Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાંડવોના અજ્ઞાતવાસનું વિરાટનગર કચ્છનું ગેડી

પાંડવોના અજ્ઞાતવાસનું વિરાટનગર કચ્છનું ગેડી

31 December, 2019 02:43 PM IST | Kutch
Sunil Mankad | feedbackgmd@mid-day.com

પાંડવોના અજ્ઞાતવાસનું વિરાટનગર કચ્છનું ગેડી

કચ્છનું ગેડી

કચ્છનું ગેડી


કચ્છ એ આદિમાનવોના પુરાવાઓના અશ્મિઓ (ફોસિલ્સ) પણ સાચવી બેઠું છે એમ પુરાણોનો ઇતિહાસ પણ કચ્છની ઓળખ છે. કચ્છના વાગડ વિસ્તારમાં આવેલું રાપર તાલુકાનું ગેડી ગામ એ મહાભારત કાળના પાંડવોના અજ્ઞાતવાસ સમયનું વિરાટનગર છે એ જાણીને જ આપણને રોમાંચ થાય. કચ્છનો પૂર્વ છેડો એટલે રાપર તાલુકો. પહેલાં રાહપર તરીકે ઓળખાતા રાપર શહેરની આસપાસ ૧૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં એક પણ મોટું શહેર ન હોવાથી રાપર સ્થાનિક લોકો માટે વ્યાપારનું મહત્ત્વનું કેન્દ્ર છે. કચ્છનાં ગાંધીધામ, અંજાર શહેર એનાથી દૂર છે એટલું જ દૂર રાજકોટ નજીકનું મોરબી થાય અને પાટણ જિલ્લાનું રાધનપુર પણ એટલા જ અંતરે છે. હડપ્પન સંસ્કૃતિના ધોળાવીરા જવા માટેના મુખ્ય સ્થાન રાપરની પૂરી વાત માંડીએ તો ઘણું બધું લખી શકાય, પરંતુ અહીં આપણે વાત કરીશું રાપર તાલુકાના ઐતિહાસિક ગેડી ગામની.

ગેડી પૌરાણિક નગર છે. એને વિરાટનગરી કે ધૃતઘટી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંડવોએ અહીં અજ્ઞાતવાસ ભોગવ્યો હોવાનું કહેવાય છે. ‘ઘરિતાઘડ્યા’ અપભ્રંશ થઈને ગેડી બનેલું ગામ સંવત ૧ર૭૧માં અનહિલવાડ પાટણના રાજા અર્જુનદેવના વાઇસરૉય માલદેવના ગામ તરીકે ઇતિહાસમાં ઓળખાવાયું છે. ‘ઘીનો ઘડ્યો (પડિયો)’ સાથે જોડાયેલી એક વિચિત્ર કથા પ્રમાણે અનહિલવાડના વેપારીએ શુદ્ધ ઘી મેળવવા માલદેવના ગોખામમાંથી જાદુથી ઘીની ચોરી કરી અને પછી એ જાહેર કરી એની કિંમત ચૂકવવા માલદેવને ઑફર કરી, પરંતુ એ ઘી ચોરીનું હોવાથી માલદેવે એની કિંમત લેવાની ના પાડી. જોકે વેપારીએ તેને સમજાવતાં માલદેવે તેની કિંમત સ્વીકારી અને એ રકમમાંથી એક મંદિર, એક વાવ અને તળાવ બંધાવ્યાં.



ગેડી કચ્છનાં સૌથી જૂનાં ગામો પૈકીનું એક છે. પાંડવોના અજ્ઞાતવાસ દરમ્યાન જે વિરાટનગરનો ઉલ્લેખ થાય છે એ આ ગેડી ગામ છે. એક સમયે ચાવડા, સોલંકી અને વાઘેલાઓની હકૂમત નીચે રહી ચૂકેલા આ નગરની અનેક શૌર્યકથાઓ કહેતા પાળિયાઓ જોવા મળે છે. ગેડી વિશે અન્ય એક કિંવદંતી પણ છે. ગેડી એ પૌરાણિક રાજા ગધેસિંહની રાજધાની હતી. કોઈક કારણસર એ રાજાએ તેને ન ગમતી કુંવરીને પરણવા ગધેડાનું આવરણ પહેરવું પડ્યું હતું. સમય જતાં ગેડી ગામ મદામ નામના મુસ્લિમની સત્તા હેઠળ આવ્યું. ત્યાર પછી પઢારિયા રાજપૂતોના હાથમાં અને પછી વાઘેલા વંશની સત્તામાં આવ્યું. વાઘેલા રાજા ખૂબ જ શક્તિશાળી હતો એથી ઈ. સ. ૧૪૭૬ (સંવત ૧પ૩૩) સુધી તે ‘મહારાણા’નું બિરુદ પામ્યો હતો. ત્યાર પછી જાડેજા વંશના હાથમાં સત્તા આવી અને તેઓ ૧૯૪૭ સુધી રાણા ઑફ ગેડી તરીકે ઓળખાયા.


kutch-02

ગેડીમાં સફેદ ચૂનાના પથ્થરનું બનાવેલું અચલેશ્વર મહાદેવનું મંદિર આશરે ૩૦૦થી વધુ વર્ષો જૂનું છે. ૧પ૭૯માં એને સાચોરા બ્રાહ્મણ ગોવલ દવેએ બંધાવ્યું હતું. રર ફુટ લાંબું, ૮ ફુટ પહોળું અને રર ફૂટ ઊંચા મંદિરના ડોમ જેવા બંધારણમાં પ્રાંગણ અને મંદિર છે જેમાં ચારમુખી મહાદેવની મૂર્તિ છે જે વિરાટનગરની કુંવરી ઉત્તરાએ બંધાવેલા ઉત્તરેશ્વર મંદિરમાંથી લવાઈ છે. મંદિર નજીક માલણ વાવ છે જેના સ્તંભો વૃક્ષોથી ઢંકાયેલા અને અડધા જમીનમાં દટાયેલા જોવા મળે છે. ઈ. સ. ૧૪૭૬ (સંવત ૧પ૩૩)માં ઠાકર માલવે એનું સમારકામ કરાવ્યું હતું. આ વાવનું પાણી પીવાલાયક અને ઔષધિયુક્ત હોવાનું કહેવાય છે. આ વાવ સામે આશાબા પીરનું મંદિર છે. ૩૦ ફુટની ચોરસ જગ્યામાં બે સમાધિ છે.


ગેડીમાં સુવૃતસ્વામીનું જિનાલય-મહાવીરસ્વામીનું એક જૈન મંદિર રપXર૦ ફુટનું ટેરેસ જેવું છે. અંદર ચાર મંદિરની સામે વિશાળ વરંડો છે. ૧૬ સ્તંભોથી રક્ષિત એક ડોમ છે. મધ્યમાં માર્બલની ત્રણ તીર્થંકરોની મૂર્તિઓ છે. વચ્ચે મહાવીરસ્વામી છે અને આજુબાજુ આદિનાથ અને શાંતિનાથની મૂર્તિઓ છે. માલવ નામના એક વણિકે આ મંદિર બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે આ માલવે માખણનો ઉપયોગ કરીને આ મહાવીર મંદિર, માલણ વાવ અને માલસર તળાવ બાંધ્યાં હતાં.

નગરનું પ્રાચીન લક્ષ્મીનારાયણનું મંદિર અનેક થપાટો ખાઈ ચૂક્યું છે જે એના અનેક વાર કરાવાયેલા જીર્ણોદ્ધારના લેખો પરથી જણાય છે. બે ડોમના પ્રાંગણવાળું ૩૬ ફુટ લાંબું અને રર ફુટ પહોળું આ પિરામિડ શૈલીનું મંદિર છે જે ઈ. સ. ૧૮૪૦માં બંધાયું હોવાનું કહેવાય છે. ૧૮૧૯માં કચ્છના રણમાં આવેલા ભૂકંપમાં દટાઈ ગયેલા જૂના મંદિરની જગ્યાએ આ મંદિર બંધાયું હોવાનું મનાય છે. મંદિરમાં પોણાબે ફુટ ઊંચી લક્ષ્મીનારાયણની મૂર્તિ હતી. ૧૭૭પમાં એના સ્થાને સિંધના સરફરાઝે દશાવતારની ચાર ફુટ ઊંચી મૂર્તિ બનાવી હતી. સૂર્યનારાયણની મૂર્તિ પાંડવોએ મૂકી હોવાનું કહેવાય છે. એના સાંનિધ્યમાં પથ્થરની ગણપતિની મૂર્તિ ૧૬૧૮ (સંવત ૧૬૭પ)માં બનાવાઈ હોવાનું મનાય છે. અહીં પ્રથમ સૂર્ય અને પછી વિષ્ણુની પૂજા થતી હતી એવું જણાય છે. નગરથી દૂર આવેલો ‘રેતિયો ગઢ’, નેક શિલ્પાંકૃત પાળિયાઓ ગેડીના ઇતિહાસને વર્ણવે છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 02:43 PM IST | Kutch | Sunil Mankad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK