને ઓળખવાની કોશિશ નથી કરતા

આપણી પાસે સુપરહીરો કેમ નથી હોતા?

મને કાયમ મનમાં આ સવાલ જાગે. સુપરહીરો પર જાગીર માત્ર અમેરિકાની નથી, પણ એવું જ બની ગયું છે. તમે જુઓ; આયર્નમૅન, કૅપ્ટન માર્વેલ, સ્પાઇડરમૅન, બ્લૅક પૅન્થર, કૅપ્ટન અમેરિકા, બૅટમૅન, થોર અને બીજા એવા જેકોઈ સુપરહીરો છે એ બધા અમેરિકાએ ડેવલપ કર્યા છે અને આપણે, આપણે કશું કરી શક્યા નથી. તમે પોતે જ જુઓને, અત્યારે તમારી પાસે કેટલા સુપરહીરો છે. બહુ યાદ કરશો તો માંડ તમને હૃ‌તિક રોશન બન્યો હતો એ ક્રિશ યાદ આવશે. જો તમે ૫૦ વર્ષના હશો અને તમારી યાદશક્તિ સારી હશે તો તમે શક્તિમાન ગણાવશો, પણ પછી બીજું કોઈ નામ યાદ નહીં આવે. બહુ ટ્રાય કરશો અને અમિતાભ બચ્ચનના ફૅન હશો તો તમને ‘તૂફાન’ ફિલ્મ યાદ આવશે, પણ એના પછી બીજો કોઈ આપણો સુપરહીરો યાદ નહીં આવે.

આપણી પાસે ખરેખર સુપરહીરો છે જ નહીં અને આ રિયલિટી છે, પણ મને આજે રિયલિટી છે એની વાત કરવા કરતાં મન છે એ પૂછવાનું કે આપણી પાસે સુપરહીરો શું કામ નથી? શું આપણી પાસે સુપરહીરોનાં જે કૅરૅક્ટર હોય છે એ ડેવલપ કરવાની ક્ષમતા નથી, ક્રીએટિવિટી નથી કે આપણે અમેરિકાની માર્વેલ કે ડીસી કૉમિક્સની જેમ સુપરહીરોની એક આખી ફોજ તૈયાર કરી શકીએ?

આ વાતને જરા ધ્યાનથી સમજવાની જરૂર છે અને એ સમજતાં પહેલાં એ વાત સમજવી પડે કે સુપરહીરોની જરૂર કયારે પડે, સુપરહીરોનું કામ શું અને સુપરહીરોની ક્ષમતા કેવી? સુપરહીરોની જવાબદારી પણ હોય અને સુપરહીરોની મૉરાલિટી પણ હોય. આ બધા સવાલના જવાબ જાણવા તમારે અમેરિકાનો ઇતિહાસ જોવો પડે.

તમારી જાણ ખાતર કે દુનિયામાં સૌથી વધુ સુપરહીરો અમેરિકાએ તૈયાર કર્યા છે. અમેરિકા શું કામ સુપરહીરો પાછળ પાગલ છે એનનાં પણ કારણો છે. હું અમેરિકા ગયો ત્યારે મેં તો એના પર લિટરલી રિસર્ચ કરી લીધું હતું. એ રિસર્ચમાંથી મહત્ત્વની એવી એક વાત એ કે અમેરિકા પાસે પોતાનું કોઈ કલ્ચર નથી, ભૂતકાળ નથી કે પછી પોતાની કોઈ હિસ્ટરી નથી. વાત એની થાય જેની હિસ્ટરી હોય, જેનો ભૂતકાળ હોય. માઇગ્રેટ થઈને એકત્ર‌િત થયેલા લોકોના દેશ પાસે પોતાની કોઈ વાત નથી એટલે જ એ કાલ્પનિક વાતોમાં વધારે રસ લે છે. આ કારણ પછી હજી એક ઑથેન્ટિક કારણ પણ છે જેના આધારે કહી શકાય કે આ અમેરિકા સાવ એમ જ સુપરહીરોની દુનિયામાં ઘૂસ્યું નથી.

અમેરિકા અત્યાર સુધીમાં બે વર્લ્ડવૉર લડ્યું છે. અમેરિકા વિશ્વની મહાસત્તા છે. એકમાત્ર મહાસત્તા. પહેલાં રશિયા એની સામે અડીખમ ઊભું હતું, પણ ૭૦ના દસકા પછી સોવિયટ સંઘ પણ તહસનહસ થઈ ગયું એટલે દુનિયામાં એકમાત્ર મહાસત્તા રહી અમેરિકા. આ મહાસત્તા સામે કોઈ માથું ઊંચું કરીને જોઈ શકે એમ નહીં એટલે આ એવો દેશ બની ગયો છે જેનું કોઈ દુશ્મન નથી. કોઈ આવીને લડે નહીં, કોઈ હેરાનગતિ કરે નહીં, કોઈ વિરોધ પણ કરે નહીં એટલે અમેરિકાએ કૃત્રિમ ભયની તપાસ ચાલુ કરી. ભય હોય તો તમારામાં હિંમત આવે. રિયલમાં તમને કોઈ વાતની બીક ન હોય તો તમારે બીક ઊભી કરવી પડે. તમે જુઓ, આપણે રાતના સમયે નાનાં બચ્ચાંઓને સુવડાવવા માટે બીક દેખાડીએ છીએ, એવી બીક જે હકીકતમાં છે નહીં, છતાં એ બચ્ચું ડરે છે અને સૂઈ પણ જાય છે. અમેરિકાએ પણ એવું જ કર્યું અને આર્ટિફિશ્યલ-ફિયરની શોધ શરૂ કરી, જેના પરિણામસ્વરૂપે અમેરિકાના રાઇટરોએ પરગ્રહવાસીઓના હુમલા શોધવાનું શરૂ કર્યું, અજ્ઞાત બીમારીઓના હુમલા વિશે પણ લખવાનું શરૂ કર્યું અને એ બધાની સામે હીરો બનાવવામાં આવ્યા. વિલન સુપરતાકાત ધરાવતા સુપરવિલન હતા એટલે તેમની સામે લડનારાઓને પણ સુપરતાકાત આપવામાં આવી અને એ બધાને પણ સુપરહીરો બનાવવામાં આવ્યા. આ થિયરી ખુદ અમેરિકનો પણ સ્વીકારે છે. અમેરિકનો કહે છે કે અમારી સામે કોઈ વિલન છે નહીં એટલે વિલન તરીકે એલિયન. તમે જુઓ, તમામ સુપરહીરો ફિલ્મમાં એવા જ વિલન આવ્યા જે બધા બીજા પ્લૅનેટ પરથી આવ્યા હતા. કાં તો તેમને આ પ્લૅનેટ ખતમ કરવું હતું અને કાં તો તેમને આ પ્લૅનેટ પર રાજ કરવું હતું.

અમેરિકનોને આમ પણ પહેલેથી લાર્જર ધૅન લાઇફ ગણાય એવી લાઇફસ્ટાઇલ અને હીરો બહુ ગમ્યા છે. સુપરમૅન અને એ પછી આવેલા સ્પાઇડરમૅન બાળકોને જ નહીં, મોટાઓને પણ બહુ મજા કરાવતા, જેને લીધે ધીરે-ધીરે અમેરિકા પાસે સુપરહીરોની લાઇન લાગી ગઈ. સુપરવિલન અને સુપરહીરો બનતા ગયા અને લોકો એનો આનંદ લેતા ગયા. અમેરિકનોની એક ખાસ વાત કહું તમને. અમેરિકાને હંમેશાં શક્તિશાળી અને હિંમતવાળી પર્સનાલિટી જ ગમી છે. બાયલા, રોતલ અને હાથ જોડીને ભગવાન પાસે મદદ માગવાનું કામ અમેરિકન નથી કરતા. એ લોકો સાયન્સમાં માને છે અને એટલે જ એવું પણ માને છે કે તમારી અંદર જે ક્ષમતા છે એનો ઉપયોગ કરો અને એનો પૂરો લાભ લો.

આ બેઝિક મેન્ટાલિટીને અમેરિકન સર્જકોએ ખૂબ જ સારી રીતે પકડી લીધી અને સુપરહીરોનો ઢગલો કરી દીધો. તમે જુઓ તો ખરા, આજે અમેરિકામાં જેટલી રિયલિસ્ટિક ફિલ્મ રિલીઝ થાય છે એના કરતાં ઑલમોસ્ટ ડબલ આ પ્રકારના સુપરહીરોની ફિલ્મો બને છે. તમારી મોટા બજેટની ૧૦ ફિલ્મો બની જાય એ લેવલનું આ સુપરહીરો ફિલ્મનું બજેટ હોય છે. આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ બે-અઢી કરોડ રૂપિયાની બને, મૅક્સિમમ આટલું બજેટ હોય જ્યારે હૉલીવુડની સુપરહીરો ફિલ્મના વીએફએક્સમાં ટાઇટલ બનાવવાનું બજેટ આટલા રૂપિયાનું હોય છે. જરા વિચારો કે આ જ વાસ્તવિકતા હોય તો પછી એ ફિલ્મો કયા સ્તરે રિયલિસ્ટિક લાગતી હશે.

વાત કરીએ આપણા સુપરહીરોની. આપણી પાસે સારું જો કોઈ સુપરહીરો કૅરૅક્ટર હોય તો એ છે ફક્ત એક, ક્રિશ. ક્રિશને આવ્યાને પણ જી ૧૦-૧૫ વર્ષ માંડ થયાં હશે. લૉકડાઉનમાં હું આ બધા પર રિસર્ચ કરતો હતો ત્યારે મને એક એવી ફિલ્મ મળી, જે વર્ષો પહેલાં બની હતી, ‘શિવા’. આ ફિલ્મમાં જૅકી શ્રોફ શિવા નામના સુપરહીરોનું કૅરૅક્ટર કરતો હતો. એ પહેલાનો સુપરહીરો હતો એકમાત્ર શક્તિમાન. સાઉથમાં કોઈએ કૅરૅક્ટર બનાવ્યું હતું, નામ એનું ડૉગા. આ ડૉગામાં કૂતરા જેવા ગુણ હતા. એક કૅરૅક્ટર હતું નાગરાજ, આ નાગરાજમાં નાગ જેવું ઝેર હતું. એક સુપરહીરો હતો, ભેડિયા. જે વરુના ગુણ ધરાવતું હતું. આ બધા આપણને કૉમિક્સ બુક થકી મળ્યા, પણ એ ખાસ પૉપ્યુલર થયા નહીં. આ કૅરૅક્ટર પૉપ્યુલર નહીં થવાનાં પણ અનેક કારણો છે જેને માટે તમારે દેશના ઇતિહાસમાં ઊતરવાની જરૂર છે.

ભારત હંમેશં દુશ્મનોથી ઘેરાયેલો રહ્યો છે. હવે જેની પાસે વાસ્તવમાં દુશ્મનોનો ઢગલો હોય એ કેવી રીતે કાલ્પનિક દુશ્મનોથી ડરવાનો. આઝાદી પહેલાં સાડાત્રણસો વર્ષ આપણે અંગ્રેજોની દુશ્મની જોઈ અને આઝાદી પછી પણ આપણી પાસે અઢળક દુશ્મનો રહ્યા. આપણે મહાસત્તા પણ ક્યારેય રહ્યા નથી એટલે એ રીતે પણ આપણી પાસે કોઈ એવી તાકાત હતી નહીં કે આપણે દુનિયાની આગેવાની લઈએ. આપણી પાસે જો કંઈ હતું તો એ હતી ગરીબી, ભૂખમરો અને અજ્ઞાનતા. આવા તો અનેક પ્રશ્નો હતા જેની સામે આપણે આગળ વધવાનું હતું અને એ જ કારણ હશે જેને લીધે આપણે હંમેશાં વાસ્તવિકતા સાથે લડતા રહ્યા. કદાચ એટલે જ આપણે એલિયન સાથે લડી શકાય એવા સુપરહીરો વિશે વિચાર્યું નહીં. બીજી એક વાત કહું તમને.

અમેરિકા પાસે પોતાનું કલ્ચર, પોતાનો ઇતિહાસ નથી, પણ આપણી પાસે તો છેને.  આપણા ઇતિહાસ પાસે કૃષ્ણ, ભીમ, અર્જુન, હનુમાન જેવાં અનેક એવાં પાત્રો છે જેની શૌર્યગાથા આજે પણ આપણી આંખો આંજી દે છે. આપણે આ બધાં પાત્રોને ધાર્મિક ગ્રંથના સ્વરૂપમાં એવા તો જોડી દીધાં કે હવે એ બધાની સાથે શ્રદ્ધા જોડાઈ ગઈ. આ જ બધાં આપણાં ધાર્મિક કૅરૅક્ટર્સને સુપરહીરો તરીકે રીપ્રેઝન્ટ કર્યાં હોત તો આખો સિનારિયો જુદો હોત. જો એવું બન્યું હોત તો આપણી પાસે સુપરહીરોની આખી ફ્રૅન્ચાઇઝી હોત અને અમેરિકા આપણી પાસે પાણી ભરતું હોત, પણ આપણી માનસિકતા અને આપણી વાસ્તવિકતાને કારણે એ દિશામાં કામ થયું નહીં, પણ આપણે કામ કરી શકીએ છીએ. હું આજે પણ જ્યારે હલ્કને જોઉં ત્યારે મને આપણો ભીમ જ યાદ આવે. આજે પણ

જ્યારે કૅપ્ટન અમેરિકાનું અચૂક નિશાન\

દેખાય ત્યારે મને એમાં અર્જુનનું પાત્ર જ દેખાય. થોરનો હથોડો અને ભીમની ગદા વચ્ચે ભારોભાર સામ્ય છે. એવું કહેવાતું કે ભીમની ગદા એના સિવાય કોઈ ઊંચકી નહોતું શકતું અને થોર માટે પણ આ જ વાત લાગુ પડે છે.

આપણે હવે એ દિશામાં વિચારવાની જરૂર છે. ‘અવતાર’ના લીડ ઍક્ટરને જુઓ તો તમને એમાં કૃષ્ણની ઝાંખી જ નજરે પડે. જો આ બધું તમારી પાસેથી જ એ લોકો લઈ જતા હોય તો આપણે હવે જાગવાની જરૂર છે. બીજું કશું નવું ન કરીએ તો વાંધો નહીં, પણ ઍટ લીસ્ટ આપણે રામાયણ અને મહાભારતનાં પાત્રોની તો આજના કન્ટેસ્ટમાં લાવવાનું કામ તો કરીએ. એ જ સાચી દુનિયા હતી અને એ જ સાચી દુનિયા છે અને આપણી એ દુનિયાને આજે બધા કૅપ્ટન અમેરિકા અને થોરના નામે ઓળખવા માંડ્યા છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK