Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય

વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય

15 January, 2019 12:56 PM IST |
Ramesh Oza

વિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય

નીતિન ગડકરી

નીતિન ગડકરી


કારણ-તારણ 

ઉત્તર પ્રદેશમાં અઢી દાયકા જૂની દુશ્મની વીસરીને SP-BSPએ ચૂંટણીસમજૂતી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં રચાયેલા ગઠબંધનમાંથી કૉન્ગ્રેસને બહાર રાખવામાં આવી છે. આની પાછળ કૉન્ગ્રેસને ઝુકાવવાની ગણતરી છે. કૉન્ગ્રેસ જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં SP-BSPને સાથે લેશે અને સરખી બેઠકો ફાળવશે તો ઉત્તર પ્રદેશમાં SP-BSP કૉન્ગ્રેસને સાથે લઈને વળતર આપશે. દરમ્યાન અત્યારે તો કૉન્ગ્રેસે જાહેરાત કરી છે કે એ ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી લડશે અને તમામ ૮૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે.



૧૯૯૨માં અયોધ્યામાં સંઘપરિવારે બાબરી મસ્જિદ તોડી પાડી એ પછી ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ હતી. એ સમયે અયોધ્યાના હિન્દુત્વવાદી જુવાળને રોકવા SP-BSP વચ્ચે ગઠબંધન થયું હતું જેમાં અવિભાજિત ઉત્તર પ્રદેશમાં BJPનો કારમો પરાજય થયો હતો. આર્ય એ વાતનું હતું કે ત્યારે રાજસ્થાન અને અવિભાજિત મધ્ય પ્રદેશમાં પણ BJPનો પરાજય થયો હતો. એ સમયે સમજૂતી મુજબ મુલાયમસિંહ યાદવને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, પરંતુ એ ગઠબંધન નહોતું ટકી શક્યું. એ પછી ૨૫ વરસ સુધી ઉત્તર પ્રદેશના આ બે શક્તિશાળી પક્ષો વચ્ચે દુશ્મનીનો ઇતિહાસ છે. દુશ્મની એવી કે કોઈ કલ્પના ન કરી શકે કે SP-BSP સાથે આવે.


રાજકારણ શક્યતાઓનો પ્રદેશ છે. એમાં કાંઈ પણ થઈ શકે. SP-BSPને સાથે લાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, BJPના અધ્યક્ષ અમિત શાહે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોટો ભાગ ભજવ્યો છે. તાનાશાહી, સભ્યતાનો અભાવ, કોઈ પ્રકારની મર્યાદાની લક્ષ્મણરેખા નહીં માનવી અને વિરોધ પક્ષોને મુશ્કેટાટ કચડી નાખવાના વલણને કારણે દેશભરમાં વિરોધ પક્ષો સંગઠિત થઈ રહ્યા છે અને કેટલાક પક્ષો NDAમાંથી બહાર નીકળી રહ્યા છે. આજે દેશમાં લગભગ દરેક રાજ્યમાં વિરોધ પક્ષો કડવાં સમાધાનો કરીને પોતાની રાજકીય જગ્યા બચાવવાના કામે લાગ્યા છે.

આ બાજુ આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટીને પગલે-પગલે હવે આસામમાં આસામ ગણ પરિષદે પણ NDAને રામરામ કરી દીધા છે. મેઘાલય અને બીજાં રાજ્યોમાં પણ BJPના સાથીપક્ષો નાગરિક-નોંધણીમાં કરવામાં આવતા અતિરેકનો વિરોધ કરી રહ્યા છે અને BJPને રામરામ કરવાની ધમકી આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સતત BJPની ટીકા કરે છે એ ત્યાં સુધી કે સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન માટે ચોકીદાર ચોર જેવો શબ્દપ્રયોગ કર્યો હતો. BJPની હાલત એવી છે કે ભાગીદાર પક્ષ વડા પ્રધાનને ચોકીદાર ચોર કહે છે છતાં સેના સાથેનું ગઠબંધન તોડી નથી શકતી. શિવસેના BJP સાથે ચૂંટણીસમજૂતી કરશે, પણ પોતાની શરતે. મારા અનુમાન મુજબ પહેલી શરત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની હશે અને બીજી શરત ૨૦૧૪ પહેલાં એટલે કે ૨૦૦૯માં BJP અને સેના વચ્ચે અનુક્રમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની જે સમજૂતી કરવામાં આવી હતી એ પાછી લાગુ કરવામાં આવે. એ વખતની સમજૂતી આ મુજબ હતી- લોકસભા માટે કુલ ૪૮ બેઠકોમાંથી BJPને ૨૫ બેઠકો ફાળવવામાં આવી હતી અને સેનાને ૨૨. વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી BJPને ૧૧૯ અને સેનાને ૧૬૯. લોકસભાની ચૂંટણીના માત્ર ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જૂની સમજૂતી મુજબ BJPને લોકસભા માટે વધુ બેઠકો ફાળવવામાં આવતી હતી અને શિવ સેનાને વિધાનસભાની. સાથે ચૂંટણી યોજવાનો આગ્રહ એટલા માટે કે પાછળથી BJP ફરી ન જાય.


લોકસભામાં ઉત્તર પ્રદેશ (૮૦ બેઠકો) પછી મહારાષ્ટ્ર સૌથી વધુ ૪૮ બેઠકો ધરાવે છે. બીજું, BJPને ૨૦૧૪માં જે ૨૮૨ બેઠકો મળી હતી એમાંથી બસો કરતાં વધુ બેઠકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં મળી હતી. ઉદ્ધવ ઠાકરે જાણે છે કે આ વખતે એનું પુનરાવર્તન થવાનું નથી એટલે BJPને નાછૂટકે બીજા ક્રમના સૌથી વધુ બેઠક ધરાવનારા રાજ્યમાં સેના પાસે આવવું પડશે. એમ કહેવામાં આવે છે કે વડા પ્રધાન ખુદ ઉદ્ધવ ઠાકરેને મળવા અને સમજાવવા આવવાના છે. મહારાષ્ટ્ર પછી ૪૨ બેઠકો સાથે ત્રીજા ક્રમનું રાજ્ય પિમ બંગાળ છે જ્યાં દાળ ગળે એમ નથી અને ચોથા ક્રમનું રાજ્ય બિહાર છે જે ૪૦ બેઠકો ધરાવે છે. બિહારમાં BJPએ પોતાની જીતેલી પાંચ બેઠકો સાથીપક્ષો માટે છોડી દેવી પડી છે.

ઓડિશામાં બીજુ જનતા દલના નેતા નવીન પટનાયકે જાહેરાત કરી દીધી છે કે તેઓ BJP સાથે કે અન્ય કોઈ પણ રાજકીય મોરચામાં જોડાવાના નથી. આમ ઓડિશામાં જે આશા હતી એ પણ ઠગારી નીવડી છે. એક સમયે નવીન પટનાયકનો હાથ પકડીને નરેન્દ્ર મોદી જગન્ïનાથપુરીથી લોકસભાની ચૂંટણી લડવાનું વિચારતા હતા. કાશી પછી પુરી. એક યાત્રાસ્થળ પછી બીજું. કાશીમાં સ્થિતિ કફોડી છે એટલે બીજે જવું પડે એમ છે. હવે વડા પ્રધાન રાજકોટથી ચૂંટણી લડવાના છે એ લગભગ નક્કી છે.

અત્યારે NDA લગભગ અસ્તિત્વ નથી ધરાવતો એમ કહી શકાય. અત્યારે મોટા કહી શકાય એવા ત્રણ જ પક્ષ NDAમાં છે. એ છે; શિવસેના, અકાલી દલ અને જનતા દલ (યુનાઇટેડ). આ બાજુ નીતિન ગડકરીએ ડાહી-ડાહી વાતો કરીને સમાંતરે રેખા દોરવાનું શરૂ કરી દીધું છે. યવતમાળમાં મરાઠી સાહિત્ય પરિષદમાં તેમણે ટોળાશાહીની નિંદા કરી હતી. અસહિષ્ણુતાની નિંદા કરી હતી. સર્જકની સ્વતંત્રતાની હિમાયત કરી હતી. એ પહેલાં ગયા અઠવાડિયે તેમણે ઇન્દિરા ગાંધીની સ્તુતિ કરી હતી.

આવતા એક મહિનામાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2019 12:56 PM IST | | Ramesh Oza

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK