Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જેટલું ઓછું એટલું બહેતર

જેટલું ઓછું એટલું બહેતર

19 January, 2020 03:23 PM IST | Mumbai Desk
bhavya gandhi | feedbackgmd@mid-day.com

જેટલું ઓછું એટલું બહેતર

જેટલું ઓછું એટલું બહેતર


હમણાં, નવા વર્ષના એક વીક પહેલાંથી મેં મારી લાઇફમાં થોડાં ચેન્જ કર્યાં છે. મેઇન તો એવા વિચાર સાથે કે મિનિમમ રિક્વાયરમેન્ટ રાખવાની અને મૅક્સિમમ જાત સાથે રહેવાનું. સદ્ગુરુ જગ્ગીજીની એક સ્પીચ સાંભળતાં મને આ રીતે જીવવાનો વિચાર આવ્યો અને એ વિચાર આવવા પાછળનું એક બીજું પણ કારણ છે. મેં મારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને કેવી કરી છે એની વાત કરતાં પહેલાં હું તમને એક રૂટીન કિસ્સો કહું. રૂટીન એટલા માટે કે એ હું લગભગ રોજ અનુભવતો.

બનતું એવું કે રાતે મોડે સુધી જાગ્યો હોઉં એટલે સવારે જાગવામાં મોડું થઈ જાય, જેને લીધે મોડા જાગ્યાનો ભાર, એ ગિલ્ટ ઑલમોસ્ટ આખો દિવસ મારા મનમાં સવાર રહે. જ્યારે પણ ટાઇમ જોઉં ત્યારે મને આપોઆપ મારો જાગવાનો સમય યાદ આવે. કોઈ-કોઈ વખત તો એવું બનતું કે હું સવારે દસ કે અગિયાર વાગ્યે જાગતો. બનતું એવું કે ફ્રેશ થઈને બહાર નીકળું ત્યારે જોઉં કે દુનિયાનો તો અડધો દિવસ પૂરો થઈ ગયો છે. બચ્ચાંઓ સ્કૂલમાંથી છૂટીને પાછાં ઘરે જઈ રહ્યાં છે. કેટલાક ઠેલાવાળા પણ પોતાનો માલસામાન વેચીને ઘરે જવાની તૈયારીમાં છે. અમુક ઑફિસ પર્સનનો લંચ-બ્રેક શરૂ થયો હોય અને હું હજી હમણાં બ્રેકફાસ્ટ કરીને ઘરની બહાર નીકળ્યો હોઉં. સાંજે પણ એવું જ બને. મારો અડધો દિવસ પૂરો થયો હોય અને તેમનો લગભગ આખો દિવસ પૂરો થઈ ગયો હોય. સાત વાગ્યે અમુક ફ્રેન્ડ્સ એવા મળે જે જૉબ પરથી ઘરે પાછા આવી ગયા હોય અને થાક્યા હોય અને મારી એનર્જી હજી એવી ને એવી જ હોય. મને આ એનર્જીનો પણ ત્રાસ છૂટવા લાગ્યો હતો. ધીમે-ધીમે મેં મારી જાત પર કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને એવામાં જગ્ગીજીની એક સ્પીચ મેં સાંભળી. મિનિમમ જરૂરિયાત રાખવા વિશેની અને મૅક્સિમમ જાત સાથે રહેવા વિશે એમાં વાત કરી હતી. વધુ વિચારવાનું શરૂ કર્યું એટલે સમજાયું કે મૅક્સિમમ જાત સાથે રહેવા માટે જરા પણ જરૂર નથી કે તમે જંગલમાં ચાલ્યા જાઓ, તમે સિમેન્ટના જંગલ વચ્ચે પણ જાત સાથે રહેવાનું કામ કરી શકો અને એ પણ સારી રીતે. બસ, આજુબાજુમાં રહેલા લોકોને ફોકસ કરીને જીવવાને બદલે તમારી અનુકૂળતા મુજબ જીવવાનું શરૂ કરો.



અઘરું હતું આ રીતે જીવવાનું, પણ મેં એ શરૂ કર્યું અને આજે ઑલમોસ્ટ એક મહિનો થઈ પણ ગયો. સાચું કહું તો બહુ મજા આવે છે હવે. હવે બીજા લોકો મને જોઈને ગિલ્ટ ફીલ કરે છે. હું નથી ઇચ્છતો કે તે એવું કરે, પણ હા, એવું બને છે એ હકીકત છે. હવે મારી સવાર સાડાત્રણ વાગ્યે પડી જાય છે. ઇનરિયલ સેન્સ, સવારે સાડાત્રણ અને મોડામાં મોડા ચાર વાગ્યા સુધીમાં જાગી જવાનું. પહેલાં તો એવું લાગતું કે આટલું વહેલું જાગીને કરવાનું શું, પણ શેડ્યુલ ગોઠવાયા પછી હવે થાય છે કે મેં આ કામ બેસ્ટ કર્યું. ઍટ લીસ્ટ અત્યારે તો આ બેસ્ટ જ થઈ રહ્યું છે. સવારે જાગીને પહેલું કામ હું મારી રૂમની બધી વિન્ડો ખોલી નાખું અને કર્ટન પણ હટાવી દેવાનાં. અત્યારે આપણે ત્યાં જે ઠંડી છે એમાં એ ઠંડો પવન શરીરને સ્પર્શ કરે કે આખી બૉડીમાં કરન્ટ પસાર થઈ જાય. ફ્રેશ થઈને તરત જ હું ઘરેથી નીકળીને રનિંગ કરવા જાઉં છું. દરરોજ સવારે પાંચ કિલોમીટર રન કરવાનું અને એ પછી જિમ માટે જવાનું. હવે એવું બને છે કે જિમ ખૂલે એ પહેલાં હું એના ગેટ પર બેઠો હોઉં છું. મારા ઘરથી જિમ સુધીના અંતરમાં આવતા બધા ડૉગી હવે મેરા ફ્રેન્ડ્સ છે. પહેલો દિવસ પણ મને યાદ છે.


પહેલા દિવસે એ બધાને હું કોઈ પરગ્રહવાસી હોઉં એવો લાગતો હતો અને હવે એ લોકો પણ મને જોઈને માથું નમાવીને ફરી સૂઈ જાય છે. પહેલાં મને જોઈને ભસતા હતા અને હવે એ નાનું સ્માઇલ આપીને પૂંછડી પટપટાવે છે.

જિમ પતાવીને ઘરે આવું ત્યારે મને સ્કૂલ જતાં બચ્ચાંઓ મળે છે. એ લોકોનું ઇનોસન્ટ સ્માઇલ અને એ લોકોની નાની આંખોમાં રહેલી ચમક જોયાને કેટલો વખત થઈ ગયો હતો. તેમને જોઈને એક નવી આશા મનમાં જાગે. સ્કૂલ-બસ અને વૅનમાં એ બચ્ચાંઓ બેઠાં હોય અને એ બંધ ગ્લાસની વિન્ડોમાંથી તમને ‘બાય’ કહે એની મજા હું અહીં લખીને નહીં વર્ણવી શકું, પણ બધો થાક ઊતરી જાય. પહેલી વખત મને સમજાય છે કે સૌથી પહેલાં ઘરમાં જાગતી મમ્મીઓ શું કામ નહીં થાકતી હોય. થાક તેને લાગે જે સૂરજને પોતાના મસ્તક પર લે, સૂરજ પહેલાં એના પર સવાર થનારાને થાક જરાય ન લાગે.


ઘરે પાછા આવીને પણ મારે મારા નિયમનું પાલન કરવાનું હોય છે. મિનિમમ એટલે કે ઓછામાં ઓછી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો અને જરૂરિયાત ઘટાડતા જવાની. આ નિયમ મુજબ હું છેલ્લા એક મહિનાથી હીટર, એસી કે ગીઝરનો ઉપયોગ નથી કરતો. ગરમ પાણી વિનાનું શાવર, યુ કાન્ટ નેરેટ ઇન વર્ડ્સ.

શરીર પર પહેલું ટીપું પાણીનું પડે એટલે આખા શરીરમાં ધ્રુજારી આવી જાય. શરૂઆતમાં તો એવું લાગતું કે જીવ નીકળી જશે, પણ હવે, હવે મજા આવે છે. હવે એવું કંઈ લાગતું નથી અને હવે ગીઝરના ગરમ પાણીની આદત પણ છૂટી ગઈ છે એવું કહું તો ચાલે. મોબાઇલનો યુઝ પણ બહુ ઓછો કરી નાખ્યો છે. ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જવાનો સમય પણ નિશ્ચિત રાખ્યો છે. પહેલાં દિવસમાં ચારથી છ કલાક એમાં ઘૂસી જતા અને ક્યારેક તો એનાથી પણ વધારે, પરંતુ હવે એવું નથી થવા દેતો. મિનિમમ થિયરી. એક સમયે એવું બનતું કે ઘરમાં દાખલ થાઉં ત્યાં હાથમાં બે રિમોટ લેવાઈ જતાં. એક તો ટીવીનું અને બીજું એસીનું, પણ હવે એ બન્ને રિમોટ બહુ દૂર હોય છે. એસીની તો જરૂર જ નથી પડતી અને વાત રહી ટીવીની, તો એ ચોક્કસ સમયે જ જોવા બેસવાનું. પ્રતિબંધ નથી, કોઈ પણ નિયમ રાખ્યો છે, સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે એટલે એના પર કાબૂ રાખવાની માનસિકતા પણ બનાવી રાખી છે.

આજે મોટા ભાગનાં ઘરોમાં ટીવી એવી રીતે ચાલુ હોય જાણે એ ફૅમિલીનું એક મેમ્બર હોય. સવારે ટીવી ચાલુ થાય જે છેક રાતે સૂતી વખતે બંધ થાય. એ બંધ થયા પછી પણ મોબાઇલ તો સાથે જ હોય. મોબાઇલ અને ટીવીએ આપણને આપણાથી દૂર કરવાનું કામ કર્યું છે. આપણે બહુ દૂર થઈ ગયા આપણાથી. વાત જરા વિચિત્ર લાગે તમને, પણ આ હું જ કહી રહ્યો છું. એક સમયે હું ત્રણ મોબાઇલ-નંબર વાપરતો, કામ એટલું જ રહેતું એટલે ત્રણ નંબર રાખવા પડતા, પણ આ એક મહિનામાં એ નોબત આવી કે મેં ત્રણમાંથી એક નંબર પર્મનન્ટ બંધ કરાવી દીધો અને આવતા એકાદ મહિનામાં પણ હજી એક નંબર કદાચ બંધ કરાવી દઈશ. જેટલું ઓછું હશે એટલી ખુશી વધારે રહેશે. જેટલું વધારે હશે એટલી જ તકલીફ વધારે રહેશે. ડિસેમ્બરમાં હું મોબાઇલ નેટવર્કના નામે બહુ બૂમબરાડા કરતો હતો, પણ અત્યારે એવી સિચુએશન આવી ગઈ છે કે મને યાદ પણ નથી હોતું કે મોબાઇલમાં નેટવર્ક છે કે નહીં.

હોય તો સારું, ન હોય તો બહુ સારું.

આ લાઇફ કાયમી નથી, પણ આવી લાઇફ કાયમ હોવી જોઈએ એવું હું માનું છું. આવતા મહિને ફિલ્મનું શૂટ શરૂ થશે એટલે નૅચરલી આ શેડ્યુલમાં ફરક આવશે, પણ એ પછી પણ હું કહીશ કે આ શેડ્યુલને અપનાવો. રાતે ૧૦ વાગ્યા સુધી જાગવાનું પણ અઘરું થઈ જાય એવું આ શેડ્યુલ છે. આંખો ઘેરાવા માંડી હોય અને શરીરે જવાબ આપી દીધો હોય. જેવા બેડ પર પહોંચો કે તરત જ, પાંચમી મિનિટે તો તમારું પહેલું સપનું શરૂ પણ થઈ ગયું હોય. શરૂ થયેલા એ સપનાને સાકાર કરવાની તાકાત જોઈતી હોય તો એક નિયમ કરો, ઓછામાં ઓછી ચીજોને તમારી જરૂરિયાત બનાવો. જેટલી જરૂરિયાત ઓછી હશે એટલી જ તાકાત એને મેળવવાની બળવત્તર બનશે. જેટલી જરૂરિયાત ઓછી હશે એટલી જ તકલીફ ઓછી હશે અને બાકીની તકલીફ સામે લડવાની ક્ષમતા મજબૂત હશે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2020 03:23 PM IST | Mumbai Desk | bhavya gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK