રાત પડે, હું જ મને વળગું

Updated: Dec 22, 2019, 15:09 IST | Hiten Anandpara | Mumbai

અત્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ઓરતાઓ એકબીજાને હળીને, મળીને, વળગીને નવો સંસાર માંડવાની હોંશમાં છે.

અત્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ઓરતાઓ એકબીજાને હળીને, મળીને, વળગીને નવો સંસાર માંડવાની હોંશમાં છે. સંગીતસંધ્યાના સૂરમાં મિલનનો રાગ છેડાઈ રહ્યો છે. હાથમાં મેંદીની ભાત ભવિષ્યને ઊપસાવી રહી છે. આ બધા માહોલમાં ક્યાંક-ક્યાંક એવી શરણાઈ પણ વાગે છે જેમાં કૌતુકને બદલે કરુણ રાગ છેડાઈ રહ્યો હોય.

બે જણ એક થવાની ઘટના માટે પણ યોગ જોઈએ. બધાના જીવનમાં આ યોગ સર્જાતો નથી. કૂંપળ ફૂટવાની ઘટના આમ સાવ સામાન્ય લાગે, પણ એની મહત્તા અલૌકિક છે. મિલનની આશમાં શ્વાસ લેતી ઝંખનાની પ્રતીક્ષા વધુપડતી લંબાય તો એનું રૂપાંતર પીડામાં થઈ જાય. ગૌરાંગ ઠાકરના શેર સાથે આજે વિષાદને વહાલ કરીએ.

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર

શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર

છાપ સિક્કાની મને બન્ને ગમે

માત્ર તું એને ઉછાળે છળ વગર

વૃક્ષ પાંગરવા માટે પહેલાં બીજ રોપાવું જોઈએ. કેટલીક વાર અનુકૂળ ધરતી ન મળે તો કેટલીક વાર અનુકૂળ વાતાવરણ ન મળે. ક્યારેક બીજ વવાઈ ગયું હોય, પણ ખાતરીપૂર્વકના ખાતરપાણી ન થાય એટલે એ પાંગરી ન શકે. કેટલીક વાર તો મનની બારી એવી સજ્જડ ને ચપોચપ બંધ થઈ ગઈ હોય કે એ ખૂલે જ નહીં. કેટલીક વાર બારી ખૂલી હોય, પણ કોઈ પંખી ચણવા માટે જ ન આવે. કાનને પણ નસીબ હોય છે. દરેકને ટહુકા સાંભળવા નથી મળતા. હેમેન શાહ એકલવાયા હૃદય પર સ્ટેથોસ્કોપ મૂકે છે...

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ

શું થાશે એ કહેવું ન સરળ,

બહુ એકલવાયું લાગે છે

ખખડાવે ખુલાસાના રસ્તા,

શંકાના ભીડેલા દરવાજા

સોંસરવો છે આ કોલાહલ,

બહુ એકલવાયું લાગે છે

એકલવાયી રાત પસાર કરવી મુશ્કેલ હોય છે. જેના ખભે માથું મૂકીને નિરાંતે સૂઈ શકાય એવું પ્રિયજન ન હોય ત્યારે ખાલીપો ખડિંગ-ખડિંગ વાગે. એક અંગ્રેજી ફિલ્મના કથાનક પ્રમાણે આ એકલતા સામાન્ય માણસમાંથી વિરાટકાય હલ્ક બની જાય. એની શક્તિમાં કદાચ બ્રહ્મોસ મિસાઇલ જેટલી શક્તિ ઉમેરાતી હશે. હોવાપણું આત્મીયતાના અહેસાસને છિન્નભિન કરી નાખે. જાણ બહાર એક બેરૂખી કેળવાતી જાય જે અંતે ઉદાસી તરફ દોરી જાય. એની માત્રા વધે તો આખરે ગંતવ્ય હતાશા તરફ હોય, જે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે. મનોજ ખંડેરિયા આવી એકાકી ક્ષણોને આબાદ ઝીલે છે...

કૈં શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ

એકલતા કેવી વ્યાપી છે ઈશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા પરથી પ્રથમ, અને

રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

ભીતરમાં ધરબાયેલા મોરને વારેઘડીએ ડારો દઈને ચૂપ કરવાનું કામ સહેલું નથી. કળા કર્યા વગર એની હયાતી સાર્થક લેખાતી નથી. દૃષ્ટિમાં એક સૂનકાર વ્યાપી જાય. હજારો ભક્તોની ચહલપહલ વચ્ચે આખી સૃષ્ટિ

ચલાવતો ઈશ્વર પણ એકલોઅટૂલો લાગવા માંડે. તરસના ગામે થોડો સમય પોરો ખાઈ શકાય, કાયમી નિવાસ ન ફાવે. કૈલાસ પંડિત પ્રતીક્ષાને પાંખો પહેરાવે છે...

તરબતર આંખોય પ્યાસી નીકળી

રાતરાણીની ઉદાસી નીકળી

તારલા ઊઘડ્યા ને મળતા આગિયા

ચાંદને જોવા અગાસી નીકળી

સુગંધથી મઘમઘ થતી રાતરાણી કોને ન ગમે? પણ એકલતા એને કારણે ઉશ્કેરાય છે. ઘેન ચડ્યા પછી એનું નિવારણ ન મળે તો એ ઘેન ઘૂંટાઈ-ઘૂંટાઈને તિતરબિતર કરી શકે. સ્ટ્રાઇકરથી કૅરમની કૂકરી વિખેરી નાખીએ એમ સમયનું સ્ટ્રાઇકર હોવાપણાને વિખેરી નાખે. શ્વાસની રમત માંડી હોય એટલે દાવ તો ચાલુ રાખવો પડે. આવી પરિસ્થતિ કેમ સર્જાઈ એનાં કારણો સુધી પહોંચવું પડે. સંજોગો જ વિલન બનીને આવ્યા હોય તો જુદી વાત છે, પણ ક્યારેક સ્વભાવ પણ આડે આવતો હોય છે. મિલિંદ ગઢવી એક કારણ આપે છે...

વાસણો દોર્યાં અભેરાઈ પર

ખાલીપો સંતાડવાની જીદમાં

લ્યો, વરસનાં વહાણ ડૂબ્યાં હાથમાં

હસ્તરેખા લાંઘવાની જીદમાં

હસ્તરેખા વાંચી શકાય, પણ એને બદલી ન શકાય. કેટલીક વાર સારું માગું નકારી કાઢ્યું હોય તો કેટલીક વાર જાતને થમ જા કહીને રોકી રાખી હોય. નદી તો વહેતી સારી. કુદરતે કંઈક સમજીવિચારીને સૃષ્ટિની રચના કરી હશે. નદીને સાગરમાં ભેળવીને કુદરત સંસારની ખારાશને અંકુશમાં રાખે છે. બે જણનો મેળ પણ આ જ કામ કરે છે. એકબીજાની ખામીઓ વળોટીને એકબીજાની ખૂબીઓનો વિનિયોગ કરી શકાય. જે આપણામાં ન હોય એ અન્યના આવવાથી સરભર થતું હોય છે. અમૃત ઘાયલ એકલતાની ઊલટતપાસ કરે છે...

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો

જાણી ન જાય કોઈ કે આંખો સજળ હતી

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ

જોયું સવારના તો રુદનની ફસલ હતી

રુદનનાં કારણો પ્રત્યેકના પોતાનાં હોવાનાં. આપણે તો પ્રાર્થના કરીએ કે સૌને સમૃદ્ધ કરનારું એકાંત જરૂર પ્રાપ્ત થાય, પણ હયાતીને તોડી નાખતી એકલતા તો જોજનોનાં જોજનો સુધી ફરકે પણ નહીં. દક્ષેશ કૉન્ટ્રૅક્ટર ‘ચાતક’ કહે છે એમ, આપણે તારણ જાણીએ, પણ કારણ ન પૂછીએ...

સપનાની લાશને તમે ઊંચકીને જોઈ લો

જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં

પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં

આંખોથી વરસવાનાં કારણ પૂછો નહીં

 ક્યા બાત હૈ

અપરિણીતનું ગીત

ત્રીસ ત્રીસ ચોમાસાં ધોધમાર પીધાં

પણ ફૂટી ના કૂંપળ આ બીડમાં

પરપોટા જેવી હું એકલતા સંઘરીને

ભટકું છું, માણસની ભીડમાં

 

કલરવતી દુનિયા હું નીરખું છું કોઈની

ને જ્વાળામુખીની જેમ સળગું

ખાલીપો તેડીને સૂરજને સાચવું

ને રાત પડે હું જ મને વળગું

ઝંખનાની ઓસરીએ દેહતૂટ ઝૂરું

કોઈ પૂછે ના જાળીછમ્મ પીડમાં

 

ખેતરમાં વાવું છું થોકબંધ સપનાં

પણ મીંઢળના રંગો ના ઊગતા

નંદવાતા કાચ જેમ દિવસો સુહાગી

ને પીઠીભર ઢોલ ના ઢબૂકતાં

અડક્યાનું સુખ લઈ તડપે છે રાત

હવે ખાલીખમ હાથોના નીડમાં

પાર્ષદ પઢિયાર

(હું વત્તા તું ઉર્ફે અજવાળું)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK