સૂર્ય પણ આથમે છે બોલી દે

Published: Mar 22, 2020, 20:36 IST | HIten Anandpara | Mumbai Desk

મેરા ભારત મહાન! વહાણ ડૂબવાના સંજોગો ઊભા થાય ત્યારે નાવિક સાથે ઝઘડો ન કરવાનો હોય, એને શક્ય એટલા મદદરૂપ થવાનું હોય

કોરોના વાઇરસે વિશ્વના મોટા ભાગના દેશોને કૉલરથી ઝાલ્યા છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ દેખાય નહીં એવા આ વામન વિષાણુએ વિરાટ વિશ્વને વેરવિખેર કરી નાખ્યું. દુનિયાનું અર્થતંત્ર વ્યર્થતંત્ર બની રહ્યું છે. ભારતનાં કેટલાંક રાજ્યોમાં કલમ 144 લાગુ કરવી પડે. દિલ્હીમાં પચાસ જણથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ જાહેર થયો. છતાં થપ્પડ લાગે એવી વાત એ છે કે શાહીન બાગના ચળવળકર્તાઓ એને ઘોળીને પી ગયા. દેશ શું, આરોગ્ય શું, નાગરિકત્વ શું આ બધી વિભાવનાઓ પેઇડ-પંપાળમાં પીંજાઈ ગઈ છે. તેમને હુંકારા-પડકારા-દેકારા કરવા છે પણ કોરોના સામેની લડતમાં જોડાવું નથી. મેરા ભારત મહાન! વહાણ ડૂબવાના સંજોગો ઊભા થાય ત્યારે નાવિક સાથે ઝઘડો ન કરવાનો હોય, એને શક્ય એટલા મદદરૂપ થવાનું હોય. રાકેશ સાગરની વાત બહેરા કાને અથડાય એનો પારાવાર રંજ છે...

ચઢાણોમાં કસોટી થાય છે મોટી
ઢળે નીચે તરફ એ ઢાળ છોડી દે
તમારા હોઠ છે પર્યાય ફૂલોના
નહીં બોલી શકે તું ગાળ, છોડી દે

બહુ ઓછા મુદ્દા એવા હોય જેના થકી આખો દેશ એક થઈ જાય. જગતને દર્શાવવા માટે નહીં, પણ જાતને ટકાવવા માટે આ એકતા જરૂરી છે. નસીબજોગે એશિયાના ઘણા દેશો કરતાં ભારત તબીબી ક્ષેત્રે સારી મહારત ધરાવે છે. ભલે આપણો દેશ ધનસંપન્ન નથી પણ જરૂરી સાધનસંપન્ન તો છે જ. અતીતના અનુભવને આધારે વર્તમાનને સાચવવાની મથામણ ચાલુ છે ત્યારે બાબુલાલ ચાવડા આતુરની પંક્તિઓ ધ્યાન ખેંચે છે...

બોલી રહ્યો છું હું પણ મારી જુબાન ક્યાં છે?
મારા જ શબ્દમાં પણ મારી પિછાન ક્યાં છે?
ટીંગાડવા મથું છું ભૂતકાળને હું ભીંતે
ભીંતો કહે છે તારો કોઈ વર્તમાન ક્યાં છે?

વર્તમાનને માન આપવાનું હોય. જે-તે સંજોગો પ્રમાણે સૂઝબૂઝથી ઝીંક ઝીલવાની હોય. ચીન જલદી જાગી ગયું તો વાઇરસને કારણે થતો મૃત્યુદર અંકુશમાં આવી ગયો. ઇટલી અને ઈરાન બહુ મોડા જાગ્યા તો ત્યાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો. આપણે પણ વાઇરસના ત્રીજા-ચોથા સ્ટેજમાં અણધાર્યો સામનો કરવાનો આવી શકે. આંકડાની દૃષ્ટિએ જુઓ તો ભારતમાં વર્ષેદહાડે અકસ્માતમાં દોઢ લાખ લોકો મરે છે. ન્યુમોનિયાને કારણે વર્ષે સવા લાખથી વધુ બાળકોનાં મૃત્યુ થાય છે. મલેરિયા પણ હજારો દરદીઓને મોતના મુખમાં ધકેલે છે. એ રીતે કોરાના થકી થયેલી જાનહાનિ હજી અંકુશમાં છે, પણ ભારતની વસ્તી જોતાં એ વકરે તો ત્રાહિમામ પોકારાવી શકે. ડૉક્ટર, સામાજિક કાર્યકર્તાઓ, અધિકારીઓ, સિતારાઓ જાગૃતિની પહેલમાં જોડાયા છે. સાવચેતીની વાત જે નહીં સમજે તેમને વસંત રાવલ ગિરનારીનો શેર સખેદ મુબારક...

વેશ ભજવતા ભજવૈયાને
પહેરણ લાગે ચોલી જેવું
સમજાયું નહીં શ્રોતાઓને
જ્ઞાન અજાણી બોલી જેવું

મૃત્યુ જીવ પર ધસી આવે ત્યારે અજાણી બોલી પણ સમજાવા લાગે. અંતરની એક ભાષા હોય છે. એમાં શબ્દોની અહેમિયત કરતાં વાતનું વજન વધારે હોય. વાતને વાઇરસ તરફથી વિરહ તરફ વાળીએ, કારણ કે અંતે તો આ કટાર ગઝલની છે ને ગઝલમાં વિરહનો ભાવ પ્રેમ જેટલો જ સિંહાનસ્થ છે. ગિરીશ પરમાર રઢુકિયાના શેર સાથે ભુલાઈ ગયેલા કોઈ ચહેરાને ફરી પાછો આંખ સામે તરવરતો કરીએ...

હું તને ભૂલી ગયો છું ક્યારનો
એમ બોલીને કરું છું યાદ પણ
કેટલાં વર્ષો પછી નજરો મળી
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ

કેટલીય વાર એવું બને કે આપણે બોલીને બગાડીએ. સાચવેતી રાખી-રાખીને સંવેદનશીલ મુદ્દા પર એક કલાક વાત કરી હોય, પણ જીભમાંથી બે વેણ એવાં નીકળી જાય કે બધું ગ્રાઉન્ડ વર્ક ધોવાઈ જાય. કેટલું બોલવું, ક્યાં બોલવું, કોની પાસે બોલવું, શા માટે બોલવું વગેરેનું તારણ કાઢવાનો સમય ન હોવાથી જીભ કાબૂમાં રહેતી નથી. ડૉ. કિશોર મોદીની વાત સમજવા જેવી છે...
આજ હમણાં ક્ષણ સુવાસિત જેમ મળવું
જાણે કાલે તો યુગાંતર થઈ જવાનું
હું કહેતો હોઉં કંઈ, બોલી પડે તું
તો ઉભય વચ્ચે મતાંતર થઈ જવાનું
બે જણ વચ્ચે મતમતાંતર બોલવાને કારણે જ વધુ થતું હોય છે. આ બોલવું ક્યારે બોલાચાલીમાં પલટાઈ જાય એ ખબર ન પડે. મહેશ દાવડકર સમર્પણ શીખવે છે...
ટોચ પર જઈ ખુદને મળવું પણ પડે
શક્ય છે નીચે ઊતરવું પણ પડે
મીણબત્તી બોલીઃ ‘જ્યાં હો લાગણી
ત્યાં બે છેડેથી સળગવું પણ પડે’
વિરહમાં સળગવાની પ્રાથમિક જરૂરિયાત પાર કરવી જ પડે. ચાંદની સુધી પહોંચવા સૂરજની ઝાળ સહેવી પડે. ક્યારેક આ બે વચ્ચેના સમયગાળામાં અસમજંસ વિકસતી જાય ત્યારે ભરત ભટ્ટ પવનની જેમ અવાક થઈ જવાય...
નગરચોક, રસ્તા, ગલીઓ, બજારો
મહેકી રહ્યાં સૌ, એ જ્યાંથી ગઈ છે
હસવું કે રડવું ન સમજણ પડે કંઈ
‘હું આવું છું’ બોલી એ ચાલી ગઈ છે

ક્યા બાત હૈ

મોત માથે ભમે છે બોલી દે
સૂર્ય પણ આથમે છે બોલી દે

નામ કોનું હૃદયમાં ધબકે આ
કોણ મનમાં રમે છે બોલી દે

શૂન્યતાના અનંત એકાંતે
કોણ કોને ગમે છે બોલી દે

સાત આકાશનીયે પેલે પાર
કેમ માથું નમે છે બોલી દે

રોજ અંધારી ભાંગતી રાતે
આભથી શું ઝમે છે બોલી દે

આ શું છલકે તુષારબિંદુમાં
સાગરે શું શમે છે બોલી દે

કેમ ગર્જી રહ્યા છે બારે મેઘ
ધરતી શીદ ધમધમે છે બોલી દે

કેમ ચાંદો વધેઘટે નિશદિન
તારા શીદ ટમટમે છે બોલી દે

કે પછી કોઈ પણ નથી આદિલ
‘આપણે’ ‘હું’ ‘તમે’ છે બોલી દે
- આદિલ મન્સૂરી

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK