આવી પણ હોઈ શકે મા?

Published: 26th December, 2012 06:30 IST

કાળજાના કટકાને હેતથી ઉછેરવાને બદલે પોતાના હાથે જ તેના જીવનનો અંત લાવતી માતાઓના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. મા ભલે ગમે એવી હોય; પામર હોય, રાંક હોય, ગરીબડી હોય, અપાહિજ હોય છતાંય પોતાના પેટના જણ્યા માટે તો વાત્સલ્યમયી જ બની રહે. તો પછી શા માટે તે હવે પોતાના અસ્તિત્વના અંશ માટે જ ઘાતકી બની રહી છે?બુધવારની બલિહારી - કિરણ કાણકિયા

શું જમાનો આવ્યો છે? જે મા હેત નીતરતી, અમી નીતરતી, વાત્સલ્યભરી, હૂંફભરી, પ્રેમાળ, હેતાળ, સંવેદનશીલ, સહનશીલતાની મૂર્તિસમી ગણાય છે તે મા આવી ક્રૂર, ઘાતકી કેવી રીતે હોઈ શકે? ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનાં સંતાનોને હૈયાંસરસા રાખી પાળ્યાં-પોષ્યાં હોય તેને મારી કેમ શકે? હવે તો જાણે મા શબ્દને લાંછન લાગી રહ્યું છે. આ લેખમાં માને ખરાબ ચીતરવાનો બિલકુલ આશય નથી, પરંતુ અખબારમાં ક્યારેક એવા સમાચાર વાંચવામાં આવે છે ત્યારે એક મા તરીકે હૈયું ફાટફાટ થાય છે.

આ સમાચાર વાંચો. વ્યવસાયમાં વ્યસ્ત પતિને અન્ય સ્ત્રી સાથે લફરું હોવાથી પોતાના પ્રત્યે લાગણી ઓછી થઈ ગઈ હોવાની શંકાને કારણે વિનોદ આહુજા (૩૩)ની પત્ની હર્ષલા (૨૯)એ પોતાના એક મહિનાના માસૂમ પુત્ર લક્ષ્યને પાણીની ટાંકીમાં ડુબાડી દીધો હોવાની ઘટના થાણે જિલ્લાના જવ્હાર તાલુકામાં બની હતી. ટેરેસ પરથી પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યાંના પખવાડિયામાં પોલીસે બાળકની માતા હર્ષલાની ધરપકડ કરી હતી.

હમણાં ટીવી પર ચાલતી સૈતાન સિરિયલમાં પણ કંઈક આવી વાત જોવા મળી. પ્રભાવતી નામની પ્રભાવશાળી સ્ત્રી રાજકારણમાં છે. તેની સત્તા અને રુઆબ ભારે છે. ઇલેક્શન નજીક આવતું હોવાને કારણે તે ખૂબ વ્યસ્ત છે. આ સંજોગોમાં તેની યુવાન પુત્રી માતાની સ્ટ્રિક્લી ના હોવા છતાં લવ-મૅરેજ કરીને ફોન કરીને ઘરે જણાવે છે. ત્યારે પત્નીના કડક આદેશને કારણે વાત્સલ્યમય પિતા તેને આશીર્વાદ લેવા ઘરે બોલાવે છે. પેલી યુવતી અને તેનો પતિ ઘરે આવે છે ત્યારે માતા દીકરી પર બળજબરી કરી ઉપરના રૂમમાં લઈ જઈ તેના પર અમાનુષી અત્યાચાર કરે છે અને છેવટે દીકરી પર ગોળી મારી હત્યા કરે છે. પિતા આ ઘટનાનો મૂક સાક્ષી બની રહે છે. છેવટે તે હતભાગી યુવકના અથાગ પ્રયત્નોને કારણે પુરાવા તરીકે પિતા સાક્ષી આપે છે અને પછી ક્રૂર ઘાતકી માતા પ્રભાવતી જેલમાં જાય છે. પોતાની કરીઅરની લાયમાં કેટલું અમાનવીય ખોફનાક વર્તન! આ ઘટના ઇન્દોરમાં બનેલી સત્ય ઘટના છે. શું મા આવી પણ હોઈ શકે? પોતાના ઉદરમાં ઉછરેલા સંતાનને મારી નાખતા જીવ કેમ ચાલતો હશે.

સંવેદના થીજી ગઈ છે

લાગે છે એવું કે આ હાઇટેક યુગમાં સંવેદના જાણે થીજી ગઈ છે. સંબંધોમાં પણ જાણે લૂણો લાગેલો દેખાય છે. લાગણી, હૂંફ, ઉષ્મા, ખમી ખાવાની વૃત્તિ જાણે અલોપ થવા માંડી છે. મા ભલે ગમે તેવી હોય, પામર હોય, રાંક હોય, ગરીબડી હોય, અપાહિજ હોય છતાંય પોતાના પેટના જણ્યા માટે તો વાત્સલ્યમયી જ બની રહે. સમાજમાં આવા કેટકેટલા દાખલા નજરે ચડે છે. છતાં અખબારમા આવા ક્રૂર માતાના સમાચાર વાંચવા મળે છે ત્યારે દિલમાં હાહાકાર મચી જાય છે. શું સગી મા પોતાના સંતાનની હત્યા કરી શકે? થોડા વખત પહેલાં મલાડમાં બનેલો કિસ્સો યાદ આવ્યો. યુવાન માતાએ પોતાની દીકરીને ઉપરથી ફેંકી અને પછી પોતે પણ નીચે પડતું મૂક્યું. જીવ કેમ ચાલ્યો હશે.

વાત્સલ્યમૂર્તિ મા

મા શબ્દ બોલતાં જ વાત્સલ્યમૂર્તિ શબ્દ મનમાં દૃઢ થઈ જાય. મા માટે તો કવિઓએ, લેખકોએ પારાવાર ગુણગાન ગાયા છે. માની મીઠી મમતા, માનું અલૌકિક વાત્સલ્ય, માનું હેતાળ હેત, માનું ઔદાર્ય અને માની અમી નીતરતી આંખો. મા તો સનાતન છે. વિશ્વનું સમસ્ત માધુર્ય પણ મા શબ્દ પાસે ફિક્કું લાગે. માનો અર્થ જોડણીકોશમાં જોવાનો નથી હોતો. એ તો જીવનકોશમાં જોવાનો હોય છે. નાના બાળકનું ભાવજગત પોતાની માની આસપાસ વીંટળાયેલું હોય છે. મા જ તેની સૃષ્ટિ અને સર્વસ્વ માને વય નથી હોતી. વાત્સલ્ય હોય છે.

આવી પ્રેમાળ મા માટે એક કથા યાદ આવે છે. એક દીકરો ગણિકાના પ્રેમમાં પડ્યો. ગણિકાએ તેના પ્રેમની પરીક્ષા કરવા માટે તે યુવાન પાસે તેની માતાનું કાળજું માગ્યું. વાસનામાં અંધ બનેલો યુવાને માને છરી મારી, કાળજું કાઢી લીધું ત્યારે તેનું કાળજું પણ બોલી ઊઠ્યું, ‘બેટા, તને વાગ્યું તો નથીને?!’ ક્ષણભર યુવાન થંભી ગયો.

મા આવી પણ હોય?

મા વિશેની આવી વાતો હૃદયમાં અંકિત થઈ ગઈ હોય ત્યારે બીજી એક સત્ય ઘટના તમારી સાથે શૅર કરવાનું મન થાય છે. એ ઘટના પણ કંઈક શુષ્ક-લૂખી માનો પડઘો પાડે છે. એક મધ્યમવર્ગીય પરિચિત સ્નેહીના પુત્રનાં લગ્ન શ્રીમંત ઘરે થયાં. પુત્રવધૂએ પૈસા ખૂબ જોયા હતા, પરંતુ પ્રેમને નામે તદ્દન શૂન્ય! પ્રેમની પરિભાષાની જાણે કંઈ સમજ ન મળે ત્યારે અહીં સાસરામાં ચારે બાજુથી અપાર પ્રેમ છલકાતો જોવા મળે. તેની સાથે સહુનો સ્નેહાળ સૌજન્યભર્યો સંબંધ. તે તો ખૂબ ખુશ-ખુશ. પિયર કદી યાદ જ ન આવે. તેની સાસુ અને નણંદના સંબંધો જોઈ વિસ્મિત થાય. અરે, મા-દીકરીના આવા સંબંધ હોય? મારી મમ્મીએ તો કદી મારી પર પ્રેમથી હાથ પણ ફેરવ્યો નથી. ઘણી વાર બાલ્કનીમાં ઊભી-ઊભી રડ્યા કરે. એક વખત સાસુજી જોઈ ગયાં અને તેને પ્રેમથી રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે અત્યંત ગદ્ગદ બની ગઈ. ‘મૈં તો આવો પ્રેમ કદી જોયો નથી કે અનુભવ્યો નથી.’ એવું બોલી ગઈ. સાસુજી શાનમાં બધું સમજી ગયાં અને પછી જ્યારે પણ તે ડિસ્ટર્બ હોય. શારીરિક તકલીફ હોય કે અન્ય પ્રૉબ્લેમ હોય તે વખત સાસુજી આશ્વાસન આપે. તેની મમ્મીએ ક્યારેય કદી કોઈ તકલીફ કે પીડામાં આશ્વાસન નથી આપ્યું. આવું જોઈ વિચાર આવે કે મા આવી પણ હોઈ શકે?

બાળકની હત્યા ન કરો

ખેર, માની છબી બદલાતી જાય છે. કુંવારી કે બળાત્કાર કે વાસનાનો ભોગ બનેલી યુવતી પ્રેગ્નન્ટ બની ગઈ હોય અને તે વણજોઈતા બાળકને ત્યજી દે, અનાથાશ્રમને આંગણે મૂકી આવે કે કચરાના ડબ્બામાં કે રેલવેના પાટા પર છોડી દીધાના દાખલા વાંચતા પણ હૈયું કકળી ઊઠે છે. આવી યુવતીઓ-માતાઓ થોડેક અંશે દયાપાત્ર ગણાય, પરંતુ નવ મહિના પોતાના ઉદરમાં પોષેલા પોતાના અસ્તિત્વના અંશની હત્યા કેમ કરી શકાય? આવું નિઘૃણ્ય કૃત્ય! કદાપિ માફ ન કરી શકાય.

ગમે તેવું દુ:ખ હોય, અકથ્ય કારણ હોય કે દહેજને નામે ત્રાસ હોય તો આ બધાં કારણોનો ઉકેલ લાવી શકાય. શાંતિથી વિચારી શકાય કે પછી છૂટા પડીને સૉલ્યુશન લાવી શકાય, પરંતુ બાળકની મારપીટ કરવી, ઝેર પીવરાવવું, ઉપરથી ફેંકવું, પાણીમાં ડુબાડવું, રેલવેના પાટા પર આવવું. આ શું યોગ્ય ગણાય? પ્લીઝ! મા બની મા શબ્દને ભયંકર રૂપ ન આપો. તમારું લોહી, તમારો અંશ, તમારા અસ્તિત્વની આમ જીવતેજીવ હત્યા ન કરો. તેની સાથે અમાનુષી વર્તન ન કરો. તમારો ગુસ્સો બાળક પર ન ઉતારો. બાળકનો બલિ ન બનાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK