Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાવણ ઝિંદા હૈ

રાવણ ઝિંદા હૈ

26 October, 2020 08:23 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

રાવણ ઝિંદા હૈ

આપણી અંદર પણ આ તત્વો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આપણી ભીતર પણ એક નાનો રાવણ જીવતો રહેશે.

આપણી અંદર પણ આ તત્વો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આપણી ભીતર પણ એક નાનો રાવણ જીવતો રહેશે.


રામાયણના શ્રીરામની પૂજા થાય છે, પરંતુ કેટલાય લોકો જીવન તો આજેય રાવણ જેવું જ જીવે છે. રાવણરૂપી અહંકાર, મદ, લોભ, પોતાને જ સર્વ શક્તિમાન માનવાની જીદ, પોતાનું જ રાજ હોવું જોઈએ એવી મહેચ્છારૂપે રાવણ આજે પણ આપણી આસપાસ અને ક્યાંક આપણી અંદર જીવી રહ્યો છે. તેને મારવા આપણે સંયમ, સમજણ અને વિવેકરૂપી શ્રીરામને આપણી ભીતર સ્થાપવા પડશે. 

આ લેખનું શીર્ષક વાંચીને કદાચ તમને એવું થયું હશે કે આ લેખમાં આપણે સમાજના દૂષિત કે અધર્મી લોકોની વાતો કરીશું, પરંતુ એવું નથી. ભારતીય પુરાણોના બધા જ ખલનાયકોમાં રાવણ સૌથી મહાન છે. તે જેટલો પ્રતાપી અને શૂરવીર છે એટલો જ પરમ જ્ઞાની અને ભગવાન શંકરનો પરમ ભક્ત પણ છે. તેથી જ આવા અસાધારણ ખલનાયકને મારવા ભગવાને વિષ્ણુએ સ્વયં રામનો અવતાર લઈ પૃથ્વી પર આવવું પડે છે. અલબત્ત, અહીં આપણે રાવણની મહાનતાની વાતો પણ નથી કરવી. આપણે તો વાત કરવી છે રાવણના મૃત્યુની. ગઈ કાલે જ નવરાત્રિ પૂરી થઈ અને દર વર્ષે આપણે નવરાત્રિના છેલ્લા દિવસે રાવણદહન કરી અસત્ય પર સત્યનો અને બૂરાઈ પર અચ્છાઈની જીતનો મહોત્સવ મનાવીએ છીએ, કારણ કે આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. આ પરંપરાને પગલે દર વર્ષે દેશભરમાં રાવણનાં હજારો-લાખો પૂતળાં બળીને ખાખ થઈ જાય છે, પરંતુ જે રાવણ આપણી અંદર ભરાઈ ગયો છે તે આજદિન સુધી મર્યો નથી.
સામાન્ય રીતે આપણે રાવણને એક પૌરાણિક કે ઐતિહાસિક પાત્ર તરીકે જોઈએ છીએ, પરંતુ હકીકતમાં રાવણ એક સ્વભાવનું, કૃત્યોની શૃંખલાનું, અસીમ મહત્ત્વાકાંક્ષાનું તથા પાપની ચરમસીમાનું નામ છે. સરળ શબ્દોમાં કહીએ તો રાવણ એક પ્રકૃતિનું નામ છે. એવું માનવામાં આવે છે કે રામાયણ જો સત્ય પ્રસંગ હોય તો એ આજથી ૭થી ૯ હજાર વર્ષ પહેલાં બનેલી ઘટનાઓનો ઇતિહાસ છે. હકીકત એ છે કે આ ૯ હજાર વર્ષોમાં રાવણ નબળો નહીં, સબળો બન્યો છે, વધુ બળવાન, સશક્ત અને બેફામ બન્યો છે. એ રાવણ એટલે વિચારોના રાવણ, મહત્ત્વાકાંક્ષાઓનો રાવણ.
હાલમાં કોરોના વાઇરસને પગલે જ્યારે લોકોનું બહાર જવાનું ઓછું બની રહ્યું છે ત્યારે મોટા ભાગના લોકો ઘરે રહીને વાંચીને કે ટીવી જોઈને કે પછી ઓટીટી પર સિરીઝ જોઈને સમય પસાર કરતા જોવા મળે છે. આવી જ એક રોચક સિરીઝમાં વિજય માલ્યા, નીરવ મોદી તથા સહારાના સુબ્રતો રૉયની વાત કરવામાં આવી છે. અન્ય એક સિરીઝમાં 90ના દાયકાના
બિગબુલ હર્ષદ મહેતાની વાત કરવામાં આવી છે તો વળી અન્ય એક સિરીઝમાં તો સદ્દામ હુસેનની પણ વાત કરવામાં આવી છે. આ બધી સિરીઝ
હોય ભલે અલગ-અલગ પ્લૅટફૉર્મ પર, પરંતુ એ બધામાં એક સામ્ય છે. એ સામ્ય એટલે તેમનો વિશાળકાય અહંકાર.
વિજય માલ્યાની વાત કરીએ તો પિતાના અકાળ અવસાનને પગલે બહુ નાની ઉંમરે તેના પર તેમના વ્યાપક બિઝનેસની જવાબદારી આવી ગઈ હતી. તેમ છતાં તેણે પોતાની હિંમત અને
ધગશના જોરે પોતાના બિઝનેસ તથા પોતાની બ્રૅન્ડની ભારે પ્રગતિ કરી. કિંગફિશરને વિશ્વની સૌથી મોટી દારૂ બનાવતી કંપની બનવાના આરે પહોંચાડી દીધી, પણ પછી જેમ રાવણે સીતાનું અપહણ કરી મિસઍડ્વેન્ચર કર્યું એમ માલ્યાએ પણ કિંગફિશર ઍરલાઇન્સનું મિસઍડ્વેન્ચર કર્યું અને ગણતરીનાં વર્ષોમાં જ તે ઇકૉનૉમિક ક્રાઇમનો પોસ્ટર બૉય બની ગયો. તેની આવી બેલગામ અધોગતિનું કારણ હતું તેની બેલગામ મહત્ત્વાકાંક્ષા, બેલગામ આત્મવિશ્વાસ અને પોતાની બ્રૅન્ડમાં આંધળો વિશ્વાસ.
એવી જ રીતે નીરવ મોદીની ઇચ્છા ભારતીય જ્વેલરી ડિઝાઇન તથા ઉદ્યોગને વિશ્વના નકશા પર મૂકવાની હતી. લંડનથી લઈને ન્યુ યૉર્ક સુધી તેની ઉત્કૃષ્ટ જ્વેલેરી ડિઝાઇન તથા બ્રાન્ડનો ડંકો વાગતો હતો, પરંતુ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તેણે રીતસર સરકારી બૅન્ક તથા સરકારી નાણાંનો એવો વ્યય કર્યો કે આખરે તેણે જેલભેગા થવું પડ્યું.
દેશ આખામાં તાતા, બિરલાની શ્રેણીમાં સહારા ગ્રુપને મૂકી દેનારા સુબ્રતો રૉયની મહત્ત્વાકાંક્ષા તેમની ભવ્ય લાઇફસ્ટાઇલથી પણ આગળ નીકળી ગઈ હતી. રાવણની સોનાની લંકા યાદ અપાવી દે એવો આધુનિક ઠાઠમાઠ તેમની સહારા સિટીમાં જોવા મળતો હતો. પ્રાઇવેટ પૅલેસ, પ્રાઇવેટ હેલિપૅડ અને હેલિકૉપ્ટરથી લઈને તેમની લક્ઝરી ગાડીઓનો વૈભવ જોવા જેવો હતો. અંતે નાના અને ગરીબ ઇન્વેસ્ટર્સના પૈસાની સાથે તેનું આખું સામ્રાજ્ય પણ ડૂબ્યું.
બીજી બાજુ ઇરાકનો સદ્દામ હુસેન એક એવો સશક્ત શાસક હતો કે એક સમયે દુનિયાની સૌથી શક્તિશાળી મહાસત્તા તેની સાથે હાથ મિલાવવા તૈયાર હતી, પરંતુ સદ્દામે એ સૌની સામે પીઠ કરી પોતાના ચાંપલા સાથીદારો સાથે મળી ભવ્ય ભવિષ્યનાં દીવાસ્વપ્ન જોવા માંડ્યાં, જેનું પરિણામ આખરે એક ભોંયરામાં સંતાઈને દુશ્મનની ગોળીઓના શિકાર બનવાનું આવ્યું.
અહીં આ ચાર પાત્રોના દાખલાઓ આપ્યા, કારણ કે હાલ તેમની સિરીઝ ઓટીટી પ્લૅટફૉર્મ પર ખાસ્સી પ્રસિદ્ધ થઈ છે. આપણો આશય કંઈ તેમને ખલનાયકની જેમ ચીતરવાનો નથી, પરંતુ થોડી બારીકાઈથી વિચાર કરો તો તમને તેમનામાં અને રાવણમાં અનેક સમાનતાઓ દેખાશે. બેફામ મહત્ત્વાકાંક્ષા, પોતાની શક્તિ પર અપાર વિશ્વાસ, સામેવાળાને કંઈ જ ન ગણવાની તુમાખી, ચાંપલાઓની સંગત, હદ બહારનો દાવ ખેલવાની પ્રકૃત્તિ વગેરે-વગેરે. ઉપર જે વ્યક્તિઓના દાખલા આપવામાં આવ્યા છે એ પણ કંઈ સાધારણ પ્રતિભાઓ નહોતી. તેમનામાં પણ પારાવાર સાહસ અને હિંમત હતાં. પોતાના કામને તથા પોતાના ઉદ્યોગને સમજવામાં તેઓ પણ પાવરધા હતા, પરંતુ એ બધા સમય કરતાં વધુ પોતાને શક્તિશાળી સમજતા હતા. જેને પગલે આખરે તેમણે લોકોની કડવી, પણ સાચી સલાહ ન માનવાનું પરિણામ ભોગવવું જ પડ્યું.
આસપાસ નજર કરીશું તો રાવણ જેવા ઉપરોક્ત ગુણો ધરાવતી હજારો વ્યક્તિઓ મળી આવશે. બલકે શું ખબર, થોડું અંદર ઝાંકવાનો પ્રયાસ કરીએ તો આપણામાં જ આમાંના કોઈ ગુણ દેખાઈ આવે! ટૂંકમાં આજે હજારો વર્ષો પછી પણ રાવણ મર્યો નથી. ભગવાન શ્રીરામે જેનો વધ કર્યો એ તો રાવણનો દેહ માત્ર હતો, આપણે પણ દશેરાના દિવસે જેને બાળીએ છીએ એ તો રાવણનું પૂતળું હોય છે. પૂતળું બળીને ભસ્મ થઈ જાય છે, પરંતુ રાવણનો અહંકાર, રાવણની ખોટી મહેચ્છા જીવંત રહી જાય છે. આપણી અંદર પણ આ તત્વો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આપણી ભીતર પણ એક નાનો રાવણ જીવતો રહેશે. તેને નાથવા ભગવાન શ્રીરામ નહીં આવે. આપણે પોતે જ સજાગ બની શ્રીરામ જેવા ગુણો કેળવવાનો પ્રયાસ કરવો પડશે. આપણી ભીતર સંયમ, સમજણ અને વિવેકના ગુણો ખીલવવા પડશે. દશેરાના દિવસે રાવણનું દહન કરવા છતાં રોજ આપણી અંદર ફરી-ફરી જાગી જતા રાવણરૂપી અહંકારને હરાવવા જાતને કેળવવી પડશે. જો આ કાર્યમાં આપણને નાની અમસ્તી પણ સફળતા મળશે તો ન ફક્ત પોતાની જાત પર અને પોતાના પરિવાર પર, પરંતુ સમાજ આખા પર બહુ મોટી મહેરબાની થશે. તો ચાલો પવિત્ર ભાવના સાથે એ દિશામાં હવે તો પ્રયાસ શરૂ કરીએ.
આજે હજારો વર્ષો પછી પણ રાવણ મર્યો નથી. ભગવાન શ્રીરામે જેનો વધ કર્યો એ તો રાવણનો દેહ માત્ર હતો, આપણે પણ દશેરાના દિવસે જેને બાળીએ છીએ એ તો રાવણનું પૂતળું હોય છે. પૂતળું બળીને ભસ્મ થઈ જાય છે, પરંતુ રાવણનો અહંકાર, રાવણની ખોટી મહેચ્છા જીવંત રહી જાય છે. આપણી અંદર પણ આ તત્વો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આપણી ભીતર પણ એક નાનો રાવણ જીવતો રહેશે. તેને નાથવા ભગવાન શ્રીરામ નહીં આવે. આપણે પોતે જ સજાગ બની શ્રીરામ જેવા ગુણો કેળવવાનો પ્રયાસ કરવો પડશે.



(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 08:23 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK