Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દીનાનાથ મધોકે લખેલાં ફિલ્મ રતનનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે

દીનાનાથ મધોકે લખેલાં ફિલ્મ રતનનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે

03 May, 2020 07:26 PM IST | Mumbai Desk
Rajani Mehta | rajnimehta45@gmail.com

દીનાનાથ મધોકે લખેલાં ફિલ્મ રતનનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે

ફિલ્મ રતનનું પોસ્ટર

ફિલ્મ રતનનું પોસ્ટર


હિન્દી ફિલ્મોની લોકપ્રિયતામાં ગીત-સંગીતનો મહત્ત્વનો ફાળો છે, પરંતુ સંગીતકાર અને ગાયક કલાકારોની સરખામણીમાં ગીતકારને પ્રમાણમાં ઓછી કે નહીંવત્ પ્રસિદ્ધિ મળી છે એ મારા-તમારા જેવા અનેક સંગીતપ્રેમીઓને ખૂંચતી હશે જ. લૉકડાઉનના આ સમયમાં આ શ્રેણી માટે જે પ્રતિભાવ મળ્યા છે એટલે આ વિષયે વિસ્તારથી લખવાનો અને સંશોધન કરવાનો મને પણ આનંદ આવે છે. ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ આવે છે...

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ન જડ્યું
જોકે આજકાલ મારો ઘણો સમય આડેહાથે મુકાઈ ગયેલાં અનેક ગીતો શોધવામાં જાય છે અને જ્યારે આવાં કવિતાસભર ગીતો સાંભળવા મળે છે ત્યારે વર્ષો બાદ બાળપણનો કોઈ પરિચિત ચહેરો અચાનક રસ્તા પર મળી જાય ત્યારે જે આનંદ થાય એવી અનુભૂતિ થાય છે.
હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં ડોકિયું કરતાં ગીતકારો વિશેની ઓછી જાણીતી વાતો સામે આવે છે. ૧૯૩૧માં બોલતી ફિલ્મો (ટૉકીઝ)ની શરૂઆત થયા બાદ બે-ત્રણ વર્ષ સુધી મૂંગી ફિલ્મો બનતી રહી. એનાં બે મુખ્ય કારણ હતાં. ટૉકીઝમાં જે સંવાદો હતા એ નાટકીય હતા એટલે એ ધીમી ગતિએ બોલાતા જેને કારણે દર્શકોને કંટાળો આવતો. મૂંગી ફિલ્મોમાં ઍક્શનનાં દૃશ્યો વધુ આવતાં. એ જોઈને દર્શકોમાં જુસ્સો આવી જતો. એ ઉપરાંત મૂંગી ફિલ્મોમાં લાઇવ ઑર્કેસ્ટ્રાને કારણે અનેક ગીતોની રજૂઆત થતી. ૧૯૩૨માં આવેલી એક મૂંગી ફિલ્મ ‘ઇન્દ્રસભા’માં લગભગ ૬૦થી ૭૦ ગીતોની રજૂઆત થતી.
એ ગીતો કોણે લખ્યાં હતાં એની કોઈ જાણકારી નથી. ફિલ્મ હિસ્ટોરિયન હરમિન્દર સિંઘ ‘હમરાઝ’ના સંપાદન કરેલા ‘હિન્દી ફિલ્મ ગીત કોષ’માં નજર કરીએ તો ૧૯૩૧માં રજૂ થયેલી ૨૪ ફિલ્મોમાંથી કેવળ ૪ ફિલ્મના ગીતકારોને ટાઇટલમાં ક્રેડિટ આપવામાં આવી છે. એ નામ છે એ. પી. કપૂર (શકુંતલા), આગા હશ્ર કાશ્મીરી (શિરીન ફરહાદ), માસ્ટર વસંત (Trapped) અને રાધેશ્યામ બરેલવી (શકુંતલા - એ જ વર્ષે બનેલી બીજી ફિલ્મ).
ફિલ્મ ‘ધૂપછાંવ’ (૧૯૩૫) જેના ‘મૈં ખુશ હોના ચહૂં, ખુશ હો ન સકું’ ગીતથી ફિલ્મમાં પ્લેબૅક સિન્ગિંગની પ્રથા શરૂ થઈ. એના ગીતકાર હતા પંડિત સુદર્શન. આ ફિલ્મમાં ૧૦ ગીત હતાં અને ક્રેડિટ ટાઇટલમાં તેમનું નામ પણ હતું. એ ઉપરાંત એ દસકાના બીજા પાંચ મુખ્ય ગીતકાર હતા પંડિત ઇન્દ્ર, દીનાનાથ મધોક, પ્રદીપ, કેદાર શર્મા અને પ્યારેલાલ સંતોષી. આજે આ ગીતકારો વિશે થોડી વાત કરવી છે.
પંડિત સુદર્શનનો જન્મ ૧૮૯૬માં સિયાલકોટના (હાલનું પાકિસ્તાન) એક જમીનદાર પરિવારમાં થયો. મૂળ નામ હતું બદ્રીનાથ શર્મા. બી.એ. વિથ લિટરેચર કર્યા બાદ વાર્તા લેખનના શોખને કારણે તે ઉર્દૂ મૅગેઝિન ‘હઝાર દાસ્તાન’માં જોડાયા. પત્રકાર, લેખક અને ઉર્દૂ અખબારના માલિક તરીકે તેમનું નામ હતું. ફિલ્મોની ચાહતને કારણે તે કલકત્તા આવ્યા અને રાઇટર-ગીતકાર અને ડાયરેક્ટર તરીકે ‘રામાયણ’ (૧૯૩૪)થી તેમની કારકિર્દીની શરૂઆત થઈ.
ફિલ્મ ‘ધૂપછાંવ’નાં તેમનાં લખેલાં બે ગીત આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ‘બાબા મન કી આંખે ખોલ’ અને ‘તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા’ (સંગીતકાર રાયચંદ બોરલ - કે. સી. ડે). ત્યાર બાદ ફિલ્મ ‘ધરતીમાતા’ (૧૯૩૮)નાં ગીતોએ તો ધૂમ મચાવી. પંકજ મલિકના સંગીત નિર્દેશનમાં કે. એલ. સૈગલના મીઠા અવાજમાં ગવાયેલાં ગીતો કોણ ભૂલી શકે? ‘દુનિયા રંગરંગીલી બાબા’, ‘મૈં મનકી બાત બતાઉં’, ‘કિસને યે સબ ખેલ રચાયા’ અને ‘અબ મૈં ક્યા કરું કિત જાઉં’નું સ્મરણ કરતાં જ દિલ બાગબાગ થઈ જાય છે.
કલકત્તા છોડીને મુંબઈ આવ્યા બાદ પંડિત સુદર્શને સાગર મુવીટોન, રણજિત મુવીટોન અને મિનર્વા મુવીટોન સાથે લેખક-ગીતકાર તરીકેની યાત્રા શરૂ કરી. તેમની યાદગાર ફિલ્મો છે સોહરાબ મોદીની ‘સિકંદર’ (૧૯૪૧) અને વી. શાંતરામની ‘પડોસી’ (૧૯૪૧). ફિલ્મ ‘સિકંદર’માં પૃથ્વીરાજ કપૂર અને સોહરાબ મોદીના સંવાદો આજે પણ રસિકજનોને યાદ છે. થોડા સમય માટે તેમણે સાઉથની ફિલ્મો માટે કામ કર્યું, પરંતુ ફિલ્મ ‘રાણી’ (૧૯૫૨) બાદ તેમણે ફિલ્મી દુનિયાને રામરામ કહીને કેવળ સાહિત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. એમ કહેવાય છે કે મહાત્મા ગાંધીજીએ તેમને વર્ધા આવવાનું આમંત્રણ આપ્યું જેથી તેઓ હિન્દીમાં પુસ્તકો લખીને હિન્દી ભાષાને લોકપ્રિય કરવામાં મદદરૂપ બને.
ગીતકાર પંડિત ઇન્દ્ર વિશે બહુ ઓછી જાણકારી પ્રાપ્ત છે. રાજસ્થાનમાં જન્મેલા ઇન્દ્રચંદ્ર દધીચ ૧૯૩૩માં મુંબઈ આવ્યા અને ફિલ્મો સાથે જોડાયા. ૧૯૪૦થી ૧૯૬૫ સુધીમાં તેમણે ૧૨૮ ફિલ્મો માટે લગભગ ૭૩૦ ગીતો લખ્યાં. ૧૯૪૮ની એસ. એસ. વાસનની બિગ બજેટ ફિલ્મ ‘ચન્દ્રલેખા’માં તેમનાં ગીત અને સંવાદો હતાં. ત્યાર બાદ જેમિની, રણજિત મુવીટોન, સાગર મુવીટોન, પ્રકાશ ફિલ્મ્સ અને હોમી વાડિયાની અનેક ફિલ્મો માટે તેમણે ગીતકાર-સંવાદ લેખનની કામગીરી બજાવી. તેમનાં લખેલાં યાદગાર ગીતો છે... ‘મોરે બાલાપન કે સાથી છલિયા ભૂલ ન જાના’ (તાનસેન – ૧૯૪૨ - ખેમચંદ પ્રકાશ - કે.એલ. સૈગલ / ખુરશીદ), ‘ઝનન ઝન પાયલ બાજે’ (ગીત ગોવિંદ – ૧૯૪૭- જ્ઞાન દત્ત – મન્ના ડે), ‘મીટ નહીં સકતા કભી, લીખા હુઆ તકદીરકા’ (સંસાર – ૧૯૫૧ - એસ. ડી. પાર્થસારથી – તલત મહેમૂદ), ‘ઓ મેરે પ્યારો ઝમીંકે તારો’ (ઝમીન કે તારે - ૧૯૬૦ – એસ. મોહિન્દર – મોહમ્મદ રફી / આશા ભોસલે / સુધા મલ્હોત્રા).
દીનાનાથ મધોક એ સમયના એવા જ એક સમર્થ લેખક અને ગીતકાર હતા. ૧૯૦૨ની ૨૨ ઑક્ટોબરે ગુજરાંવાલામાં (હાલનું પાકિસ્તાન) મધ્યમ વર્ગના પરિવારમાં તેમનો જન્મ થયો. તેમના પિતા પોસ્ટ માસ્ટર હતા. બીએ કરવાની ખૂબ ઇચ્છા હોવા છતાં તે પૂરી ન કરી શક્યા અને રેલવેમાં નોકરી શરૂ કરી, પરંતુ જીવ સાહિત્યનો એટલે ૧૯૩૧માં મુંબઈ આવ્યા. ડી. એન. મધોકની પહેલી ફિલ્મ હતી ‘રાધારાની’ (૧૯૩૨) જેમાં તેમણે વાસુદેવનો એક નાનો રોલ ભજવ્યો હતો અને આ ફિલ્મ માટે ૨૯ ગીતો લખ્યાં હતાં
આ બન્ને (પંડિત ઇન્દ્ર અને ડી. એન. મધોક) ગીતકારોની સતત એક જ કોશિશ રહેતી કે ફિલ્મનાં ગીતોની ભાષા શુદ્ધ હોવી જોઈએ અને ગીતકારને જોઈતું માન મળવું જોઈએ. ડી. એન. મધોકના પુત્ર ડૉક્ટર પૃથ્વી મધોક એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ દિવસોમાં મોટા ભાગે ફિલ્મોની ભાષા ઉર્દૂ હતી. આ લોકોની કોશિશ હતી કે વધુમાં વધુ હિન્દી ભાષાનો ઉપયોગ થાય. તેમની દલીલ હતી કે જ્યાં ૮૦ ટકા લોકો નાનાં ગામડાંમાં રહેતા હોય અને હિન્દી અથવા બીજી પ્રાદેશિક ભાષા બોલતા હોય ત્યારે લોકો આસાનીથી સમજી શકે એ ભાષામાં જ ફિલ્મોનાં સંવાદો અને ગીતો લખાવા જોઈએ. (આ જોડીએ શૈલેન્દ્ર-હસરતની જોડીની જેમ અનેક ફિલ્મોમાં સાથે ગીતો લખ્યાં છે.) તેમના આ આગ્રહને કારણે આ બન્નેને ફિલ્મના લોકોનો ઘણો વિરોધ સહેવો પડ્યો હતો. પંડિત ઇન્દ્ર શુદ્ધ હિન્દી ભાષાનો આગ્રહ રાખતા, જ્યારે મારા પિતા હિન્દુસ્તાની ભાષાનો પ્રયોગ કરતા જે કૉમનમેનની ભાષા હતી. આ બન્ને ગીતકારોની સફળતાને કારણે ધીમે-ધીમે તેમના વિરોધીઓ ચૂપ થઈ ગયા.’
ફરી એક વાર ઉમાશંકર જોશીની યાદ આવે છે. અંગ્રેજી ભાષાની કથળતી હાલત જોઈને એક વિવેચકે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું, ‘My language has become universal whore. I want to make her virgin.’ (જી હા, એ દિવસોમાં પણ આજના જેવી જ પરિસ્થિતિ હતી.) ગુજરાતી ભાષાની પણ આવી જ હાલતથી ઉમાશંકર જોશી વ્યથિત હતા. તેમણે આ વાક્યનો સહારો લઈ કહ્યું, ‘મારી ભાષા આમ્રપાલી બની ગઈ છે. મારે એને નગરવધૂ બનાવવી છે.’ એક સાક્ષર જ પોતાની વેદનાને આટલી સંવેદનાથી વ્યક્ત કરી શકે, કારણ કે જ્યારે એક ભાષા ઘસાતી જાય છે ત્યારે એક સંસ્કૃતિ ભુલાતી જાય છે એનો આપણને જેટલો જલદી અહેસાસ થાય એટલું સારું.
ડી. એન. મધોક જન્મજાત લડવૈયા હતા. લેખક, ગીતકારની સાથે તે પાછલાં વર્ષોમાં ફિલ્મના નિર્માતા બન્યા. તેમના પ્રયત્નોને કારણે જ લેખકો અને ગીતકારોને સન્માન મળવાની શરૂઆત થઈ. એ દિવસોમાં લેખક અને ગીતકારો સાથે એક સામાન્ય ક્લર્ક કે ‘મુનશી’ જેવું વર્તન કરવામાં આવતું. સેટ પર સંવાદોમાં ફેરફાર કરવામાં આવતો. આ વાત તેમનાથી સહન ન થતી. સમય જતાં તેમણે ‘ફિલ્મ રાઇટર્સ અસોસિએશન’ની સ્થાપના કરી જે આજ સુધી કાર્યરત છે.
ડી. એન. મધોકની સક્સેસ સ્ટોરી જેવી તેવી નથી. ૮ ગોલ્ડન જ્યુબિલી, ૨૫ સિલ્વર જ્યુબિલી અને અનેક સફળ પંજાબી ફિલ્મો આપનાર મધોકને લોકો ‘મહાકવિ’ કહેતા. તેમને રાય બહાદુરનો ખિતાબ આપવાની દરખાસ્ત હતી, પરંતુ તેમણે ના પાડી.
૧૯૪૦થી ૧૯૬૦ સુધી કાર્યરત રહેલા ડી. એન. મધોકે લગભગ ૮૦૦ ગીત લખ્યાં. ૧૭ ફિલ્મોનું નિર્દેશન કર્યું. સંગીતકાર નૌશાદને પહેલી વાર પોતે ડિરેક્ટ કરેલી પંજાબી ફિલ્મ ‘મિર્ઝા સાહેબા’માં અસિસ્ટન્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે મોકો આપ્યો. ૧૯૮૨ની ૯ જુલાઈએ હૈદરાબાદમાં તેમનું અવસાન થયું. તેમણે લખેલાં લોકપ્રિય ગીતોનું લિસ્ટ મોટું છે. થોડાં ગીતો યાદ આવે છે...
- ‘નૈનહીન કો રાહ દિખા પ્રભુ’ (ભક્ત સૂરદાસ-૧૯૪૨ - જ્ઞાન દત્ત-કે.એલ. સૈગલ)
‘બેઇમાન તોરે નૈનવા, નિંદિયા ન આયે’ (તરાના–૧૯૫૧ - અનિલ બિસ્વાસ – લતા મંગેશકર)
‘મૈંને દેખી જગકી રીત મીત સબ જૂઠે પડ ગયે’ (સૂનહરે દિન-૧૯૪૯ – જ્ઞાન દત્ત—મુકેશ / શમશાદ બેગમ)
અને ફિલ્મ ‘રતન’નાં (૧૯૪૪ – નૌશાદ) સદાબહાર ગીતો કેમ ભુલાય.
‘અખિયાં મિલા કે, જિયા ભરમા કે, ચલે નહીં જાના’ (ઝોહરાબાઈ અંબાલાવાલી)
‘ઓ જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ’ (અમીરબાઈ કર્ણાટકી),
‘મિલ કે બિછડ ગઈ અખિયાં’ (અમીરબાઈ કર્ણાટકી),
‘જબ તુમ હી ચલે પરદેસ’ (કરણ દીવાન).
આપણા અસ્તિત્વના ઉત્સવ સમાં બીજાં અનેક યાદગાર ગીતોના રચયિતા કેદાર શર્મા, કવિ પ્રદીપ અને પ્યારેલાલ સંતોષીની વાતો આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 07:26 PM IST | Mumbai Desk | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK