Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો છો પિતૃતર્પણ માટે દુનિયામાં કેવું-કેવું થાય છે?

જાણો છો પિતૃતર્પણ માટે દુનિયામાં કેવું-કેવું થાય છે?

06 September, 2020 07:19 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

જાણો છો પિતૃતર્પણ માટે દુનિયામાં કેવું-કેવું થાય છે?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


તમે ગમે એ ધર્મ પાળતા હો, ગમે એ દેશમાં રહેતા હો, ગમે એ સમાજ-સંસ્કૃતિનો હિસ્સો હો, ગામમાં રહેતા હો કે શહેરમાં, અમીર હો કે ગરીબ, કાળા હો કે ગોરા, શાસક હો કે શરણાર્થી, મહેલમાં રહેતા હો કે ઝૂંપડીમાં... દરેકે એક દિવસ પૃથ્વી પરથી વિદાય તો લેવાની જ છે.

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ।



તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ।।


શ્રીમદ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૨૭મા શ્લોકમાં જીવનનું એક પરમ સત્ય સમજાવવામાં આવ્યું છે જે એ છે કે ‘જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનારનો ફરીથી જન્મ પણ નિશ્ચિત જ છે. આ અટલ સત્ય છે, જેનું નિવારણ થઈ શકે એમ નથી એટલે જીવન-મરણના પ્રવાહ માટે કોઈ શોક ન કરવો જોઈએ.’

એમ છતાં બાળક જન્મે એ પછી ઘરમાં ખુશીનું અને સ્વજનના મૃત્યુ પછી ઘરમાં શોકનું વાતાવરણ થઈ જાય છે. મૃત્યુ બાદ સ્વજનનો દેહ ચિતામાં નષ્ટ થઈ જાય છે, પણ તેની અધૂરી ઇચ્છાઓ, સંબંધોની માયા-મમતા નષ્ટ નથી થતી. અલબત્ત, પરિવારજનના મૃત્યુ બાદ પણ તેમની યાદો, તેમણે આપેલી શીખ, તેમણે આપેલા ધન, વિચાર, સંસ્કારનો વારસો તો તેમની પેઢીઓમાં આગળ વધતો જ રહે છે. આ વારસાનો ઋણસ્વીકાર એટલે શ્રાદ્ધ. શ્રદ્ધાપૂર્વક પૂર્વજોની તૃપ્તિ માટે કંઈક અર્પણ કરવું એટલે તર્પણ.


પિતૃઓની તૃપ્તિ થાય અને મોક્ષ મળે એ ભાવના માત્ર હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં, દુનિયાની લગભગ તમામ સંસ્કૃતિઓમાં જુદી-જુદી રીતે જોવા મળે છે. ક્યાંક ભય કામ કરે છે તો ક્યાંક સ્નેહ. ક્યાંક મૃતકોનો આત્મા તેમને પરેશાન ન કરે એની ચિંતાને કારણે કેટલીક વિધિઓ કરવામાં આવે છે તો ક્યાંક મૃતક સ્વજનને પ્રેમપૂર્વક તૃપ્ત કરીને તેમના આશીર્વાદ મેળવવા માટે. શબ્દો, વિધિ, પ્રક્રિયાઓ, રિવાજો જુદાં હોવા છતાં પિતૃતર્પણની ભાવના દરેક સમાજમાં વધતેઓછે અંશે જોવા મળી છે. વિવિધ સભ્યતામાં લોકો પિતૃતર્પણની કેવી-કેવી પદ્ધતિઓ અપનાવે છે એ જાણીએ.

ચુસૉ ફેસ્ટિવલ, કોરિયા

પૂર્વ એશિયાના બાપે માર્યાં વેર ધરાવતા બે ભાઈઓ જેવા દેશ નૉર્થ અને સાઉથ કોરિયામાં પિતૃઓની યાદમાં આ ફેસ્ટિવલ ઊજવાય છે. સ્થાનિક લુનાર કૅલેન્ડર મુજબ આઠમા મહિનાના ૧૬મા દિવસથી ત્રણ દિવસ માટે આ તહેવાર ઊજવાય છે. બેઝિકલી આ ત્રણ દિવસમાં થૅન્ક્સ-ગિવિંગનું મહત્ત્વ વધુ હોય છે. આ સમય પાક લણ્યા પછીનો તરતનો હોય છે. પહેલા પાકની પહેલી વાનગી પિતૃઓને અર્પણ કરવાની પ્રથા અહીં છે. રાઇસમાંથી ખાસ પ્રકારની રાઇસ-કેક બનાવાય છે. ચોખાના લોટના લૂઆ બનાવીને એની અંદર તલનો માવો ભરીને રાઉન્ડ શેપના લાડુ જેવું બનાવાય છે જેને સ્થાનિકો સૉન્ગપીઓન કહે છે. 

આ દિવસોમાં પૂર્વજોની કબર પર જઈને એની સાફસફાઈ અને સજાવટ કરવામાં આવે છે. ઘરની બહાર ટેબલની સજાવટ કરીને ખાવા-પીવાની ચીજો મૂકવામાં આવે છે. હવે મૉડર્ન સમયમાં થૅન્ક્સ-ગિવિંગ માટે લોકો એકબીજાને ખાસ વાનગીઓ ભેટ આપે છે. આપણે ત્યાં દિવાળીમાં જેમ યાદ કરીને બિઝનેસના મિત્રો અને સગાંવહાલાંઓને ગિફ્ટ આપવાનો રિવાજ છે એમ અહીં આ ત્રણ દિવસ દરમ્યાન ગિફ્ટ અપાય છે. અલબત્ત, માત્ર અને માત્ર ફૂડ પ્રોડક્ટ્સ જ એ ગિફ્ટમાં હોય.

ઑલ સોલ્સ ડે, કૅથલિક્સ

દુનિયાભરના રોમન કૅથલિક્સ આ દિવસને પોતાના પૂર્વજોની યાદમાં ઊજવે છે. હેલોવીન ફેસ્ટિવલ પૂરો થાય એના બીજા જ દિવસે એટલે કે બીજી નવેમ્બરે પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. કૅથલિક ક્રિશ્ચિયન હવે તો દુનિયાભરમાં છૂટાછવાયા ફેલાઈ ગયા હોવાથી દરેક દેશમાં આ દિવસની ઉજવણીમાં ભિન્નતા જોવા મળે છે, પણ એક વાત કૉમન હોય તો એ છે કે કબર પર કૅન્ડલ લાઇટ્સ. આ દિવસની સાંજે તમને કબરસ્તાનમાં દિવાળી કરતાંય વધુ લાઇટિંગ જોવા મળે. સ્વજનોની કબરને સાફ કરી, એની આસપાસનાં ઝાડીઝાંખરા દૂર કરી, નવો રંગ કરીને એની સજાવટ થાય. એક્ઝૉટિક ફૂલો, કૅન્ડલ્સ દ્વારા એની જાણે સિકલ જ બદલાઈ જાય. સાંજ પડતાં ચર્ચમાં તેમ જ ઠેર-ઠેર પબ્લિક પ્લેસ પર ધીમું અને મંદ ‌ગતિએ ફ્યુનરલ દરમ્યાન વગાડવામાં આવતું ખાસ પ્રકારનું મ્યુઝિક ચાલુ થઈ જાય.

ઑસ્ટ્રિયામાં મૃતકે જ્યાં છેલ્લા શ્વાસ લીધેલા અથવા તો જ્યાં તેઓ રહેતા હતા એ રૂમને હૂંફાળી કરીને રાખવાનું તેમ જ એની અંદર એક ટેબલ મૂકીને એમાં જાતજાતની કેક સજાવીને ઑફર કરવામાં આવે છે. જ્યારે માલ્ટામાં મૃતકની પાછળ લોકોને જમણ કરાવવા માટે પિગનું માંસ વાપરવામાં આવે છે. જોકે એ પહેલાં પિગના ગળે ઘંટ બાંધીને એને આસપાસના વિસ્તારોમાં ફરવા મોકલવામાં આવે છે અને પછી એને રાંધીને પાડોશીઓ તેમ જ પરિવારજનોને એમાંથી બનેલું ભોજન પીરસાય છે. ફિલિપીન્સમાં કેટલાક લોકો મૃતકની પહેલી ડેથ-ઍનિવ‌ર્સરી પછીના આ દિવસે પરિવારજનો સાથે કબરસ્તાનમાં જઈને જાગરણ કરે છે.

ગાયજાત્રા, નેપાલ

પ્રિયજનને ગુમાવ્યા બાદ સ્વાભાવિકપણે પરિવારજનોમાં શોક અને દુઃખની લાગણી હોય. મૃતકના પરિવારને આ સેડ ફીલિંગ્સમાંથી બહાર કાઢવા માટે નેપાલમાં અનોખી ગાયજાત્રા કાઢવામાં આવે છે. નામ મુજબ એમાં ગાયનું મહત્ત્વ ખૂબ હોય છે અને એ ગાયની સાથે મૃતકના પરિવારે શેરીમાં જાત્રા કાઢવાની. સામાન્ય રીતે સ્વજનના મૃત્યુ પછીનું પહેલું વર્ષ હોય એવા પરિવારો એ જાત્રામાં ભાગ લે. જેમ પશ્ચિમના દેશોમાં કલરફુલ સ્ટ્રીટ-ફેસ્ટિવલ્સ થાય છે એવું જ રંગીન અને ઉત્સાહનું વાતાવરણ એમાં હોય છે. મૃતકની પાછળ થતી વિધિ હોવા છતાં એમાં ઉત્સાહ, રંગો, નાચગાન કેમ? એનું કારણ છે ગાયજાત્રા પાછળ સંકળાયેલી લોકવાયકા. કહેવાય છે કે ૧૭મી સદીથી નેપાલમાં આ કસ્ટમ છે. એ સમયે કાઠમાંડુમાં મલ્લ સામ્રાજ્ય હતું. એક વાર મલ્લ રાજાના દીકરાનું ખૂબ નાની વયે અવસાન થયું. રાજકુમારના મોત બાદ આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું. જોકે રાણીસાહેબ એટલાં દુઃખની ગર્તામાં ડૂબી ગયાં કે તેમણે હસવાનું પણ છોડી દીધું. ઘણો સમય થઈ ગયો હોવા છતાં રાણીસાહેબા શોકમાંથી કેમેય બહાર આવી શકતાં નહોતાં એટલે રાજાએ ફરમાન કાઢ્યું કે જે વ્યક્તિ મારી રાણીને હસાવશે તેને શિરપાવ મળશે. પ્રજાએ રાણીને હસાવવા માટે જાતજાતના વેશ ધારણ કરીને ગતકડાં રજૂ કરવાનું શરૂ કર્યું. એક દિવસ ગયો, બે દિવસ ગયા, લોકો આવતા ગયા અને પ્રયત્નો કરતા ગયા. નાચગાન, રમૂજ, વેશપરિધાન ઘણું કરી જોયું, પણ વાત ન બની. છેક સાતમે દિવસે રાણીમા એક ગાય લઈને આવેલા માણસની વાતો સાંભળીને હસી પડ્યાં. બસ ત્યારથી દર વર્ષે સાત દિવસની ગાયજા‌ત્રા નેપાલમાં થાય છે. જેમના પરિવારમાં છેલ્લા એક વર્ષમાં કોઈનું અવસાન થયું હોય એવા લોકો આ ૭ દિવસની રંગેચંગે ઉજવણી કરે છે. ગાયનું વાછરડું લઈને એને સજાવે છે અને સાથે પરિવારજનો ચિત્રવિચિત્ર વેશ ધારણ કરીને શેરીઓમાં સરઘસ કાઢીને નીકળી પડે છે.

હવે તો આ પ્રથાએ સ્ટ્રીટ-ફેસ્ટિવલ જેવું સ્વરૂપ લઈ લીધું છે. આમ તો આખા નેપાલમાં એની ઉજવણી થાય છે, પણ કાઠમાંડુની શેરીઓમાં તો આ ૭ દિવસ જબરદસ્ત ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ હોય. આમ તો ગાયના વાછરડાને મૃતક વ્યક્તિનું પ્રતીક માનવામાં આવે છે, પણ જે લોકો વાછરડું અફૉર્ડ ન કરી શકે એમ હોય તેઓ પરિવારના નાના બાળકને ગાયનો વેશ ધારણ કરાવે છે.

અરી મુયાન્ગ, મલેશિયા

માત્ર શહેરી અને સુધરેલો સમાજ જ પિતૃઓની સંતૃપ્તિ માટે ખાસ વિધિ કરે છે એવું નથી, કબીલામાં વસતી આદિવાસી પ્રજા પણ એમાં પાછળ નથી. મલેશિયામાં ક્વાલા લમ્પુરથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર આવેલા પુલાઉ કરી આઇલૅન્ડ પર માહમેરી આદિવાસી પ્રજા દ્વારા ખાસ અરી મુયાન્ગ નામની પ્રથા પિતૃઓ માટે થાય છે. ટ્રાઇબલ પ્રજા આ દિવસે વાંસ અને સૂકાં પાંદડાંમાંથી બનેલાં ખાસ આદિવાસી વસ્ત્રો પહેરીને ડાન્સ કરે છે. મૃતકોના પરિવારજનો લાકડામાંથી બનેલા ચિત્રવિચિત્ર માસ્ક પહેરીને પર્ફોર્મ કરે છે. પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ લેવા તેમ જ આભાર માનવા માટે આ કાર્યક્રમ યોજાય છે. આ પ્રજા સ્વજનના શબને પોતાના જ ઘરની આસપાસમાં જ ક્યાંક દફનાવે છે જેને પાન્ગા કહેવાય છે. આ દિવસે લોકો પાન્ગા પાસે જઈને પ્રાર્થના કરે છે અને ત્યાં ફૂલો, ધૂપ, મૃતકને ભાવતું ભોજન મૂકી આવે છે. સાંજ પડતાં પહેલાં આ બધી ચીજોને ભેગી કરીને સળગાવી દેવામાં આવે છે, કેમ કે એવી માન્યતા છે કે એના બળવાની વાસથી પૂર્વજો અહીં સુધી ખેંચાઈ આવે છે અને તેમણે અર્પણ કરેલી ભેટનો સ્વીકાર કરે છે.

આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે એ વર્ષના કયા સમયે યોજાશે એની કોઈ નિશ્ચિત તારીખ કે પ્રથા નથી. દર વર્ષે એમાં બદલાવ આવ્યા કરે છે. કેટલાક લોકો માને છે કે ચોક્કસ તિથિએ જ આ ઉજવણી થઈ શકે છે. જોકે આ તિથિ ગામના સૌથી વયસ્ક વ્યક્તિ દ્વારા નક્કી થાય છે. એવું મનાય છે કે વૃદ્ધ વ્યક્તિને તેના પૂર્વજોનો આત્મા સપનામાં આવીને એ ચોક્કસ દિવસનું સૂચન કરે છે.

ડે ઑફ ધ ડેડ, મેક્સિકો

પહેલી અને બીજી નવેમ્બરે મેક્સિકોમાં ક્રિસમસ કરતાંય વધુ મોટો જલસો હોય છે. રોશની, ફૂલોની સજાવટ, કેક અને સ્વીટ્સનો ઢગલો અને નાચગાન. જોઈને લાગે જ નહીં કે આ પિતૃઓ અથવા તો મૃતકોને તર્પણ આપવાનો ઉત્સવ છે. ચોતરફ પિકનિકનો માહોલ જોવા મળે. જસ્ટ હેલોવીન ફેસ્ટિવલની સીઝન પૂરી થાય એના બીજા દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવાનો આ દિવસ ઊજવાય. પહેલા દિવસે એવા પરિવારો ઉજવણી કરે છે જેમના ઘરમાં છેલ્લા એક વર્ષમાં કોઈ બાળકનું મૃત્યુ થયું હોય. આ ઉજવણી પ્રમાણમાં સાદગીભરી હોય છે, પરંતુ એમાં પણ કેક, સ્વીટ્સ, પુડિંગ્સ અને અધધધ ટ્રેડિશનલ વાનગીઓ બનાવીને ઑફર કરવામાં આવે છે. બીજી નવેમ્બરે તો મેક્સિકોમાં પબ્લિક હૉલિડે હોય છે. લોકો સૂરજ ઢળતાં પહેલાં સ્વજનની કબર પાસે પહોંચીને એને સજાવે છે. મીણબત્તીની રોશનીમાં ખૂબબધાં મેક્સિકન મૅરિગોલ્ડ ફૂલોની સજાવટ નીખરી ઊઠે છે. એવું મનાય છે કે આ ગેંદા જેવાં પીળાં ફૂલ મૃતક આત્માને પૃથ્વી પર આવવા માટે મજબૂર કરે છે. સ્વજનો પહેલાં તો કબર પર મીણબત્તી કરીને પ્રાર્થના કરે છે અને પછી આખી રાત કબરસ્તાનમાં લિટરલી પિકનિક હોય એમ જાગરણ અને ખાણીપીણીનો જલસો કરે છે.

આ ફેસ્ટિવલ કોઈકને થોડો-થોડો હેલોવીન જેવો પણ લાગી શકે, કેમ કે એમાં કબર પર ઑફર કરવામાં આવતી સ્વીટ્સના શેપ ડરામણા હોય છે. આ દિવસે તમારી થાળીમાં ખોપડી પીરસવામાં આવે તો નવાઈ ન પામવું. અહીંની સ્વીટ્સ પણ ખોપડી, કંકાલ કે હાડકાના ચિત્રવિચિત્ર શેપ જેવી હોય છે.

ડે ઑફ ધ ડેડ મનાવવાની રીતો મેક્સિકોના દરેક પ્રાંતમાં અલગ-અલગ વિશેષતાઓવાળી છે. પોમુચ નામના ટાઉનમાં મૃત્યુનાં અમુક વર્ષો બાદ પરિવારજનો કબર ખોદીને સ્વજનનું કંકાલ કાઢે છે અને એમાં બચેલાં હાડકાંને ધોઈને સાફ કરીને ફરીથી દફનાવે છે. સાંભળવામાં જે રિચ્યુઅલ આટલો ડરામણો લાગે છે એ હકીકતમાં જબરદસ્ત ફન સાથે લોકો માણે છે.

મેક્સિકોના ખૂણેખૂણે આ ફેસ્ટિવલની ઉજવણી એટલી મોટા પાયે થાય છે કે એની સામે ક્રિસમસ પણ ઝાંખી લાગે. કદાચ એટલે જ યુનેસ્કો દ્વારા આ ફેસ્ટિવલને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.

ફામાડિહાના, મડાગાસ્કર

પિતૃઓના આશીર્વાદ લેવાની સૌથી ભયાનક ને ડરામણી જો કોઈ પ્રથા ગણવાની હોય તો એ છે મડાગાસ્કરના મલાગાસી ટ્રાઇબની ફામાડિહાના તરીકે જાણીતી પ્રથા. અલબત્ત, આ પરંપરા વાર્ષિક નહીં, પણ દર પાંચથી સાત વર્ષે આવે છે. આ પ્રથા એટલી ખર્ચાળ અને વિચિત્ર છે કે ન પૂછો વાત. દરેક ગોત્રના લોકોને એક કબરસ્તાનમાં પાસે-પાસે દફનાવવાની પ્રથા અહીં છે અને ફામાડિહાના પણ એક જ ગોત્રના લોકો એકસાથે આ વિધિ કરે છે. એક વર્ષ પહેલાંથી એનું આયોજન થઈ જાય છે, કેમ કે ત્રણ દિવસના આ ઉત્સવમાં આખું ગોત્ર ભેગું થાય છે અને પોતાના પૂર્વજોના આશીર્વાદ માગે છે.

આ ફેસ્ટિવલને ટર્નિંગ ઑફ ધ ડેડ એટલે કે શબને ઉથલાવવાની પ્રક્રિયા પણ કહેવાય છે. યસ, અહીં બધાની હાજરીમાં પહેલા દિવસે કબર ખોદવામાં આવે છે અને અડધા ઓગળી ગયેલા શબને કાઢીને ઘરે લઈ જવામાં આવે છે. બીજા દિવસે એને સાફ કરીને નવા વાઘા પહેરાવવામાં આવે છે. આ દરમ્યાન ગામના અન્ય મહેમાનોને આમંત્રણ આપેલું હોય છે. મહેમાનો ચોખા અને પૈસાની ભેટ મૃતકના પરિવારને આપે છે. લોકોની ભેટમાંથી જે ભેગું થાય એમાંથી જ વાનગીઓ રાંધીને બધા સાથે મળીને ખાય છે, ડાન્સ કરે છે અને આખી રાત પાર્ટી માણે છે. છેલ્લા અને ત્રીજા દિવસે મૃતકના કંકાલને નવા સિલ્કના મોંઘાં કપડામાં લપેટીને કેટલાક તેજાના ભરીને ફરીથી કબરમાં દફનાવવામાં આવે છે. કંકાલની સાથે મોંઘાં અત્તર, ધૂપ અને મૃતકની પસંદગીની કોઈ ચીજને પણ સાથે મૂકવામાં આવે છે. આ ચીજ પરથી થોડાં વર્ષો બાદ એ કંકાલની ઓળખ સંભવ બને છે.

આ ફેસ્ટિવલની ખૂબ ટીકા અને વિરોધ થતો હોવાથી હવે આ પ્રથાનું ચલણ ઘટી રહ્યું છે. એમ છતાં મડાગાસ્કરમાં હજીયે કેટલાક પરિવારો ચોરીછૂપી આ પ્રથા પાર પાડે છે.

ઓબોન ફેસ્ટિવલ, જપાન

લગભગ ૫૦૦ વર્ષ જૂનો ઓબોન ઉત્સવ આત્માને ફરીથી એક વાર પોતાના ઘર તરફ બોલાવવાનો, તેમને સંતૃપ્ત કરવાનો અને પછી ફરીથી પાછા મોકલવાનો ઉત્સવ છે. કહેવાય છે કે ભગવાન બુદ્ધે આ પ્રથાની શરૂઆત કરેલી. એક બૌદ્ધ સાધુએ તેણે મેળવેલી શક્તિઓનો ઉપયોગ કરીને પોતાની મૃત માતાનું શું થયું એ જાણવાની કોશિશ કરેલી. મૃત્યુ બાદ તેની માતાની સ્થિતિ જોઈને સાધુ ખૂબ દુખી થઈ ગયો. એ વખતે બુદ્ધે તેને માતાના આત્માની મુક્તિ માટે શું કરવું એનો માર્ગ બતાવ્યો હતો. એ પછીથી બૌદ્ધધર્મીઓમાં ઑગસ્ટ મહિનાના ચોક્કસ દિવસોમાં મૃતાત્માની સંતુષ્ટિ માટેનો ઓબોન ઉત્સવ ઊજવાય છે.

આત્માને ઑફર કરવાની ચીજો ઉપરાંત કંદીલ આ ઉત્સવનો મુખ્ય ભાગ છે. કંદીલ આમ તો ચાઇનીઝ ઓરિજિનનું કહેવાય, પણ જપાનમાં કંદીલ જેવાં જ ચોચિન બનાવાય છે જે બામ્બુ અને લાલ-પીળા સિલ્કના કપડા દ્વારા બને છે. ત્રણ દિવસના ફેસ્ટિવલ બાદ લોકો કંદીલને નદીમાં વહેતાં મૂકે છે અને એ વખતે મૃતક આત્મા સંતુષ્ટિ પામીને પરલોક પાછા સિધાવે છે.

આ ફેસ્ટિવલ ગરમીના દિવસોમાં આવતો હોવાથી ઠંડક આપતાં કાકડી, સક્કરટેટી અને રીંગણ જેવાં શાકભાજી વપરાય છે. આ શાકભાજીને ચૉપ્સ્ટિક્સ દ્વારા પગ આપીને આત્માને ગંતવ્ય સુધીની ગતિ આપવામાં આવે છે.

હંગ્રી ઘોસ્ટ ફેસ્ટિવલ

ચાઇનીઝ કૅલેન્ડર મુજબ સાતમા મહિનાને ઘોસ્ટ મહિનો કહેવાય છે અને એ મહિનાની પંદરમી રાતે હંગ્રી ઘોસ્ટ ફેસ્ટિવલ થાય છે. આ એવો દિવસ છે જ્યારે પૂર્વજોનો આત્મા જ્યાં હોય ત્યાંથી તેના ઘર તરફ પ્રયાણ કરે છે. એવા સમયે જો તેની ઇચ્છાઓને સંતોષવામાં ન આવે તો પરિવાર માટે એ અભિશાપરૂપ બની શકે છે. આખા ઘોસ્ટ મહિના દરમ્યાન રોજ રાતે લોકો પોતાના ઘરની બહાર પાણી અને ખાવાનું ટેબલ પર સજાવીને મૂકી રાખે છે.

ચીનની જેમ વિયેટનામમાં પણ આ ફેસ્ટિવલ ઊજવાય છે, પણ એમાં લોકો પરલોક સિધાવેલા આત્માને મનગમતી ચીજો અર્પણ કરે છે. લોકો મૃતકની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા તેને જોઈતી ખાવાપીવાની ચીજો ઘરની બહાર સજાવીને મૂકે છે અને બાકીની ચીજોની પ્રતિકૃતિઓ બનાવીને અર્પણ કરે છે. જેમ કે કોઈકને ઘર, ગાડી, પ્લેન, બોટ જેવી ચીજોનો શોખ હોય તો એ બધું કાગળમાંથી બનાવવામાં આવે છે અને પછી એ ચીજોને ભેગી કરીને સળગાવવામાં આવે છે. આગની જ્વાળાઓ થકી આ ચીજો આત્મા સુધી પહોંચી જાય છે એવી માન્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 07:19 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK