Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે

ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે

22 January, 2021 06:13 PM IST | Mumbai
Jamnadas Majethia

ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે

ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે

ઇચ્છાઓનું લિસ્ટ તમને વધુ આગળ લઈ જવાનું કામ કરશે


ચાલો, આપણા જીવનની શ્રેષ્ઠ વાર્તા લખીએ.
આપણે આ વિષય પર બે શુક્રવારથી વાત કરીએ છીએ, જેમાં પહેલા શુક્રવારે આપણે વાત થઈ કે તમારી વાર્તાના તમે રાજા કે રાણી છો. તમારે એ વાર્તા લખવાની છે. નાના હતા ત્યારે ડ્રૉઇંગમાં ટપકાં જોડીને જે ચિત્ર બનાવવાની વાત હતી એવી જ આ વાત છે. જીવનનાં ટપકાં જોડતાં જવાનાં અને અત્યાર સુધી જીવ્યા હોઈએ એ બધી વાતોને એક સીધી રેખામાં જોડી દેવાની. લખતી વખતે, લખ્યા પછી વાંચતી વખતે કે પછી બન્ને વખતે તમને તમારી જિંદગી જરૂરથી રસપ્રદ અને ડ્રામૅટિક લાગી શકે છે. એનું કારણ છે કે આ તમારો ભૂતકાળ છે અને ભૂતકાળમાં વાર્તા બહુ હોય, યાદોમાં આનંદ બહુ હોય અને મેં તમને કહ્યું હતુંને કે જ્યારે તમે તમારી જિંદગીમાં સ્ટ્રગલ કરી હોય કે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયા હો એ વાતને આજે જ્યારે જોશો ત્યારે તમને પોતાના માટે હીરો-હિરોઇન કે પછી રાજા કે રાણી જેવી લાગણી જન્મશે. ટૂંકમાં, એટલી આશા રાખું છું કે તમને તમારી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હશે અને ધારો કે હજી ન લખી હોય તો કાંઈ વાંધો નહીં. જ્યારે પણ સમય મળે, મન થાય કે પછી સત્ય લખવાની હિંમત થાય તો લખજો, પણ હા, મનમાં તો વાર્તા બનાવવાની શરૂ કરી જ દેજો. આજે જે લખશો એ ભૂતકાળથી વર્તમાન સુધીની વાત થઈ, જેના પરથી તમારે નક્કી કરવાનું છે એ વાર્તા ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં. અહીં મારે એક વાતની સ્પષ્ટતા કરવી છે કે ધારો કે ભૂતકાળની વાર્તા સહેજ ઉપર-નીચે થઈ હોય તો વાંધો નહીં, આગળની વાર્તા સુંદર બનાવવાનું કામ તમારા હાથમાં છે. આ સરળ ચાવીની ચર્ચા આપણે ગયા શુક્રવારે કરી.
બકેટ-લિસ્ટ. તમારી ઇચ્છાઓની એક યાદી બનાવો. મારા બકેટ-લિસ્ટમાં ઘણી ઇચ્છાઓ છે અને સમય આવ્યે હું એ પૂરી કરવાની કોશિશ પણ કરતો હોઉં છું. તમને ગયા શુક્રવારે જ મેં કહ્યું કે એવરેસ્ટના એક લેવલ સુધી જવાની મારી ઇચ્છા છે. હમણાં લૉકડાઉનમાં મારી એક ઇચ્છા પૂરી થઈ. મારી ઇચ્છા હતી કે હું મારી દીકરીના ક્લાસરૂમમાં બેસીને તેને ભણતી જોઉં. એ કેવું રીઍક્ટ કરે છે અને તે ભણતી વખતે કેવા એક્સપ્રેશન સાથે બધું જોતી-સમજતી હોય છે એ મારે જાણવું હતું. લૉકડાઉનમાં સ્કૂલો બંધ હતી અને ઘરેથી જ બધાએ ભણવાનું હતું એટલે આ ઇચ્છા સાવ અનાયાસ જ મારી પૂરી થઈ. આખી ફૅમિલી એટલે કે મારા બધા ભાઈઓ, ભાભીઓ, બહેનો, બનેવીઓ, ભત્રીજા-ભાણેજો બધાં એટલે બધાં સાથે મારી ફરવા જવાની ઇચ્છા છે અને આવી તો મારી બીજી ઘણી ઇચ્છાઓ છે, પણ હું મારી ઇચ્છાની વાત કરું એના કરતાં આપણે તમારી વાત કરીએ, તમારે તમારી ઇચ્છાઓની બકેટ હવે તૈયાર કરવાની છે.
ઍડ્વેન્ચર હોય કે પછી પરિવાર સાથે કે સંતાનો સાથે ક્યાંય ફરવા જવાનું મન હોય. આપણા પોતાના શોખની વાત પણ એમાં આવી જાય. તમે કોઈ મ્યુઝિક શીખવા માગતા હો કે પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ગમતું હોય અને તમે શીખ્યા જ ન હો તો આ ઉંમર છે, સમય છે અને સૌથી સરસ વાત કે ઑનલાઇન હવે બધું શીખવા મળે છે. ઇન્સ્ટ્રુમેન્ટ બહુ મોંઘાં આવતાં હોય તો પણ એનો રસ્તો છે. તમારે એ લેવાની જરૂર નથી. તમે ઓએલએક્સ કે પછી જ્યાં લે-વેચ થતી હોય એવા બીજા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને તમારી તમારી ઇચ્છા મુજબનું ઇન્સ્ટ્રુમેન્ટ શોધી લો. થોડું વપરાયેલું ઇન્સ્ટ્રુમેન્ટ તમને સસ્તામાં મળી જશે અને એક વાત કહું કે આપણે ક્યાં પ્રોફેશનલી વગાડવું છે કે પછી નવું જ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવું પડે. આપણે તો શોખ પૂરો કરવો છે અને ધારો કે તમારે પ્રોફેશનલી પણ કંઈક કરવું હોય કે પછી તમે એનો મ્યુઝિક-વિડિયો બનાવીને બધાની સામે મૂકવા માગતા હો તો વાત જુદી છે, પણ મૂળ વાત અને હેતુ એ જ કે તમારા મનમાં જે ઇચ્છાઓ છે એને સાકાર કરવા માટે આખી વાતને હવે તમે કેવી રીતે વળાંક આપશો એનો પ્લાન કરો. કમસે કમ પાંચ વર્ષમાં તમે તમારી પાંચ મોટી કે મધ્યમ કક્ષાની ઇચ્છાઓ પૂરી કરશો એ પ્રકારનું એક બકેટ-લિસ્ટ બનાવો. આ લિસ્ટથી તમારી આગળની વાર્તા લખાવાની શરૂ થઈ જશે. હવે વાત કરીએ, તમે કેવી રીતે તમારી ઇચ્છાઓ પૂરી કરશો?
ઇચ્છાઓ બહુ હોય, હશે અને કદાચ પૈસા ન હોય કે ફાઇનૅન્શિયલ શક્તિ ન હોય અને કદાચ સંતાનોની પરિસ્થિતિ પણ એવી ન હોય કે તે તમને શોખ માટે સપોર્ટ કરી શકે તો વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ આવશે, સરસમજાનો ડ્રામા બનશે, કરુણતા આવશે, પણ એ કરુણતામાં આપણે રચ્યાપચ્યા નહીં રહેવાનું. એમાંથી નીકળવાનો રસ્તો કાઢવાનો છે. આ રસ્તો કાઢવા માટે આજુબાજુમાં જોવું પડે તો જુઓ. ઘણી વાર એવું બને કે એવી ચીજો પડી હોય જેનો કોઈ ઉપયોગ ન હોય, ઊપજ ન હોય, પણ આપણે રાખી મૂકી હોય કે સંકટ સમયે કામ આવશે તો સમજી લેજો કે આ સંકટ જ કહેવાય. મુશ્કેલી જ કહેવાય કે તમે તમારા જીવનને હજી પૂરું જીવ્યા નથી, તમે તમારી ઇચ્છાઓ પૂરી નથી કરી, એને પૂરી કરો. ઉંમર વધતી જવાની છે, શારીરિક તકલીફ ક્યારેય આવીને ઊભી રહી જાય એના કરતાં અત્યારે જે સમયે છે એને માન આપીને સંઘરેલી એ ચીજવસ્તુઓ બહાર કાઢો. હું કોઈને એમ ન કહી શકું કે વર્ષોથી પડેલાં ઘરેણાંઓ વેચીને તમારી ઇચ્છા પૂરી કરો એવી સલાહ પણ નથી આપતો, પણ એવું કંઈક હશે તમારી આસપાસ, જે નકામું પણ હશે અને એમાંથી રોકડ પણ ઊભી કરી શકાશે. મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે તમારા જીવનને જીવો અને એને માટે સરસ રીતે પ્લાન કરો.
તમે તમારી પોતાની વાર્તા માટે વિચાર કરજો કે તમારે એક રાજા તરીકે, એક રાણી તરીકે કેવું જીવન જીવવું છે. તમને એમ લાગે કે કોઈકે વર્ષો પહેલાં મને મદદ કરી હતી, મારે તેને શોધી કાઢવો છે અને તેને મળવું છે તો એ પણ એક સરસ જર્ની બનશે. પોતાના ગામ, મૂળ વતન વર્ષોથી ન ગયા હો, ત્યાંના તમારા બાળપણનાં સગાંસબંધીઓ, મિત્રોને ન મળ્યા હો તો એ કરો. આજકાલ તો સ્કૂલના મિત્રોને પણ લોકો ફેસબુકથી શોધી કાઢે છે. શોધો અને મળો તેમને રૂબરૂ. તમે નાનકડી ટ્રિપ પર પણ જઈ શકો છો. સ્ત્રીઓ પણ એકલી જઈ શકે છે આજકાલ હૉલિડે પર.
તમને મનમાં થઈ શકે કે અચાનક આ આખી વાત આવી શું કામ?
લાઇફમાં તમને કોઈ ચીજનો અફસોસ ન રહેવો જોઈએ અને એને માટે તમારે સૌથી પહેલાં એક વિચાર કરવો પડે. કલ્પના કરવી પડે અને પછી એને અમલમાં મૂકવી પડે. વાર્તા લખવાની શરૂ કરી એને તમારા ટાસ્ક સાથે કનેક્ટ કરીને જોશો ત્યારે દેખાશે કે હા, આ મારું બાળપણ હતું. અહીંથી મારી યુવાનીના દિવસો અને પછી જો તમે મધ્યમ એજ-ગ્રુપમાં હો તો એ તબક્કો અને એ પછી આવનારો સમય. હું આ મધ્યમ વયની વાત એટલે કરું છું, કારણ કે હું મારી ઉંમર પ્રમાણે ચાલતો હોઉં છું.
એક વાર તમે ધ્યાનથી આ કામ કરશો તો તમે તમારી જાત માટે જાદુ કરી દેશો. તમે થોડા દિવસ પહેલાં મારો એક લુક જોયો, મેં મારી જાતને ખરેખર બદલી. બહારથી પણ અને અંદરથી પણ. હું મારી જાતને સતત કહું છું કે કોઈ પણ પ્રકારનો કોઈ નેગેટિવ વિચાર લાવવો નહીં, પૉઝિટિવ રહીને કામકાજ કરતા રહેવાનું. આવતાં પાંચથી દસ વર્ષમાં મારે મારા જીવનમાં ઘણુંબધું કરવું છે અને એ કરવા માટે મારું સ્વાસ્થ્ય સારું રહે એ અગત્યનું છે. આપણા નેગેટિવ વિચારો અંદરથી આપણા સ્વાસ્થ્યને કોરી ખાય છે. અહીં એક અગત્યની વાત આવે છે. કંઈ પણ કરવા માટે સ્વાસ્થ્ય સૌથી વધારે જરૂરી છે.
હીરો અને હિરોઇન, રાજા અને રાણી, હેલ્ધી હોય, સરસ લાગતાં હોય અને તંદુરસ્ત હોય તો જ ૨૦-૨૦ ગુંડાઓ સામે લડી શકે. આપણે પિક્ચરમાં જોઈએ જ છીએને. તમારે તમારી જાતને બધી રીતે ફિટ રાખવાની છે, કારણ કે તમે તમારી સ્ટોરીનાં હીરો-હિરોઇન છો અને એ હીરો-હિરોઇન તો સરસ જ હોવાં જોઈએ, પૉઝિટિવ જ હોવાં જોઈએ તો બસ, શરૂ કરો તમારો જીવનનો બીજો અધ્યાય અને બનાવો તમારા જીવનની વાર્તાને એવી જબરદસ્ત કે તમારી બાયોગ્રાફી કોઈ ઊંચકે તો તેને એવું જ લાગે કે મારે આના જેવું જીવન જીવવું છે.
ગૉડ બ્લેસ યુ.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 06:13 PM IST | Mumbai | Jamnadas Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK