કલ્યાણનો યંગસ્ટર કઈ રીતે બન્યો આતંકવાદી?

Published: 30th November, 2014 05:06 IST

મિડ-ડે જાણી લાવ્યું છે ઇરાક સુધીની તેની સનસનાટીભરી સફરની દાસ્તાન : છેલ્લે તે કામનો ન રહ્યો એટલે તુર્કીમાં તેને રઝળતો મૂકી દેવામાં આવ્યો, ત્યાં ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને તે પાછો આવ્યોThe inside story of how Areeb Majeeb became an ISIS terroristભૂપેન પટેલ

ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) નામના ખતરનાક આતંકવાદી સંગઠનમાં જોડાયેલા કલ્યાણના ૨૩ વર્ષના એન્જિનિયરિંગ કૉલેજના યુવાન આરિફ મજીદે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ભારતીય યુવાનોનું કેવી રીતે બ્રેઇન-વૉશ કરાવીને તેમને જેહાદના નામે ટેરરિસ્ટ બનાવાય છે એની ઘણી મહત્વની માહિતી આપી છે.

 તેણે ૬ પાનાંમાં આપેલા સ્ટેટમેન્ટ (જેની કૉપી માત્ર ‘મિડ-ડે’ પાસે છે)માં દાવો કર્યો હતો કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર તેને તાહિરા ભટ નામની એક યુવતી મળી હતી જેણે તેને અને તેના ત્રણ મિત્રોના વિચારો બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આરિફ અને તેના મિત્રો કેવી રીતે ભારત છોડીને ISISમાં જોડાયા એની આ રહી વિગતો...

શિક્ષણ અને જેહાદ

આરિફ મજીદ કલ્યાણની લોઢાઝ હાઈ સ્કૂલનો સ્ટુડન્ટ હતો જ્યાં તેણે ૧૦મું ધોરણ પાસ કર્યું અને વાશીની ફાધર અગ્નેલ પૉલિટેક્નિક કૉલેજમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું. હાલમાં તે પનવેલની કાલસેકર કૉલેજમાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આરિફે પોલીસને કહ્યું હતું કે ‘કૉલેજના સમય બાદ હું મુંબ્રા-કૌસામાં આવેલા મારા મિત્ર ફયાઝ ખાનના ઘરે ભણવા જતો હતો. સ્ટડી સાથે હું કુરાનનો પણ અભ્યાસ કરતો હતો અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરતો હતો. કુરાનના અભ્યાસ વખતે હું હદીસને ફૉલો કરવાનો પ્રયાસ કરતો હતો. એ વખતે હું અન્ય ધાર્મિક પુસ્તકો પ્રત્યે પણ આકર્ષાયો હતો. એ સમયે હું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ યુટ્યુબ પર પણ ઘણા મુસ્લિમ લીડરોનો સાંભળતો હતો. ઇઝરાયલ-પેલેસ્ટીન યુદ્ધના વિડિયો જોયા બાદ મેં મારા જીવનને ઇસ્લામને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું અને ઇસ્લામિક દેશમાં રહેવાનું મન બનાવ્યું હતું. આવા વિચારોને કારણે સ્ટડીમાંથી મારો રસ ઊડી ગયો હતો.’

NIAના અધિકારીઓએ કહ્યું હતું કે આરિફ મજીદનો મિત્ર ફહાદ તન્વીર પણ તેની સાથે સંમત થયો અને ઇસ્લામિક દેશમાં જવા તૈયાર થયો.

ફેસબુક પર મળી તાહિરા ભટ

ઇસ્લામિક દેશમાં જવાનું વિચારીને જ્યારે આરિફ મજીદ એના વિશે રિસર્ચ કરતો હતો ત્યારે તેને ખબર પડી કે તેના વિસ્તારના રહીમ ટંકી અને અમન ટંડેલ પણ ઇરાક જવા માટે ઉત્સુક છે. એ પછી ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે આરિફને ISISની જાણ થઈ અને એમાં જોડાવાનું તેણે નક્કી કર્યું. આરિફે અધિકારીઓને જણાવ્યું હતું કે ‘મેં સ્ટડી કરીને શોધી કાઢ્યું કે ઈરાન અને તુર્કીથી હું સિરિયા જઈ શકું એમ છું. અમને ફેસબુક પર એક છોકરી તાહિરા ભટ મળી જે અનેક દેશના યુવાનોને ISISમાં જોડાવા માટે મદદ કરતી હતી.’

NIAના અધિકારીઓએ કહ્યું હતું કે ‘તાહિરાએ આ છોકરાઓની માનસિકતાને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ યુવાનોને કહ્યું હતું કે કેવી રીતે ISIS ઇસ્લામ માટે લડે છે. આથી યુવાનો એમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા હતા. એવી શક્યતા છે કે આ છોકરીનો પ્રોફાઇલ બનાવટી હશે. વળી એ પણ સ્પષ્ટ નથી કે આરિફ અને તેના મિત્રો ફેસબુક પર આ છોકરી સુધી રૅન્ડમ સર્ચમાં કેવી રીતે પહોંચી ગયા. એના સ્ટેટમેન્ટમાં આવી ઘણી અધૂરી માહિતી છે જે શોધવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’

ટ્રાવેલ-એજન્સીની શોધ

આરિફ મજીદ અને તેના મિત્રોએ ઇરાક જવા માટે તુર્કીના માર્ગે કેવી રીતે જવાય એની તપાસ ઘણી ટ્રાવેલ-એજન્સીઓમાં કરી હતી. તુર્કીથી તેઓ ઇરાકમાં ઘૂસવાના હતા. તેઓ પહેલાં કલ્યાણમાં થૉમસ કુકમાં ગયા, પણ એણે તેમની પાસે સૅલરી-સ્લિપ અને બીજા દસ્તાવેજ માગ્યા જે તેઓ આપી નહોતા શક્યા એથી લોકલ એજન્સીનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. તેમણે એ માટે છેવટે ડોંગરીમાં રાહત ટ્રાવેલ્સ શોધી કાઢી હતી જે વ્યક્તિદીઠ ૬૦,૦૦૦ રૂપિયામાં તેમને તુર્કી મોકલવા માટે સંમત થઈ હતી.

NIAના અધિકારીઓએ કહ્યું હતું કે ‘આરિફ મજીદે અમને કહ્યું હતું કે ટ્રાવેલ એજન્સીની શોધ કરતાં પહેલાં અમે પ્રવાસ માટે રૂપિયા એકઠા કરવાનું શરૂ કર્યું. તેની પાસે ૨૫,૦૦૦ રૂપિયા હતા. જોકે એ અશક્ય છે, કારણ કે તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું. અમને લાગે છે કે કોઈકે તેને આ રકમ આપી હશે અને એ વિશે બોલવા તે તૈયાર નથી. આ યુવાનોએ રાહત ટ્રાવેલ્સને એ નાણાં એપ્રિલની ૧૪મીથી પહેલી જૂન સુધીમાં ત્રણ-ચાર ઇન્સ્ટૉલમેન્ટમાં આપ્યાં હતાં.’

તાહિરાએ આરિફને ISISના બે મેમ્બરોના કૉન્ટૅક્ટ-નંબર આપ્યા હતા જેઓ તેમને તેમના ગ્રુપમાં જોડાવા માટે મદદ કરવાના હતા. તાહિરાએ વળી એવી તાકીદ પણ કરી હતી કે આ નંબર પર તેઓએ એ દેશમાં ગયા બાદ જ સંપર્ક કરવાનો રહેશે અને આ ફોન લોકલ નંબર પરથી જ કરવાનો રહેશે.

જવાની તૈયારી

ઇરાકમાં ધાર્મિક પ્રવાસ પર જવાની વાત જ્યારે આરિફ મજીદે તેના પરિવારમાં કરી ત્યારે તેના પિતા હિજબ બદરુદ્દીને તેનો પાસપોર્ટ લઈ લીધો હતો. તેમણે એ પાસપોર્ટ તેમની ક્લિનિકમાં સંતાડી દીધો હતો. એ પછી આરિફ અને તેના મિત્રોએ પ્રવાસ માટેની તૈયારીનો પ્લાન તેના મિત્ર ફૈઝલના ઘરમાં ૨૨થી ૨૪ મે દરમ્યાન કર્યો હતો. આરિફે અધિકારીઓને કહ્યું હતું કે ‘મેં  કેટલાંક કપડાં ફૈઝલના ઘરે રાખ્યાં હતાં. એ પછી અમે નક્કી કર્યું હતું કે ચારેય જણ એકલા નીકળશું પણ એક જ સ્થળે ભેગા જઈશું. ૨૪ મેના રોજ હું ઘરેથી કૉલેજ જવા નીકળ્યો અને મુંબ્રા માર્કેટમાં પહોંચ્યો. ત્યાંથી મેં મારે માટે એક મોટી ટ્રાવેલ-બૅગ લીધી. મારાં કપડાં એમાં ભર્યા અને પછી હું ફહાદને મુંબ્રા સ્ટેશ પર મળ્યો. એ પછી મુંબ્રાથી કૂલ કૅબમાં અમે થાણે ગયા. ત્યાં રહીમ ટંકી અને અમન ટંડેલ અમારી સાથે જોડાયા. અમે ચારેય જણ ઍરપોર્ટ પર ગયા અને અબુ ધાબી જતી ફ્લાઇટ પકડી. અબુ ધાબીથી અમે ૨૫મી મેના રોજ સવારે બગદાદ પહોંચ્યા.’

પાછા નહીં આવીએ

બગદાદ પહોંચ્યા બાદ અમે ૬ દિવસની ટૂર કરી હતી એમ જણાવતાં આરિફે અધિકારીઓને વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ‘એ પછી અમે તાહિરાએ આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. એ માટે અમે લોકલ નંબરનો ઉપયોગ કર્યો હતો. ISISના મેમ્બરોએ અમને ટૂરમાં રહેવા કહ્યું હતું. અમારી ટૂર પૂરી થવાની હતી ત્યાં સુધીમાં અમને કોઈ સૂચના નહોતી મળી. અમે એ પછી એ નંબર પર વારંવાર સંપર્ક કરતા રહ્યા. અમે બગદાદમાં જેના સંપર્કમાં હતા એવા અબુ ફાતિમાએ અમને ટૅક્સી કરીને મસૂલ પહોંચવા કહ્યું હતું. અમે ટૂર-ઑપરેટર પાસેથી અમારા પાસપોર્ટ લઈ લીધા અને કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. અમે મસૂલમાં એક હોટેલમાં રહ્યા અને ત્યાંથી અબુ ફાતિમાનો સંપર્ક કર્યો. જોહર નમાઝ બાદ અમને મસૂલની સબુનચી મસ્જિદમાં આવવા માટે કહેવામાં આવ્યું. અમે જ્યારે મસ્જિદમાં તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અબુ ફાતિમાએ અમને ફોન કર્યો અને કહ્યું કે હું તમને થોડા અંતરેથી જોઈ રહ્યો છું. તે અમને ઇન્ટેલિજન્સના માણસો માનતો હતો. તેણે અમને ફોન પર ધમકી પણ આપી કે જો મારી શંકા સાચી પડશે તો હું તમને બધાને મારી નાખીશ. એ પછી અમને ચારેય જણને એક ગ્રુપ અલી નામના એક માણસ પાસે લઈ ગયું. તેઓ અમને નજીકના એક સ્થળે લઈ ગયા. આશરે બે કલાક સુધી અમારી ચાર જણની પૂછપરછ કર્યા બાદ અને મારા પાસપોર્ટ ચેક કર્યા બાદ તેમણે અમને તેમના દેશ ભણી જવા કહ્યું અને ચેતવણી આપી કે તમારો જીવ જોખમમાં છે. અમે મસ્જિદની બહાર ઊભા રહ્યા અને એ સમયે પણ તેઓ અમને જોઈ રહ્યા હતા. એ પછી એક મોટી હ્યુન્ડેઇ કાર અમારી સામે આવી. તેમણે અમને એમાં બેસવા કહ્યું અને એક ઑફિસમાં લઈ ગયા. ત્યાં અમારી બીજી વાર પૂછપરછ થઈ. અમે જ્યારે તેમને કહ્યું કે અમારે ISISમાં જોડાવું છે ત્યારે તેમણે અમને ના પાડી દીધી અને કહ્યું કે કોઈ રેફરન્સ વિના તમે ISISમાં જોડાઈ ન શકો. જોકે અમે મક્કમ રહ્યા કે અમારે ISISમાં જોડાવું જ છે અને જો સ્વદેશ પાછા ફરવાની નોબત આવે તો અમે મરી જવાનું વધારે પસંદ કરીશું.’

છેવટે ISISમાં

આરિફ મજીદે આગળની વાત જણાવતાં NIAને કહ્યું કે ‘એ પછી અલી અને બીજા ISISના લીડરોએ આપસમાં ચર્ચા કરી અને નક્કી કર્યું કે અમને તેઓ મેમ્બર બનાવશે. એ પછી અમને એક ખુલ્લી અને કોઈ આવતું ન હોય એવી જગ્યાએ લઈ ગયા અને ત્યાં અમને ૮થી ૧૦ દિવસ રાખ્યા. એ પછી એક ગ્રુપ અમને રાક્કા નામના સ્થળે લઈ ગયું. ISISમાં જોડાતાં પહેલાં અમારાં નામ બદલવામાં આવ્યાં. મારું નામ આરિફ મજીદમાંથી અબુ અલી અલ હિન્દી કર્યું. એ જ રીતે ફહાદનું નામ અબુ બકર અલ હિન્દી, અમનનું નામ અબુ માર અલ હિન્દી અને રહીમનું નામ અબુ ઉસ્માન અલ હિન્દી રાખવામાં આવ્યું. એ પછી અમને રાક્કાથી ૪૫ કિલોમીટર દૂર યુફ્રેત નદીની નજીક રાખવામાં આવ્યા. અમને શરિયતમાં ટ્રેઇન કરવામાં આવ્યા. ત્યાં અમારી સાથે બીજા ૪૫થી ૫૦ લોકો હતા. અમને AK 47 કેવી રીતે ચલાવવી એ પણ છેલ્લા ત્રણ દિવસમાં શીખવવામાં આવ્યું. એ પછી અમને વિવિધ ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે કામ કરવું એ શીખવવામાં આવ્યું. ફહાદ કાર રિપેર સેક્શન સંભાળતો હતો. રહીમને ઇકૉનૉમિક્સ ડિપાર્ટમેન્ટમાં અને અમનને ઇલેક્ટ્રૉનિક્સ ડિપાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યો હતો.

આરિફ મજીદે દાવો કર્યો હતો કે ‘રાક્કામાં ૧૦ દિવસમાં અમે બૉર્ડર ક્રૉસ કરી હતી અને અમને એક અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. એ ગામમાં મને એક બિલ્ડિંગના બારીઓના કાચને બુલેટ-પ્રૂફ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એ કામ જારી હતું ત્યારે એકાએક ફાયરિંગ થવા માંડ્યું હતું અને એમાં મને છાતીમાં ગોળી વાગી હતી. એને કારણે હું ચારથી પાંચ કલાક બેહોશ હતો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે એક કિલોમીટર ચાલ્યો અને ત્યાંથી કેટલાક લોકો મને હૉસ્પિટલ લઈ ગયા અને એક અઠવાડિયા પછી હું સાજો થયો. હું સાજો થયો એ પછી રહીમને મળ્યો પણ તેણે એવું ધારી લીધું હતું કે હું ફાયરિંગમાં મરી ગયો છું એથી તેણે મારા પરિવારને ફોન પર એ વાત જણાવી દીધી હતી. એ પછી મને મોસુલ યુનિવર્સિટીનો રોડ બનાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું, પણ વીકનેસને કારણે મને વારંવાર નાકમાંથી લોહી નીકળતું હતું. મારી વીકનેસથી કંટાળીને કેટલાક મેમ્બરો મને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા અને મારા હાથમાં ૨૦૦૦ ડૉલર (આશરે ૧.૨૦ લાખ રૂપિયા) મૂક્યા અને મને તુર્કીની બૉર્ડર પર છોડી દીધો. ત્યાંથી હું ઇસ્તનબુલ આવ્યો અને ઇન્ડિયન કૉન્સ્યુલેટનો સંપર્ક કર્યો. તેમણે મારે માટે ભારત જવાની વ્યવસ્થા કરી આની અને આમ હું ભારત આવ્યો.’

આરિફ મજીદને ૮ ડિસેમ્બર સુધી NIAની કસ્ટડી

આરિફ મજીદને ગઈ કાલે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ એજન્સીએ તેની કસ્ટડી માગતાં આઠમી ડિસેમ્બર સુધીની કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી. કસ્ટડી માગતી વખતે NIAએ કોર્ટને કહ્યું હતું કે ‘આરિફ મજીદની રિક્રૂટમેન્ટ કેવી રીતે થઈ ત્યાંથી લઈને ISISના યુદ્ધમાં તેની ભૂમિકા શું રહી હતી એની તપાસ કરવા માટે અને આખા ષડ્યંત્રનો પર્દાફાશ કરવા માટે તેની કસ્ટડીની અમને જરૂર છે. યુનાઇટેડ નેશન્સે આ આતંકવાદી સંગઠનને ગેરકાયદે જાહેર કર્યું છે અને એમાં આરિફની સાથે ગયેલા બીજા ત્રણ યુવાનો આ કેસમાં વૉન્ટેડ છે. આરિફને કેવી ટ્રેઇનિંગ આપવામાં આવી હતી એની પણ અમારે તપાસ કરવી છે.’

NIA કોર્ટના જજ પી. આર. દેશમુખે આરિફ મજીદને તેનું નામ અને તેને NIA સામે કોઈ ફરિયાદ છે એવું પૂછ્યું હતું, જેનો જવાબ તેણે ‘ના’માં આપ્યો હતો.

સુંદર મહિલાઓનું રક્ષણ અને ટૉઇલેટ્સની સફાઈ?


બીજી તરફ જાણવા મળે છે કે આરિફ મજીદે NIAને એમ કહ્યાનું માનવામાં આવે છે કે તેને ISISના આતંકવાદીઓએ લડાઈમાં મોકલ્યો જ નહોતો, ISISવાળા ભારતીયોને આ લડાઈ માટે ઉપયુક્ત માનતા જ નથી અને એથી તેને ટૉઇલેટ્સ સાફ કરવાં, કચરો ઉપાડવો, કીમતી વસ્તુઓ શોધવા કહેવું અને સુંદર મહિલાઓનું રક્ષણ કરવું જેવાં કામ સોંપવામાં આવ્યાં હતાં.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK