માનો પત્ર

Published: Nov 04, 2019, 18:09 IST | Heta Bhushan | Mumbai

લાઇફ કા ફન્ડા : માતા પોતાના પુત્રને એક પત્ર લખે છે અને એ પત્રમાં પોતાના પુત્રને જીવનભરની સમજ આપી દેવાનો પ્રયાસ છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

એક સરસ અંગ્રેજી કવિતા વાંચી. કવિતામાં માતા અને તેના સંતાનની વાત છે. માતા પોતાના પુત્રને એક પત્ર લખે છે અને એ પત્રમાં પોતાના પુત્રને જીવનભરની સમજ આપી દેવાનો પ્રયાસ છે.

પોતાના પુત્રને સંબોધીને માતા લખે છે પ્રિય પુત્ર, આ પત્ર હું તને ત્રણ કારણસર લખું છું જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી. જીવન સારું ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.

જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ન કરે તો દુઃખી ન થતો. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારા પિતાની જ છે. બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરજે, પણ સચેત રહેજે. આ દુનિયામાં મારા અને તારા પિતા સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે.

દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. જીવનમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે.

જિંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીસ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે.તો જિંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે.

પ્રેમ એ સમય અને સંજોગો સાથે બદલાતી લાગણી છે. જો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખજે. સમય દરેક દરદને ભુલાવે છે.

અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ વિદ્યાર્થી જેવું કશું જ નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.

હું નથી ઇચ્છતી કે નથી આશા રાખતી કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે. મારી ફરજ તને મોટો કરીને સારું ભણતર આપીને પૂરી થશે. એ પછી તુ દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

તુ તારું વચન હંમેશાં પાળજે, પણ બીજા તેમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઈ જશે તો તારા જીવનનાં મોટા ભાગનાં દુઃખ દૂર થઈ જશે.

મેં ઘણી લૉટરીની ટિકિટ ખરીદી છે, પરંતુ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી જ અમીર થઈ જવાતું નથી. એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં.

જીવન ખૂબ જ ટૂકું છે અને કાળનો કોઈ જ ભરોસો નથી. તો જેટલો વધુ સમય આપણે પરિવાર સાથે વિતાવી શકીએ એટલો વિતાવી લેજે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK