Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ન્યુઝ-ચૅનલ: આ વ્યસન છે વેરી

ન્યુઝ-ચૅનલ: આ વ્યસન છે વેરી

25 September, 2020 12:35 PM IST | Mumbai
J D Majethia

ન્યુઝ-ચૅનલ: આ વ્યસન છે વેરી

ન્યુઝ-ચૅનલ: આ વ્યસન છે વેરી


તેમના અભિપ્રાયને તમારા અભિપ્રાય બનાવવાને બદલે સાચું તારણ કાઢવાનું રાખજો અને સાથોસાથ દેશ-વિદેશમાં બનતી અને આપણી લાઇફ પર અસર કરનારી ખબર પર પણ નજર રાખવામાં ભલાઈ છે

સાવધાન. આ જ શબ્દ સાથે આપણે ગયા વીકના વિષયની શરૂઆત કરી હતી. આપણી આ કૉલમનો વિષય હતો ન્યુઝ-ચૅનલ. એક નાનકડી વાતને ખેંચી-ખેંચીને વધારે પડતા નાટ્યાત્મક રૂપે રજૂ કરવાથી માંડીને અને રાજકીય ઢોળાવથી તથા ખાસ પ્રકારની માનસિકતા સાથે થતી વાતો રજૂ કરવાની રીત. ન્યુઝ-ચૅનલોની આ રીતને કારણે તમારી જાણ બહાર, તમને ખબર ન રહે એ રીતે તમારા વિચારોને બદલી નાખવાના અને તમારા અભિપ્રાયને સીધી જોઈતી અસર પહોંચાડવાના થતા પ્રયાસ વચ્ચે એ એક વ્યસન બનવા માંડી છે. ગયા શુક્રવારે મેં તમને કહ્યું એમ, મેં ન્યુઝ-ચૅનલો જોવાનું બિલકુલ બંધ કરી દીધું હતું, પણ લૉકડાઉનમાં આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાતો કે ઇરફાન ખાન અને રિશી કપૂરના નિધન કે ઇકૉનૉમિક રિરફૉર્મ્સ માટેની રિઝર્વ બૅન્કના ગવર્નરની સ્પીચ કે વર્લ્ડ ન્યુઝ, ઇન્ડિયા-ચાઇના બૉર્ડરનું ટેન્શન કે વર્લ્ડ-ઓવર કોરોનાના ન્યુઝ માટે ધીમે-ધીમે ફરી પાછો મારો ન્યુઝ-ચેનલ સાથેનો મારો સંબંધ રિવાઇવ થતો ગયો. સુશાંતસિંહ રાજપૂતના સુસાઇડના ન્યુઝથી એ સંબંધોમાં જબરો મોટો વળાંક આવી ગયો. જેમ કોઈ વ્યસન તમને તમારો પરિવાર પણ ભુલાવી દે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થવા લાગી. પરિવાર સાથે ભોજન કરવા બેસતા થઈ ગયા હતા, આ લૉકડાઉનમાં એમાંથી ન્યુઝ જોતાં-જોતાં જમવા પર આવી ગયા છીએ અને એને લીધે હું પોતે ન્યુઝ-ચૅનલ્સના વૉરનો આંખેદેખ્યો સાક્ષી બનવા માંડ્યો. ન્યુઝ-ચૅનલ્સ પર આ જે વૉર ચાલી રહી છે અને એના શિકાર કોણ બની રહ્યું છે એની તમને ખબર છે?
જેમનાં નામ ઊછળે છે એ તો ખરા જ, પણ વધારે મોટા શિકાર એ લોકો બની રહ્યા છે જેઓ આ બધી વાતોને સાચી માની લે છે, મારા-તમારા જેવા દર્શકો. સવારે એક નાનકડો મુદ્દો ઉપાડે અને પછી બે-ત્રણ કલાક સુધી એ નાનામાં નાની વાતોને મોટી રીતે બનાવી આપણને ત્રણ-ચાર કલાકનો એક એપિસોડ આપી દે. બપોરે ૧૨ વાગ્યે એક નાનકડો બીજો મુદ્દો, એ બે-ત્રણ-ચાર કલાક ચાલે. ત્રણ-ચાર વાગ્યે હજી એક નવો મુદ્દો અને પછી સાંજે વળી પાછો એક નવો મુદ્દો. આપણને જકડી રાખવાના પ્રયત્ન કરે અને કીધે રાખે કે રાતે ખૂબ મોટા ધડાકાવાળી ખબર છે. ખૂબ મોટાં નામ રજૂ થવાનાં છે. બિન્દાસ ખોટું લખે. પચીસ નામો આવશે. નેતાઓ મોટા-મોટા અને મોટી-મોટી પર્સનાલ‌િટીઓ સંકળાયેલી છે તેમનાં નામ જાહેર થશે અને આપણે બધા સંવેદનશીલ લોકો તેમના શિકાર થયે રાખીએ છીએ.
આપણામાંથી હવે ઘણાને ખબર પડવા માંડી છે કે આ લોકો હવે વધારે પડતું મસાલેદાર કરીને, મસાલેદાર બનાવીને આપણને પીરસવાનું કામ કરી રહ્યા છે, પણ એમ છતાં એ છૂટતું નથી અને આપણે માણીએ છીએ. વાતની શરૂઆતમાં મેં જે વ્યસન શબ્દનો ઉલ્લેખ કર્યો એ એટલે જ કર્યો હતો. મેં કહ્યું એ જો ખોટું હોત તો આ બધાની ન્યુઝ-ચૅનલની ટીઆરપી આટલીબધી ક્યારેય ન હોત. આપણે આખો દેશ આજે આ જે માણવા માંડ્યો છે એ જો સાચી વાત હોત તો આ ચેનલની ટીઆરપી આટલી તોતિંગ ક્યારેય ન બની હોત. જો અત્યારે સૌથી વધારે અને આખો દિવસ કંઈ જોવાતું હોય તો એ છે ન્યુઝ-ચૅનલ. એમાં પણ વધારે ખબર બૉર્ડર પર ચાઇના સામેના આક્રમણની તૈયારીની નથી હોતી, પણ એક ઍક્ટ્રેસના ઘર પર મ્યુનિસિપાલિટીએ કરેલા આક્રમણને વધારે સમય, વધારે મહત્ત્વ અને વધારે જગ્યા આપવામાં આવી રહી છે. આપણે ચેતવાની જરૂર છે, બીજા માટે નહીં, પણ સૌ પ્રથમ તો આપણા પોતાના માટે આપણે ચેતવાની, આપણે જાગવાની જરૂર છે. મારે એક સ્પષ્ટતા કરવી છે કે હું કોઈની તરફેણમાં કે કોઈની વિરુદ્ધમાં નથી. ના, જરાય નહીં. હું કોઈ સરકાર વિશે બોલાયું હોય તો તેની વિરુદ્ધમાં નથી, નથી કોઈ ઇન્ડસ્ટ્રીની તરફેણમાં કે પછી નથી ઇન્ડસ્ટ્રીની એની વિરુદ્ધમાં પણ. આ ઉપરાંત હું નથી કોઈ ન્યુઝ-ચૅનલ બહુ સારું કામ કરી રહી છે તો એની ફેવરમાં કે કોઈ સારું કામ નથી કરી રહી એની વિરુદ્ધમાં. હું એવું કોઈ સ્ટેટમેન્ટ કરવા નથી માગતો. હું કોઈના પક્ષે કે કોઈની સામેના પક્ષે પણ રહેવાની વાત નથી કરતો. હું તો માત્ર મારી અને તમારી વાત કરવા માગું છું.
સુશાંત ડિપ્રેશનમાં હતો કે નહીં એની ખબર નથી, પણ એનો આ પ્રકરણનો, આ બાબતનો નિવેડો આવી જશે એ પછી બીજી કોઈ માસાલેદાર ખબરો આ ચૅનલ પાસે નહીં હોય તો આપણે ડિપ્રેશનમાં આવી જઈએ એવો માહોલ તેમના દ્વારા ઊભો થઈ રહ્યો છે. હું કહીશ કે આ એક પ્રકારનો સૌથી સફળ ડેઇલી સોપ ચાલી રહ્યો છે; જેમાં ટ્રૅક, વાર્તા અને પાત્ર ઑડિયન્સ સાથે વધારે કનેક્ટ કરો, એના મુદ્દાને ખેંચ્યા જ કરો અને એની નાનામાં નાની વાતને ઉછાળો, મહત્ત્વ આપો અને એમાંથી નવા-નવા વળાંકો શોધીને વાતને લંબાવ્યા કરો. ભાઈ, ટીવી-સિરિયલમાં કરોડોની વાતો કે પ્લાસ્ટિક સર્જરી કરીને કે પુનર્જન્મ કરીને માણસ પાછો આવી શકે એમ અચાનક સુશાંતસિંહ કોઈને દેખાયો અને અને તેણે આમ કહ્યું કે તેમ કહ્યું એવું મહેરબાની કરીને અહીં તમે ન કાઢતા, પ્લીઝ...
મને પણ આ ન્યુઝ-ચૅનલોનું વ્યસન વળગ્યું છે અને એની એવી આદત લાગી છે કે તમારે માટે લેખ લખતાં-લખતાં પણ જુઓ કેવું-કેવું સૂઝી રહ્યું છે. બસ, આવું જ ચાલી રહ્યું છે. સૂઝે એટલે સાચું છે એવું માનીને એ દિશામાં ખોદકામ કરે અને ક્યાંક એક નાનકડો પણ લાગતો-વળગતો મુદ્દો લાગે એટલે એને મોટો કરીને આપણી સામે રજૂ કરે. જોકે કોઈનો ભરોસો કરવા જેવો નથી. હું જે કહેવા માગું છું એ વાત પર પાછો આવું.
મને અમુક મુદ્દા ગમે પણ છે. વર્ષોથી આપણા અંદર રહેલા ડરને ભગાવવામાં પણ અમુક પ્રવક્તા અને ન્યુઝ-ઍન્કર મદદ કરી રહ્યા છે. આપણા જેવા સામાન્ય નાગરિક હંમેશાં રાજનેતા અને પોલીસને બહુ જ પાવરફુલ સમજીને ક્યારેય તેમની સામે કોઈ પણ પ્રકારનો વિરોધ ઉઠાવવાની કે અવાજ ઉઠાવવાની, જાહેરમાં બોલવાની કલ્પના પણ કરી શકતા નહોતા એનાથી વિપરીત જ જોવા મળી રહ્યું છે. આજે પાવરમાં રહેલા લોકોના કેસ દબાવી દેવાતા હોય છે એ સૌની વિરુદ્ધમાં હિંમતથી લડી-લડીને જાણીતા સમક્ષ મોઢું ખોલવામાં આવી રહ્યું છે, આગળ શું થાય છે એની નથી ખબર, પણ આવું ઘણું બધું સારું પણ થઈ રહ્યું છે. આવું હું ફક્ત એક ચૅનલ કે કોઈ એક રાજકીય પાર્ટી કે ગવર્નમેન્ટ સામે ચાલી રહ્યું હોય એટલે નથી કહેતો, પણ હું દેશનાં બધાં જ પ્રકરણોની અને અત્યાર સુધીના આ લાંબા સમયની વાત કરી રહ્યો છું. 
મેં જેમ મારી જાતને આમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે એ મુદ્દો મારા વાચકોને જાણ કરવાનો છે. ન્યુઝ-ચૅનલ્સ ટીવી-શો જેવી થઈ ગઈ છે, માટે આ સ્ટેરૉઇડ ડ્રામામાંથી ફક્ત તમને સાચી લાગતી ખબર જ વીણવી અને બધા જે બોલે છે એમાં ધ્યાન આપ્યા વિના, સાચું માન્યા વિના ચારથી પાંચ ચૅનલ ટુકડે-ટુકડે જોઈને તમારું પોતાનું તારણ કરવું અને બહુ જ ન્યુટ્રલ વેબસાઇટ પર આ વાતે કોર્ટનું શું કહેવું છે એ જાણી લીધા પછી જ કોઈ વિશે ઓપિનિયન બાંધવો કે ગુનેગાર માનવા. સાથે-સાથે આ દેશમાં બીજા કયા મહત્ત્વના સમાચાર છે જે આપણા જીવન પર અને આપણા ભવિષ્ય પર અસર કરી શકે છે એના પર પણ નજર ફેરવી લેવી. ટ્રમ્પ જીતશે તો ઇન્ડિયાની ઇકૉનૉમીને ફાયદો થશે, ચાઇના થોડું કન્ટ્રોલમાં રહેશે, કોરોનાની વૅક્સિન બનવાની પ્રક્રિયા ક્યાંથી ક્યાં પહોંચી એ પણ જાણવું જરૂરી છે તો શૅરબજાર પર પણ નજર રાખી શકો અને સ્ટુડન્ટને લગતા કે આપણા સોસાયટીને લગતા ઘણા ન્યુઝ આવતા હોય છે એ પછી નૅશનલ હોય કે ઇન્ટરનૅશનલ એના પર પણ થોડું ધ્યાન આપજો. આ આખા વિષય પર, મુદ્દા પર બહુ બધું લખવાનું મન થાય છે, પણ આર્ટિકલની શબ્દમર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં પૂરું કરું છું અને તમે સમજદાર છો એટલે ધારી પણ લઉં છું કે તમને સમજાઈ ગયું હશે. હું કહીશ કે આ ન્યુઝ-ચૅનલ જોવાનું પણ કન્ટ્રોલમાં રાખજો, પરિવાર સાથે બેસીને જમજો, ન્યુઝને કારણે ખોટી ડીબેટમાં મિત્રો સાથે ઝઘડા ન થાય એનું ધ્યાન રાખજો અને થોડું-થોડું આઇપીએલ પણ જોઈ લેજો. કોઈ કંઈ પણ કહે, આપણે એમાંથી માપી-તોલીને જ આપણો અભિપ્રાય બનાવતાં શીખીશું નહીં તો આ લોકો આપણી વિચારધારાના કન્ટ્રોલ કરતા થઈ જશે. આપણે જે જોઈએ છીએ, માનીએ છીએ, સાંભળીએ છીએ એની પાછળ ખૂબ મોટા લોકો અને ખૂબ મોટાં ષડ્‍યંત્રો છે અને તમે એના શિકાર ન થતા. વ્યસની નહીં બનતા અને માટે જ ગયા વીકમાં કહ્યું હતું, સાવધાન.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2020 12:35 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK