Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈ મેરી જાન

મુંબઈ મેરી જાન

26 February, 2020 03:38 PM IST | Mumbai
Pankaj Udhas

મુંબઈ મેરી જાન

મેમરીલેનઃ પચીસ વર્ષની જર્ની પૂરી કર્યા પછી જે આલબમ મૂકવામાં આવ્યું હતું એનું ટાઇટલ ‘સ્ટોલન મોમેન્ટ્સ’ હતું. હવે ૪૦ વર્ષની જર્ની પૂરી થઈ રહી છે ત્યારે અનેક સરપ્રાઇઝ આપવાનો આ વર્ષે વિચાર છે.

મેમરીલેનઃ પચીસ વર્ષની જર્ની પૂરી કર્યા પછી જે આલબમ મૂકવામાં આવ્યું હતું એનું ટાઇટલ ‘સ્ટોલન મોમેન્ટ્સ’ હતું. હવે ૪૦ વર્ષની જર્ની પૂરી થઈ રહી છે ત્યારે અનેક સરપ્રાઇઝ આપવાનો આ વર્ષે વિચાર છે.


 રાજકોટ અને મુંબઈ.

ઑલમોસ્ટ આખી દુનિયા ફર્યો છું એવું કહું તો ચાલે, પણ એમ છતાં આ બે શહેર મને સૌથી વધારે વહાલાં છે. આજે દુનિયામાં કોઈ પણ છેડે હોઉં અને મુંબઈની વાત આવે તો શરીરમાં રોમાંચ આવી જાય અને રાજકોટ જવાની વાત આવે તો મન એકદમ આનંદિત થઈ જાય. રાજકોટ મારું જન્મસ્થળ છે એટલે સ્વાભાવિક રીતે એ વહાલું હોવાનું અને મુંબઈ મારી કર્મભૂમિ છે એટલે એ રીતે પણ એને માટે લાગણી હોવાની. જોકે માત્ર કર્મભૂમિ હોવાને કારણે જ નહીં, પણ મુંબઈ માટે લાગણી હોવાનાં બીજાં પણ અનેક કારણો છે. આ શહેરે નામ આપ્યું, આ શહેરે મને મારો પ્રેમ આપ્યો, આ શહેરે જ મને વહાલસોયી દીકરીઓ આપી અને આ શહેર બધાને આવી જ રીતે વધાવતું રહ્યું છે. આ એ શહેર છે જેને માટે ગર્વ પણ થાય અને આ શહેરને ખુલ્લા દિલે સલામ પણ કરવાનું મન થાય છે. તમામ અવરોધો વચ્ચે પણ આ શહેરે ઘણું-ઘણું આપ્યું અને એના બદલામાં આ શહેરે ક્યારેય કશું માગ્યું નથી.



મુંબઈમાં મેં અનેક કૉન્સર્ટ કરી છે, પણ કૉન્સર્ટ દરમ્યાનનો એનો જ આલબમ લૉન્ચ કરવાનો વિચાર મને ક્યારેય નહોતો આવ્યો, પણ કદાચ એની શરૂઆત વર્ષો પહેલાં થઈ ગઈ હતી. કૉન્સર્ટ કરવાનાનો આઇડિયા મને ૧૯૭૦માં પહેલી વાર આવ્યો હતો. અમેરિકાના ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં થયેલી એક કૉન્સર્ટ જે અમેરિકન મ્યુઝિકલ બેલડી સિમોન અને ગાર્ફનકેલે કરી હતી અને એના પરથી જ મને આ વિચાર આવ્યો હતો. મનમાં થયું કે આ એક એવો સમય છે જ્યારે નાના સ્કેલ પર હોવા છતાં મેં કંઈ નક્કર કામ કર્યું છે તો મારે આવું કામ કરવું જોઈએ. આ વિચાર મેં જ્યારે મારી દીકરી નાયાબ સામે મૂક્યો ત્યારે નાયાબે મને કહ્યું કે આપણે આ લાઇવ કૉન્સર્ટનું વિડિયો-રેકૉર્ડિંગ પણ કરીએ, જેથી બધા આ લહાવો લઈ શકે.


‘મોમેન્ટ્સ વિથ પંકજ ઉધાસ.’

મુંબઈગરાને અર્પણ કરાયેલું આ આલબમ કોઈ પણ જાતના પ્રૉફિટના હેતુથી કરવામાં નહોતો આવ્યો. એ આલબમનો હેતુ એક જ હતો કે મારાં તમામ હિટ સૉન્ગ્સ, જેને લોકો વધાવી ચૂક્યા છે એ બધા એકસાથે મારા ચાહકો, મારા ફૅન્સને આપવામાં આવે અને તેમને ગમે એવી એક કૃતિ તૈયાર કરીએ. આવું કરીને હું આ સિટી સાથેની મારી યાદોને પણ નવેસરથી તાજી કરું એવી પણ ભાવના મનમાં હતી. અત્યારે જે રીતે મારી મ્યુઝિક-જર્નીનાં ૪૦ વર્ષની ઉજવણી કરીએ છીએ એ રીતે એ સમયે મુંબઈ સાથેનાં મારાં સંસ્મરણોની એક પ્રકારની આ ઉજવણી હતી.


કૉલેજના દિવસોની ઘણી યાદો ગેટવે ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલી છે. હું ફ્રેન્ડ્સ સાથે સ્ટોનવૉલ પર બેસવા જતો અને એમાં અમે બધા ખૂબ નિયમિત હતા. અહીં આવવાનું અને કલાકો સુધી દરિયાને નીરખવાનો, એને જોવાનો અને એની સાથે મૂક સંવાદ કરવાનો. ગરમીના દિવસો હોય ત્યારે ઘણા યુવાનો અહીંના દરિયામાં નાહવા પડતા. આ જ વિસ્તારમાં વૉર્ડન રોડ પર એક કૉફી શૉપ હતી ત્યાં પણ અમે બધા ખૂબ ગયા છીએ. કૉફી શૉપમાં બેસીને અમે કલાકો વાતો કરતા. આ જ વિસ્તારમાં હું મારાં બા-બાપુજી અને ભાઈઓ સાથે રહેતો હતો. એ સમયે આ વિસ્તાર મુંબઈનો સૌથી પૉશ વિસ્તાર ગણાતો અને એનું મહત્ત્વ ખૂબ વધારે હતું. આજે મુંબઈ બહુ વિસ્તરી ગયું છે, પણ અમારા કૉલેજના સમયમાં મુંબઈનો આટલો વિકાસ નહોતો થયો. આજે છેક થાણે અને વેસ્ટર્ન બાજુએ વાશી સુધી મુંબઈ પહોંચી ગયું છે. પિનકોડ કોઈ પણ હોય, જિલ્લો કોઈ પણ હોય, કહેવાય તો મુંબઈ જ.

આજે પણ મને એ યાદ આવે ત્યારે હસવું આવે, પણ એક સમય હતો જ્યારે આ વિસ્તારને બધા સ્કૅન્ડ પૉઇન્ટ કહેતા. કારણ કે અહીં લવર્સ કે પછી કહો કે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ એકબીજાને મળવા માટે આવતાં અને સંતાઈ શકાય એવી જગ્યાએ બેસીને કલાકો સુધી વાતો કરતાં. આજે તો મુંબઈ પાસે અનેક ડિસ્કો-થેક છે પણ ત્યારના સમયમાં મુંબઈનું એકમાત્ર ડિસ્કોથેક આ વિસ્તારમાં હતું અને એ પણ તાજમાં. મને આ ડિસ્કોથેકમાં જઈને ડાન્સ કરવાનું ખૂબ ગમતું.

મુંબઈ વિશે જ્યારે કોઈ ખરાબ બોલે કે મુંબઈ માટે જ્યારે ખરાબ વાતો થાય ત્યારે મને પર્સનલ હર્ટ થાય. મુંબઈની સડકોની ખરાબ હાલત જોઈને કે પછી ચારે તરફ ફેલાયેલી ગંદકીને જોઈને પણ મને ખૂબ દુઃખ થાય. હા, એ વાત સાચી કે આજે વિશ્વની દરેક મેટ્રોપૉલિટન સિટી ઓવર-પૉપ્યુલેટેડ છે અને એટલે ઓવર-ક્રાઉડેડ પણ છે. મારી દૃષ્ટિએ મુંબઈને જો ખરેખર જરૂર હોય તો એવી થોડી ખુલ્લી જગ્યાની જરૂર છે જ્યાં પરિવારો ભેગા થઈ શકે અને સાથે રિલૅક્સ થઈ શકે. દુબઈ, ન્યુ યૉર્ક જેવાં શહેરોમાં આવી અનેક જગ્યા છે, પણ મુંબઈમાં આવી કોઈ જગ્યા નથી એટલે લોકો ગિરગામ ચોપાટી કે ગેટવે ઑફ ઇન્ડિયા આવીને અહીં બેસીને હળવા થાય છે. મુંબઈમાં સી-ફેસિંગ ઘણી પ્રૉપર્ટી છે પણ આ શહેરનો મહત્તમ વર્ગ મિડલ ક્લાસ છે એ ભુલાવું ન જોઈએ. આ વર્ગને ફરવા માટે આપણે અમુક જગ્યા દરિયાની સામે ડેવલપ કરવી જોઈએ.

મુંબઈને આપણું શહેર કહેતી વખતે ગર્વનો અનુભવ પણ થાય છે અને લાગણી પણ એવી જ થાય જેમાં તમને આ શહેર માટે માન જન્મે. મુંબઈ માટે હું કહીશ કે આ શહેર છપ્પનની છાતીનું છે. માર પડે છે, તકલીફ આવે છે અને એ પછી પણ આ શહેર તરત જ ઊભું થઈ જાય છે. ઊભા થવાની જે હામ એનામાં છે એ અદ્ભુત છે. જ્યારે-જ્યારે આતંકવાદીઓએ આ શહેર પર હુમલા કર્યા છે ત્યારે-ત્યારે આ શહેરે પોતાની તાકાત પણ દેખાડી છે અને એ બાઉન્સબૅક થઈને ઊભું થયું છે.

હમણાં જૂના ફોટોગ્રાફ્સ જોતો હતો એમાં આ આલબમ હાથમાં આવ્યું અને આ આલબમ હાથમાં આવ્યું એટલે આ આખી વાત યાદ આવી ગઈ. ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના થોડા સમય પછી ગેટવે ઑફ ઇન્ડિયા પર જ કૉન્સર્ટ કરવાનો વિચાર આવ્યો અને એ કૉન્સર્ટની ડીવીડી અમે સાયનના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં કૉન્સર્ટ કરી. ષણ્મુખાનંદ ઑડિટોરિયમ ઇન્ડિયાનું સૌથી મોટું ઑડિટોરિયમ અને જગતના બેસ્ટ ઑડિટોરિયમ પૈકીનું એક છે. એ કૉન્સર્ટની જે ડીવીડી બનાવવામાં આવી એને ખૂબ જ સરસ રિસ્પૉન્સ મળ્યો અને એ જ જોઈતું હતું. મુંબઈ માટે કામ કરવું, મુંબઈ સાથે ઊભા રહીને કામ કરવું એ ગર્વની અનુભૂતિ કરાવે છે. સૌથી વધારે મજા તો એ વાતની આવી કે ષણ્મુખાનંદ ઑડિટોરિયમનું ડાયમન્ડ જ્યુબિલી વર્ષ હતું ત્યારે જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. યોગાનુયોગ હતો કે આ ઑડિટોરિયમ અને ગેટવે ઑફ ઇન્ડિયા એમ બન્ને વાત એક જ આલબમ ‘મોમેન્ટ્સ વિથ પંકજ ઉધાસ’માં સમાવિષ્ટ થતી હતી. આજે આ આલબમની વાત કરતી વખતે મને સાથોસાથ એક બીજી પણ વાત કરવી છે. અત્યાર સુધીમાં મારાં જેટલાં પણ આલબમ આવ્યાં એ આલબમ કરતાં બમણાં એટલે કે ૧૦૦થી પણ વધારે આલબમ પાયરસી કરનારા લોકો દ્વારા બનાવવામાં આવ્યાં છે અને એ પણ એટલાં જ પૉપ્યુલર થયાં છે.

ગુજરાત અને દિલ્હીમાં પાયરસીનું બહુ મોટું માર્કેટ હતું. આજે હવે સીડી-ડીવીડીની માર્કેટ ઑલમોસ્ટ ખતમ થઈ ગઈ છે અને એમપી૩નો વપરાશ પણ હવે ઓછો થાય છે પણ એક સમય હતો જ્યારે કૅસેટ અને સીડી પુષ્કળ વેચાતાં હતાં. એ સમયે આ પાયરસી ઑપરેટરો દ્વારા જુદી-જુદી ગઝલો ભેગી કરીને પોતાની રીતે આલબમ બનાવીને, એનું નામકરણ કરીને એ માર્કેટમાં મૂકવામાં આવતાં. આ નકલી આલબમોમાં ‘નશા’ નામનું એક આલબમ એટલું પૉપ્યુલર થયું હતું કે ઘણા લોકો એવું માનવા માંડ્યા હતા કે આ આલબમ ઓરિજિનલ છે અને એ મેં જ બનાવ્યું છે. એ આલબમમાં એના ટાઇટલ મુજબની શરાબના નશાને લગતી ગઝલો હતી. કેટલાક લોકોએ તો આવી ગઝલોનું આલબમ ન બનાવવું જોઈએ એવી સલાહ પણ આપી હતી તો કેટલાકે મારી ટીકા પણ કરી હતી, પરંતુ હકીકત એ હતી કે મેં મારી આખી કરીઅરમાં વધીને ૧૦થી ૧૨ જ ગઝલ શરાબ, મયખાના અને મદિરા પર ગાઈ છે પણ બધી ગઝલો એક જ આલબમમાં આવી જતાં એવો ભાસ ઊભો થયો કે ખાસ શરાબના શોખીનો માટે મેં આ આલબમ બનાવ્યું.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 03:38 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK