Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જળ સુકાતું જાય છે

જળ સુકાતું જાય છે

05 January, 2020 05:31 PM IST | Mumbai Desk
hiten anandpara

જળ સુકાતું જાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ નદીને ક્યાં કદી સમજાય છે 

જળ મહીંથી જળ સુકાતું જાય છે
કાસમ જખ્મીના આ શેર સાથે નવા વર્ષના પ્રારંભે થોડી જખમી વાતો કરવી છે. જખમી થયેલી ધરતી અને વાતાવરણ બન્ને ઊંહકારા મારી રહ્યાં છે. દિલ્હીમાં તો શ્વાસ લેવો દુષ્કર બની ગયું છે. નવા વર્ષે જે ચિંતા કરવાની છે એેમાં અગ્રસ્થાને પ્રદૂષણ અને પાણી છે. આજે જળચિંતન કરી જડચિંતનના મેણામાંથી ક્ષણિક છુટકારો મેળવીએ. ૨૦૨૧થી શરૂ થતા દાયકાના પડકારોમાં જળસંચય એક મહત્ત્વનો મુદ્દો રહેશે અને હોવો પણ જોઈએ. સરકારે ૨૦૨૪ સુધીમાં નળ દ્વારા જળની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે એ અસરકારક જળસંચય વગર શક્ય નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે. અતિક્રમણને કારણે નદીઓના કાંઠા લોહીલુહાણ થયા છે. ડાયાબિટીઝનો દરદી રોજ ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લે એમ નદીઓના દેહમાં પ્રદૂષણનાં ઇન્જેક્શન ભોંકાતાં રહે છે. મનોહર ત્રિવેદી કહે છે એવું દૃશ્ય મુંબઈની મીઠી નદીમાં તાદૃશ્ય થાય છે...
ત્યાં નદીના દેહ પર ઊભરાય છે ખાબોચિયાં
વ્રણ ગયાં છે કચકચી ને કોઈના મનમાં નથી
નદી એક નાળું બની ગઈ છે. આપણે નદીનું મોં કાળું કરી નાખ્યું છે. ઝભલાબંધીને કારણે પ્લાસ્ટિકનાં ગૂમડાં ઓછાં થયાં એનો હાશકારો જરૂર લઈ શકાય છતાં દરદી નદીની ઉત્તમ સારવાર આવશ્યક છે. અન્યથા નયન દેસાઈનો આ શેર ૨૦૫૦માં નદીની મધ્યમાં ગ્રેનાઇટ પર કોતરી ફૂલહાર ચડાવવા જવું પડશે.
કાંઠાની દૂરતાથી હવે મુક્ત થઈ ગઈ
વહેતી હતી જે એક નદી લુપ્ત થઈ ગઈ
ક્યાંક સરકારી આવડત ઓછી પડે છે તો ક્યાંક નાગરિકી જાગરુકતા. નદીના વહેણમાં સહજતાથી કાંકરીચાળો કરતાં આપણે આપણી જિંદગીમાં આવો કોઈ ચાળો સહન કરી શકતા નથી. પેપ્સીનું ટિન કે પાણીની ખાલી બૉટલ જળાશયને પધરાવી દેવામાં કોઈ શરમ આપણને નડતી નથી. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે યાતના પ્રત્યે કાંઠાના નામે લખાયેલી છે...
લોક આવી બેઉ કાંઠે શુંય મૂકી જાય છે
બેઉ કાંઠાને નદી હંમેશ ધોતી હોય છે
એકવીસમી સદીના મહાન પ્રશ્નોમાં આતંકવાદ ઉપરાંત પાણીવાદ પણ રહેવાનો. મૉન્સૂનની  સાઇકલ ખોરવાતી જાય છે. દિવાળીમાં મુંબઈમાં વરસાદી છાંટા વેરાય એવી કલ્પના પણ ન કરી શકાય તે હકીકતમાં પરિણમી. હવે રણમાં વરસાદ પડતો થયો છે. લીલાછમ વિસ્તારોમાં દુકાળની શરૂઆત થઈ છે. વધુ વરસાદ પડે તો ધરતીની ભીતર ભૂગર્ભ જળ તરીકે સંચિત થવો જોઈએ. પણ તેમ થતું નથી. શહેરીકરણના કારણે ધરતીના મુખ પર સેલોટેપ ચોંટી ગઈ છે. સાહિલનો શેર ખોફનાક છે...
જળ હતાં ત્યાં આજ નકરી રેત છે
આ નદી છે કે નદીનું પ્રેત છે
જો જળસંચય અને વિતરણમાં ક્રાન્તિકારી પગલાં નહીં લેવાય તો શક્ય છે આપણા બાથરૂમના નળમાં રૂમઝૂમ પાણીને બદલે રુક્ષ રેતી સરી પડે. અતિશયોક્તિ અલંકાર લાગતી અનેક ઉક્તિઓ વાસ્તવિકતામાં પરિણમી છે એ વિજ્ઞાન અને કુદરત બન્નેએ સાબિત કર્યું છે. સુલતાન લોખંડવાલાની ચેતવણી સાંભળીએ ને પછી આપણી રાબેતા મુજબની આદત પ્રમાણે એને અવગણીએ...
પથ્થરો અને કાંકરા વાતો કરે ભૂતકાળની
આ સુકેલા પટ ઉપર મોટી નદી આવી હતી
આપણે પ્રકૃતિને માણીએ છીએ પણ એની ભાવવંદના નથી કરતા. ઘણા લોકો તો માણવાની છતા પણ ગુમાવી ચૂક્યા છે. માથેરાન કે મહાબળેશ્વર જેવા હિલ-સ્ટેશને જાય તો કહે, અહીં શું જોવાનું? ઝાડવાં જોવા થોડી આવ્યા છીએ? જે લોકો પર્વતને પ્રેમ કરી શકતા નથી તેઓ પરમેશ્વરને ક્યારેય ન પામી શકે. ચંદ્રેશ મકવાણા ‘નારાજ’નો શેર છે જે ચશ્માંના નંબર ચેક કરાવી વાંચવા જેવો છે...
એની અંદર હર્યાં ભર્યાં છે ઝરણાં જંગલ પર્વત
કેવળ પથ્થરનો સરવાળો ક્યાં છે
ક્યા બાત હૈ
જાણકારી એટલી કે એક નકશાની નદી રોજ ચિંતામાં રહે કે પાણી ઓછું થાય છે ચિનુ મોદી
ઊભો છું ભિક્ષાપાત્ર લઈને તારે આંગણે
હા, હાથમાં છે ખાલી થયેલું તળાવ દોસ્ત! રઈશ મનીઆર
જો નદીનું વ્હેણ સુકાઈ ગયું
એ રીતે અવસાન પામી જલપરી
રાજીવ ભટ્ટ દક્ષરાજ
દોસ્ત ઊભા તળાવ ક્યાં છે
ઘૂઘવે છે તરસ ઉનાળામાં
હર્ષ બ્રહ્મભટ્ટ
એટલે તોફાન કરતો હોય છે સાગર હજી રણ વચાળે ગુમ થઈ છે એ નદી ઓછી પડી
દાન વાઘેલા
કોઈ આંખોમાં સરોવરની વ્યવસ્થા થઈ શકે સ્વપ્ન લાદેલો તરાપો કાયમી જ્યાં રહી શકે
દર્શન જરીવાલા
(‘જળને સરનામે’ સં: એસ. એસ. રાહી)


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 05:31 PM IST | Mumbai Desk | hiten anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK