Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેદનાનું સંવેદનામાં રૂપાંતર કરવાનો કસબ ગીતકાર નીરજને હાથવગો હતો

વેદનાનું સંવેદનામાં રૂપાંતર કરવાનો કસબ ગીતકાર નીરજને હાથવગો હતો

09 August, 2020 06:04 PM IST | Mumbai Desk
Rajani Mehta | rajnimehta45@gmail.com

વેદનાનું સંવેદનામાં રૂપાંતર કરવાનો કસબ ગીતકાર નીરજને હાથવગો હતો

નીરજ

નીરજ


હિન્દી ફિલ્મ-સંગીતના સુવર્ણકાળ માટે કેવળ સંગીતકારોને શ્રેય આપીએ તો એ અર્ધસત્ય કહેવાય. એ ગીતો કાળને અતિક્રમીને અજરામર રહેશે એ માટે આ ગીતોના રચયિતાને પણ તેમના યોગદાન બદલ ભૂલવા ન જોઈએ. હકીકત એ છે કે એ સમયના મોટા ભાગના ગીતકારો સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કવિતાઓથી કવિ સંમેલનોમાં જાન આવી જતી. તેમની કવિતામાં કેવળ દેશપ્રેમ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાની ઝલક નજર આવતી. જીવનના નવ રસનું એમાં પ્રતિબિંબ પડતું. દર્શક અને શ્રોતાઓ એ ગીતોને પોતાની જીવનકથનીનું અવિભાજ્ય અંગ માનતા. પંડિત નરેન્દ્ર શર્મા, કવિ પ્રદીપ, ભરત વ્યાસ, શૈલેન્દ્ર, બાલ મુકુંદ બૈરાગી, સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, શકીલ બદાયુની, કૈફી આઝમી અને બીજાં અનેક નામ યાદ આવે છે જેમણે કવિ તરીકે પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું. તેમની આ સફળતાને કારણે જ તેમને ફિલ્મોનાં ગીતો લખવાનો મોકો મળ્યો. આ દરેક પહેલાં કવિ હતા, ત્યાર બાદ ગીતકાર બન્યા. આજે એવા જ એક શૃંગારિક કવિની વાત કરવી છે, જેમણે પોતાની રચનાઓ દ્વારા લાખો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. તે કવિને દુનિયા નીરજના નામે ઓળખે છે.
ગોપાલદાસ સક્સેના‘નીરજ’(કમળ)નો જન્મ ૧૯૨૫ની ૪ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક આવેલા ઇટાવા શહેરના પુરાવાલી ગામમાં થયો હતો. પરિવાર ગરીબ હતો. ૬ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું અને મોટા પુત્ર ગોપાલદાસ પર નાનપણથી જવાબદારી આવી ગઈ. માનો કે ગરીબીએ બાળપણની હત્યા કરી નાખી. નીરજને અંત સુધી એ વસવસો રહ્યો કે તેમની પાસે પિતાનો એક ફોટો પણ નહોતો. પિતાની તસવીર જોવાની ચાહતે તેમના દિલો-દિમાગ પર જે દર્દ ભર્યું એ સતત તેમની કવિતામાં દેખાયા કરતું. મારી લાઇબ્રેરીમાં દૂરદર્શન પર પ્રસારિત થયેલો નીરજનો એક અદ્ભુત ઇન્ટરવ્યુ છે. એ દિવસોને યાદ કરતાં નીરજ કહે છે, ‘જીવનભર પિતાની તસવીર યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો, પરંતુ એ એટલી ધૂંધળી છે કે લાખ કોશિશ કર્યા છતાં કશું દેખાતું નથી. ગરીબી એટલી હતી કે ક્યારેક રસ્તા પર પાન-બીડીની દુકાન લગાવું તો ક્યારેક ટાંગો ચલાવું. નાનાં-મોટાં ટ્યુશન કરતો. જે કામ હાથમાં આવે એ કરતો. કોઈ કામ નાનું હોતું નથી. શ્રમ કરવો એ શરમની નહીં, ગર્વની વાત છે.’
તેમણે કહ્યું, ‘ગરીબીને કારણે મારું ભણતર અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક કિલોમીટર ચાલીને હું સ્કૂલ જતો અને એ પણ અનિયમિત. ગારમાટીનું ઘર હતું, જેમાં ઘણી વાર ફાનસની રોશની પણ અમારા નસીબમાં નહોતી. મારા ફુઆ દર મહિને પાંચ રૂપિયા મોકલતા; હું એક-બે રૂપિયા કમાતો; ત્યારે માંડ-માંડ પરિવારનું ગુજરાન પૂરું થતું. મને ગાવાનો અને કવિતા લખવાનો શોખ હતો. નાનપણનું આ દર્દ જ્યારે પૂર બની ગયું ત્યારે સૂર બનીને શબ્દોમાં આવતું. લોકો કહેતા, ‘બાલક અચ્છા લિખતા હૈ ઔર મીઠા ગાતા હૈ’. સ્કૂલમાં મારાં ગીતો સાંભળીને શિક્ષક કહેતા, ‘દેખો, સૈગલ ગા રહા હૈ.’ આ જ શિક્ષકે કેવળ એક માર્ક માટે મને નાપાસ કર્યો. ગરીબીને કારણે મને ફીમાં માફી મળી હતી, પરંતુ જો તમે નાપાસ થાઓ તો ફી ભરવી પડે. ઘરેથી કહેવામાં આવ્યું કે ભણવાનું છોડી દે.’
‘મને આ મંજૂર નહોતું. હું તો પહોંચ્યો માસ્ટર પાસે. જઈને કહ્યું કે મારો એક માર્ક વધારી આપો, નહીંતર મારું ભણવાનું બંધ થઈ જશે. આ સાંભળીને તેમણે જે શીખ આપી એ હું જીવનભર ભૂલ્યો નથી. તેમણે કહ્યું, ‘દેખો ગોપાલબાબુ, તુમ ગરીબ કે બેટે હો. ઝિંદગી મેં તુમ્હે સહાયતા કરનેવાલા કોઈ નહીં મિલેગા. જો કુછ કરના હૈ વો ફર્સ્ટ ક્લાસ કરના પડેગા. ચોર બનના હૈ તો ફર્સ્ટ ક્લાસ, પૉકેટમાર બનના હૈ તો ફર્સ્ટ ક્લાસ, કવિ બનના હૈ તો ફર્સ્ટ ક્લાસ, ગીત ગાના હૈ તો ફર્સ્ટ ક્લાસ. સબ મેં ફર્સ્ટ ક્લાસ બનના પડેગા. મૈં નંબર નહીં દૂંગા. હાં, તુમ્હારી ફી ભર દૂંગા, પર નંબર નહીં દૂંગા.’ માસ્ટરજીની વાતે મારી આંખ ખોલી નાખી. મેં તેમના ચરણસ્પર્શ કર્યા અને આશીર્વાદ માગીને કહ્યું કે આ વાત જીવનભર યાદ રાખીશ.’
કવિ નીરજે માસ્ટરને આપેલું વચન પાળી બતાવ્યું. ૧૭ વર્ષની ઉંમરે હાઈ સ્કૂલની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી. ઘર છોડ્યું અને દિલ્હીની એક કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. પગાર હતો ૬૭ રૂપિયા, જેમાંથી ૪૦ રૂપિયા ગામમાં માતાજીને મોકલાવતા. બાકીના પૈસામાં ખર્ચ પૂરો કરવો એ જીવનનો મોટો સંઘર્ષ હતો. ઘણી વાર ભૂખ્યા પેટે સૂવું પડતું. આ દિવસોમાં તેમના સાથીદાર હતા શકીલ બદાયુની. તેઓ પણ એક ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતા હતા. ફુરસદના સમયે નીરજ નાનાં-મોટાં કવિ-સંમેલનમાં શ્રોતા તરીકે જતા. તક મળે તો પોતાની એકાદ કવિતા સંભળાવતા. એ દિવસોમાં ‘ભારત છોડો’ આંદોલન પુરજોશમાં ચાલતું હતું. નીરજની કવિતામાં દેશપ્રેમનો અગ્નિ હતો. એ જોશમાં તેમણે ક્રાન્તિકારીઓ સાથે મળીને હથિયાર કેમ ચલાવવાં એની તાલીમ લીધી. અંગ્રેજ સામેના વિરોધમાં જે દેખાવો થતા એમાં ઉત્સાહથી ભાગ લેતા. જેલ ભરો આંદોલનમાં પોલીસે ૭૦૦ યુવાનોને જેલમાં નાખ્યા. જિલ્લા કલેક્ટરે ધમકી આપી કે માફી માગશો તો છોડી મૂકીશ; નહીંતર કડક સજા ભોગવવી પડશે. ૬૫૦ જણ માફી માગી છૂટી ગયા. જે ૫૦ બાકી રહ્યા હતા તેઓમાંના એક નીરજ હતા.
૧૦-૧૨ વર્ષની ઉંમર હતી ત્યારથી કવિતા સાથે નીરજનો નાતો બંધાયો હતો. જે લખતા એને સ્વરબદ્ધ કરતા અને તરન્નુમમાં ગાતા. તેમની અદ્યયગીના લોકો કાયલ હતા. તેઓ કબૂલ કરતા કે તેમની કવિતા પર હરિવંશરાય બચ્ચનનો ખાસ્સો પ્રભાવ છે. તેમનું પહેલું જાહેર કવિ-સંમેલન ઇટાવામાં થયું. એ દિવસોમાં તેઓ ‘ભાવુક ઇટાવી’ના ઉપનામે કવિતા લખતા. પહેલા જ કવિ-સંમેલનમાં તેઓ શ્રોતાઓ પર છવાઈ ગયા. ૧૯૪૨માં દિલ્હીના પહાડગંજમાં એક કાર્યક્ર્મમાં તેમને આમંત્રણ મળ્યું, જેનું સંચાલન મશહૂર શાયર જિગર મુરાદાબાદી કરવાના હતા. અનેક નામી કવિઓ ત્યાં હાજર હતા. નીરજને સાંભળ્યા બાદ શ્રોતાઓએ તેમને ત્રણ ‘વન્સ મોર’ આપ્યા. જિગર મુરાદાબાદીએ આશીર્વાદ આપતાં નીરજને કહ્યું, ‘તુઝે લંબી ઉંમર મિલે. ક્યા પઢતા હૈ, જૈસે નગ્મા ગુંજતા હૈ.’ એ દિવસે પુરસ્કાર નિમિત્તે મળેલા પાંચ રૂપિયા કરતાં જિગર મુરાદાબાદીની તારીફ નીરજને વધુ વહાલી લાગી હશે.
એક કવિ-સંમેલનમાં હાફિઝ જલંધરીએ નીરજનું કવિતાપઠન સાંભળ્યું. તેમનો અંદાજ અને લોકપ્રિયતા જોઈને તેમણે નીરજને મળવા બોલાવ્યા. તેઓ અંગ્રેજ હકૂમતની નોકરી કરતા હતા. તેમને થયું કે નીરજ જે જોશ અને બુલંદી સાથે પોતાની કવિતાની રજૂઆત કરે છે એનો સરકારી પ્રચાર માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે નીરજને કહ્યું, ‘સરકારી નોકરી કરશો તો ૧૨૦ રૂપિયા પગાર આપીશ. તમારા અત્યારના પગાર કરતાં ડબલ પગાર થાય. બસ, તમે તમારી કવિતા છોડો અને સરકારી નીતિઓનો પ્રચાર કરો.’ ખુદ્દાર નીરજનો ટૂંકો ને ટચ જવાબ હતો, ‘આપ પૈસે દેકર નીરજ કી સોચ નહીં ખરીદ સકતે.’
દિલ્હીથી નીરજનું મન ભરાઈ ચૂક્યું હતું. તેમની આગળ ભણવાની ઇચ્છા હતી એટલે કાનપુરમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી લીધી. એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે નોકરી કરવાની સાથે તેમને આગળ ભણવાની છૂટ હતી. કાનપુરમાં તેમણે ૧૨મા ધોરણની પરીક્ષા પાસ કરી. આ જ સમયે દેશને આઝાદી મળી. નીરજને સરકારી નોકરી મળી. પગાર સારો હતો, પરંતુ વિદ્રોહી નીરજ ગૂંગળાતા હતા. કારણ શું હતું એ વાત કરતાં નીરજ કહે છે, ‘સરકારી નોકરી કરતો, પરંતુ ત્યાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ જોઈને હું બહુ નાખુશ હતો. મારો ઉપરી કહે કે લૉગ બુક સાઇન કરો. હું વિરોધ કરતો કે હું ખોટી એન્ટ્રી નહીં કરું.’ તો કહે, ‘You are not behaving like an officer.’ હું કહેતો, ‘I am not an officer. I am public servant.’ તેણે મારી ફરિયાદ કરી અને મને સસ્પેન્શન ઑર્ડર મળ્યો. એ સમયે હું એમએ કરતો હતો. ભારે હૃદયે મેં કાનપુર છોડ્યું. ત્યાં વિતાવેલા દિવસો મારા જીવનનો એક બહેતરીન હિસ્સો છે. કાનપુર છોડવાની પીડામાં મારી કલમે લખ્યું...
‘કાનપુર આજ દેખ તુ અપને બેટે કો
અપને નીરજ કી તરહ લાશ ઉસકી પાયેગા
સસ્તા યહાં મૈંને ખુદ કો ઐસા બેચા હૈ
મુઝ કો મુફલિસ ભી ખરીદે તો સહમ જાયેગા...’
કાનપુર છોડીને નીરજ અલીગઢ આવ્યા અને જીવન પર્યંત તેમનો અલીગઢ સાથે સાથ રહ્યો. અલીગઢ અને નીરજ એકમેકના પર્યાય બની ગયા. ત્યાંની ધર્મ સમાજ કૉલેજમાં પ્રોફેસર તરીકે નવી કારકિર્દીની શરૂઆત કરી. એક સમય આવ્યો જ્યારે યુનિવર્સિટીના કુલાધિપતિ બન્યા. અલીગઢમાં એક પણ કાર્યક્ર્મ તેમના વિના અધૂરો કહેવાતો. એ દિવસોમાં નીરજ એટલા વ્યસ્ત હતા કે પરિવાર સાથે બહુ ઓછો સમય મળતો. દિવસભર કૉલેજમાં હોય અને અઠવાડિયામાં બે-ત્રણ કવિ-સંમેલનમાં ભાગ લેવાનો હોય. મોડી રાતે ઘેર આવે ત્યારે સ્વજનો સૂતા હોય. જોકે એ વસવસો તેમને જીવનભર રહ્યો. પત્નીના અવસાન સમયે તેમને ચોધાર આંસુએ રડતા જોઈ લોકોને નવાઈ લાગી હશે. આ હાલતમાં કવિની કલમને આ શબ્દો ફૂટ્યા...
‘જબ તલક તુમ થી, ઘર મેરે ઘર સા લગા
અબ તુમ ન હો તો, ફિર એક ખંડહર સા લગા...’
નીરજની કવિતામાં જીવનના વિવિધ રંગોની ખૂબસૂરત રીતે પ્રસ્તુતિ થતી એમ છતાં તેમની આગવી ઓળખ બની તેમણે લખેલાં પ્રેમ અને શૃંગાર ગીતોથી. તેમના ચાહકોમાં સ્ત્રીઓનું મોટું પ્રમાણ હતું. તેમના પર સ્ત્રીચાહકોના અનેક પત્રો આવે, જેમાં તેઓ ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરે. નીરજ એ દરેકને જવાબ આપે. એક જાણીતી હિન્દી લેખિકાએ તો તેમના પર પ્રેમપત્રોનો વરસાદ વરસાવ્યો હતો. અસંખ્ય પત્રો લખ્યા કે એનું એક પુસ્તક બન્યું. ‘લિખ લિખ ભેજત પાતિ’ એમાંનો એક પત્ર આ પ્રમાણે હતો...
‘અબ કુછ દિન તુમ્હે મૈં ખત નહીં લિખુંગી. હાલાં કિ મુઝે પતા નહીં હૈ કિ મૈં યે કર પાઉંગી યા નહીં. યા ફિર તુમ્હે ઔર અધિક લિખુંગી. નીરજ ઓ નીરજ, મેરા હાથ થામ લો. મુઝે દુઃખ કે ઇસ મહાસાગર સે બહાર નિકાલો. મૈં તુમ પર નિર્ભર હૂં. તુમ સે પ્યાર કરતી હૂં. યદી તુમ સહારા નહીં દોગે તો મૈં તૂટ જાઉંગી.
નીર... ઓ... નીર...
અસીમ પ્રેમ તુમ્હારી ...ની’
નામ વિનાના આ સંબંધને એક યુગ વીતી ગયો. ૧૨ વર્ષ બાદ એ સંબંધનું દર્દનાક મૃત્યુ થયું. એ ઘટના બાદ નીરજે આ મહિલાના નામે એક પત્ર લખ્યો, જેનો એક-એક શબ્દ તેઓ અંતિમ ક્ષણ સુધી જીવ્યા...
અય અજનબી દોસ્ત, આયા તુમ્હારા ખત ઐસે
ખુશી કો જૈસે કિસી ગમ સે પ્યાર આ જાય
સુની રાતોં મેં જો કૂક ઊઠે કોયલ
બહાર યું પતઝડ કે દ્વાર આ જાય
તુમને લિખા હૈ કિ શાયદ મૈં તુમ્હે ન પહેચાનું
ભૂલ જાના મેરે પરિચય કો, મગર યાદ નહીં
એક ભી સાંસ ઐસી નહીં ઇસ સીને મેં
જો કિસી દર્દ સે આબાદ યા બરબાદ નહીં
ભૂલ તો જાતા તુમ્હે લેકિન
ડબડબાઈ હુઇ ઝીલ સી આંખોંને ભૂલને ન દિયા।
અમુક જખમ એવા હોય છે જે પંપાળવા ગમે. કવિ માટે પીડા જ તેમનાં ગીતો માટેનું ‘રો મટીરિયલ’ બનતી હોય છે. વેદનાનું સંવેદનામાં રૂપાંતર કરવાનો કસબ કવિને હાથવગો હોય છે. કવિને પોતે કેટલું દર્દ અનુભવ્યું એ જણાવવામાં રસ નથી, પણ પોતે એ દર્દને કેટલું ઊંડાણપૂર્વક માણ્યું છે એ પ્રકટ કરવામાં રસ છે. શૈલેન્દ્રનું એક ગીત યાદ આવે છે... (૧૯૫૩ - પતિતા – શંકર-જયકિશન – તલત મેહમૂદ)
દરેક કવિતા એ કવિનો એક નવો ‘એક્સ–રે’ હોય છે. એ જોઈને તમે કવિના મિજાજને પામી શકો, તેના ‘બીઇંગ’ને નહીં. એ એક અટકળનો વિષય છે. કવિ પણ એ જ ઇચ્છે છે કે ભાવક કવિતાને માણે, પરંતુ કવિના પોતને પૂર્ણ રીતે ન જાણી શકે. મને લાગે છે કે ‘લિખે જો ખત તુઝે, વો તેરી યાદ મેં, હઝારો રંગ કે નઝારે બન ગએ’ (૧૯૬૮ - કન્યાદાન -- શંકર-જયકિશન -- મોહમ્મદ રફી) નીરજે આ સંબંધમાં અનુભવેલી પીડાની કાવ્યાત્મક અનુભૂતિ હશે.
કવિ અને પ્રોફેસરની બેવડી ભૂમિકા ભજવતા નીરજ પોતાની શરતોએ જિંદગી જીવતા હતા. ૧૯૫૩માં પૃથ્વીરાજ કપૂર પોતાની નાટક-કંપની પૃથ્વી થિયેટર્સના કલાકારો સાથે કાનપુર આવ્યા હતા. ત્યાં એક કવિ-સંમેલનમાં તેમણે સતત બે કલાક નીરજને સાંભળ્યા. ત્યાં થયેલી ભીડ અને નીરજની લોકપ્રિયતા જોઈને તેમણે નીરજને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. ફિલ્મોના ગ્લૅમરથી ભલભલા અંજાઈ જતા હોય છે અને એમાં પણ પૃથ્વીરાજ કપૂર જેવા મહારથીની ઑફર ભાગ્યે જ કોઈને મળે, પરંતુ મસ્તફકીર નીરજ લોભાય એમ નહોતા. તેમણે મજાકમાં આ વાતને ઉડાડી દીધી. એક કવિ તરીકે શોહરતની બુલંદી પર ઊભેલા નીરજને એ વખતે એમ લાગ્યું હશે કે કવિ તરીકે જે ચાહના મળી છે, એની સામે આ માયાવી નગરી મને શું આપી શકવાની છે? એ સમયે તેમને ખબર નહોતી કે શોહરત સાથે દૌલતનો સંગમ તેમની રાહ જોતો ઊભો હતો. એ યોગ છેક ૧૯૬૦માં આવ્યો, જ્યારે તેમના જન્મદિવસનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું. એ વાત આવતા રવિવારે.

૧૦-૧૨ વર્ષની ઉંમર હતી ત્યારથી કવિતા સાથે નીરજનો નાતો બંધાયો હતો. જે લખતા એને સ્વરબદ્ધ કરતા અને તરન્નુમમાં ગાતા. તેમની અદ્યયગીના લોકો કાયલ હતા. તેઓ કબૂલ કરતા કે તેમની કવિતા પર હરિવંશરાય બચ્ચનનો ખાસ્સો પ્રભાવ છે. તેમનું પહેલું જાહેર કવિ-સંમેલન ઇટાવામાં થયું. એ દિવસોમાં તેઓ ‘ભાવુક ઇટાવી’ના ઉપનામે કવિતા લખતા.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 06:04 PM IST | Mumbai Desk | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK