Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવા નાટકની શોધ પૂરી થઈ, ઍક્ટરોની મથામણ ચાલુ થઈ

નવા નાટકની શોધ પૂરી થઈ, ઍક્ટરોની મથામણ ચાલુ થઈ

24 December, 2019 03:11 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

નવા નાટકની શોધ પૂરી થઈ, ઍક્ટરોની મથામણ ચાલુ થઈ

શું થયું એ સુગંધનુંઃ અરવિંદ જોષીનું નાટક ‘એની સુગંધનો દરિયો’ જેકોઈ જુએ તે વખાણે, પણ નાટક બૉક્સ-ઑફિસ પર ચાલે નહીં. અરવિંદભાઈનાં ખૂબસૂરત નાટકો પૈકીનું આ એક નાટક છે.

શું થયું એ સુગંધનુંઃ અરવિંદ જોષીનું નાટક ‘એની સુગંધનો દરિયો’ જેકોઈ જુએ તે વખાણે, પણ નાટક બૉક્સ-ઑફિસ પર ચાલે નહીં. અરવિંદભાઈનાં ખૂબસૂરત નાટકો પૈકીનું આ એક નાટક છે.


કમલ સ્વરૂપને ‘ઓમ દરબદર’ માટે ફરીથી ડેટ્સ જોઈતી હતી, પણ એ સમયે હું ‘હિમકવચ’ નાટકમાં ઍક્ટિંગ કરતો હતો. ‘ઓમ દરબદર’ના શૂટિંગના અનુભવ પછી અને મારા નાટકના ઍક્ટિંગ-કમિટમેન્ટને ધ્યાનમાં રાખીને મેં તેને ના પાડી દીધી. કમલે પંડાના કૅરૅક્ટરમાં કોઈ બીજા ઍક્ટરને લઈને ફિલ્મ પૂરી કરી અને એ પછી માંડ-માંડ ‘ઓમ દરબદર’ રિલીઝ થઈ. કહેવાની જરૂર નથી કે ફિલ્મ અનનોટિસ ગઈ.

મેં તમને અગાઉ કહ્યું એમ, ‘ટકો મુંડો ટાઉં ટાઉં’ની સક્સેસ પછી મને અમારા ફાઇનૅન્સર ડૉક્ટર સી. કે. શાહે કહ્યું કે આપણે બીજું નાટક સાથે બનાવીએ. નવું નાટક કયું કરવું એની સ્ટ્રગલ શરૂ થઈ. હું પ્રદીપ રાણેને મળ્યો. પ્રદીપે મરાઠીમાં ઘણાં નાટકો લખ્યાં હતાં તો તેમણે હોમી વાડિયા અને નિકિતા શાહનું નાટક ‘હથેળી પર બાદબાકી’નું રીરાઇટિંગ પણ કર્યું હતું. એ નાટકના મૂળ લેખક અનિલ મહેતા હતા.



મેં પ્રદીપને વાત કરી એટલે તેમણે મને એક વાર્તા સંભળાવી. વાર્તા સાંભળીને મેં નક્કી કર્યું કે આપણે આ નાટક કરવું છે. પ્રદીપ સાથે નાટક કરવાનું નક્કી કરવા પાછળનું કારણ અમારી જૂની ઓળખાણ હતી. ડ્રામા કૉમ્પિટિશનમાં મેં પ્રદીપનાં અનેક નાટકો જોયાં હતાં. એ નાટકો એકાંકી હતાં, પણ અદ્ભુત હતાં. એ સમયે પ્રદીપ લાલા કૉલેજમાંથી નાટક કરાવતા. તેમનાં વાઇફ મુનિરા વીરાણી સાથે ત્યારે તેમનાં લગ્ન નહોતાં થયાં. ઇન્ટર કૉલેજિયેટ કૉમ્પિટિશનમાં પ્રદીપ નાટક ડિરેક્ટ કરે, રાઇટિંગ પણ તેમનું, મુનિરા એમાં ઍક્ટિંગ કરે. મુનિરા બહુ સારી ઍક્ટ્રેસ. પ્રદીપ અને મુનિરા સાથે મારે જૂની ઓળખાણ, જૂની દોસ્તી. એને લીધે કામ કરવામાં સરળતા રહેશે એની મને ખબર હતી.


મારે તમને બીજી પણ વાત કરવાની છે. મને ઇંગ્લિશ જરાય આવડતું નહોતું. તમને અગાઉ કહ્યું છે એમ, હું તો માત્ર એસએસસી પાસ અને એ પણ ગુજરાતી મીડિયમમાં. ઇંગ્લિશ સાથે આપણો દૂર-દૂર સુધી કોઈ સંબંધ નહીં. ઘરનું વાતાવરણ પણ શુદ્ધ ગુજરાતીનું એટલે ઘરનું બૅકગ્રાઉન્ડ પણ અંગ્રેજી નહીં. એ સમયે થિયેટરમાં ડેટ્સ માટે ઍપ્લિકેશન આપવાની રહેતી. આજે પણ ઍપ્લિકેશન હોય છે, પણ હવે બધું કમ્પ્યુરાઇઝ્‍ડ થઈ ગયું છે, પણ ત્યારે એવું નહોતું. ટાઇપ કરેલી ઍપ્લિકેશન આપવાની. ઍપ્લિકેશન માટે હું લેટરપેડ લઈને ફ્લોરા ફાઉન્ટન જતો. ત્યાં રસ્તા પર ટાઇપિસ્ટો બેસે. તેમની પાસે ઇંગ્લિશમાં ટાઇપિંગ કરાવું. એ લેટર ઇંગ્લિશમાં રેડી હોય એટલે ટાઇપિસ્ટ ટાઇપ કરી આપે, પણ મેં તમને કહ્યું એમ, મને ઇંગ્લિશ આવડે નહીં એટલે હું મુનિરા પાસે જાઉં. મુનિરા ફોર્ટમાં આવેલી બૅન્કમાં જૉબ કરે, તેનું ઇંગ્લિશ બહુ સરસ. હું તેને સમજાવું કે મારે આમ-આમ કહેવું છે એટલે એ મને કાગળ પર સરસ રીતે લખી આપે, જે હું લેટરપેડ પર ટાઇપ કરાવી લઉં. આવું લાંબા સમય સુધી ચાલ્યું. જો હું ભૂલતો ન હોઉં તો ચાર-પાંચ વર્ષ તો ચાલ્યું જ. એ પછી તો મુનિરાએ મારું એક નાટક પણ લખ્યું, જેની વાત આપણે આગળ કરીશું પણ અત્યારે આપણે વાત કરીએ ‘ટકો મુંડો ટાઉં ટાઉં’ પછીના મારા બીજા નાટકની.

goradia-02


મારું કાઠિયાવાડ : મોરબીથી ૧૦ કિલોમીટર દૂર હાઇવે પર આવેલી ધરતીધનનું કાઠિયાવાડી ચાખ્યા પછી જો મારું ચાલે તો આ રેસ્ટોરાંને હું કાઠિયાવાડી ફૂડનું બ્રૅન્ડ ઍમ્બૅસૅડર ઘોષિત કરું.

હું અને પ્રદીપ નાટકની વાર્તા પર કામ કરતા, અઢળક ચર્ચાઓ થતી. નાટકમાં કયા ઍક્ટર લેવા એની પણ વિચારણા અમારી વચ્ચે ચાલતી રહેતી. શફી ઈનામદાર અને ભક્તિ બર્વેને લેવાની વાત મારા મનમાં આવી. એ સમયે શફીભાઈ સાથે મારે થોડો સંબંધ હતો. મેં તેમના એક નાટકમાં બૅકસ્ટેજ કર્યું હતું. શફીભાઈ, લતેશ શાહ, દિનકર જાની, મહેન્દ્ર જોષી, પરેશ રાવલ, તીરથ વિદ્યાર્થી એ બધા આઇએનટીમાંથી આવેલા કલાકારો હતા. અફકોર્સ, એ બધામાં શફીભાઈ, દિનકર જાની, લક્ષ્મીકાંત કર્પે સિનિયર હતા તો લતેશ શાહ, પરેશ રાવલ, તીરથ વિદ્યાર્થી, મહેન્દ્ર જોષી જુનિયર હતા. શફીભાઈ, જાની અને કર્પે આઇટીએનટીની જે નાટ્યશાળા ચાલતી હતી એના શિક્ષકો હતા, આ જ નાટ્યશાળામાં લતેશ શાહ, મહેન્દ્ર જોષી બધા ભણતા. એ પછી કમલાકાર સોનટક્કે આવ્યા અને તેમના હાથ નીચે પ્રદીપ રાણે અને અન્ય કલાકારો તૈયાર થયા. આમ બધા એક જ સંસ્થાના કલાકારો કહેવાય અને બધાને એકબીજા સાથે ઊભી નહીં તો આડી ને આડી નહીં તો ત્રાંસી પણ ઓળખાણ તો ખરી જ.

એ દિવસોમાં શફીભાઈને મળવાનું પણ બનતું. મિત્રો, એક વાત કહેવાનું મન થાય છે. ઓળખાણ અને સંબંધોનું એવું છે કે એમાં જો તમે અંતરાલ ઊભી કરી નાખો તો એ સંબંધોની તાજગી મુરઝાઈ જાય. મનદુઃખ થાય કે પછી કોઈ વાતમાં તકલીફ ઊભી થાય તો એનું નિરાકરણ તો લાવવું પણ પડવાનું, વાતો કર્યે રાખવાનું કામ ક્યારેય કરવું નહીં.

મેં શફીભાઈને વાત કરી. તેમને વાતમાં રસ પણ પડ્યો, પરંતુ કોઈક કારણસર શફીભાઈ અને ભક્તિ બર્વે નાટક કરી શક્યાં નહીં. અમે નવેસરથી કલાકારોની શોધ શરૂ કરી અને મારું ધ્યાન અરવિંદ જોષી અને નીલિમા પર ગયું. તેમના તરફ ધ્યાન જવાનું કારણ એ હતું કે તેમનું એક નાટક ચાલતું હતું ‘એની સુગંધનો દરિયો’ જે ઇંગ્લિશ ફિલ્મ ‘ટ્રિબ્યુટ’ પર આધારિત હતું. આ નાટક જે જોતું એ બહુ વખાણતું, પણ નાટક બબૉક્સ-ઑફિસ પર ચાલતું નહીં. આજની જેમ ત્યારે સોલ્ડઆઉટ શોની ભરમાર નહોતી, સન્ડે-ટુ-સન્ડે શો થાય અને જો શો હાઉસફુલ ન થાય તો પ્રોડ્યુસરની કમર તૂટી જાય. અમને થયું કે ‘એની સુગંધનો દરિયો’ નાટક કદાચ બંધ થઈ જશે તો આપણે તેમના જ મુખ્ય કલાકારો અરવિંદ જોષી અને નીલિમાને શું કામ ન લઈએ?

અમે અરવિંદ જોષીને મળ્યા પછી શું થયું અને ‘એની સુગંધનો દરિયો’ના ભવિષ્યમાં શું લખાયેલું હતું એની ચર્ચા કરીશું આવતા વીકે...

અમારા નાટક ‘બૈરાંઓનો બાહુબલી’ની ગુજરાત ટૂર અત્યારે પણ ચાલુ છે, જે ટૂર દરમ્યાન મેં તમને ગુજરાતનાં અલગ-અલગ શહેરોની ફૂડ-ટિપ્સ આપી છે, આજે એ જ ટૂર દરમ્યાનની મોરબીના શો પછીની ફૂડ-ટિપ્સ મારે તમને આપવાની છે. આણંદની મસ્તાના દાબેલીનો સ્વાદ લીધાના બીજા દિવસે અમારે મોરબીમાં શો હતો. મિત્રો, ગુજરાતમાં ઘણાં એવાં નાનાં ટાઉન છે જ્યાં ટાઉ‍નહૉલ નથી, જે જગ્યાએ ટાઉનહૉલ છે એ બધી જગ્યાએ મારા નાટકના શો થાય છે. મોરબીમાં એક હૉલ છે જેની કૅપેસિટી માત્ર ૩પ૦ની છે, આટલામાં પ્રોડ્યુસરનો ખર્ચ ન નીકળે એટલે ત્યાં નાટકો થતાં નથી, પણ એક સંસ્થાએ પહેલી વાર ઓપન ઍર ગ્રાઉન્ડમાં શો ઑર્ગેનાઇઝ કર્યો.

નવી જગ્યા અને નવા શહેરમાં જવાનું થાય એટલે હવે મને સૌથી પહેલાં ફૂડ-ટિપ્સ યાદ આવતી હોય છે, પણ મોરબીમાં હું નાસીપાસ થયો. મેં લોકોને પૂછ્યું, નેટ પર બધું તપાસ્યું, પણ મને કકઈ એવું ખાસ દેખાયું નહીં. બધું રેગ્યુલર જ લાગ્યું એટલે થયું કે મોરબીથી મારે ફૂડ-ટિપ્સ વિના ખાલી હાથે આવવું પડશે, પણ ના, બન્યું જરા જુદું.

શો પૂરો કરીને મેં ઑર્ગેનાઇઝરને પૂછ્યું કે ક્યાં જમવા જવાનું છે તો તેમણે મને કહ્યું કે હાઇવે પર મોરબીથી ૧૦ કિલોમીટર દૂર ધરતીધન રેસ્ટોરાં છે ત્યાં તમારી વ્યવસ્થા કરી છે. ગૂગલ કરશો તો રસ્તો મળી જશે. પેટ ભરવાનું છે એવું ધારીને અમે તો રવાના થયા, પણ સાહેબ, લૉટરી લાગી ગઈ. બહુ મોટી રેસ્ટોરાં. સામાન્ય દિવસોમાં રાતે ૧૨ વાગ્યે બંધ થઈ જાય છે, પણ એ દિવસે અમારા માટે એ ખુલ્લી હતી. શુદ્ધ, સાત્ત્વિક અને ભરપૂર સ્વાદિષ્ટ કાઠિયાવાડી જમવાનું મેં એ દિવસે ટેસ્ટ કર્યું. ધરતીધનમાં મેં જે સેવ-ટમેટાંનું શાક ખાધું છે એવું શાક મેં આખા કાઠિયાવાડમાં ક્યાંય અને ક્યારેય ખાધું નથી. બાજરીનો ગરમાગરમ રોટલો, વઘારેલો રોટલો, પરોઠાં, રીંગણ-બટેટાનું શાક, મકાઈનો રોટલો. અદ્ભુત. રેસ્ટોરાંના માલિક ઉદયભાઈ મને ઓળખી ગયા. તેમણે મારા માટે બાજરાના રોટલાનું ઘીથી લથબલ ચુરમું બનાવીને મોકલ્યું. આવું મસ્તમજાનું ઘી અને ગોળ નાખેલું રોટલાનું ચુરમું મેં અગાઉ ક્યારેય ખાધું નથી.

મિત્રો, રાજકોટ જવાનું બને ત્યારે, હા બરાબર વાંચ્યું, રાજકોટ જવાનું બને ત્યારે મોરબી જઈને ધરતીધનમાં જમવાનું ચૂકતા નહીં. મોરબી રાજકોટથી ૫૦ કિલોમીટર જ દૂર છે અને ખાવાના શોખીનો ખાવા માટે તો મરવા પણ તૈયાર થતા હોય છે અને માટે જ જ્યારે પણ એ બાજુ જવાનું બને ત્યારે ધરતીધનમાં જજો અને ત્યાં જઈને ખાસ તો પરોઠાં અને સેવ-ટમેટાંના શાકનો સ્વાદ માણજો. પરોઠાં એટલાં કરકરાં કે તમે અમૃતસરી કૂલચાને પણ ભૂલી જશો અને સેવ-ટમેટાંના શાકની વાત તો તમને મેં અગાઉ કરી જ છે. આખા કાઠિયાવાડમાં આટલું ઑથેન્ટિક સેવ-ટમેટાંનું શાક ક્યાંય ચાખ્યું નહીં હોય એની તમને મારી ગૅરન્ટી.

જોકસમ્રાટ

બકાની ગર્લફ્રેન્ડે બકા પાસે એવી ગિફ્ટ માગી જે આખું વર્ષ ચાલે.

બકાએ ૨૦૨૦નું કૅલેન્ડર લાવી આપ્યું.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 03:11 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK