બુધવારની બલિહારી - કિરણ કાણકિયાશીતળા સાતમે ઠંડું ખાવાનું શા માટે?
કાળી ચૌદશે કકળાટ કાઢવો જોઈએ શા માટે?
સ્ત્રીએ કરવા ચોથ અને દિવાસો ભૂખ્યા રહીને વ્રત કરવાનું કેમ?
હોળીમાં વૃક્ષો કાપી લાકડાં ભેગાં કરી હોળી પ્રગટાવવી હોલિકાપૂજન કરવાનું શા માટે?
આવી બધી રૂઢિ-પરંપરા પાછળનાં કારણ યંગસ્ટર્સ વડીલોને પૂછે છે. વડીલો કથા-વાર્તા કરે છે, પરંતુ આજની યુવા પેઢીને તેમાં વિશ્વાસ નથી. શ્રદ્ધા નથી. તેઓ પરંપરા પાછળનું ઠોસ કારણ જાણવા માગે છે. વડીલોનો ખુલાસો તેમને ગળે ઊતરતો નથી.
યંગસ્ટર્સનું કહેવું છે કે શીતળામાતાને ક્યાંય જગ્યા ન મળી કે ચૂલામાં પોઢવા આવ્યા. ઘરમાં કકળાટ જ ન હોય તો શા માટે ચાર રસ્તા પર વડાં મૂકી પાણીનું વતુર્ળ કરી કકળાટ કાઢવાનો? અને સ્ત્રીઓએ શા માટે આખો દિવસ ભૂખ્યા રહીને કરવા ચોથ કે દિવાસાનું વ્રત કરવાનું? તેનાથી પતિની ઉંમર કેવી રીતે વધી જાય? પરંતુ આવા વ્રત કર્યા પછી પણ જે સ્ત્રીઓ અકાળે વિધવા થઈ ગઈ એનું શું? અને વાત છે હોળીની... અબીલ-ગુલાલથી રંગે રમો, આનંદે રમો... પરંતુ લાકડાં બાળવાની વાત બિલકુલ ગળે નથી ઊતરતી. અરે, વાતાવરણમાં પ્રદૂષણ ન વધે તેથી વૃક્ષ વાવો, પરંતુ બાળીને ઓછાં ન કરો.
ખરેખર લાગે છે યુવા પેઢીની વાતમાં દમ છે. જેની પાછળ કોઈ નક્કર કારણ નથી, જેને તમે જાણતા નથી. બસ, બધા કરે છે (ટિપિકલ ગાડરિયો પ્રવાહ) તેથી આપણે પણ કરવાનું... આવી રૂઢિ, રીત, માન્યતા અને પરંપરા યુવા પેઢીને માન્ય નથી.
વડીલો ઉવાચ
વડીલો કહે છે કે જે સમાજ, રીત-રિવાજ આપણા પૂર્વજોએ બનાવ્યા છે અને વર્ષોથી લોકો તેનું પાલન કરી રહ્યા છે. પરંપરા પ્રમાણે બધું ચાલતું આવે છે. એને શું ધરમૂળથી બદલી નાખવાનું? આપણે તહેવારો કે પ્રસંગને માધ્યમ બનાવીને હળીમળીને ખાઈએ-પીએ છીએ. મોજમસ્તી કરીએ છીએ. આપણે આ અવસર-પ્રસંગે પણ આપસી સંબંધોને દૃઢ બનાવવાનો હેતુ માનીએ છીએ. આમ પણ ફાસ્ટ લાઇફ જીવનારા મુંબઈગરાને ટાઇમનો કાયમ અભાવ જ હોય છે. સારે-માઠે પ્રસંગે ભેગા થવાથી એકબીજા વધુ નિકટ આવે છે. વળી, આવે પ્રસંગે સગાં-વહાલાં જ શોભે છે અને કામ આવે છે અને સંબંધોમાં મીઠાશ વધે છે.
જ્યારે આજની ઇન્ટરનેટથી જોડાયેલી યુવા પેઢીને આવું કરવામાં સમય બગડે છે એવું લાગે છે. બટન દબાવીને દરેક જાણકારી મેળવનારી પેઢી તહેવારોની પરંપરાથી બોર થઈ જાય છે. તેઓ પોતાની જ માન્યતામાં રાચે છે. પૂજા, વ્રત, તહેવાર કે પ્રસંગ વગેરે મોટાઓ માટે મહત્વનાં બની રહ્યાં છે. તેઓે મિત્રો સાથે પાર્ટી કે ડિસ્કોમાં જવું બહુ ગમે છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે ટ્રેડિશનલ હોવામાં પણ કંઈ ખોટું નથી. સાચી વાત તો એ છે કે યંગ જનરેશનની નજરમાં સંસ્કાર અને સંબંધોની કિંમત નથી તો પરંપરાને ક્યાંથી સમજે? લાગે છે એવું કે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે તેનું જ આ કારણ છે.
યુવા પેઢીની સોચ ન્યારી
જોકે વડિલોની આવી દલીલનો જવાબ પણ યુવા પેઢી પાસે છે. આ વિશે એન્જિનિયર આકાશ કહે છે, ‘પરંપરાઓને લઈને દરેકની પોતાની સોચ હોય છે. મૂલ્યોના નામ પર કોઈને ર્ફોસ ન કરાય, પરંતુ ટ્રેડિશન્સને બદલે મને નવીનતા પસંદ છે.’
મેડિકલ સ્ટુડન્ટ અર્પિતા કહે છે ‘દરેક તહેવારની પાછળ કે પરંપરાની સાથે કોઈ ભાવના જોડાયેલી હોય છે જેનો આદર કરવો જોઈએ, પરંતુ જે યુગમાં આ તહેવારોની શરૂઆત થઈ હશે, શક્ય છે કે આ વાત સાચી રહી હશે. પરંતુ ત્યારે ન તો વસ્તી આટલી હતી ન તો કોઈ કૉમ્પિટિશન... પરિવર્તન વગર પરંપરાઓનું અનુસરણ શું યોગ્ય છે? દિવાળીમાં સાંજે દીપ પ્રગટાવાય છે, પરંતુ આજે ઇલેક્ટ્રિસિટીની સુવિધાને કારણે ચોતરફ તોરણો જ ઝળહળતાં હોય ત્યાં દીપ પ્રગટાવવાની પરંપરાનો અર્થ છે ખરો? વળી, પરંપરાને નામે ઢગલાબંધ પૈસા ખર્ચવા એક દેખાડો લાગે છે. રીત-રિવાજોની ભાવના ઓછી હોય છે અને ફિજૂલ ખર્ચ વધી જાય છે. દિવાળીની જ વાત કરું તો કોણે કેવું ઘર સમજાવ્યું, શું પહેર્યું, શું ખરીદ્યું જેવી વાતોને મહત્વ મળે છે. તહેવારોમાં ભેટની આપ-લે ખરેખર સંબંધોને જોડે છે કે એકબીજાની હેસિયતને ઉજાગર કરી આપસી ઈર્ષા વધારે છે. સાચું કહું, કોઈ પણ દંભ કે આડંબર વગરનું ગેટ-ટુગેધર બહેતર ગણાય. વળી, પહેલાંના જનરેશનની વાત કરીએ તો તેમનો એક્સપોઝર આજના જેવો નહોતો. તેઓ પાસે મનોરંજનનો વિકલ્પ પણ ઓછો હતો. તેથી તહેવારો-પરંપરાને નામે સારું પહેરે-ઓઢે, ખાય-પીએ અને મોજમજા કરે. જ્યારે અત્યારની પરિસ્થિતિ અલગ છે.’
સંસ્કૃતિ તથા પરંપરાનું મહત્વ
આપણે બન્ને પક્ષના વિચારો જાણ્યા છતાં પરિવારમાં ટ્રેડિશન્સનું મહત્વ કોઈ પણ રીતે ઓછું આંકવાનું નથી. પરંપરા બે પેઢીની કડી છે. બન્ને જનરેશન વચ્ચે સાતત્ય જાળવી રાખે છે. જ્યારે પરિવારમાં પ્રસંગ કે ઉત્સવ મનાવાય ત્યારે અરસપરસ પ્રત્યક્ષ જોડાણ થાય છે. વળી, અન્ય લોકો સાથે પણ વાતચીત દરમ્યાન ઓળખાણ થાય છે. ફૅમિલી વૅલ્યુઝની જાણ થાય છે. જો થોડી પણ પૉઝિટિવ થિંકિંગ સાથે ટ્રેડિશન્સમાં ભાગ લઈએ તો યંગસ્ટર્સની વ્યક્તિગત સોચ વિસ્તૃત બને છે. વળી, પરંપરામાં જુનવાણી લાગે તો તેમાં બદલાવ લાવી શકાય છે. સમય અને સંજોગોને અનુરૂપ નવી પરંપરાઓ સ્થાપિત કરી શકાય છે.
અમેરિકામાં ઘણાં વર્ષોથી રહેતી હેતલ શાહ કહે છે કે અમે આપણા બધા તહેવારો ઊજવીએ છીએ. નવરાત્રિ, દિવાળી, હોળી ધામધૂમથી ઊજવીએ છીએ. આપણા દેશની પરંપરા, સંસ્કૃતિને બરકરાર રાખી છે. અરે, તેમાં બીજા દેશોના માણસો પણ જોડાય છે. તો પછી દેશમાં અને પરિવારની સાથે રહી ટ્રેડિશન પ્રતિ નેગેટિવિટી શા માટે? બાળપણથી જ પેરન્ટ્સે સંબંધ અને સંસ્કારો પ્રતિ સજાગ રહેવું જોઈએ. યુવા પેઢીને સાથે લઈ ચાલવાથી સમાજની નવી રૂપરેખા સુદૃઢ થઈ શકે છે અને વ્યક્તિગત રીતે સકારાત્મકતા તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
યાદ રાખો
અતીતથી બિલકુલ અલગ થઈ આગળ વધવું મુશ્કેલ છે. જ્યારે એક પગ આગળ વધે છે તો તેના મૂક્યા સુધી બીજો પગ ધરતી પર ટકી રહે છે તેથી તમે પડો નહીં.
બદલાયેલા સમયમાં વડીલો સંયમપૂર્વક યુવા પેઢીના માનસને સમજે, કેમ કે તેઓ યુવાન ઉંમર વિતાવી ચૂક્યા છે. જનરેશન-ટુ-જનરેશન મનોરંજનની પરિભાષા બદલાય છે. સંભવ છે કે પરંપરા ન તો છૂટી ગઈ છે કે ન તો તૂટી રહી છે. હા, તેનું સ્વરૂપ અને અંદાજ બદલાઈ રહ્યા છે અને પછી પણ બદલાશે. જરૂર છે, બસ સંસ્કાર અને સંબંધોનનું મહત્વ સમજાવવાની અને યંગસ્ટર્સને આત્મકેãન્દ્રત થતા રોકવાની.