બૉલીવુડ અને રીલ હીરો-હિરોઇનની પોકળતા ઉઘાડી પડી ગઈ: રિયલ હીરોને હવે તો ઓળખીએ

Published: 8th October, 2020 14:38 IST | Jayesh Chitalia | Mumbai

સોશ્યલ સાયન્સ : હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ! મૈંને ઐસા તો નહીં કહા થા!

ચોક્કસ અપવાદને બાદ કરતાં અને બદલાયેલા સમય સાથે અસલી અને નકલી ચહેરા સામે આવતા જાય છે
ચોક્કસ અપવાદને બાદ કરતાં અને બદલાયેલા સમય સાથે અસલી અને નકલી ચહેરા સામે આવતા જાય છે

વર્ષોજૂની હિન્દી ફિલ્મ ‘કસૌટી’નું એક ગીત આજે પણ બહુ પૉપ્યુલર છે. કલાકાર પ્રાણના મોઢે ફિલ્મમાં ગવાયેલા આ ગીતના શબ્દો છે ‘હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ...’ જોગાનુજોગ આ ગીતમાં અમિતાભ બચ્ચન પણ હાજર છે. આપણે ગીતના શબ્દોને કેન્દ્રમાં રાખીને વાત બોલવાની કરવી છે. માણસ જેટલો પદધાર, વગદાર, પ્રસિદ્ધ, સેલિબ્રિટીઝ અને એમાં પણ ફિલ્મ ઉદ્યોગનો હોય, એટલું તેનું બોલવાનું કે ન બોલવાનું મહત્ત્વ વધુ. ખાસ કરીને મીડિયા માટે. સાલું, સમાચારમાં પણ ગ્લૅમર જ વધુ ચાલે, એને જ ટીઆરપી વધુ મળે. લોકોને પણ તેમને સાંભળવાની અને તેમના વિશે ચર્ચા કરવાની ઇચ્છા વધુ. આ લોકોનો વિષય હોય ત્યારે સત્ય, અસત્ય, તથ્ય, અફવા કે હકીકત શું છે એ મોટા ભાગે ગૌણ બની જાય છે; એમાં મનોરંજન, ટીકા, અર્થ અને અનર્થ તેમ જ એની સ્પષ્ટતાની ચર્ચા વધી જાય છે. મીડિયા અને જનતા જ ઘણી વાર જજ બની જાય છે.
સુશાંતથી ડ્રગ્સ પ્રકરણ સુધી
તાજેતરમાં સુશાંતસિંહ રાજપૂત, કંગના, બૉલીવુડ ડ્રગ્સ સહિતનાં વિવિધ વિવાદાસ્પદ પ્રકરણમાં ઘણી મોટી હસ્તીઓ ટિપ્પણી કે કમેન્ટ કરતાં ખચકાય છે, તેઓ કંઈ પણ નિવેદન નથી કરતા તો પણ ટીકા થાય છે અને નિવેદન કે મત વ્યક્ત કરે તો સારા, બૂરા કે આકરા પ્રતિભાવ આવે છે. આ બાબત એટલી સંવેદનશીલ બની જાય છે કે લોકો સેલિબ્રિટીઝ કે જાણીતી હસ્તીઓ પર તરત તૂટી પડે છે. ક્યારેક કોઈને બિરદાવે છે અને કોઈને ધોઈ પણ નાખે છે, પરંતુ લોકો શું રીઍક્ટ કરશે એ વિશે કંઈ કહેવું કઠિન હોય છે. પરિણામે આ હસ્તીઓ મૌન વધુ પસંદ કરે છે. ઘણી વાર તેમને રાજકીય ભય પણ હોય છે. કોનો પક્ષ લેવો? સત્યનો પક્ષ લેવા માટે બહુ હિંમત જોઈએ દોસ્તો. ફિલ્મી હીરો કે હિરોઇનો એ ફિલ્મી પડદા પર જ બુદ્ધિશાળી કે બહાદુર હોય છે. બાકી રિયલ જિંદગીમાં કોઈક જ વિરલા હોય છે.
અર્થ અને અનર્થનો ભય
તેમને એ ડર પણ કાયમ રહે છે કે તે જે બોલશે એનું અર્થઘટન શું થઈ જશે? મીડિયાનું પણ શું કહી શકાય? સોશ્યલ મીડિયાનો પણ કોણ કેટલો ભરોસો કરી શકે? આમ પણ શબ્દો આપણા હોય અને એના અર્થ બીજા કરે તો મોટા ભાગે અનર્થ થઈ જવાની શક્યતા વધી જાય છે. જોકે સત્ય કહેવાય તો અનર્થ પણ પછીથી અર્થ મેળવી લે છે. આ લેખ ગાંધીજીના જન્મદિવસે (બીજી ઑક્ટોબરે) લખાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં અસત્યની જ સૌથી વધુ બોલબાલા દેખાય છે. રાજકીય કિન્નાખોરી પણ લોકોને સત્ય બોલતાં ડરાવે છે. ફિલ્મમાં ગાંધીજીની વાત કરવી એક બાબત છે અને વાસ્તવિક જીવનમાં ગાંધીજીની વાત કરવી સાવ જુદી બાબત છે. આ સત્ય આપણને સૌને લાગુ પડે છે.
પૈસા જ પરમેશ્વર
બૉલીવુડ હોય કે ટેલીવુડ, આ ઉદ્યોગમાં કામ કરતા મોટા ભાગના લોકોનું મુખ્ય અથવા એકમાત્ર લક્ષ્ય પૈસા કમાવાનું હોય છે. પૈસા કમાવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. ઘણા તો બેધડક કહે પણ છે કે અમને પૈસા સિવાય કોઈમાં રસ નથી. નવાઈની વાત એ છે કે કેટલાક લોકો કરોડો રૂપિયા કમાઈ લીધા બાદ પણ પૈસાને જ મહત્ત્વ આપતા રહે છે, જેમને માટે સત્ય-ન્યાય, વાજબીપણાનું કોઈ મહત્ત્વ હોતું નથી. ધન, મદ, અહંકાર, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, બ્રૅન્ડિંગ તેમના લોહીમાં ફરતું હોય છે. આ પણ એક બહુ જ મોટો અને ગંભીર નશો હોય છે (યાદ રહે કે આ ઉદ્યોગમાં અનેક અપવાદરૂપ, મિસાલરૂપ, દાખલારૂપ, પ્રેરણારૂપ લોકો પણ છે).
બોલવા અને ન બોલવાનું ગણિત
આ સેલિબ્રિટીઝ બોલવામાં ગણિત રાખતા હોવાથી ગણતરીપૂર્વક બોલે છે યા નથી બોલતા. જોકે કમનસીબે આમાંથી ઘણાનું વૈચારિક કે બૌદ્ધિક સ્તર બહુ નીચું હોવાથી તેમને બોલવાનું ભાન જ હોતું નથી. તેઓ આસપાસના લોકોથી કે સ્થાપિત હિતોથી દોરવાય છે. પરિણામે તેઓ સત્ય કે અસત્યની ઉપેક્ષા કરતા રહીને પોતાના લાભમાં હોય એટલું જ અને એ સમયે જ બોલે છે. લાખો-કરોડો લોકોનું ફૅન-ફૉલોઇંગ ધરાવતા આ લોકો સત્તા આગળ શાણપણ કરતાં ગભરાય છે. આ સત્તા એટલે માત્ર સરકાર જ નહીં, ચોક્કસ કોમ અને ચોક્કસ પક્ષ પણ હોય છે. બાકી ક્યાંક બફાઈ જાય અથવા બોલેલું બૂમરૅન્ગ સાબિત થાય તો આ કલાકારો કહી દે છે કે મૈંને ઐસા તો નહીં કહા થા!
બોલવાના પ્રત્યાઘાત

Sushant
સુશાંતસિંહના મૃત્યુનું રહસ્ય હજી અકબંધ છે, જેનું વધતેઓછે અંશે રાજકારણ પણ થયું છે, પરંતુ આ પ્રકરણને પગલે બૉલીવુડ અને એના અગ્રણીઓ ખુલ્લા પડી ગયા છે. ડ્રગ્સના વેપારનો જે રીતે ભાંડો ફૂટ્યો છે એ દેશ માટે વધુ ગંભીર અને સંવેદનશીલ છે. કંગના રનોટનું બોલવું અને એના પરિણામનો સામનો કરવો, જયા બચ્ચનનું બોલવું, રવિ કિશનનું બોલવું, અમિતાભ બચ્ચનનું ન બોલવું, ત્રણેય ખાનનું ચૂપ રહેવું, કેટલાક ફિલ્મી લોકોનું વધુપડતું બોલવું, ખોટું બોલવું, દેશની વિરુદ્ધ બોલવું યા દેશની વિરુદ્ધ કાર્ય કરતા લોકોની તરફેણમાં બોલવું વગેરે જેવાં અનેક જુઠ્ઠાણાં અથવા અભિનય સામે આવી ગયાં છે. આમ જોવા જઈએ તો બૉલીવુડમાં પણ વિભાજન થઈ ગયું છે. આ બધા રાજકારણના પણ ભાગ બની રહે છે. એક એવી છાપ પણ સતત ફેલાવાઈ રહી છે કે સરકારની વિરુદ્ધ બોલે તો એ દેશદ્રોહી ગણાય છે અને સરકારની તરફેણમાં બોલે તો ઇનામ અપાય છે. આવા આક્ષેપમાં કેટલું સત્ય છે એ જનતાને નક્કી કરવા દઈએ. યે તો પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ! વાસ્તવમાં સવાલ માત્ર સરકાર વિરુદ્ધનો હોતો નથી, બલકે રાષ્ટ્ર-ધર્મ વિરુદ્ધનો હોય છે ત્યારે લોકો કોઈને છોડતા નથી. પ્રજા સતત જાગ્રત થતી રહી છે. સોશ્યલ મીડિયાનો દુરુપયોગ થાય છે તો સદુપયોગ પણ થાય છે. આમાં અનેક કથિત સેક્યુલરિસ્ટ, કહેવાતા માનવતાવાદી, રાષ્ટ્રવાદી હોય છે, જેમને એક તરફનું જ સત્ય દેખાય છે, એ અસત્ય હોય તો પણ સત્ય તરીકે દેખાય છે, કારણ કે તેમણે આંખો પર નફરત, પૂર્વગ્રહ, અહંકાર, પોતાને ઇન્ટેલેક્ચ્યુઅલ (બુદ્ધિવાદી) માનવાની પટ્ટી પહેરી રાખી હોય છે.
રીલ હીરો અને રિયલ હીરો
વર્ષોથી ફિલ્મોનો અને એના સર્જકો-કલાકારોનો આપણા જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો છે. આપણે સમાજ તરીકે યા વ્યક્તિ તરીકે એમાંથી સતત પ્રેરણા પણ મેળવતા રહ્યા છીએ, પરંતુ ચોક્કસ અપવાદને બાદ કરતાં અને બદલાયેલા સમય સાથે અસલી અને નકલી ચહેરા સામે આવતા જાય છે, ઓળખાતા-સમજાતા જાય છે છતાં આ રીલ હીરો-હિરોઇન, સ્ટાર્સ, સેલિબ્રિટીઝ વગેરેને આપણે રિયલ લાઇફમાં-જીવનમાં એટલું બધું મહત્ત્વ આપી દીધું છે કે આ લોકોની આંતરિક પોકળતા આપણા ધ્યાનમાં જ આવતી નથી. વર્તમાનમાં બનેલી કેટલીક ઘટનાઓએ આ ફિલ્મ ઉદ્યોગ-બૉલીવુડને ઉઘાડાં પાડી દીધાં છે. કમસે કમ તેમના વિશે જાહેર જનતા નવેસરથી વિચારતી થઈ ગઈ છે. આ નવેસરથી વિચારવાની મજબૂરી ઊભી કરનાર બે ઘટના કહી શકાય; એક, કોરોનાને કારણે બદલાયેલી જીવનશૈલી કે વિચારધારા અને બીજી, સુશાંતસિંહ રાજપૂતની ઘટના સાથે જોડાયેલી ડ્રગ્સકાંડની ઘટના. આ ઘટના સાથે કે એને પરિણામે બહાર આવેલી અનેક ઘટના પણ આને માટે કારણભૂત કહી શકાય.
અસલી હીરોને ઓળખો-સમજો

કોરોનાએ અને યુદ્ધના સંજોગોએ લોકોને સમજાવ્યું કે જીવનમાં અસલી હીરો કોણ, કેટલું પ્રસિદ્ધ અને ધનવાન છે તેઓ નથી, માત્ર સેલિબ્રિટીઝ નથી. આ કળાકારી એ તેમનું કામ છે, પ્રોફેશન છે, જેમાં તેઓ કુશળ યા શ્રેષ્ઠતમ હોઈ શકે, પણ એને કારણે તેઓ મહાન હસ્તી બની જતા નથી. તેમની મર્યાદા ચોક્કસ રહેવાની છે. તેમને રોલમૉડલ બનાવી શકાય નહીં. તેમની પાસેથી બહુ અપેક્ષા પણ રાખવી નહીં. તેમને એક ફિલ્મ તરીકે જ જુઓ, માણો અને ભૂલી જાઓ. અસલી હીરો દેશની રક્ષા માટે સતત બૉર્ડર પર પહેરો ભરતા જવાનો છે. અનેક ડૉક્ટર્સ છે, અનેક સાચા કિસાનો છે, વૈજ્ઞાનિકો છે અને સફાઈ-કામદારોથી માંડીને પ્રામાણિકપણે ટૅક્સ ભરતા નાગરિકો છે. રીલ લાઇફના પ્રભાવમાંથી બહાર આવીને રિયલ લાઇફના હીરોને ઓળખવાનો સમય હવે વધુ ખોવો જોઈએ નહીં. દેશની વર્તમાન અને ભાવિ પેઢી માટે નવાં ધોરણો અત્યારથી જ સ્થપાતાં જવાં જોઈએ.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK