‘બાત નિકલેગી તો દૂર તલક જાએગી...’

Published: Aug 12, 2020, 17:31 IST | Pankaj Udhas | Mumbai

એક સારી ગઝલ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે એવું બનતું જ રહે છે

પંકજ ઉધાસ
પંકજ ઉધાસ

કોઈ પણ ગીત તમે સાંભળો ત્યારે તમે આખું તૈયાર થયેલું ગીત સાંભળો છો, પણ એ ગીત પાછળ તબક્કાવાર અનેક પ્રોસેસ થઈ હોય છે અને એ બધી પ્રોસેસ પૂરી થયા પછી સરવાળે તમારી સામે ગીત આવે છે. આ પ્રોસેસ અને એની પાછળ કરવામાં આવેલી જહેમતનો સામાન્ય રીતે કોઈને ખ્યાલ નથી હોતો. આ પ્રોસેસને જાણવાની જરૂર છે.
સૌથી પહેલાં તો પ્રોડ્યુસર અને ડિરેક્ટર મળે અને એક વાર્તા નક્કી થાય. એ વાર્તા નક્કી થયા પછી રાઇટર એના પર કામ કરે અને ડાયલૉગ્સથી માંડીને ક્યાં ગીત આવી શકે એ જગ્યાઓ જુએ અને કાં તો એને માટેની જગ્યાઓ બનાવે. ઘણી વખત એવું બનતું હોય છે કે ફિલ્મ આખી એ પ્રકારે લખાયેલી હોય કે એમાં ગીતો માટે ખાસ કોઈ જગ્યા ન બને તો પછી એ ચુનૌતી ડિરેક્ટર સામે આવે અને તે ગીતોની જગ્યા બનાવે. કોવિડના આ પિરિયડમાં ટીવી જોવાનું ખૂબ બન્યું. ઇન્ટરનેટ પર ઘણાં કન્ટેન્ટ જોયાં, ઇન્ટરવ્યુ પણ જોયા. જોયેલા એક ઇન્ટરવ્યુની એક વાત બહુ સારી રીતે યાદ રહી ગઈ. આપણા ગુજરાતી મ્યુઝિક-ડિરેક્ટર સચિન-જિગરનો એ ઇન્ટરવ્યુ હતો. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમને ‘બદલાપુર’ ફિલ્મના મ્યુઝિક માટે ખૂબ તકલીફ પડી હતી. ફિલ્મના ડિરેક્ટરને એ ફિલ્મમાં ગીત માટે કોઈ જગ્યા દેખાતી જ નહોતી અને તેણે નક્કી કરી રાખ્યું હતું કે ફિલ્મમાં કોઈ ગીત જોઈતું જ નથી, પણ એમ છતાં મ્યુઝિક-ડિરેક્ટર સાથે મીટિંગ થઈ અને તેણે મ્યુઝિક-ડિરેક્ટર પાસે શરત મૂકી કે સિચુએશન ઊભી કરીને મને એ સિચુએશન મુજબ સૉન્ગ આપો તો હું એ કરવા તૈયાર છું. સચિન-જિગરના એ ઇન્ટરવ્યુમાં તેઓ બન્ને એ જ વાત કહે છે કે ફિલ્મમાં એક પણ એવી સિચુએશન નહોતી જેની સાથે સૉન્ગ સેટ થાય અને એ સૉન્ગ કાનને ખૂંચે નહીં કે પછી ખોટા સમયે આવી ગયું હોય એવું લાગે નહીં. આ મુજબની સિચુએશન ઊભી કરવાનું કામ અઘરું છે, પણ એ બન્ને હોનહાર મ્યુઝિક-ડિરેક્ટર એ કામ કરી શક્યા અને બન્નેએ એવાં જ સૉન્ગ્સ તૈયાર કર્યાં જે ફિલ્મને ક્યાંય અટકાવવાનું કે પછી સ્ટોરીને ડિસ્ટર્બ કરવાનું કામ નહોતાં કરતાં.
આ તો વાત થઈ ઑક્વર્ડ કે પછી વિચિત્ર સંજોગોની, પણ દરેક વખતે એવું નથી હોતું. સામાન્ય રીતે ડિરેક્ટર મ્યુઝિક-ડિરેક્ટર સાથે બેસીને ફિલ્મમાં જે જગ્યાએ તેને સૉન્ગ જોઈતું હોય એ જગ્યા, એ સીન અને સિચુએશન સમજાવે અને મ્યુઝિક-ડિરેક્ટરનું કામ શરૂ થાય. સિચુએશન અને સીન સમજી લીધા પછી મ્યુઝિક-ડિરેક્ટર એક ધૂન તૈયાર કરે અને એ ધૂન ડિરેક્ટરને ગમે કે પછી સિચુએશન માટે અપ્રોપ્રિયેટ લાગે એટલે એના પર કામ શરૂ થાય. બનેલી એ ધૂન પરથી ગીતકાર ગીત લખે. પહેલાંના સમયમાં ગીતો પહેલાં લખાતાં અને એને પછી મ્યુઝિક આપવામાં આવતું, પણ હવે એવું નથી થતું. લગભગ એ બંધ જ થઈ ગયું છે. હવે મ્યુઝિક પહેલાં બને છે અને એના પર ગીતકાર પોતાના શબ્દો ગોઠવે છે. ઘણી વખત તો એવું પણ બને કે ગીતને બદલે જોડકણું હોય એવું લાગવા માંડે. આ બાબતમાં મારી ઘણી ફરિયાદ છે, પણ એના વિશે વિગતવાર પછી વાત કરીશું, અત્યારે આપણી સૉન્ગની પ્રોસેસની વાત કરી લઈએ. મ્યુઝિક-ડિરેક્ટરે તૈયાર કરેલી ધૂન પરથી ગીતકાર ગીત લખે અને એ પછી એને ફરીથી રેકૉર્ડ કરવામાં આવે અને સિંગર એ ગીત ગાય. આમ એક ગીત પૂરું થાય. એક ગીતની જર્ની ખૂબ લાંબી અને વિશાળ હોય છે. એ સૉન્ગ જ્યારે બનતું હોય છે ત્યારે એને માટે દિવસોના દિવસો પસાર થઈ જાય છે અને એ રીતે તૈયાર થયેલું સૉન્ગ લોકોનાં હૃદય સુધી પહોંચી જાય છે, વર્ષો સુધી દિલમાં રાજ કરે છે.
ફિલ્મના ગીતની આ પ્રોસેસ છે, પણ વાત ગઝલની આવે ત્યારે આખી પ્રોસેસ બદલાઈ જાય છે. ગઝલ તૈયાર કરવાની પ્રોસેસ સાવ જુદી છે એવું કહું તો પણ ચાલે. અત્યારે હું એક નવા આલબમની તૈયારી કરું છું જેને લીધે મારા મનમાં આ વાત આવી છે. ગઝલ તૈયાર કરવાની હોય ત્યારે એને માટેની આખી પ્રોસેસ રિવર્સ થઈ જાય છે. તમે જે ગઝલ સાંભળો છો એ ગઝલની રચના માટે પહેલાં ધૂન તૈયાર કરવાની કે પછી એને માટેની કોઈ સિચુએશન તૈયાર કરવાની નથી હોતી, પણ એ પહેલાં માત્ર ને માત્ર શબ્દોથી જ તૈયાર કરવામાં આવે છે. ગઝલને પહેલાં શબ્દોનો શણગાર આપવામાં આવે છે. સારા-સારા ગઝલકાર અને ગીતકારો ગઝલ લખે ત્યારે તમે જોશો કે એમાં એક અલગ જ કેફ હોય છે, નશો હોય છે. રાહત ઇન્દોરી, મુમતાઝ રાશિદ છે, નિદા ફાઝલીને તમે વાંચો, ઝફર ગોરખપુરીને જુઓ. તેમના જેવા અનેક બીજા ગઝલકારો છે, જો એ બધાનાં નામ ગણાવવા બેસું તો કૉલમની જગ્યા એમાં જ ભરાઈ જાય. આ રચયિતા પહેલાં તો એકદમ, કહોને માવજત અને નજાકત સાથે ગઝલ લખવાનું શરૂ કરે છે. ચાર લાઇનની એક ગઝલ લખવા માટે કોઈ સમયમર્યાદાને તેઓ ફૉલો નથી કરતા કે પછી એની સમયમર્યાદા બાંધતા પણ નથી. પૂરતો અને ગઝલને જરૂરી છે એટલો સમય લઈને એક ગઝલ તૈયાર કરવામાં આવે છે અને એ પછી પણ જો સંતોષ ન હોય તો એ ગઝલને બહાર નથી લાવતા. ગઝલમાં પ્રાસ-અનુપ્રાસ બંધ બેસતો રહે એ માટે મહિનાઓ સુધી એક શબ્દની રાહ જોતા ગઝલકાર પણ મેં જોયા છે અને એને માટે રાહ જોવાનું પસંદ પણ કર્યું છે.
મેં અગાઉ તમને ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ...’ વિશે ઘણી વાતો કરી છે, જેમાં તમને મેં કહ્યું હતું કે મને જરૂર હતી એવી ચાર લાઇન માટે મારે પાકિસ્તાન સુધી સંપર્ક કરવા પડ્યા હતા અને એ પછી પણ મને કોઈ જવાબ નહોતો મળતો. રાહ જોવડાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો, પણ એ કલા પ્રત્યેની તેમની ફરજ હતી. જો તમારે ચોક્કસ ગઝલકાર પાસે ગઝલ લખાવવી હોય, એની જ ગઝલ તમારે ગાવી હોય તો તમારે રાહ જોવી પડે. આ રાહ જોવી આમ પણ લેખે લાગતી હોય છે.
તમે ગઝલ સાંભળો ત્યારે પણ તમને ખ્યાલ આવશે કે એમાં શબ્દોની માવજત અત્યંત મહત્ત્વની છે. ગઝલ તમારી સામે એકદમ ધીરે-ધીરે એક એવી દુનિયા ઊભી કરે છે કે તમે જાણે એ જ દુનિયામાં જીવી રહ્યા હો. ગઝલ લખવામાં એટલે જ વાર લાગતી હોય છે, કારણ કે એમાં દર્શાવવામાં આવેલી એ દુનિયા સૌથી પહેલાં ગઝલકારના મનમાં રચાતી હોય છે, સર્જાતી હોય છે. ગઝલના શબ્દોની અસર એક અલગ જ હોય છે અને એટલે જ ગઝલના મ્યુઝિકમાં તમે જોશો તો એ એકદમ પીસફુલ અને મંદ હોય છે, જેને લીધે એ ધારી અસર પણ ઊભી કરી શકે છે. ઘોંઘાટવાળા સંગીત સાથે ગઝલ શક્ય જ નથી, કારણ કે તમારે એ શબ્દો સાંભળીને, એને મમળાવીને મગજ અને કાનના રસ્તે એને દિલમાં ઉતારવાના છે. ગઝલ જ્યારે લોકો સાંભળતા હોય છે ત્યારે ખાસ મેં જોયું છે કે તેમની આંખો બંધ હોય છે અથવા તો કોઈ ખાસ પંક્તિને સાંભળતી વખતે તેઓ એક અલગ જ ઉત્સાહમાં હોય છે. આનું કારણ એ છે કે ગઝલના શબ્દો કોઈ ને કોઈ રીતે તેમના હૃદયમાં પસાર થઈને નીકળે છે.
માત્ર આર્થિક મહત્ત્વ જ જોવાતું હોય તો કદાચ ગઝલમાં આર્થિક વળતર ઓછું મળતું હોય છે, પણ એમાં જે ક્રીએટિવ સૅટિસ્ફૅક્શન છે એ અવર્ણનીય છે. ગાયકે ગઝલકાર સાથે કૉન્ટૅક્ટમાં સતત રહેવું પડે છે અને સતત જાણતા રહેવું પડે છે કે તેમની નવી રચના કઈ છે. ગઝલની રચના એક અલગ જ ઠહેરાવ સાથે થાય છે અને એટલે જ એ સાંભળનાર એને દિલથી, લાગણીથી અનુભવી શકે છે. એવું નથી કે તમે અત્યારે કોઈ ગીત સાંભળ્યું અને પછી તમે એક, બે કે પાંચ વાર સાંભળો પછી તમને એ ગમે અને તમે એને મમળાવો. ગઝલ એવો પ્રકાર છે જે કદાચ પહેલી વખત સાંભળતી વખતે જ હૃદયસોંસરવી નીકળી જાય અને તમને હંમેશ માટે યાદ રહી જાય.
હવે લોકો ગઝલ સાંભળવા ખાસ પ્રોગ્રામ કરે છે અને એ પ્રોગ્રામમાં ખાસ્સી મોટી સંખ્યામાં લોકો આવે પણ છે. પહેલાંની સરખામણીએ આજે શાયરી અને ગઝલનું લેવલ પણ બદલાયું છે. લોકો પહેલાં નાના લેવલે મુશાયરા કરતા અને એમાં ૧૦૦-૨૦૦ લોકો આવતા, પણ હવે તો મુશાયરાના શો પણ થવા લાગ્યા છે. હવે ઘણી મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત હોવાથી શાયરો અને ગઝલકારોને પણ લોકો ખૂબ સારી રીતે ઓળખતા થયા છે અને તેઓને પણ માન-સન્માન મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK