Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરમ સત્ય : માત્ર શિક્ષણથી કશું નહીં આવે, સંસ્કાર અને સમજણ મહત્ત્વનાં છે

પરમ સત્ય : માત્ર શિક્ષણથી કશું નહીં આવે, સંસ્કાર અને સમજણ મહત્ત્વનાં છે

12 January, 2020 05:52 PM IST | Mumbai Desk
manoj joshi | manoj.joshi@mid-day.com

પરમ સત્ય : માત્ર શિક્ષણથી કશું નહીં આવે, સંસ્કાર અને સમજણ મહત્ત્વનાં છે

પરમ સત્ય : માત્ર શિક્ષણથી કશું નહીં આવે, સંસ્કાર અને સમજણ મહત્ત્વનાં છે


હા, આ જ પરમ સત્ય છે અને આ પરમ સત્યને સૌકોઈએ સ્વીકારવું પડશે. માત્ર શિક્ષણથી કે ચોપડિયા જ્ઞાનથી કશું મળવાનું નથી, કશું વળવાનું નથી. સંસ્કાર અને સમજણ જ અદકેરાં સાબિત થવાનાં છે. જો સંસ્કાર હશે, જો સમજણ હશે તો જ દેશમાં ખોટાં કામ થતાં અટકશે. જો સંસ્કાર હશે, જો સમજણ હશે તો જ દેશમાં બળાત્કાર જેવા અમાનવીય ગુના અટકશે. જંગલમાં પણ ઇચ્છા વિરુદ્ધ એક પ્રાણી બીજા પ્રાણીને સ્પર્શ નથી કરી શકતું. કામવાસનાનો અતિરેક જંગલમાં પણ જોવા ન મળતો હોય એવા સમયે તમે કેમ સમાજમાં એને સ્વીકારી શકો, કેવી રીતે તમે એને સમાજમાં રાખી શકો?

અશક્ય, અસંભવ. આ શિક્ષણના અભાવની દુર્દશા નથી, નથી અને નથી જ. આ સંસ્કાર અને સમજણની ખોટની અવદશા છે અને આ અવદશા વચ્ચે ભારત ક્યારેય મહા-રાષ્ટ્ર બની ન શકે. આ અવદશા વચ્ચે, આવી નિમ્ન સ્તરની માનસિકતા જ્યાં પણ રહી છે ત્યાં વિકાસના નામે અંધકાર જ પ્રસર્યો છે. જુઓ તાલિબાનીઓને અને અફઘાનિસ્તાનને તમે. જુઓ, આફ્રિકાના એ દેશોને જે દેશો આજે પણ અધમ કૃત્યોના નામે કણસી રહ્યા છે. હિન્દુસ્તાનને એ રસ્તે ન જવા દેવું હોય તો માત્ર કાયદા અને કાનૂનનાં દ્વાર જ આકરાં નહીં કરવાં પડે. એ માટે તમારે પણ સજાગ થવું પડશે. એકેક બહેને જાગવું પડશે, એકેએક માએ પણ આંખો ખોલવી પડશે. અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું. દીકરી ઘરમાં મોડી આવે તો એક વખત ચલાવી લેજો, પણ દીકરો બહારથી મોડો આવે એ વાતને સહેજ પણ હળવાશથી ન લેતા. ઘરમાં મોડી આવતી દીકરીના શિયળની તમને ચિંતા થતી હોય તો તમને દીકરો કોઈનું શિયળ લૂંટી શકે છે એ વાતની ફિકર થવી જ જોઈએ.
કબૂલ કે ગુજરાતી ક્યારેય એ રસ્તે નથી જતો, પણ અહીં વાત સાર્વજનિક સ્તરે જોવાની નથી. વાત હવે પ્રત્યેક પરિવારને ધ્યાનમાં રાખીને જોવાની છે. પરિવારને ધ્યાનમાં રાખીને જોવાની અને પરિવારના દરેક પુરુષસભ્ય પર આંખો માંડવાની છે. બળાત્કાર દસ હજારે એકાદ વ્યક્ત‌િ માંડ કરતો હશે અને ગુજરાતીઓમાં તો એ દસ લાખે પણ કોઈ નીકળે કે નહીં એ એક શંકા જન્માવે એવી વાત છે. બાળકોના મોબાઇલથી માંડીને તેના ફ્રેન્ડ્સને મળવા સુધી જવું પડે તો પણ જાઓ. એમાં શરમાવા જેવું કંઈ નથી. સહજ રીતે એનો રસ્તો કાઢો. સંતાનોને તમે સંસ્કાર આપ્યા છે, પણ સંતાનોના મિત્રોને સંસ્કાર આપવાનું કામ તમે નથી કર્યું અને કહેવત છે જ આપણે ત્યાં કે ‘એક ખરાબ કેરી બધી સારી કેરીને બગાડી નાખે છે.’ ફરજંદ બગડે નહીં એ જોવાની જવાબદારી તમારી છે. માત્ર ને માત્ર તમારી. એ બગડ્યું હોય તો વાત છુપાવવાને બદલે એને માટે સાચા રસ્તા કયા છે એ જોવાની જવાબદારી પણ તમારી છે એ ભૂલતા નહીં અને એ પણ ભૂલતા નહીં કે સુધારવાના તમામ માર્ગ છે જ પણ એને માટે હિંમતપૂર્વક એ રસ્તે ચાલવું પડશે.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 05:52 PM IST | Mumbai Desk | manoj joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK