Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક જીવનનું મૂલ્ય : બે-ચાર લાખ રૂપિયાની મરણોત્તર સહાય વાજબી શું કામ નથી?

એક જીવનનું મૂલ્ય : બે-ચાર લાખ રૂપિયાની મરણોત્તર સહાય વાજબી શું કામ નથી?

21 January, 2021 09:48 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

એક જીવનનું મૂલ્ય : બે-ચાર લાખ રૂપિયાની મરણોત્તર સહાય વાજબી શું કામ નથી?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ


બે દિવસ પહેલાં સુરત પાસે થયેલા અકસ્માતમાં પંદરનાં મોત થયાં. સરકાર દ્વારા મરનારાઓને બબ્બે લાખની મરણોત્તર સહાય આપવામાં આવી. થોડા સમય પહેલાં બિહારના એક રોડ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હતાં. સરકાર દ્વારા મરનારાઓના પરિવારજનોને એટલી જ રકમ, બબ્બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી. સુરત અને બિહારની ઘટનાની નૂક્તેચિની નથી થઈ રહી, પણ પૂછવાનો હેતુ એ છે કે એક જીવનનું મૂલ્ય શું અને એ કેવી રીતે આંકી શકાય? શ્રમજીવી કે પછી કહો કે મજૂર હોય તો એ શું આખી લાઇફ દરમ્યાન બે લાખ રૂપિયા જ કમાઈ શકે અને બે લાખ રૂપિયામાં એના પરિવારજનોની આજીવિકા સચવાઈ જાય ખરી? કે પછી આ જે મરણોત્તર સહાય છે એ બે-ચાર મહિના પૂરતી કરવામાં આવતી હશે, જેના આધારે અચાનક આવી ગયેલી અણધારી ઉપાધિના શોકમાંથી પરિવારજનો બહાર આવી જાય અને બહાર આવ્યા પછી એ નવેસરથી પોતાના કામ પર લાગી જાય. આવો હેતુ હોતો હશે? જો આ પ્રકારનો હેતુ હોય તો પણ ગેરવાજબી છે, કારણ કે મરનારા સ્વજનની ઉંમર કેટલી હતી અને મરણ પામનારી વ્યક્તિ પોતાની પાછળ કેવી અને કેવડી જવાબદારી છોડી ગયું છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. જો એ મહત્ત્વતા ન સમજાય તો અપાનારી મરણોત્તર સહાય હાસ્યાસ્પદ બની જાય અને એ જ્યારે હાસ્યાસ્પદ બને ત્યારે સરકારથી માંડીને અવામ સુધ્ધાંનું પણ નાક વઢાઈ જાય.
કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે હવે સમજવું પડશે કે એક જીવનનું મૂલ્ય હવે નાનું નથી રહ્યું. સમજવું પડશે કે મરનારો કેવી અને કેટલી આકરી જવાબદારી સંભાળતો હતો અને એ પણ સમજવું પડશે કે જીવ ગુમાવનારાને આર્થિક સહાય આપીને આપણે પુરવાર શું કરવા માગીએ છીએ? બે લાખ રૂપિયા આજના સમયમાં એવી કોઈ રકમ નથી કે માણસ એના આધારે જીવી શકે અને પોતાનો રોજબરોજનો નિર્વાહ ચલાવી શકે. બે-ચાર લાખ રૂપિયા અત્યારે ઝીણા થઈ ગયા છે અને એ વાત મારા-તમારા જેવા સૌ કોઈ જાણે છે. આર્થિક સહાય અનિવાર્ય છે અને એની અનિવાર્યતાને વાજબી રીતે લેવાની છે. ખાસ કરીને ત્યારે, જ્યારે મરનારાઓ શ્રમજીવી હોય, રોજેરોજનું કમાઈને ખાતા હોય.
સહાય સંવેદના છે અને સંવેદના ક્યારેય હાસ્યાસ્પદ ન બનવી જોઈએ. અત્યારે સરકાર, રાજ્ય કે પછી કેન્દ્ર સરકાર દ્વારા જે સંવેદના દર્શાવવામાં આવે છે એનો ભાવ સારો છે, પણ એમાં વાસ્તવિકતાની ક્યાંક અને ક્યાંક કમી દેખાઈ રહી છે. આ કમીને દૂર કરવાની જરૂર છે અને નહીં તો એવો કોઈ રસ્તો કાઢવાની જરૂર છે જેમાં વાજબી વ્યવહારપણું હોય. મરનારાઓની પાછળ મરી નથી શકાતું એ સૌ કોઈ જાણે છે, પણ સ્વજનના ગયા પછી જીવન મોતથી પણ વધારે આકરું ન બની જાય એ અગત્યનું છે. નજીવી સહાયને લીધે અન્યત્ર સહાયના રસ્તાઓ બંધ થઈ જતાં હોય છે તો સાથોસાથ હાથ ફેલાવવાની હામ પણ નીકળી જતી હોય છે. બહેતર છે કે એવું ન બને અને સ્વજનની વિદાય વધારે વસમી ન બને એનું ધ્યાન રાખીને કોઈ કાયમી ઉકેલ શોધવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 09:48 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK