Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો સરવાળો ભાગાકાર

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો સરવાળો ભાગાકાર

05 January, 2020 04:37 PM IST | Mumbai Desk
raj goswami

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો સરવાળો ભાગાકાર

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો સરવાળો ભાગાકાર


ભારતની આઝાદી પછી સશસ્ત્ર દળોમાં એક બાબતની જે કમી હતી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની એ જનરલ બિપિન રાવતની નિમણૂક સાથે પૂરી થઈ છે. રાવત સૈન્યના ૨૭મા વડા હતા અને ૬૧ વર્ષે ૧ જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થયા એટલે નરેન્દ્ર મોદીની સરકારે તેમને ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનાવ્યા છે. આ પદની અવધિ ૬૫ વર્ષની છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સુરક્ષા પરિષદના તમામ પાંચ કાયમી સભ્યદેશો ચીન, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને યુનાઇટેડ સ્ટેટમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ છે. જર્મનીમાં પણ આ હોદ્દો છે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ ઊભું કરવાની યોજના છેલ્લા બે દાયકાથી દિલ્હીના રાજકીય કૉરિડોરમાં લટકી રહી હતી. વિશ્વના તમામ ન્યુક્લિયર દેશોમાં થલ સેના, નૌસેના અને વાયુસેના વચ્ચે સમન્વય માટે એક ચીફ હોય છે, જે સરકાર સાથે કડી બને છે. ભારતે ખૂટતી કડીને જોડી દીધી છે. 

ન્યુક્લિયર કમાન્ડ ઑથોરિટી વડા પ્રધાન પાસે હોય છે અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એમાં સલાહકારની ભૂમિકા ભજવશે. ભારતે વાયુસેના, ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ અને ઇસરો વચ્ચે સમન્વય માટે ૨૦૦૮માં ઍરોસ્પેસ કમાન્ડ ઑથોરિટી બનાવી હતી. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એમાં પણ ભૂમિકા ભજવશે. જનરલ રાવત પાસે ઑપરેશનલ સત્તા નહીં હોય (જે ત્રણેય પાંખના વડા પાસે જ રહેશે), પણ સાજસરંજામ અને મૂડીરોકાણ અને સલાહ-સૂચન માટે કામ કરશે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો ઇતિહાસ
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો મુદ્દો આજકાલનો નથી. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું ત્યારે ફીલ્ડ માર્શલ કલાઉડે ઔન્ચિન્લેકે ત્રણેય પાંખના વડા તરીકે કમાન્ડર-ઇન-ચીફનું પદ સંભાળ્યું હતું. વિભાજન પછી થોડા સમય માટે તેમને સુપ્રીમ કમાન્ડરનું નામ આપવામાં આવ્યું હતું. ૧૯૪૭માં ભારત સરકરે લૉર્ડ માઉન્ટબેટન અને તેમના ચીફ ઑફ સ્ટાફ, લૉર્ડ લાયોનલ ઇસ્મેયને સ્વતંત્ર ભારતમાં ઉચ્ચસ્તરીય સૈન્ય મૅનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી આપવાની વિનંતી કરી હતી. બન્નેનું સૂચન દરેક પાંખ માટે એક-એક કમાન્ડર-ઇન-ચીફ અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવા માટે એક ચીફ ઑફ સ્ટાફ કમિટી બનાવવાનું હતું.
વિભાજન પછી આ યોજનામાં ફેરફાર કરીને દરેક પાંખ માટે ચીફ ઑફ સ્ટાફ નીમવામાં આવ્યા અને સુપ્રીમ કમાન્ડરની સત્તા ભારતના રાષ્ટ્રપતિને સોંપવામાં આવી. એનું મૂળ કારણ સૈન્ય પાસે અમર્યાદ સત્તા ન આવી જાય એ હતું અને નિર્ણય લેવાની સત્તા બિનલશ્કરી હાથમાં રહે એ માટે સૈન્યના સર્વિસ હેડક્વૉર્ટર્સને સંરક્ષણ મંત્રાલય સાથે જોડી દેવામાં આવ્યાં હતાં.
૧૯૫૫માં ત્રણેય પાંખના સ્વતંત્ર કમાન્ડર-ઇન-ચીફ નીમવામાં આવ્યા, જેમનાં ટાઇટલ હતાં; ચીફ ઑફ આર્મી સ્ટાફ, ચીફ ઑફ નેવલ સ્ટાફ અને ચીફ ઑફ ઍર સ્ટાફ. ૬૦ના દાયકા સુધી નૌસેના અને વાયુસેનાના વડા થ્રીસ્ટાર ઑફિસર હતા, જ્યારે થલસેનાનું પ્રભુત્વ વધુ રહે એ માટે એના વડા ફોરસ્ટાર ઑફિસર હતા. ૧૯૬૫માં ચીન સાથેના યુદ્ધ પછી ત્રણેય વડા વચ્ચે સમાનતા લાવવા માટે ત્રણેય વડાઓને ફોરસ્ટાર આપવામાં આવ્યા હતા. એમાં હવે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ પણ ચોથા ફોરસ્ટાર ઑફિસર હશે.



ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ શા માટે?
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો હોદ્દો ઊભો કરવા પાછળનો મુખ્ય હેતુ સૈન્યસેવા સંબંધી સંભવિત મતભેદો સર્જાય તો સરકારને નિર્ણય લેવામાં સરળતા રહે એ માટેનો છે. એમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય પાંખના વડાઓને વિશ્વાસમાં લઈને સરકારના નિર્ણયનો અસરકારક રીતે અમલ કરાવી શકે. કટોકટીની પરિસ્થિતિમાં આ બાબત અગત્યની બની જાય છે.
જ્યારે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાને તો આકરી શિકસ્ત ભોગવી હતી, પણ ભારતનું પણ ૬૫ દિવસની એ લડાઈમાં ખાસ્સું નુકસાન થયું હતું. આની સમીક્ષા કરવા માટે ૨૦૦૧માં તત્કાલીન ગૃહપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીના વડપણ હેઠળ પ્રધાનોની એક કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીએ એવું તારણ કાઢ્યું હતું કે કારગિલ યુદ્ધ વેળા સૈન્યની ત્રણેય પાંખો વચ્ચે સમન્વયનો અભાવ હતો અને એને કારણે ભારતને નુકસાન થયું હતું. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એ માટે કમિટીએ ત્યારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનાવવા માટે ભલામણ કરી હતી.
સેનાના વડાઓએ આ ભલામણનો વિરોધ કર્યો હતો. એ પછી ૨૦૧૨માં એક અન્ય કમિટીએ ચીફ ઑફ સ્ટાફ કમિટી બનાવવાનું સૂચન કર્યું હતું, જે ત્રણેય પાંખો સાથે સમન્વય કરે. અત્યારે એના ચૅરમૅન તરીકે વાયુસેનાના વડા છે. વડા પ્રધાને આ પદને કાયમી કરવાની વાત કરી હતી અને હવે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત એના કાયમી ચૅરમમૅન રહેશે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફમાં કેમ વિલંબ થયો?
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો હોદ્દો ઊભો કરવાનો પ્રસ્તાવ વિવાદાસ્પદ રહ્યો છે. ત્રણ દિશામાંથી એનો વિરોધ થયો છે - રાજકીય મોરચે, અધિકારીઓના મોરચે અને સૈન્યના મોરચે. ભારતની આઝાદી વખતે અને ૬૦ના દાયકામાં એશિયા-આફ્રિકામાં ઘણાં ગણતંત્રોએ લશ્કરી બળવા જોયા હતા અને ભારતના નેતાવર્ગને ચિંતા હતી કે સૈન્યની સત્તા એક વ્યક્તિના હાથમાં ન અપાય. આને લઈને એક નાનકડી રમૂજ પણ છે.
૧૯૫૭માં ત્યારના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ થલસેનાના વડા જનરલ થિમૈયાને મળવા ગયેલા અને તેમના ટેબલની પાછળ સ્ટીલની અલમારી જોઈને પૂછેલું કે આમાં શું છે. જનરલે કહેલું, ઉપલા ખાનામાં દેશના સુરક્ષા-પ્લાન છે અને બીજામાં સૈન્યના ઉચ્ચ વડાઓ પરની ફાઇલો છે. નીચે, ત્રીજામાં શું છે? નેહરુએ પૂછેલું. જવાબમાં જનરલ બોલ્યા હતા, ‘હંમમમ... એમાં તમારી સામે બળવો કરવાનો છૂપો પ્લાન છે.’ નેહરુ નર્વસ થઈને હસી પડેલા.
અધિકારીવર્ગને એવી ચિંતા હતી કે એક શક્તિશાળી સંસ્થાનમાંથી તેમનું પત્તું કપાઈ જશે. ૧ જાન્યુઆરી સુધી સંરક્ષણ મંત્રાલયનો સુરક્ષાસચિવ ત્રણેય પાંખો અને સરકાર વચ્ચે કડી હતો અને એની તાકાત અને પહોંચ ત્રણેય પાંખના વડા કરતાં વધુ હતી. સૈન્યમાં વાયુસેનાને આ નવા પદ સામે વાંધો હતો, કારણ કે એને એવું લાગતું હતું કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદ પર થલસેનાનું પ્રભુત્વ રહેશે.
અલબત્ત આ ત્રણેય વર્ગની ચિંતા-ફિકર આધુનિક સમયમાં અને ખાસ કરીને ૨૧મી સદીમાં બદલાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિમાં વાજબી રહી નથી. દેશની સુરક્ષા સામેના પડકાર પરંપરાગત રહ્યા નથી અને કોઈ પણ પ્રકારના સીમા-આક્રમણમાં સૌથી ઓછા સમયમાં લડાઈ જીતવી એ સમયની માગ છે અને એ માટે ત્રણેય પાંખો વચ્ચે ઑપરેશનલ સમન્વય અનિવાર્ય બની ગયો છે.
બિપિન રાવતની પસંદગી શા માટે?
હોદ્દો સંભાળ્યા પછી મીડિયા સાથે વાતચીતમાં જનરલ બિપિન રાવતે સેનાની ત્રણેય પાંખોના સમન્વય પર ભાર મૂકતાં ગણિતની ભાષામાં કહ્યું હતું કે તેમના માટે એ મહત્વપૂર્ણ છે કે ત્રણેય સેવાઓનો ૧+૧+૧નો સરવાળો ત્રણ નહીં, પાંચ કે સાત થાય. તેમણે કહ્યું હતું કે સમન્વયના પ્રયાસ બધાનો માત્ર જોડ નથી, પણ એથી વધુ છે. એટલે શું? એવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તમે ૧+૧નો સરવાળો ૧૧ કરો છો એમ તાલમેલથી કામ કરો તો ૧+૧+૧નો જોડ ત્રણથી વધુ થાય છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની શરૂઆત વિવાદાસ્પદ રહી છે. સેનાના વડા તરીકે નિવૃત થતાં પહેલાં રાવતે નાગરિકતા કાનૂનના વિરોધ પર ટિપ્પણી કરતાં (‘વિદ્યાર્થીઓ જે રીતે હિંસા અને આગજની કરી રહ્યા છે એ નેતાગીરી નથી. લોકોને અયોગ્ય દિશામાં લઈ જાય તેને નેતા ન કહેવાય) વિપક્ષો અને નાગરિકવર્ગના લોકોએ રાવતનાં ‘રાજકીય વિધાનો’નો વિરોધ કર્યો હતો. સેનાનો એક નિયમ છે કે એ દેશની રાજકીય બાબતો પર ટિપ્પણી નથી કરતી. હોદ્દો સંભાળ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં આ સવાલ પુછાતાં રાવતે કહ્યું કે અમે રાજકારણથી દૂર જ રહીએ છીએ. અગાઉ તેઓ કાશ્મીરમાં પથ્થરબાજો માટે પણ અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે.
એવું માનવામાં આવે છે કે સરકાર અને રાવતનો સરવાળો બરાબર બેસે છે. સરકારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ માટે બે સિનિયર જનરલોને બાય-પાસ કરીને રાવતને પસંદ કર્યા એની પાછળ સીધો સંદેશ હતો કે તેઓ યોગ્યતામાં માને છે, સિનિયૉ‌રિટીમાં નહીં. અગાઉ ૩૦ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીએ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિંહાને બાય-પાસ કરીને જનરલ એ. એસ. વૈદ્યને સેનાના વડા બનાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 04:37 PM IST | Mumbai Desk | raj goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK